સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમ તમારી ભાવનાઓ સાથે લેવાદેવા નથી, એને ફક્ત અટેન્શન જોઈએ છે
દેવિશા જાટકિયા ડિજિટલ ઍડ્વાઇઝર અને સોશ્યલ મીડિયા મેન્ટલ હેલ્થ એજ્યુકેટર છે તેમ જ વોકલ ફૉર લોકલને પ્રમોટ કરતાં ડિજિટલ પ્લૅટફૉર્મ અને કમ્યુનિટી અપની ઇન્ડિયન ગલીનાં ફાઉન્ડર છે.
ડિજિટલ દુનિયામાં છેલ્લાં ૧૫ વર્ષથી વધુ સમય વિતાવ્યા પછી મેં જોયું છે કે સોશ્યલ મીડિયા હવે માત્ર એક વિકલ્પ નથી રહ્યું પણ જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. પરંતુ આજે મને ચિંતા એ વાતની નથી કે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ, ચિંતા એ વાતની છે કે એ કેટલું ‘અનફિલ્ટર્ડ’ અને બેલગામ બની ગયું છે.
બધું જ હવે ‘કન્ટેન્ટ’ છે! અંગત જીવન અને જાહેર જીવન વચ્ચેની રેખા હવે સાવ ધૂંધળી થઈ ગઈ છે. દુઃખ હોય, ઝઘડો હોય, લાચારી હોય કે મૃત્યુ; આજે બધું જ રેકૉર્ડ કરીને પીરસવામાં આવે છે. ઘણી વાર એને જાગૃતિનું નામ આપીને વાજબી ઠેરવવામાં આવે છે, પરંતુ જવાબદારી વગરની ‘જાગૃતિ’ હંમેશાં નુકસાન પહોંચાડે છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમ તમારી ભાવનાઓ સાથે લેવાદેવા નથી, એને ફક્ત અટેન્શન જોઈએ છે. પરિણામે હિંસા, અણઘડ વર્તન અને અત્યંત અંગત ક્ષણોને વધુ પ્રોત્સાહન મળે છે. જ્યારે નુકસાનકારક કન્ટેન્ટને લાઇક્સ અને વ્યુઝ મળે છે ત્યારે એ વર્તનનું પુનરાવર્તન થાય છે. અહીં આપણે અટકવાની જરૂર છે. દરેક વસ્તુ શૅર કરવા માટે નથી હોતી. અમુક કન્ટેન્ટ રિપોર્ટ કરવા માટે હોય છે, સર્ક્યુલેટ કરવા માટે નહીં.
માત્ર આંકડા નહીં, જિંદગીનો સવાલ છે. આપણે એવા કિસ્સાઓ જોયા છે જ્યાં ખોટી રીતે ફસાવવામાં આવેલા લોકોએ કે ઑનલાઇન શેમિંગનો ભોગ બનેલી વ્યક્તિઓએ માનસિક સંતુલન ગુમાવ્યું છે અને ક્યારેક તો જીવ પણ ગુમાવ્યો છે. આપણું મન સતત બીજાના ઓપિનિયન અને દેખાડાને શોષી રહ્યું છે. સરખામણી અને દબાણ ધીમે-ધીમે આત્મવિશ્વાસ અને સંબંધોને તોડી રહ્યાં છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકોને તેમની સંમતિ વગર ફિલ્માવવામાં આવે છે. જે ઉંમરે તેમને સુરક્ષિત વાતાવરણમાં પોતાની ઓળખ બનાવવાની હોય ત્યાં તેમનું બાળપણ સાર્વજનિક પ્રદર્શન બની ગયું છે. આજે લોકો ક્ષણોને જીવવા કરતાં એને કૅમેરામાં કેદ કરીને પ્રતિક્રિયા મેળવવા વધુ આતુર હોય છે. આપણે શું અનુભવીએ છીએ અને શું બતાવીએ છીએ એ બન્ને વચ્ચે એક ખાઈ ઊભી થઈ રહી છે. સોશ્યલ મીડિયા હવે માત્ર વ્યક્તિગત વિષય નથી રહ્યું, એ પરિવારો અને ભવિષ્યને પણ અસર કરી રહ્યું છે.
આપણને સોશ્યલ મીડિયા વાપરતાં શીખવવામાં આવ્યું પણ ક્યારે અટકવું એ કોઈએ નથી શીખવ્યું. ડિજિટલ સાક્ષરતાની સાથે ‘ઇમોશનલ લિટરસી` હોવી અનિવાર્ય છે. સોશ્યલ મીડિયાને એક સાધન તરીકે વાપરો, એને તમારી ઓળખ કે થેરપિસ્ટ ન બનાવો. કોઈ પણ ઍલ્ગરિધમ તમારા જીવનને તમારાથી વધુ સારી રીતે નથી જાણતું. ઑનલાઇન મળતા આંકડા તમારી ઑફલાઇન કિંમત નક્કી ન કરી શકે. જ્યારે ઑનલાઇન દુનિયામાં કંઈક ખોટું થાય ત્યારે ગભરાઈને એકલા લડવાને બદલે થોભો અને કોઈની મદદ લો. AIથી ઘેરાયેલી આ દુનિયામાં સભાનતાપૂર્વકનો ઉપયોગ જ આપણી માનસિક શાંતિ બચાવી શકશે.


