° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


ભૂલતા નહીં ક્યારેય : જીતવું હોય તો દુશ્મન પાસેથી પણ શીખવાની ક્ષમતા અને તૈયારી રાખવી જોઈએ

21 September, 2021 02:49 PM IST | Mumbai | Manoj Joshi

તમારામાં કુનેહ હશે તો જ તમે તમારા દુશ્મન કે હરીફને પછડાટ આપવાને સમર્થ બનશો, પણ જો તમે તમારી કુનેહને તમારા અહમ્ અને તમારા ઘમંડ હેઠળ દબાવી દેશો તો તમે ક્યારેય જીતને હાંસલ નહીં કરી શકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આજે સવારે જ ચાણક્યની એકાએક ચર્ચા નીકળી. એ ચર્ચામાં ચાણક્ય કહેતા એ એક વાત યાદ આવી ગઈ, જે મેં એ સમયે પણ કહી હતી અને અત્યારે તમને પણ કહું છું, ‘જો જીત જોઈતી હોય તો દુશ્મનની ક્ષમતાને પણ પામવાની અને એનામાં રહેલા ગુણ કે પછી ગુણવત્તાને અપનાવવાની કળા કેળવવી જોઈએ.’ વાત બહુ જ સરસ છે અને એકદમ ઉચિત પણ છે. જો તમે જીતવા માગતા હો તો સૌથી પહેલાં એ મનમાં ઠસાવી લેવું જોઈએ કે જીત ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે સામા પક્ષથી ચડિયાતા હશો અને જો સામા પક્ષથી ચડિયાતા સાબિત થવું હોય તો એ સામેના પક્ષ પાસે રહેલી ગુણવત્તા અને એનામાં રહેલું કૌવત તમારામાં પણ હોવું જોઈશે. જો ન હોય તો એ કેળવવાની તૈયારી રાખવી પડશે અને એના પર કામ કરવું પડશે. આ યુદ્ધનો પહેલો અને અત્યંત મહત્ત્વનો એવો નિયમ છે અને આ જ નિયમના આધારે હારજીત નક્કી થતી હોય છે. તમારામાં કુનેહ હશે તો જ તમે તમારા દુશ્મન કે હરીફને પછડાટ આપવાને સમર્થ બનશો, પણ જો તમે તમારી કુનેહને તમારા અહમ્ અને તમારા ઘમંડ હેઠળ દબાવી દેશો તો તમે ક્યારેય જીતને હાંસલ નહીં કરી શકો. ચાણક્યની આ જ નીતિએ તેના વડપણ હેઠળના શાસકને જીત આપવાનું કામ કર્યું અને આ જ નીતિ આજે પણ જીત આપવાનું કામ કરે છે. જો તમે ઇચ્છતા હો કે તમારો હરીફ, તમારો શત્રુ, તમારો દુશ્મન પરાસ્ત થાય તો તમારે સૌથી પહેલાં તો એનાં સકારાત્મક પાસાંઓને જોવાં પડશે; સકારાત્મક પાસાંઓ, નકારાત્મક નહીં. કારણ કે એ નકારાત્મક પાસાંઓ તો તમારા પક્ષમાં જ રહેવાનાં છે, પણ જો તમે સામેના પક્ષનાં સકારાત્મક પાસાંઓથી વાકેફ હશો તો તમારા માઇનસ પૉઇન્ટ્સને તમે ધ્યાનથી જોઈ શકશો. સકારાત્મક પાસાંઓ જોવાં પડશે અને એ સકારાત્મક પાસાંઓમાંથી જેકોઈની આવશ્યકતા તમારા માટે વાજબી હશે કે જરૂરી હશે એ તમારે પામવાં પણ પડશે. હા, દુશ્મન કે શત્રુ પાસેથી પણ શીખવા જેવું હોય તો એ શીખી લેવું જોઈએ. વાત માનવામાં ન આવતી હોય તો મહાભારતનું યુદ્ધ તમે યાદ કરી શકો છો. દુર્યોધન અને શકુનિ જેવી કપટલીલા પામવામાં પાંડવો પાછળ હતા અને એટલે જ એ કપટલીલા કૃષ્ણએ અપનાવવી પડી હતી અને બન્ને પક્ષને સરભર કરવાની નીતિ સાથે કામ કરવું પડ્યું હતું. તમે બધી જ વાતમાં, તમે બધી જ બાબતમાં અને તમે દરેક સ્તરે દુશ્મનથી આગળ હો પણ પ્રપંચના સ્તર પર તમે જો દુશ્મનથી પાછળ હો તો એ એક પ્રપંચ પણ તમને તકલીફ આપી જવાનું કામ કરી શકે છે. અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’નો ક્લાઇમૅક્સ ખૂબ સરસ છે. એ ક્લાઇમૅક્સ રાજનીતિ માટેનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડે છે. ફિલ્મનો હીરો શિવાજીરાવ ફરિયાદ કરતાં કહે છે કે છેલ્લે તો તમે બધાએ મને પણ રાજનીતિ રમવા મજબૂર કરી દીધો. આ ફરિયાદના જવાબમાં તેના સેક્રેટરીએ બહુ સરસ અને ચોટદાર જવાબ આપ્યો છે, ‘એ લોકો રાજનીતિ અનીતિ માટે લડતા હતા, પણ તમે આ રાજનીતિ સારપ માટે રમ્યા છો, અફસોસ ન કરો.’ ક્યારેય ભૂલવું નહીં કે અનીતિ માટે રમવામાં આવતા પ્રપંચમાં પાપ છે, જ્યારે નીતિ માટે આચરવામાં આવેલું પ્રપંચ પણ પુણ્યથી ઊતરતું કે નિમ્ન સ્તરનું નથી હોતું.

21 September, 2021 02:49 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

ઍન્ટિક ચીજો માટે વીકમાં એક આંટો ચોરબજારનો પાક્કો

૭૭ વર્ષના પ્રવીણ વસાએ હવે જોકે થોડા સમયથી એ બંધ કર્યું છે પરંતુ પોસ્ટલ સ્ટૅમ્પ્સથી લઈને લિમિટેડ એડિશન કૉઇન્સ, જૂની પેન અને બૉલપેન, યુનિક ચલણી નોટો જેવી તો કેટલીયે વસ્તુનું કલેક્શન તેમની પાસે છે

20 October, 2021 07:28 IST | Mumbai | Ruchita Shah

૮૩ વર્ષની ઉંમરે સ્વરમાં એવી જ મીઠાશ જળવાઈ કઈ રીતે?

ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત સાથે જેમનો જીવનભરનો અતૂટ નાતો રહ્યો છે એવાં પૌરવી દેસાઈને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે શું કહ્યું એ વાંચી લો

20 October, 2021 07:13 IST | Mumbai | Varsha Chitaliya

સ્વના સર્કલમાંથી બહાર લાવવાની જવાબદારી કોણ નિભાવે છે?

ચાર પાર્ટમાં વહેંચાયેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’માં પરમહંસ યોગાનંદના જીવનની તો વાત છે જ, પણ પરમાત્મા અને અકળ વિજ્ઞાનને પામવાના રસ્તાઓ વિશે પણ તેમણે વાત કરી છે

20 October, 2021 07:10 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK