અને રવિવારની શુભ સવાર ઊગી.
ઇલસ્ટ્રેશન
અને રવિવારની શુભ સવાર ઊગી.
બધા તૈયાર થઈ રહ્યા કે આર્યન લેવા આવી પહોંચ્યો. આમ તો ચાલીમાં સગાઈના ખબર છૂપા નહોતા અને દમયંતીબહેન જેવાનો જીવ તો એ જાણ્યું ત્યારનો ચચરતો હતો. અત્યારે તેમને જતાં જોઈને જીભ સખણી ન રહી...
‘છોકરો બિચારો અજાણ લાગે છે...’ નજીકથી પસાર થતા આર્યનના કાને પડે એમ જરા મોટેથી બોલ્યા, ‘સરિતા તેના શેઠને ત્યાં રાત ગાળવા જતી એ જાણતો નથી લાગતો.’
ખલાસ! આટલું સાંભળતાં જ છોકરો સરિતાનો હાથ છોડીને તમાચો વીંઝી દે છે : તેં તારું પાપ છુપાવ્યું શંખિણી?
-પણ ના, આવું કંઈક કરવાને બદલે છોકરો તો ધરાર સરિતાનો હાથ પકડીને આગળ વધી ગયો!
‘ત્યારે તો બળ્યો છોકરામાં પણ કોઈ વાંધો હોવો જોઈએ!’ તેમણે યુગલની પીઠ પાછળ ટલ્લા ફોડ્યા.
આર્યન-સરિતાએ એ પણ વણસાંભળ્યું કર્યું.
lll
અને એ ઘડી પણ આવી પહોંચી.
હૉલની વચ્ચે નાનકડા ડેકોરેટેડ ટેબલ પર કેક મુકાઈ હતી. એ પહેલાં એકબીજાને વીંટી પહેરાવવા આર્યન-સરિતા પાસપાસે ઊભાં રહ્યાં. મલકતા આર્યને માએ ધરેલી વીંટી હાથમાં લઈને સરિતાનો જમણો હાથ થામ્યો કે...
‘એક મિનિટ!’
ટેબલની આસપાસ વીંટળાયેલી સગાંસ્નેહીઓની ભીડને ચીરતી તે આગળ આવી.
‘નવ્યા તું!’ આર્યન પોતાની સ્ટુડન્ટને ઓળખી ગયો.
‘નવ્યા નહીં શકુંતલા!’ તેની હાંફતી છાતીમાં આર્યનનું ચીરહરણ કરવાનો આવેશ હતો : મને છેતરનારનું અસલી ચરિત્ર ભરીસભામાં ખુલ્લું કરી દઉં!
જોકે શકુંતલાના ઉલ્લેખે પણ તે ક્લુલેસ લાગ્યો એથી રોષ ધમધમ્યો, ‘અફલાતૂન ઍક્ટર છો આર્યન!’ તાળી ઠોકીને તેણે હોઠ વંકાવ્યા, ‘ડેટિંગ ઍપ પર સુહાગરાતની ઉઘાડી વાતો મને કરી અને હવે વીંટી કોઈ બીજીને પહેરાવો છો?’
હેં!
‘આ શું લવારો છે?’ આર્યન તમતમી ગયો.
‘લવારો!’ નવ્યાનાં નાખોરાં ફૂલી ગયાં, ‘ખંડાલામાં મારા માટે ફાર્મહાઉસ લીધું છે એમ કહીને ૨૦ લાખનો હવાલો લીધો એને પણ લવારો જ કહેશો?’
વી...સ લાખ! મહેમાનોના પ્રત્યાઘાતમાં શંકા ડોકાવા લાગી. ‘આખરે મનોહરનું લોહી બોલ્યું.’ ગામથી આવેલું કોઈ બબડ્યું ને એ શબ્દો નીરુબહેનના હૈયે ઘા કરી ગયા : આર્યન વેકેશનમાં પણ લૅપટૉપમાં ડૂબ્યો રહેતો એ તો સાચુંને!
‘આ બધું શું છે આર્યન?’ માના સવાલમાં પીડા હતી. તેમણે સરિતાને નિહાળી, ‘વહુ, તું કેમ બોલતી નથી!’
‘મારે એટલું જ કહેવું છે કે...’
સરિતાના અધ્યાહારે ઘડીક તો બધાના જીવ અધ્ધર થઈ ગયા.
‘કે સગાઈનું મુરત વીતતું જાય છે આર્યન, અંગૂઠી પહેરાવવામાં દેર ન કરો.’
તેના બોલમાં ભલભલાની જીભ સિવાઈ જાય એવો રણકાર હતો. તેણે આર્યનનો હાથ પકડ્યો અને આર્યને પણ મલકીને વીંટી પહેરાવી.
‘ધિસ ઇઝ નૉટ ડન. હું... હું પોલીસમાં જઈશ, પ્રેસમાં જઈશ.’ ચિલ્લાતી નવ્યા ત્યાંથી નીકળી ગઈ.
‘તેં આબરૂનાં રખોપાં કરી જાણ્યાં વહુ...’ દીકરા-વહુને આશિષ દેતાં નીરુબહેન ગદ્ગદ બન્યાં : ‘એક ક્ષણ દીકરામાં મને શંકા જાગી, પણ તારા વિશ્વાસે મારો વિશ્વાસ દૃઢ થયો.’
પછી દીકરાને નિહાળ્યો : એટલું કરજે દીકરા કે લોકોને તારા નામ સાથે મનોહરની કરણીને થોપવાનો અવસર ન મળે.
આર્યન-સરિતાનાં નેત્રો મળ્યાં, ઇરાદો ઘૂંટાયો.
lll
નવ્યાએ આવું કેમ કર્યું!
સરિતા આજે સાસરે રોકાઈ હતી. જોકે સગાઈ પછીનું એકાંત માણવાને બદલે બેઉ અગાસીમાં સવારની ઘટનાનું ઍનૅલિસિસ કરવા બેઠાં હતાં.
’તમે લૅપટૉપમાં વ્યસ્ત રહેતા એ તો તમે પોતાનું સાહિત્યસર્જન શરૂ કર્યું એટલા માટે એ હવે હું જાણું છું...’
સરિતાએ ગણતરી માંડી : કૉલેજમાં છોકરીઓ આર્યનથી આકર્ષાતી જ હશે, પણ આર્યનનું સ્ટૅન્ડ જાણ્યા પછી ક્યારેય કોઈએ મર્યાદા ઓળંગી નથી, નવ્યાએ પણ એવી કોઈ હિન્ટ નહોતી આપી. જોકે તેના અંતરની આરઝૂ આર્યનને પામવાની હોય પણ ખરી અને એટલે આર્યનની સગાઈના ખબર સાંભળીને તે એકતરફી પ્યારમાં રઘવાઈ બનીને વિધિમાં વિઘ્ન નાખવા દોડી આવી હશે?
‘પણ ના, તેના આવેશમાં છેતરાયાની પીડા તો હતી.’ સરિતાનાં નેત્રો સહેજ પહોળાં થયાં, ‘આનો અર્થ સમજાય છે આર્યન? કોઈએ ડેટિંગ ઍપ પર તમારું નામ વાપરીને નવ્યાને છેતરી, યસ!’
નવ્યાની રાવ સાચી હોય તો આ જ તર્ક બંધબેસતો થાય છે, પણ આવું તો કોણ કરે?
‘એ જ જે જાણતું હોય કે તમારા નામે નવ્યા પાસેથી ૨૦ લાખ રૂપિયા સરળતાથી ખંખેરી શકાશે... જેને તમને બદનામ કરવામાં રસ હોય...’
કહેતી સરિતાનું મોં ખુલ્લું રહી ગયું.
‘શું થયું?’
‘આર્યન, મેં ટ્રેનમાં આપણા પહેલા મેળમાં તમને કહ્યું હતુંને કે મેં તમને ક્યાંક જોયા છે, તમારું નામ ક્યાંક સાંભળ્યું છે? હવે યાદ આવી ગયું!’
સરિતા આવેશમાં આવી : દમયંતીમાસીને તો તમે હવે જાણો છો... ચાલીમાં જ નહીં, તેનાં સગાંમાં પણ તેણે મને વગોવી નાખેલી. એટલે તો તેની ભાણી કે ભત્રીજી મારી પાસે તમારો ફોટો લઈને આવેલી : કૉલેજના પ્રોફેસરને સિડ્યુસ કરવાનો છે... એના પુરાવા સામે ૫૦૦૦ રૂપિયા આપવાની ઑફર પણ મૂકેલી....
જવાબમાં તસવીર ફાડીને સરિતાએ તેને તગેડી મૂકેલી : હું કોઈની આબરૂ ઉતારવાનો ધંધો નથી કરતી!
‘તેનું નામ તો મને યાદ નથી આવતું... પણ...’ સરિતાએ એકદમ તેનો હાથ પકડ્યો : ચલો આર્યન, તે છોકરીનો પત્તો જાણવા!
lll
‘દમયંતીમાસી...’ આર્યનનો હાથ પકડીને ધસી જતી સરિતાના ઊંચા સાદે ચાલીમાં ઘણાનું ધ્યાન ખેંચાયું, બે પળ તો દમયંતીબહેન પણ સહેમી ગયાં. પછી અંબોડો કસ્યો : તેણે બાઝવું હોત તો ભલે આવતી!
‘માસી, તમારી પેલી ભાણી કે ભત્રીજી કોણ છે...’
હેં! સરિતાના આક્રમક પણ અણધાર્યા સવાલે દમયંતીબહેન થોથવાયાં : કોણ, રે...શમ!
‘યસ...’ સરિતાને ખૂટતી કડી જડી : તે જ હતી આર્યન. તેણે તેનું નામ રેશમ જ આપેલું.
‘ઓહ, એક રેશમને હું પણ જાણું છું. મારી સ્ટુડન્ટ, નવ્યાની પરમ સખી!’
સરિતાને લાગ્યું કે કૂંડાળું નાનું થતું જાય છે. આર્યનની સ્ટુડન્ટને તેને બદનામ કરવામાં રસ હોય ને તે પાછી આર્યન પર આરોપ મૂકનારી નવ્યાની સખી હોય!
હવે?
lll
‘આર યુ ક્રેઝી? તું આર્યનની સગાઈમાં જઈ આવી, તમાશો કરી આવી અને મને હવે કહે છે!’
સગાઈમાંથી ઘરે આવીને ક્યાંય સુધી ઘવાયેલી વાઘણની જેમ રૂમમાં પુરાયેલી નવ્યાએ છેવટે રેશમને તેડાવી હતી. આર્યનના ચીટિંગ પછી તેના માટેનું આકર્ષણ રહ્યું નહોતું, પણ છેતરામણીની સજા આપ્યા વિના ચેન પડવાનું નહોતું.
‘ફરગેટ ઇટ યાર. તને ક્યાં તેની સાથે સિરિયસ લવ હતો? ડેટિંગ ઍપ પર આર્યનનું બૉડી જોવા મળે એવી મનસા જ વધુ હતીને. એમાં એક લેસન મળી ગયું. હવે તું આર્યન-આર્યન નહીં કરે, રાઇટ!’
કહીને રેશમે નવ્યાના ખભે ચૂમી ભરી, ‘છોડને યાર, ૨૦ લાખ રૂપિયા માટે શું રડવાનું!’
‘૨૦ લાખ કંઈ નાની રકમ નથી. પપ્પા-મમ્મીને તો હજી મેં કશું કહ્યું નથી...’
બોલતી નવ્યાના દિમાગમાં કડાકો થયો, ‘બટ વેઇટ, પૈસાના વહેવારનું તો મેં તને અત્યારે પણ કહ્યું નથી. તને ક્યાંથી જાણ થઈ કે મેં આર્યનને ૨૦ લાખ આપ્યા છે?’
રેશમ ખચકાઈ.
‘તે જાણે છે કેમ કે આર્યનને બદનામ કરવાનો કારસો તેણે રચ્યો છે...’
હેં!
દરવાજે આર્યન-સરિતા સાથે પોતપોતાના પેરન્ટ્સને જોઈને નવ્યા-રેશમ ડઘાઈ.
દમયંતીઆન્ટીની ચાલીવાળી વગોવાયેલી બાઈ આર્યનની મંગેતર બની એ જાણીને રેશમનું દિમાગ ચકરાઈ ગયું. પોતે તેની પાસે આર્યનની બદનામીનું કામ લઈને ગયેલી એ યાદ કરીને બેઉ મારા ઘરે જઈ પેરન્ટ્સને લઈને અહીં પણ આવી પહોંચ્યાં!
‘બોલ રેશમ, ડેટિંગ ઍપ પર આર્યનની બનાવટી પ્રોફાઇલ બનાવીને તેં જ નવ્યાને છેતરીને?’
સરિતાએ દમ ભીડ્યો : તું નહીં કબૂલે તો પણ સાઇબર સેલવાળા આર્યનનું પેજ ક્યાંથી ઑપરેટ થયું એ બધું ચપટીમાં શોધી કાઢશે... છાપામાં સમાચાર ચમકી જશે કે છોકરાની બનાવટી પ્રોફાઇલ બનાવીને છોકરીને ઠગનારી તેની સખી જ નીકળી!
‘સ્પીક અપ બ્રો!’ નવ્યા ચીખી, ‘આર્યનના નામે તેં મને છેતરી? વાય રેશમ, વાય!’
વાય! રેશમ આંખો મીંચી ગઈ.
lll
‘તમારી રેશમ સોળની થઈ... પણ તેનો વિકાસ જોઈએ એવો નથી લાગતો!’
અંગત ગણાય એવાં સગાં બિચારી માને ચિંતામાં મૂકી દેતાં... જોકે કયા અર્થમાં પોતાનો વિકાસ નથી થયો એ સમજતાં રેશમને વાર લાગી. માએ હૉર્મોન્સની દવા શરૂ કરાવી, ઇન્જેક્શન પણ લેવડાવ્યાં પણ ખાસ કોઈ ફરક વર્તાયો નહીં.
‘બિચારી, છોકરા જેવી તે આમ તો કયા છોકરાને ગમવાની!’
રેશમના કુમળા મન પર આવી ટિપ્પણીના ઘા ને ઘસરકા રહી જતા. ‘છોકરા જેવી’ સાંભળી-સાંભળીને તેનાં લક્ષણો પણ જાણેઅજાણે છોકરા જેવાં થતાં ગયાં. કૉલેજમાં નવ્યા મળી અને...
lll
‘સ્પીક અપ!’ નવ્યાની ચીસે ઝબકતી રેશમ ફિક્કું હસી, ‘આ તું પૂછે છે નવ્યા? યુ સિલી ગર્લ, તું જાણતી જ નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું!’
બૉમ્બ જેવો ફૂટ્યો.
‘પણ તને તો આર્યન જેવા કોઈ જુવાનની ખોજ હતી. એટલે આર્યનને તો મારે તારી નજરમાંથી ઉતારવાનો જ હતો. થોડાક મહિના પહેલાં આ સરિતાને મળી કામ સોંપ્યું, તેણે નકાર્યું અને પછી...’ રેશમે થૂંક ગળે ઉતાર્યું, ‘પછી ડેટિંગ ઍપ સર્ચ કરતાં આર્યનના નામે તને છેતરીને રૂપિયા મેળવવાનો પ્લાન સૂઝ્યો.’
તેના સંદર્ભ નવ્યાને હવે પરખાતા હતા, પણ રૂપિયાની માગણી સમજ બહાર હતી.
‘મને પૈસાની જરૂર હતી... બહુબધા રૂપિયાની.’ રેશમે નવ્યાને નિહાળી, ‘રેશમમાંથી તને ગમે એવો જુવાન બનવા માટે.’
હાય-હાય... માબાપ હેબતાયાં. નવ્યા ઊલટી આવતી હોય એમ બાથરૂમમાં દોડી ગઈ.
આર્યન-સરિતાને હવે ઊભા રહેવું અજુગતું લાગ્યું. બન્ને ચૂપચાપ સરકી ગયાં.
lll
રેશમને તેનાં માબાપ ઘરે તાણી ગયાં : તારા માથેથી છોકરો થવાનું ભૂત ઉતારી દઈએ!
નવ્યાને તેનાં માવતરે ધીબેડી : રૂમમાં ફ્રેન્ડ જોડે આવા ધંધા કરતી હોય છે? આજથી તારું એકલા સૂવાનું જ બંધ!
રેશમનું સત્ય નવ્યા માટે શૉકિંગ હતું. શારીરિક અડપલાં પાછળ આવો ભેદ હશે એવી કદી ભનક પણ ન થઈ? ડેટિંગ ઍપ માટે તેણે મને ઉશ્કેરી, પોતે જ બાથરૂમમાંથી મોબાઇલમાં મારી રિક્વેસ્ટ મંજૂર કરી... અને કેવું ઉઘાડું લખતી હતી!
નવ્યાના ગાલે શરમના શેરડા પડ્યા. રેશમ નૉટી તો ખરી જ!
ત્રીજા દિવસે રેશમનો ટૂંકો મેસેજ મળ્યો : હું તારા માટે જાતિ બદલવા તૈયાર થઈ એટલી હદનો પ્રેમ કોઈ કરી શકે તો તેની થઈ જજે, હું આડી નહીં આવું. બસ, મને ધિક્કારતી નહીં...
આનું પરિણામ આવવું ઘટે એ જ આવ્યું. નવ્યાએ માથું ઊંચક્યું : હું પરણીશ તો રેશમને જ!
lll
‘અમારાં માબાપ માન્યાં નહીં એટલે ઘરેથી ભાગી પરણીને ઇન્દોરમાં વસ્યા છીએ. પેલા ૨૦ લાખનું બૅલૅન્સ છે જ, એમાંથી રેશમનું ઑપરેશન પણ પાર પડશે... આટલું થયા પછી માબાપ ક્યારેક તો સ્વીકારી લેશે એવી આશા છે.’
સરિતા પર નવ્યાનો પત્ર હતો. તે ઉમેરે છે : અમારા કારણે સર વિના વાંકે બદનામ થયા એની માફી માગવા ખાસ તો આ પત્ર લખ્યો છે. તમારી જેમ અમારી પણ સારસ જોડી બની રહે એવા આશિષ આપજો!
‘અંતરની આરઝૂ પણ કેવી-કેવી હોય છે! ક્યાંક કોઈ પુરુષમાં ન હોવા છતાં સવાયા મર્દ તરીકેની ઇમેજ રચીને આશ્વાસન લે છે, ક્યાંક કોઈને પ્રણયમાં સજાતીયતાની સીમા નથી નડતી... અને ક્યાંક કોઈને વગોવણીનો ભૂતકાળ નથી પજવતો.’
પત્નીના પડખે સૂતા આર્યને માથું ઊંચક્યું : આ પળે મારા અંતરની આરઝૂ કહું?
તેના બોલમાં પ્રણય ઘૂઘવતો હતો, કીકીમાં પ્યાસ તરવરતી હતી. સાગરને શરણે થતી સરિતાના સુખમાં કદી ઓટ આવવાની નહીં એટલું વિશેષ.
(સમાપ્ત)
