Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દોહિત્રીની જીદે નાનીને બનાવી દીધાં કલાકાર

દોહિત્રીની જીદે નાનીને બનાવી દીધાં કલાકાર

Published : 05 March, 2026 04:13 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

૮૦ વર્ષની ઉંમરે કૅન્સરને માત આપનારાં ઇન્દિરા મહેતા મળવા જેવી વ્યક્તિ છે

પોતાની કૃતિઓ સાથે ઇન્દિરા મહેતા.

ICAN

પોતાની કૃતિઓ સાથે ઇન્દિરા મહેતા.


જુહુમાં રહેતાં ૮૩ વર્ષનાં ઇન્દિરા મહેતાને આજથી ત્રણ વર્ષ પહેલાં સ્તન-કૅન્સરનું નિદાન થયેલું. તેમની જાગૃતિને કારણે એકદમ શરૂઆતના સ્ટેજમાં જ કૅન્સર પકડાઈ જવાને લીધે આટલી મોટી ઉંમરે પણ તેઓ ઇલાજ ખમી શક્યાં અને અત્યારે તદ્દન કૅન્સરમુક્ત જીવન જીવી રહ્યાં છે. તેઓ છેલ્લાં દસેક વર્ષથી જુદાં-જુદાં આર્ટ-ફૉર્મ શીખી રહ્યાં છે. બ્લૉક પ્રિન્ટિંગ, પેઇન્ટિંગ, ઍબ્સ્ટ્રૅક્ટ, ગ્લાસ, ફૉઇલ અને મિરર પ્રકારની જુદી-જુદી આર્ટ તે શીખ્યાં છે. જીવન છે ત્યાં સુધી સતત શીખતા રહેવામાં માનતાં ઇન્દિરાબહેનના જીવનમાં કરીએ ડોકિયું.

૮૩ વર્ષનાં એક બા પેઇન્ટિંગમાં રસ ધરાવે છે એવી બાતમી મળી એટલે ‘મિડ-ડે’એ તેમને ફોન કર્યો. તેમણે ઉપાડ્યો નહીં. બે કલાક પછી તેમનો સામેથી કૉલ આવ્યો. ૮૩ વર્ષનાં બાનો ઘંટડી જેવો મીઠો રણકતો અવાજ સાંભળવા મળ્યો, ‘સૉરી, હું સ્વિમિંગ માટે ગઈ હતી આજે ક્લબ. એ પછી સ્પા અને સૉનામાં થોડી વધુ વાર લાગી ગઈ.’



સાંભળીને આંખો ચાર તો થઈ પણ એક વખત કન્ફર્મ કરવાની ઇચ્છા થઈ આવી કે તમે ઇન્દિરા મહેતા જને? તેમણે કહ્યું હા. તમારી ઉંમર શું છે? આ પ્રશ્ન પર તેઓ હસી પડ્યાં અને હોંશે-હોંશે કહ્યું કે ઉંમર ફક્ત ૮૩ વર્ષ છે. ૮૩ વર્ષનાં બા એટલે મંદિરે જતા અને રામ-રામ કરતાં જ હોય એવી સ્ટીરિયો-ટાઇપ્ડ ઇમેજ એક જ ઝટકામાં ઇન્દિરાબહેને તોડી કાઢી.


ઇન્દિરાબહેન અઠવાડિયામાં ત્રણ વાર યોગશિક્ષક પાસે ઘરે યોગ કરે છે અને બીજા ત્રણ દિવસ ક્લબમાં સ્વિમિંગ માટે જાય છે. તો તમને સ્વિમિંગ આવડે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ઇન્દિરાબહેન કહે છે, ‘મને ડૉક્ટરે કહ્યું હતું કે તમે પાણીમાં એક્સરસાઇઝ કરો તો તમારાં હાડકાં અને સ્નાયુઓ માટે સેફ રહે, એની તાકાત પણ વધે એટલે મેં શરૂ કર્યું. હું એકલી જ સ્વિમિંગ-પૂલમાં ઊતરું અને જે એક્સરસાઇઝ મને જમીન પર કરાવવામાં આવે છે એ પાણીમાં કરું. આજકાલ ઍક્વા એક્સરસાઇઝનું ચલણ વધ્યું છે. એના કોઈ ટ્યુટર મળ્યા નથી ત્યાં સુધી રાહ જોવાના બદલે અમને લાગ્યું કે હું શરૂ તો કરી દઉં. ક્લબમાં મને જોઈને ઘણા લોકો પૂલમાં એક્સરસાઇઝ કરતા થઈ ગયા છે. એમાં ઘણા મિત્રો પણ બની ગયા છે.’

કૅન્સર


મૂળ પાવાગઢ પાસે આવેલા દેવગઢમાં જન્મેલાં ઇન્દિરાબહેન નાનપણમાં જ સાઉથ આફ્રિકા જતાં રહ્યાં હતાં. ત્યાંથી થોડાં વર્ષો માટે તેઓ લંડન ગયાં જ્યાં નર્સિંગનું તેઓ ભણ્યાં. કામ કર્યું. એ પછી અમેરિકા ગયાં જ્યાં ઑપ્ટિશ્યનનું ભણ્યાં અને કામ કર્યું. તેમને એક જ દીકરી હતી જે પરણીને મુંબઈમાં સેટ થઈ અને તેનાં ત્રણ બાળકો છે. પરિવારનો પ્રેમ ઇન્દિરાબહેનને થોડાં વર્ષો પહેલાં મુંબઈ ખેંચી લાવ્યો. તેમના પતિ હજી અમેરિકામાં જ રહે છે. તેઓ અહીં તેમની દીકરી પાસે અને તેમનાં ગ્રૅન્ડચિલ્ડ્રન સાથે મસ્ત જીવન જીવી રહ્યાં છે. મુંબઈ આવવાનું બીજું કારણ જણાવતાં ઇન્દિરાબહેન કહે છે, ‘મારી તબિયત ત્યાં સારી નહોતી રહેતી. મારાં ઘૂંટણ ખરાબ થઈ રહ્યાં હતાં એટલે થયું કે ઇન્ડિયા જાઉં છું તો અહીં જ ની-રીપ્લેસમેન્ટ કરાવી લઉં. એ કરાવ્યા પછી એટલે કે ત્રણ વર્ષ પહેલાં હું નહાવા ગઈ ત્યારે મને એકદમ મારા સ્તન પર એક ગાંઠ જેવું કશું લાગ્યું. મેં તરત જ મારી દીકરીને કહ્યું કે આપણે મૅમોગ્રામ કરાવી લઈએ. એ કરાવ્યું તો ખબર પડી કે મને સ્તન-કૅન્સર છે. ડૉક્ટર પાસે ગયાં ત્યારે ખબર પડી કે એકદમ શરૂઆત છે એટલે અમે મોડાં પડ્યાં નથી, સમય પર છીએ એટલે સર્જરી થઈ અને રેડિયેશન લીધું. કીમોથેરપીની જરૂર જ ન પડી અને હું કૅન્સરમુક્ત થઈ ગઈ.’

જાગૃતિ

કૅન્સર નામ જ ડરામણું છે. પોતે કૅન્સર-ફ્રી થયા પછી ઇન્દિરાબહેન બીજા દરદીઓને જાગૃત કરવાની કોશિશ કરે છે. તેમણે કૅન્સર-જાગૃતિ માટે રૅમ્પ-વૉક પણ કર્યું હતું. એ વિશે વાત કરતાં ઇન્દિરાબહેન કહે છે, ‘મેં જોયું છે કે મૅમોગ્રામ જેવી ટેસ્ટ માટે સ્ત્રીઓ નાહક ગભરાય છે. તમે થોડાં સચેત હો તો સ્તન-કૅન્સર જેવો રોગ ખૂબ શરૂઆતના સ્ટેજમાં પકડાઈ જ જાય. કંઈક નીકળશે તો એના ગભરાટમાં લોકો ટેસ્ટ જ નથી કરાવતા. મને જ્યાં ચાન્સ મળે એ જગ્યાઓએ સ્ત્રીઓમાં આ બાબતે મેં જાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો છે. ડરવાની જરૂર નથી, સાચી માહિતી રાખવાની જરૂર છે. ૪૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે મૅમોગ્રામ કરાવવો જરૂરી છે. જલદી નિદાન એ જ કૅન્સરમુક્ત થવાનું પ્રથમ પગથિયું છે. ૮૦ વર્ષની ઉંમરે જો હું કૅન્સરમુક્ત થઈ શકતી હોઉં તો કોઈ પણ સ્ત્રી સતર્ક રહીને કૅન્સર સામે જીતી શકે છે.’

શું-શું શીખ્યાં?

ઇન્દિરાબહેન છેલ્લાં દસેક વર્ષથી એક ઍકૅડેમીમાં ડ્રૉઇંગનાં જુદાં-જુધાં ફૉર્મ શીખે છે. એ વિશેની મજાની વાત કરતાં તેઓ કહે છે, ‘હું જ્યારે ઇન્ડિયા રહેવા આવી ત્યારે મારી દીકરીની દીકરી ડ્રૉઇંગ-ક્લાસમાં જતી હતી. તેને ડ્રૉઇંગ કરતાં જોઈ ત્યારે મને લાગ્યું કે આ તો ખૂબ સરસ કરે છે. તેણે બાળસહજ જીદ કરી કે નાની, તું પણ કર. મને તો બ્રશ પણ પકડતાં નહોતું આવડતું. મેં ક્યારેય આ કામ કર્યું જ નથી, પણ તેની જીદને વશ થઈ હું તેના ક્લાસમાં પહોંચી ગઈ. ત્યાં ટીચર ખૂબ સારા હતા. તેમનામાં ખૂબ ધીરજ હતી. મને ખૂબ પ્રેમથી શીખવ્યું. એટલે જુદાં-જુદાં આર્ટ-ફૉર્મ હું શીખતી રહી. જેમ કે મેં પેઇન્ટિંગ કર્યું, બ્લૉક પ્રિન્ટિંગ શીખ્યું, મિરર પેઇન્ટિંગ શીખ્યું. ચિત્ર પર કાચ ચોંટાડવાનું આર્ટવર્ક શીખ્યું, ફૉઇલને ચોંટાડીને આર્ટવર્ક બનાવતાં શીખ્યું. ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ શીખ્યું. કોઈ પણ ગુજરાતી સ્ત્રીની જેમ મને પણ સાડીઓ ખૂબ ગમે એટલે મેં લગભગ ૪ જેટલી સાડીઓ બ્લૉક પ્રિન્ટિંગ કરીને તૈયાર કરી છે. હવે મારે સિલ્ક સાડી પર પેઇન્ટ કેવી રીતે કરાય એ શીખવું છે. મેં કૃષ્ણ ભગવાનનું એક પેઇન્ટિંગ તૈયાર કર્યું છે. અત્યારે હું ક્રૉશે શીખું છું.’


ઇન્દિરા મહેતાએ તેમના જીવનની પહેલી સાડી પેઇન્ટ કરી હતી એ ક્ષણ. એક્સરસાઇઝ કરતાં ઇન્દિરા મહેતા અને દીકરી અંજના દવે સાથે ઇન્દિરા મહેતા, પોતે હૅન્ડ-પેઇન્ટ કરેલી સાડીમાં.

ફાયદો

ઇન્દિરાબહેન માને છે કે દરેક વ્યક્તિએ આર્ટ શીખવી જોઈએ. એનું કારણ જણાવતાં તેઓ કહે છે, ‘મને આ કામ ખૂબ ગમે છે કારણ કે એણે મને ધીરજ શીખવી છે. આર્ટ થકી શીખેલી ધીરજ મને કૅન્સરના ઇલાજમાં કામ લાગી. એ સમયે હું પેઇન્ટિંગ કરી શકું એવી મારી હાલત નહોતી, પણ જે ધીરજ રાખવાની હતી એ મેં ત્યાંથી શીખેલી હતી. આર્ટ કરવાથી મને ઘણી શાંતિ મળે છે. સ્ટ્રેસ ઘણું ઓછું થાય છે અને એમાં મને ખાસ્સો રસ પડે છે. કશું કર્યાનો આનંદ, નવું શીખવાનો ઉત્સાહ અને સાથે બોનસમાં મળતી માનસિક શાંતિ. આ સિવાય હું સ્ટેજ-પર્ફોર્મન્સમાં પણ ભાગ લઉં છું. દુર્ગાપૂજામાં અમારા આર્ટ-ક્લાસનો પ્રોગ્રામ હોય છે ત્યારે હું ત્યાં જઈને ગરબા કરું છું. મને એ ગમે છે.’

લોકો માનતા હોય છે કે એક ઉંમર પછી નવું શીખી ન શકાય, પણ એવું જરાય નથી એમ સમજાવતાં ઇન્દિરાબહેન કહે છે, ‘ઊલટું મને લાગે છે કે અત્યારે જ સમય છે, જે વસ્તુઓ જીવનમાં નથી શીખી એ બધી શીખી લો. રસ કેળવવાથી વસ્તુઓ આવડે. રસ નહીં કેળવો તો જીવન કોઈ પણ ઉંમરે નીરસ થઈ જશે અને રસ કેળવશો તો કોઈ પણ ઉંમરે એ જીવવા જેવું લાગશે. નવું-નવું શીખતાં રહેવું મારા માટે શ્વાસ લેવા જેટલું સહજ છે. હું પીત્ઝા અને સુશી બનાવતાં પણ શીખી છું. અલગ-અલગ સોશ્યલ ઇવેન્ટમાં ભાગ એટલે જ લઉં છું કે રસ જળવાઈ રહે, કશું નવું શીખવા મળે. મારા માટે જેટલું જીવન છે એ પૂરી રીતે જીવવું જરૂરી છે, જેના માટે શીખતાં રહેવું મહત્ત્વનું બની જાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 04:13 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK