Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કિશોરકુમારના બંગલામાં અમિતકુમાર સાથેની મુલાકાત મારા માટે તીર્થધામની યાત્રા સમાન હતી

કિશોરકુમારના બંગલામાં અમિતકુમાર સાથેની મુલાકાત મારા માટે તીર્થધામની યાત્રા સમાન હતી

Published : 22 March, 2026 02:03 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

અવિનાશભાઈએ અમારી ઓળખાણ કરાવતાં કહ્યું કે આ બન્ને યુવાનો ગુજરાતી ફિલ્મ બનાવે છે અને એમાં તમારે એક ગુજરાતી ગીત ગાવાનું છે. સાંભળતાં જ કિશોરકુમાર કહે, ‘ના ભાઈ ના. મારી આખી જિંદગીમાં હું બે વાક્ય પણ ગુજરાતીમાં બોલ્યો નથી. મને આમાં ન ફસાવો.’

કિશોરકુમારના બંગલામાં અમિતકુમાર સાથેની મુલાકાત મારા માટે તીર્થધામની યાત્રા સમાન હતી

વો જબ યાદ આએ

કિશોરકુમારના બંગલામાં અમિતકુમાર સાથેની મુલાકાત મારા માટે તીર્થધામની યાત્રા સમાન હતી


ગયા રવિવારે ‘સંકેત’ના ઉપક્રમે કિશોરકુમારની યાદમાં ‘ઝિંદગી કા સફર’ કાર્યક્રમને શ્રોતાઓએ દિલથી માણ્યો. અશોકકુમારના પુત્ર અરૂપકુમારના પરિવાર અને અનુપકુમારના પુત્ર અર્જુનકુમારના પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરદાનાં અમર ગીતો સાથે એક ગુજરાતી ગીત ‘તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી’ની રજૂઆત થઈ ત્યારે ગાંગુલી પરિવારે સુખદ આશ્ચર્ય અનુભવ્યું.

આજે વાત કરવી છે તેમનાં ગુજરાતી ગીતોની. તેમના સ્વરમાં કુલ ૮ ગુજરાતી ગીતો રેકૉર્ડ થયાં છે. તેમણે ગાયેલું પ્રથમ ગુજરાતી ગીત હતું ફિલ્મ ‘લાખો ફુલાણી’નું જેના શબ્દો હતા, ‘ગાઓ સૌ સાથે તમને બજરંગબલિની આણ છે, શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.’ આ ગીત ગાવા તેઓ કેવી રીતે રાજી થયા એ કિસ્સો મને ફિલ્મના પ્રોડ્યુસર નિરંજન મહેતાએ કહ્યો હતો, જે તમારી સાથે શૅર કરું છું.



‘મેં અને મારા મિત્ર દિગંત ઓઝાએ એક ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવાનો વિચાર કર્યો. વર્ષો પહેલાંના કચ્છના રાજા ‘લાખો ફુલાણી’ના જીવન પર આધારિત આ ફિલ્મના કલાકારો હતાં રાજીવ કુમાર અને રીટા ભાદુરી. સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસના હોનહાર પુત્ર ગૌરાંગ વ્યાસને પસંદ કર્યા. અમને વિચાર આવ્યો કે ફિલ્મનું એક કૉમેડી ગીત કિશોરકુમાર ગાય તો મજા આવી જાય.


અમે અવિનાશભાઈને વાત કરી, કારણ કે કિશોરકુમાર સાથે તેમને પરિચય હતો. તેમણે કહ્યું, ‘ચોક્કસ, આપણે કોશિશ કરીએ. (૧૯૫૪માં હિન્દી ફિલ્મ ‘અધિકાર’ના (કલાકાર કિશોરકુમાર અને ઉષાકિરણ) સંગીતકાર તરીકે તેમણે કિશોરકુમારના સ્વરમાં ત્રણ ગીત રેકૉર્ડ કર્યાં હતાં. ‘કમાતા હૂં બહોત કુછ, પર કમાઈ ડૂબ જાતી હૈ’ (કિશોરકુમાર /ગીતા દત્ત), ‘દિલ મેં હમારે કૌન સમાયા’ (કિશોરકુમાર / આશા ભોસલે ) અને ‘તિકડમબાઝી, મિયાં રાઝી, બીવી રાઝી, ક્યા કરેગા કાઝી’).

તેમણે ફેમસ સિનેલૅબના રેકૉર્ડિસ્ટ ભણસાલીને ફોન કરીને પૂછ્યું કે આજકાલમાં  કિશોરકુમારનું કોઈ રેકૉર્ડિંગ છે? જવાબ મળ્યો, કાલે જ છે. મળવું હોય તો આવી જાઓ. બીજે દિવસે સવારે ૧૦ વાગ્યે અમે ફેમસમાં પહોંચી ગયા. થોડી વારમાં કિશોરકુમાર આવ્યા અને અવિનાશભાઈને જોતાં જ તેમને પગે લાગતાં લાગણીવશ થઈને કહે, ‘અરે અવિનાશભાઈ, કિતને સાલોં કે બાદ આપસે મુલાકાત હુઈ. કહીએ ક્યા બાત હૈ?’


અવિનાશભાઈએ અમારી ઓળખાણ કરાવતાં કહ્યું કે આ બન્ને યુવાનો ગુજરાતી ફિલ્મ બનાવે છે અને એમાં તમારે એક ગુજરાતી ગીત ગાવાનું છે. સાંભળતાં જ કિશોરકુમાર કહે, ‘ના ભાઈ ના. મારી આખી જિંદગીમાં હું બે વાક્ય પણ ગુજરાતીમાં બોલ્યો નથી. મને આમાં ન ફસાવો.’

અવિનાશભાઈએ કહ્યું, ‘મારો દીકરો પહેલી વાર ફિલ્મમાં સંગીતકાર તરીકે આવે છે. મને તમારો સપોર્ટ જોઈએ છે. આ મારી પર્સનલ રિક્વેસ્ટ છે.’ આ સાંભળી કિશોરકુમાર થોડા ઢીલા પડ્યા. કહે, ‘પણ અવિનાશભાઈ, આમાં તો મને તમારા સપોર્ટની જરૂર પડશે. મને ગુજરાતી શિખવાડવું પડે. સમજાવવું પડે. મને ડર લાગે છે. એક કામ કરો. તમે કાલે ઘરે આવો. આપણે ડીટેલમાં વાતો કરીએ. પછી તમને ફાઇનલ જવાબ આપીશ.’

બીજા દિવસે સવારે હું, દિગંત ઓઝા, અવિનાશભાઈ, ગૌરાંગ વ્યાસ અને અરુણ ભટ્ટ તેમના ઘરે જવા નીકળ્યા. (સુપ્રસિદ્ધ પ્રોડ્યુસર વિજય ભટ્ટના સુપુત્ર અરુણ ભટ્ટ ફિલ્મના ડિરેક્ટર હતા પરંતુ સંજોગવશાત પાછળથી નરેન્દ્ર દવેના ડિરેક્શનમાં ફિલ્મ બની.) અમે તેમના બંગલે પહોંચ્યા તો ચોકીદારે કહ્યું કે સાહેબ તો નીકળી ગયા છે અને રાતે મોડા આવશે. અમે નિરાશ થઈ ગયા.

બીજા દિવસે અવિનાશભાઈએ ફોન કર્યો તો કહે, ‘અવિનાશભાઈ, મૈં ઘર મેં હી થા. ખિડકી સે દેખા કિ આપ પાંચ લોગ આ રહે હો તો મૈં ડર ગયા. મુઝે તો લગા થા આપ અકેલે હી આએંગે.’ અવિનાશભાઈએ કહું, ‘એમાં ડરવા જેવું શું હોય? ખેર, તમે એક ડેટ આપો એટલે આપણે ગીત રેકૉર્ડ કરી લઈએ.’ અંતે તેમણે થોડા દિવસ પછીની ડેટ આપી અને અમે રાહતનો શ્વાસ લીધો.

જે દિવસે રેકૉર્ડિંગ હતું એ દિવસે મ્યુઝિશ્યન્સ સવારના વહેલા આવી રિહર્સલ કરતા હતા. ૧૧ વાગ્યે કિશોરકુમાર આવ્યા અને કહે, ‘કલ પૂરી રાત મુઝે નીંદ નહીં આઈ. મૈં બહોત નર્વસ હૂં. પહલી બાર ગુજરાતી ગાના ગા રહા હૂં.’ આટલું કહીને તેમણે લગભગ બે કલાક રિહર્સલ કર્યું.

રેકૉર્ડિંગ પહેલાં અવિનાશભાઈએ તેમને કહ્યું કે આ બે યુવાન પ્રોડ્યુસર અને મારો દીકરો, સૌ નવા છે. પ્રથમ વાર કામ કરી રહ્યા છે. તમને કેટલા પૈસા આપવાના છે? તો કહે, ‘હમણાં પૈસાની વાત નહીં કરું. પહેલાં ગીત રેકૉર્ડ થવા દો. એ પછી જે માગું એ ન આપી શકો તો જેટલા આપવા હોય એટલા આપજો.’

સામાન્ય રીતે તેઓ રેકૉર્ડિંગ પહેલાં જ પૈસા લેતા. તેમનો વિશ્વાસુ ડ્રાઇવર અબ્દુલ હિસાબકિતાબ સંભાળે. રેકૉર્ડિંગ પહેલાં તેઓ અબ્દુલને પૂછે, ‘ચાય પિયા?’ મતલબ પૈસા મળ્યા? પેલો હા પાડે પછી જ રેકૉર્ડિંગ શરૂ કરે. એ દિવસે કોઈ સવાલ-જવાબ કર્યા વિના તેમણે રેકૉર્ડિંગ શરૂ કર્યું.

ગીત ખૂબ જ સરસ રીતે રેકૉર્ડ થયું. સાંભળી અમને કહે, ‘કોઈ ભૂલ તો નથી થઈને? તમને બરાબર ન લાગે તો ફરી વાર રેકૉર્ડ કરીએ. ગમેતેટલો સમય જાય પણ કામમાં ખામી ન રહેવી જોઈએ. એટલા માટે તો આજે બપોરનું લક્ષ્મીકાન્ત–પ્યારેલાલનું રેકૉર્ડિંગ કૅન્સલ કર્યું છે.’

અમે કહ્યું કે બધું બરાબર છે, કોઈ પ્રૉબ્લેમ નથી. અવિનાશભાઈએ પૈસા માટે પૂછ્યું તો કહે, ‘હું એક પણ રૂપિયો નહીં લઉં. તમારા દીકરાની પહેલી ફિલ્મ છે. મને ગુજરાતી ગીત ગાવાનો મોકો મળ્યો એમાં જ મારી કિંમત આવી ગઈ. તમારો આભાર માનું છું કે મને આ  તક આપી.’

કિશોરકુમારના સ્વભાવના અને તેમની હરકતોના અનેક કિસ્સા સાંભળ્યા હતા પણ એનાથી વિપરીત થયેલો આ અનુભવ કદી  ભુલાશે નહીં.’

પડદા પર આ ગીત અનુપકુમાર પર ફિલ્માંકન કરવામાં આવ્યું. સેન્સર બોર્ડે ગીતની શરૂઆતની પંક્તિઓ ‘નારી નરકની ખાણ છે’ને વાંધાજનક ગણાવી હોવાથી એ વખતે સાઉન્ડ મ્યુટ કરી દેવામાં આવ્યો હતો.

  ૨૦૧૮માં કિશોરકુમારના જુહુસ્થિત બંગલો ‘ગૌરીકુંજ’માં અમિતકુમાર સાથે મારી મુલાકાત થઈ હતી. ત્યારે એવી જ અનુભૂતિ થતી હતી કે હું એક તીર્થધામમાં બેઠો છું જ્યાં એક સમયે મારા પ્રિય કલાકાર બિરાજમાન હતા. મારી પાસે વર્ષો જૂના ફિલ્મફેર, માધુરી અને ચિત્રલેખાના અંક હતા જેમાં કિશોરકુમારની મુલાકાત અને રસપ્રદ માહિતી સાથે અલભ્ય ફોટોગ્રાફ્સ હતા. ઓ. પી. નય્યર, આણંદજીભાઈ, પ્યારેલાલજી અને બીજા સંગીતકારોએ મારી સાથે શૅર કરેલી કિશોરકુમારની વાતો સાંભળી અમિતકુમારે કહ્યું, ‘તમે તો ડૅડી પર PhD કર્યું લાગે છે.’

સામાન્ય રીતે મુલાકાતીઓ સાથે અમિતકુમાર બંગલાના નીચેના રૂમમાં વાતો કરતા હોય છે પણ મને પહેલા માળના ડ્રૉઇંગ રૂમનાં દર્શન કરવાનો મોકો મળ્યો. એની દીવાલો પર  કિશોરદાના અનેક દુર્લભ ફોટોગ્રાફ્સ મુકાયા છે. એ દિવસે અમિતકુમારે ગૌરાંગ વ્યાસ સાથેનો કિશોરકુમારનો એક કિસ્સો કહ્યો જે આજે શૅર કરું છું.

‘એક ગુજરાતી ગીત (ફિલ્મનું નામ યાદ નથી આવતું) માટે તેમણે ડમી કૅસેટ મગાવી ઘરે બેત્રણ દિવસ રિહર્સલ કર્યું. રેકૉર્ડિંગ બાદ પ્રોડ્યુસરની ઇચ્છા હતી કે આ ગીતમાં સાકી (ગીતની શરૂઆતમાં રિધમ વિના ગવાતી પંક્તિઓ) હોવી જોઈએ. એટલે ગૌરાંગભાઈએ બે પંક્તિ ગાઈને સંભળાવી. એ સાંભળી ડૅડીએ ગૌરાંગભાઈને કહ્યું, ‘તમારા ચશ્માંના નંબર બદલાઈ ગયા છે?’

‘ના, કેમ એમ પૂછો છો?’

‘બરાબર જોઈને કહો, હું કોણ છું?’

‘કિશોરકુમાર.’

‘પૂરું નામ શું છે?’

‘કિશોરકુમાર ગાંગુલી.’

‘મારા મોટા ભાઈનું નામ?’

‘અશોકકુમાર ગાંગુલી.’

‘હું મુંબઈ આવ્યો એ પહેલાં ક્યાં રહેતો હતો?’

‘ખંડવા.’

‘એટલે એ તો નક્કી થયુંને કે હું કિશોરકુમાર છું?

‘હા, દાદા. તમે કિશોરકુમાર જ છો.’

‘તો પછી મન્ના ડેની સ્ટાઇલની આ સાકી મારા ગળામાં સારી નહીં લાગે.’ અંતે ગૌરાંગભાઈએ પ્રોડ્યુસરને સમજાવ્યા કે આ ભાગ ગીતના મૂડને અનુરૂપ નથી એટલે એને કૅન્સલ કરો.’

આવા હતા મારા, તમારા, આપણા સૌના મનગમતા, હરફનમૌલા અતરંગી કલાકાર કિશોરકુમાર જેમની પ્રતિભાની સાચી કદર કરવામાં આપણે સૌ ઊણા ઊતર્યા છીએ.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 02:03 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK