Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો યુવાનોને જોડવા હશે તો તેમને અનુકૂળ કાર્યક્રમો પણ યોજવા પડશે

જો યુવાનોને જોડવા હશે તો તેમને અનુકૂળ કાર્યક્રમો પણ યોજવા પડશે

Published : 07 September, 2026 03:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવાનોને સમાજ સાથે જોડાયેલા રાખવા માટે શિક્ષણ, કરીઅર અને સગપણને ધ્યાનમાં રાખીને નવી પહેલ કરવી જરૂરી છે. આ લેખમાં યુવાનોને જોડવાના સફળ પ્રયાસો અને તેના પરિણામોની વાત કરવામાં આવી છે.

કૈલાશ ગજરા

What’s On My Mind?

કૈલાશ ગજરા


તમને જાણીને નવાઈ લાગશે પણ અમારી જ્ઞાતિની ૯૭ વર્ષ જૂની સંસ્થામાં કુલ ૪૫ જણની ટીમની ઍવરેજ ઉંમર ૩૫ વર્ષ છે. યસ. ૧૦ ટ્રસ્ટી અને ૩૫ કારોબારી મેમ્બર્સની ટીમમાં વડીલો પણ છે. ટ્રસ્ટીગણ વડીલ છે જેમનો અનુભવ અને માર્ગદર્શન અમને મદદ કરે. એ પછી પંચાવન અને ૪૫ વર્ષના સભ્યો અને મિનિમમ પચીસ વર્ષના સભ્ય મળીને સંપૂ્ર્ણ ટીમ બની છે. વધુ ને વધુ યંગસ્ટર્સ સમાજની વર્કિંગ કમિટીમાં જોડાય એ જરૂરી છે. આજે સમાજની સૌથી મોટી જનસંખ્યા જે એજ-ગ્રુપની છે એ એજ-ગ્રુપને સમજીને તેમને લગતાં આયોજનો દ્વારા તેમને જોડીને સમાજને એક તાંતણે બાંધીને રાખી શકે છે. 
કોઈ પણ પ્રોજેક્ટને, કંપનીને કે જ્ઞાતિના કામને સફળ બનાવવા માટે બધાને લાભ થાય એવું વિન-વિન મૉડલ અપનાવવું જોઈએ. જ્ઞાતિમાં પણ આ નિયમ અમે લાગુ કર્યો છે. એમાં જ્ઞાતિના અને જ્ઞાતિજનોના બન્નેના લાભનો વિચાર કરીને કોઈ યોજનાઓ અમલમાં મુકાય તો-તો જ્ઞાતિજનો એક તાંતણે બંધાય અને બધાની સહિયારી પ્રગતિ પણ થાય. આ આખી વાત હું ખાસ તો યુવા વર્ગને કમ્યુનિટી સાથે જોડવાના સંદર્ભમાં કહી રહ્યો છું. તેમની ૩ મુખ્ય જરૂરિયાત છે : એજ્યુકેશન, કરીઅર અને સગપણ. જો જ્ઞાતિના સ્તરે એ ત્રણના રસ્તા તમે ગોતી કાઢો તો તે લોકો જ્ઞાતિના બન્યા વિના રહે નહીં. દાખલા તરીકે અમે યુવાનો માટે એજ્યુકેશન લોન, ફૉરેન સ્ટડી માટેના પ્રોગ્રામ, ફૉરેનમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓને ત્યાં પૂરો સપોર્ટ મળી રહે એ મુજબ ભાનુશાલી ઓવરસીઝ સપોર્ટ સિસ્ટમ (BOSS) ઊભી કરી છે. કુલ ૪૦ દેશમાં ભાનુશાલી સમાજના લોકો રહે છે અને બધા જ એકબીજા સાથે કનેક્ટેડ છે. કોઈ પણ ભાનુશાલી વિદ્યાર્થી આ ચાલીસમાંથી કોઈ પણ દેશમાં જાય તો ત્યાં એક જ્ઞાતિજન તેને રહેવાથી લઈને ખાવા-પીવાની તમામ વ્યવસ્થામાં મદદ કરવા તત્પર રહે છે. અમે એજ્યુકેશન લોન માટે વિવિધ બૅન્ક સાથે પણ ટાઇ-અપ કર્યું છે જેથી અમારી જ્ઞાતિના વિદ્યાર્થીઓને રીઝનેબલ ઇન્ટરેસ્ટ પર લોન મળી શકે. યુક્રેનમાં વૉર શરૂ થઈ ત્યારે ૭ ભાનુશાલી વિદ્યાર્થીઓ ત્યાં જુદા-જુદા શહેરમાં મેડિકલનું ભણી રહ્યા હતા. અમે ત્યાં રહેતા લોકો સાથે કો-ઑર્ડિનેટ કરીને ત્યાંથી વિદ્યાર્થીઓને ભારત લાવ્યા એટલું જ નહીં; આગળ પણ તેમનું ભણવાનું બગડે નહીં એ માટે કિર્ગિસ્તાન, પોલૅન્ડ, રશિયા, મૉરિશ્યસ જેવા દેશમાં તેમની સ્ટડી કન્ટિન્યુ કરાવી. ઇન્ટરનૅશનલ સ્તરે ભાનુશાલી જ્ઞાતિજનોનું નેટવર્ક એટલું સ્ટ્રૉન્ગ છે. સ્થિતિ એવી છે કે જ્ઞાતિના સપોર્ટથી ત્યાં ભણેલા વિદ્યાર્થીઓ આજે ત્યાં રહીને અન્ય વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે. આ લોકો હવે જ્ઞાતિથી ક્યારેય દૂર નહીં થાય.
કરીઅરમાં પણ આજના યુવાનો એક્સપોઝર ગોતે છે તો એમાં પણ અમે બિઝનેસ માટે ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સ શરૂ કરી છે. દર બે વર્ષે બિગ આઇડિયાઝ નામની કૉન્ફરન્સ યોજીએ છીએ જેમાં ફન્ડ માટે નવાં સ્ટાર્ટઅપ્સ શાર્ક ટૅન્કની જેમ પોતાના આઇડિયાઝ શૅર કરી શકે. જ્ઞાતિના યંગસ્ટર્સ માટે વિવિધ સ્કિલ્ડ-બેઝ્ડ કોર્સ દ્વારા ટ્રેઇનિંગ પ્રોગ્રામ શરૂ કર્યા છે.  એવી જ રીતે ભાનુ યુવા શિબિર દ્વારા અઢારથી ૩૫ વર્ષના જ્ઞાતિના ૧૦૦ યુવાનોને ૩ દિવસની આઉટડોર શિબિરમાં લઈ જઈએ છીએ. એ વિઝન, મિશન અને દુનિયાભરની ઍક્ટિવિટીઝ સાથે યાદગાર ૩ દિવસ હોય છે. એમાં એકબીજા સાથે તેમની ઓળખાણ પણ થાય. મૅટ્રિમોનિયલ પરિચય મિલન ઑનલાઇન યોજીએ છીએ. આવાં કંઈકેટલાંય ઇનિશ્યેટિવ ભાનુશાલી સમાજમાં અમે કરીએ છીએ જેણે આજની યુવા પેઢીને જ્ઞાતિ સાથે જોડવાનું કામ કર્યું છે. જો અમારી જ્ઞાતિમાં આ સક્સેસ મળી છે તો એ કોઈ પણ જ્ઞાતિમાં ચાલી શકે એવું મૉડલ છે અને એને અપનાવવું જ જોઈએ જેથી યુવા વર્ગ સમાજથી વિમુખ ન થઈ જાય.

-કૈલાશ ગજરા


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK