વાત પૂરી થઈ. પહેલી બેઠકમાં જેઓ મહેમાનો હતા તેઓ બીજી બેઠકમાં કાર્યકર ભાઈઓ બની ગયા હતા અને એ પછી ત્રીજી બેઠકમાં પણ સંજોગવશાત્ મારે હાજર રહેવું પડ્યું હતું ત્યારે મેં જોયું હતું કે દાદાએ ઘરમાં કહેવડાવી દીધું હતું, ‘અરે, અહીં તો અરજદારોનાં ટોળેટોળાં છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મોટો માણસ કોને કહેવાય? જેનું નામ વધારે લોકો જાણતા હોય ને વારે-વારે સમાજમાં બોલાતું રહેતું હોય - આવી એક શરત. માણસનું નામ વારે-વારે બોલતું હોય ત્યારે એનું કારણ શું હોઈ શકે? તેના ખિસ્સામાંથી ધન બહાર આવીને વારંવાર સમાજને ઉપયોગી થતું હોય. આવું ન પણ હોય. સમાજમાં તે ભયજનક પણ હોય. સમાજને ધિક્કારતો કે તિરસ્કારતો પણ હોય અને એમ છતાં લોકોની વચ્ચે ઊજળાં દૂધ જેવાં ઇસ્ત્રી-ટાઇટ વસ્ત્રો પહેરીને ફરતો હોય, સુવાક્યોથી ભરેલાં (જે ખરેખર તો બીજા પાસેથી લખાવ્યાં હોય) વ્યાખ્યાનો કરતો ફરે વગેરે... વગેરે. આવું ઘણુંબધું હોય. થોડાંક વર્ષો પહેલાં જ મુંબઈમાં એક એવો જમાનો હતો જ્યારે હાજી મસ્તાન કે કરીમ લાલા જેવાં નામો માત્ર લેવાતાં એટલું જ નહીં, માનપૂર્વક લેવાતાં. લોકો આ બન્નેને કે તેમના સાથીઓને કશાય અપવાદ વિના યાદ કરતા. મોટા-મોટા નેતાઓ તેમની સાથે પાર્ટી કરતા અને આ બધાં નામો સમાજનાં જાણીતાં કે પ્રચલિત નામો હતાં.
માણસને કોઈ પણ ભોગે વિખ્યાત થવું છે. આ વિખ્યાત થવા સાથે માણસ વિશેની જે આપણી વિભાવના છે એ વિભાવના પણ સરખાવવા જેવી છે. હમણાં જ ક્યાંક વાંચ્યું, કદાચ કોઈકે કહેલું કોઈક સુવાક્ય, પણ આપણને વિચારતા કરી મૂકે એવું. કોઈ પણ સાધારણ માણસને અસાધારણ થવું છે, મોટા માણસ થવું છે. આમ જુઓ તો સાવ સહેલી વાત છે. તમારી પાસે ધનરાશિ હોય કે બીજું કંઈક એવું સત્ત્વ હોય જેને કારણે તમે સમાજ વચ્ચે મોટા માણસ થઈ જાઓ. મોટા માણસ થવું બહુ અઘરું નથી. તમારે કંઈક કરવાનું છે. તમે કરી જાણો છો અને તરત જ મોટા માણસ થઈ ચૂક્યા. જોકે મોટા માણસ થઈ ચૂક્યા પછી થોડાં વર્ષો પહેલાં તમે નાના માણસ હતા, તમે સાધારણ માણસ હતા એ ભુલાઈ જાય છે ત્યારે પેલી મોટાઈ શરમાઈ જાય છે. સમાજમાં આજે બારીક નજરે જો તમે મોટા માણસને તપાસશો તો તરત જ તમને આવા કહેવાતા મોટા માણસો નજરે પડશે જેમને કોઈક કારણોએ મોટા બનાવી દીધા છે અને મોટા બની ગયા પછી જેમને નાના સાથે રહેતાં આવડ્યું નથી અને નાના થયા નથી.
ADVERTISEMENT
મહેમાનો, મિત્રો અને અરજદારો
આમ તો આ ત્રણેય શબ્દો જાણીતા છે. આપણે સૌ આ ત્રણેય વ્યવસ્થામાંથી અનેક વાર પસાર થઈએ છીએ. એક એવા મોટા માણસની આ વાત છે જે નસીબજોગે એકાએક મોટો માણસ બની ગયો હતો. આ મોટા માણસને પહેલી વાર મળવાનું થયું ત્યારે પોતાના ઘરની પરસાળમાં ૧૦-૨૦ માણસોની વચ્ચે કોઈક સામાજિક કામોની ચર્ચા થતી હતી. બપોરનો લગભગ એકાદ વાગ્યાનો સમય થઈ ગયો હતો. આ મોટો માણસ સાદો માણસ હતો. ઘરના અંદરના ઓરડેથી દસેક વર્ષની એક દીકરી બહાર આવીને દાદાને કહેવા માંડી, ‘દાદા, રસોઈ ઠરી જાય છે. તમારી વાટ જોવાય છે, જમવા ચાલોને.’ દાદા આ સૌની વચ્ચે વાત કરી રહ્યા હતા તે એક ક્ષણ અટક્યા અને પછી દીકરીને કહ્યું, ‘જા બેટા, મારી થાળી ઢાંકી રાખજો. હું અહીં મહેમાનો સાથે કામમાં રોકાયેલો છું.’ હકીકતમાં કોઈ મહેમાન નહોતા, જાહેર કામ માટે આ મોટા માણસની મંજૂરી લેવા આવેલા થોડાક કાર્યકરો જ હતા; પણ દાદાએ તેમને સામાન્ય કાર્યકર માનીને નહીં પણ મહેમાન માનીને વાત કરી.
થોડોક સમય વીત્યા પછીનો બીજો સમય. આ બીજો પ્રસંગ પણ નજરોનજર જોયો છે. એનો એ જ મોટો માણસ વધુ મોટો થયો હતો. વર્ષો પહેલાંની મોટાઈ હવે ક્યાંક જોઈ શકતી નહોતી. ઑફિસમાં જાહેર જીવનમાં કેટલાક કાર્યકરો તેમને મળવા આવ્યા હતા અને તે મોટા માણસે તેમને કહી દીધું હતું, ‘ભાઈઓ, તમે ગમે ત્યારે આવી જાઓ એનાથી કામ થઈ શકે નહીં. હું અત્યારે રોકાયેલો છું. ફરી વાર ટાઇમ લઈને આવી જજો.’ વાત આટલી જ હતી અને ફરી વાર ઘરમાંથી કોઈએ આ દાદાને કહ્યું, ‘દાદા, ચાલોને.’ પણ હવે દાદા પાસે નવરાશ નહોતી. તેમણે કહી દીધું, ‘આ બધા કાર્યકરો સાથે કામ પાડવું અઘરું છે. ફરી વાર વખત મળશે ત્યારે હું આવી જઈશ.’
વાત પૂરી થઈ. પહેલી બેઠકમાં જેઓ મહેમાનો હતા તેઓ બીજી બેઠકમાં કાર્યકર ભાઈઓ બની ગયા હતા અને એ પછી ત્રીજી બેઠકમાં પણ સંજોગવશાત્ મારે હાજર રહેવું પડ્યું હતું ત્યારે મેં જોયું હતું કે દાદાએ ઘરમાં કહેવડાવી દીધું હતું, ‘અરે, અહીં તો અરજદારોનાં ટોળેટોળાં છે. આ બધા વચ્ચે કામ પાડીશ ત્યાં તો સાંજ પડી જશે. જો મારી થાળી પીરસો.’
એકનો એક માણસ મોટાઈની કક્ષાએ કેવો વ્યવહાર કરે છે અને પછી બીજી કક્ષાએ તેનું વર્તન કેવું બદલાઈ જાય છે એ આવા પ્રસંગે દેખાઈ આવતું હોય છે.
સમાજ જીવનમાં આપણે કેટલાય પ્રસંગોમાંથી પસાર થવું પડે છે અને ત્યારે જુદા-જુદા માણસો સાથે કામ પાડવું પડે છે એમાં માણસની મોટાઈ કે નાનાઈ છતી થાય છે. એક જાહેર સભામાં એક એવા બની બેઠેલા નેતાએ આયોજકોને પૂછ્યું હતું કે મારી બેઠકની વ્યવસ્થા મંચ પર કેમ નથી કરી? આયોજકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કારણ કે આજની સભામાં જે વ્યવસ્થા ગોઠવાઈ હતી એમાં આ નેતાજી જરૂર આવકાર્ય હતા પણ મંચ પર નહોતા અને મંચ સિવાય તેમને ક્યાંય ફાવતું નહોતું.
ઘણી વાર ટેલિફોન પર વાતચીત કરતી વખતે માણસની મોટાઈ કે નાનાઈનો ખ્યાલ આવી જાય છે. કેટલાક માણસોને ફોન પર વાતચીત કરવામાં પણ સંકોચ થતો હોય છે. માણસનું મોટા હોવું કે નાના હોવું એ સમયનો તકાજો છે. તેની મોટપ કે નાનપ તેના વર્તનમાં રહેતી હોય છે. આ વર્તન તેની પ્રકૃતિ છે. અભિમાનના અંશને ઓગાળવો સહેલો નથી. આવો અંશ ઓગાળતા નેતાઓ કે ‘મોટા માણસો’ નજરે ચડવા મુશ્કેલ છે.
