Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાગણીઓ વાવી બતાવો

લાગણીઓ વાવી બતાવો

22 May, 2022 04:28 PM IST | Mumbai
Hiten Anandpara

જિંદગી કંઈક કરી બતાવવા માટે છે, કોઈને બતાવી દેવા માટે નહીં

લાગણીઓ વાવી બતાવો

લાગણીઓ વાવી બતાવો


જિંદગી કંઈક કરી બતાવવા માટે છે, કોઈને બતાવી દેવા માટે નહીં. કંઈક કરવું એ આપણી સંતુષ્ટિ માટે છે અને બતાવી દેવું અહંકારને પોષવા માટે. ગુલામ અબ્બાસ નાશાદની વાત સમજાય તો ચોક્કસ રામરાજ્યની અનુભૂતિ થાય...
બહુ ચંચળ છે મારું મન, કોઈ શયતાન ના આવે
મને સારા રહ્યાની બાબતે અભિમાન ના આવે
કરો ઉપકાર તો એ કોઈને ગાઈ બતાવો ના
ધરમ બોલે છે એવું કોઈની પહેચાન ના આવે
મનને ફસાવવા અનેક દૂષણો જાળ પાથરીને તૈયાર જ બેઠાં હોય. ધનની લાલસા એવી છે કે ખોટું કરવામાં કોઈ નાનમ પણ નથી લાગતી. અમુક સરકારી વિભાગોમાં હપ્તાની હિમશિલા અડીખમ હોય. જાણે ભગવાનનો ભાગ હોય એટલી પવિત્રતાથી લાંચનો સ્વીકાર કરવામાં આવે. ટૉપ ટુ બૉટમ પ્રસાદ વહેંચાય. ધર્મના ક્ષેત્રે તો અનેક તકરારો સરકારો ઉથલાવવા સક્ષમ હોય છે. સૂફી પરમાર આયનો દર્શાવે છે... 
થશે ઉદ્ધાર માનવજાતનો શી રીતથી જગમાં
રમીને ખૂનની હોળી અમે જો ઝૂકીએ તમને
દયાસાગર ખરાબે જઈ ચઢી છે આજની દુનિયા
બતાવો શું કરીને પાછા જગમાં લાવીએ તમને
હાલમાં જ્ઞાનવાપી મસ્જિદનું પ્રકરણ ચકચારમાં છે. સુપ્રીમ કોર્ટમાં સત્ય પુરવાર થશે, પણ મહદંશે મુસ્લિમ શાસકો દ્વારા હિન્દુ સંસ્કૃતિને કચડવાના નિરંતર પ્રયાસો થતા રહ્યા છે. હિન્દુ શાસકે મસ્જિદ કબજે કરીને એમાં મંદિર બનાવડાવ્યું હોય એવું ઉદાહરણ ગોત્યું જડતું નથી. સત્ય સદીઓ પછી પણ સામે આવીને ઊભું રહેવાની પરંપરા ધરાવે છે. સવાલ મોટા મને એનો સ્વીકાર કરવાનો છે. મોટા ભાગના કિસ્સાઓમાં ગૂંચવણ પરોવાયેલી હોય. મન પાલનપુરી મનોગત વ્યક્ત કરે છે...  
ભટકવામાં હવે ભૂલી ગયો છું મારું ઘર કયાં છે
બતાવે રાહ, ઝાલી હાથ એવો રાહબર ક્યાં છે 
મને એની ખબર ના પૂછશો થોડી દયા રાખી
હવે એની ખબર તો શું, મને મારી ખબર ક્યાં છે 
ખબર કાઢવી, ખબર રાખવી અને ખબર લેવી અલગ અર્થછાયા ધરાવે છે. આપણે જાતની ખબર પામવા ધર્મગુરુઓ પાસે જઈએ છીએ જેથી જીવનદર્શન મળે. એમાં આસારામ કે રામરહીમ જેવા ભટકાઈ જાય તો એ જીવનઘર્ષણ પ્રાપ્ત થાય. જેનો ગુરુ ખોટો એની શ્રદ્ધા ખોટી. અન્યનાં ચશ્માં આપણી આંખે ​ફિટ નથી બેસતાં. આપણા નંબર પ્રમાણે જ ચશ્માં કઢાવવાં પડે. આબિદ ભટ્ટનો દૃષ્ટિકોણ સમજીએ...
જાણવું શક્ય છે તમસને પણ
રાતભર જાગરણ કરી દઈએ
દૃશ્યમાં આવ ને બતાવી દે
તે મુજબ અનુકરણ કરી દઈએ
અનુકરણ રતન તાતાનું હોય, રાહુલ ગાંધીનું નહીં. ઘણી વાર વગર અફીણે જીવ ચકરાવે ચડી જાય. નિમ્નતર નેતાની આગળ-પાછળ હજારો કાર્યકરો લટૂડાં-પટૂડાં કરતા હોય, જ્યારે પ્રામાણિક અધિકારીની નિવૃત્તિમાં માંડ બે જણની હાજરી હોય. આ દુનિયાનું ચલકચલાણું ગજબ છે. ચિનુ મોદી આ વિરોધાભાસ દર્શાવે છે...   
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઈ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
બારી ખોલો અને તમને જે દેખાય એ તમારી દુનિયા છે. બધાના નસીબમાં બારી ખોલતાં દરિયો નથી દેખાતો. તમે હરિયાળી ઇચ્છતા હો પણ તમને વ્યુમાં પાર્કિંગ-લૉટ જોવા મળે. બારી ખોલતાં તમે મોકળાશ ઝંખો, પણ થોડા મીટરના અંતરે જ સામા મકાનની દીવાલે ભટકાઈને આંખો પાછી ફરે. જૈમિન ઠક્કર પથિક શાંત અભિવ્યક્તિની મહત્તા કરે છે...  
લાગણી ચિરાય ના એ રીતથી
ઘાવને ખોલી બતાવો તો ખરા
લ્યો, હૃદયની વાત કરવી છે મને?
નૈનથી બોલી બતાવો તો ખરા
આંખમાં સ્પંદનો દિલમાંથી ઊભરતાં હોય છે. જે તળમાંથી આવે એમાં સચ્ચાઈ હોય અને જે ગણતરીમાંથી આવે એમાં અંચઈ હોય. કલમ અને કાગળ સર્જક પાસે અંચઈની અપેક્ષા નથી રાખતાં. હરદ્વાર ગોસ્વામી સંવેદનની પૃષ્ઠભૂમિમાં પડકાર ફેંકે છે...
આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો
જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો
ક્યા બાત હૈ
સમયને ઝડપથી વહાવી બતાવો
જીવો છો તો લાગણીઓ વાવી બતાવો

નિરર્થક સભાખંડ પકવે છે માથું
કદી ધ્યાન એમાં લગાવી બતાવો



મરણના પ્રસંગે હૃદયના ખૂણેથી
કરુણાથી આંખો સજાવી બતાવો


નગરના આ ખરખરતા વાતાવરણથી
સ્વયંને ઘડીભર બચાવી બતાવો

મગજના નીરવ ને ગહન ઓરડામાં
વિચારોને પલભર સતાવી બતાવો


મનુષ્ય હશે ઝાંઝવાંનો સમુંદર
પ્રભુ છો? તો સપનામાં આવી બતાવો
ડૉ. જિતુભાઈ વાઢેર
ગઝલસંગ્રહ : એક સદીનો પોરો

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 04:28 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK