Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ચોર... ચોર... પકડો... પકડો...

ચોર... ચોર... પકડો... પકડો...

Published : 22 March, 2026 11:48 AM | IST | Mumbai
Dr. Dinkar Joshi

ચોરીના માલ વિશે એવું પણ કહેવાય છે કે ચોર જ્યારે ચોરી કરીને એ માલ બીજાને વેચે છે ત્યારે બીજો માણસ પણ એ ચોરીના માલનો માલિક નથી કહેવાતો. એ માલ તેની પાસે રાખી શકતો નથી. સરકાર એનો કબજો કરે છે અને એ માલ એના મૂળ માલિકને પહોંચાડવામાં આવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રોજિંદા જીવનવ્યવહારમાં આપણે જાણેઅજાણે પણ કેટલાક અપરાધ કરી બેસતા હોઈએ છીએ. કેટલીક વાર એવું બને છે કે અપરાધી વ્યક્તિત્વ એ માણસના અસ્તિત્વમાં રહેલો એક જરૂરી ગુણ છે. આ ગુણ એટલે કોઈ પાપની વાત નથી. માણસના મનમાં ક્યાંક ને ક્યાંક કોઈક અપરાધ છુપાયેલો જ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઉપદેશ આપતી વખતે અર્જુનને જે શબ્દો કહ્યા છે એમાં એક સ્તેન શબ્દ પ્રયોજ્યો છે. આ સ્તેન શબ્દનો અર્થ ચોરી એવો કર્યો છે. માણસ પોતાની જરૂરિયાત કરતાં જેટલું વધારે એકઠું કરે છે અને એકઠું કર્યા પછી એક ખૂણામાં સંઘરીને એ ઢગલાબંધ પડી રહે છે ત્યારે એને પણ ચોરી જ કહેવાય.

આ સ્તેન શબ્દ સમજવા જેવો છે. માણસ ચોરી શું કામ કરે છે? આપણે કેટલીક વાર એવું સાંભળ્યું છે અને જોયું પણ છે કે પ્રતિષ્ઠિત કહેવાય એવી વ્યક્તિએ પણ ક્યાંક જાણેઅજાણે ચોરી કરી હશે. આપણા ક્રિકેટર અથવા ફિલ્મ-કલાકાર (નામ આપવાં જરૂરી નથી) વિશે પણ આવી વાત પ્રચલિત થઈ ચૂકેલી છે. માણસ પોતાની આજની જરૂરિયાત માટે કશુંક કરે તો એ ક્ષમ્ય છે, આવતી કાલ માટે ચિંતા કરવી એ તેની સહજ પ્રકૃતિ છે; પણ આવતી કાલના ઓઠા હેઠળ તે બે વરસ, પાંચ વરસ કે પચાસ વરસની વસ્તુ એકત્રિત કરે તો એને ક્ષમ્ય કઈ રીતે કહી શકાય? એક શેઠ શાહુકાર વિશે એવી વાત પ્રચલિત હતી કે તેણે પોતાના ઘરમાં ચોરીનો કેટલોક માલ સંઘર્યો છે. આ આરોપ વિશે તેણે એવો ખુલાસો આપ્યો હતો કે જે માલ ચોર લોકો બહારથી એકઠો કરીને લાવે છે એ હું તેમની પાસેથી ખરીદી લઉં છું, તેમને પૂરતી રકમ ચૂકવી દઉં છું તો એ માલ ચોરીનો રહેતો નથી. હવે એ માલ પોતે ખરીદ્યો છે એવું જ માનવું જોઈએ. ચોરીના માલ વિશે એવું પણ કહેવાય છે કે ચોર જ્યારે ચોરી કરીને એ માલ બીજાને વેચે છે ત્યારે બીજો માણસ પણ એ ચોરીના માલનો માલિક નથી કહેવાતો. એ માલ તેની પાસે રાખી શકતો નથી. સરકાર એનો કબજો કરે છે અને એ માલ એના મૂળ માલિકને પહોંચાડવામાં આવે છે.



આને શું કહીશું ? ચોરી કે બીજું કાંઈ?


સમાજમાં આપણે નજર ફેરવીએ ત્યારે પૂરાં વસ્ત્રો, રહેઠાણ કે ખોરાક સુધ્ધાં જેમને ન મળ્યાં હોય એવા માણસો નજરે પડે છે. બરાબર એ જ વખતે જેમની પાસે વસ્ત્રોના ઢગ ખડકાયા છે, રહેઠાણ માટે પાર વગરનાં નિવાસસ્થાનો છે અને ખોરાક માટે બે ભાખરીની જરૂર છે ત્યાં પાર વિનાના ખાદ્ય પદાર્થો વેડફાતા હોય છે. આ બધાને આપણે ચોરી કહીશું કે બીજું કંઈ? ચોરી એટલે કોઈની નજરે ન ચડે અને છાનુંછપનું કંઈ લઈ લેવું એટલો મર્યાદિત અર્થ નથી. તમારી જરૂરિયાત કરતાં વધતુંઓછું તમારી મુઠ્ઠીમાં બંધ રાખો એને કશુંક ખોટું થઈ ગયું છે એવું કહીએ, પણ એને પાપ તો ન જ કહેવાય. એ પાપ ત્યારે જ બને છે જ્યારે પેલા અર્ધનગ્ન, રહેઠાણ વિનાના, ભૂખ્યા-તરસ્યા માણસોની સામે હજાર-બે હજાર રૂપિયાની થાળી એંઠી-અજીઠી કચરાટોપલીમાં ફેંકો છો અને એ કચરામાંથી કોઈ ભૂખ્યાં બાળકો કશુંક પેટ પૂરતું શોધે છે ત્યારે એ તમારા હાથે થયેલી ચોરી ન કહેવાય? ગાંધી હોય કે ટૉલ્સ્ટૉય, આ બધાએ ચોરી વિશે એવી એક નાનકડી સ્પષ્ટતા પણ કરી છે. તમારા ભાણામાં પિરસાયેલા આખા રોટલામાંથી અડધો બીજાને આપો છો ત્યારે એ સંસ્કૃતિ છે અને પછી એ અડધો રોટલો ફરી એક વાર બીજા કોઈ ભૂખ્યાને આપો છો ત્યારે એ પ્રકૃતિ બને છે, પણ જો કોઈ છેલ્લો ટુકડો બીજાના ભાણામાંથી આંચકી લો છો ત્યારે વિકૃતિ કહેવાય છે. ગાંધી અને ટૉલ્સ્ટૉય જેવા માણસોએ આવી બધી વાતો કર્યા પછી એમ પણ કહ્યું છે કે આ ચોરીને અટકાવી શી રીતે શકાય? દરેક માણસમાં કોઈ ને કોઈ પ્રકારની ચૌર્ય વ્યક્તિ છે જ. કોઈકને પદાર્થલક્ષી ચૌર્ય લાગે છે તો કોઈકને પ્રતિષ્ઠાલક્ષી ચૌર્યનો ભારે મોહ હોય છે. ફરી એક વાર આસપાસ નજર ફેરવો? કેટલા બધા પ્રતિષ્ઠાલક્ષી ચોર તમારી આસપાસ મહાનુભાવ કે નેતા થઈને ફરી રહ્યા છે. તમે જાણો છો કે તે ચોર છે અને છતાં તેની ચોરીનો જયજયકાર પણ કરો છો.

ચૌર્યશાસ્ત્ર શું છે?


નાનીમોટી ચોરીની વાત તો આપણે જાણી લીધી, પણ જે ૬૪ કળાઓ શીખવવામાં આવે છે એમાં પણ ક્યાંક ચોરીને એક નાનકડું સ્થાન તો છે. એવું કહેવાય છે કે કાર્તિકસ્વામીએ આ ચૌર્યશાસ્ત્ર વિશે એક શાસ્ત્ર રચેલું. જોકે આ શાસ્ત્ર ત્યાર પછી કોઈને હાથવગું થયું નથી. એના વિશેના ઉલ્લેખો અન્ય ગ્રંથોમાં ક્યાંક-ક્યાંક મળ્યા છે. હજી હમણાં જ એક મરાઠી સાહિત્યકારના ઘરમાં ચોરી થયાની ઘટના આપણે વાંચી. સામાન્ય રીતે સાહિત્યકારના ઘરમાં ચોરી કરવા જેવો યોગ ઝાઝો વારસામાં હોય નહીં. આ ચોરે આ મરાઠી સાહિત્યકારના ઘરેથી કેટલોક સામાન ચોર્યો, પણ બીજા દિવસે આ સામાન તપાસતાં જાણ થઈ કે તેણે આ ચોરી એક સાહિત્યકારના ઘરમાં કરી છે. આ ચોરને પણ પસ્તાવો થયો. ચોરમાં ચૌર્યવૃત્તિ ભલે હોય, પણ પાયાની માણસ તરીકેની સમજણ તો હોય જ છે. પેલા સાહિત્યકારનો ચોરીનો માલ આ ચોર બીજા દિવસે તેમના ઘરે મૂકી આવ્યો. તેને પસ્તાવો થયો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ભલે પેલો માણસ ચોર તરીકે તિરસ્કૃત થતો હોય, પણ માણસ તરીકે તેનામાં ગુણવત્તા હોય જ છે. (આ સંદર્ભમાં વિક્ટર હ્યુગોની અમર કહી શકાય એવી નવલકથા લા મિઝરેબલ દરેકે વાંચવા જેવી છે. આ નવલકથાનું ગુજરાતીમાં ભાષાંતર અલગ-અલગ લોકોએ કર્યું છે.)

પકડો... પકડો... ચોર... ચોર...

અહીં ચોરીની વાત પૂરી કરીએ. ચોરી વિશે ઘણી લાંબી વાત થઈ શકે, પણ ચોરને કૂટી નાખ્યા પહેલાં ક્યારેક એ પણ જોઈ લેજો કે આણે ચોરી શું કામ કરી? ઉપર દર્શાવેલી નવલકથા લા મિઝરેબલનો ચોર જીન વાલજીન ભલે ચોર ગણાયો હોય, પણ તે ચોર નથી. ક્યારેક ચોર નથીને પણ ચોર છેમાં ખપાવી દેતાં પહેલાં સહેજ વિચાર કરી લેજો. ચોરનો બચાવ કરવાની અહીં કોઈ વૃત્તિ નથી. માત્ર સમાજજીવનમાં જે બને છે એના પર નજર ફેરવવાનું એક સૂચન છે.

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 11:48 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK