એ સમયે તો બચુભાઈને લાગ્યું પણ હતું કે બાળકોને જેમ રહેવું હોય એમ જ રહેવા દેવા જોઈએ, પણ પાર્થના મોત પછી બચુભાઈના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે જો પાર્થ સેલ્ફ-ડિફેન્સ જાણતો હોત તો તેણે પોતાની સ્વરક્ષા કરી લીધી હોત
ઇલસ્ટ્રેશન
‘પાયલ, રેડી...’
સવારના પાંચ વાગ્યા હતા અને બચુભાઈ આળસ મરડતા હૉલમાં આવ્યા કે તરત હૉલમાં પડતા ફ્લૅટના બીજા બેડરૂમનો દરવાજો ખૂલ્યો અને પાયલ બહાર આવી.
ADVERTISEMENT
‘યસ બચુભાઈ...’ પાયલ કિચન તરફ ગઈ, ‘તમારે ચા પીવી છે કે આવીને?’
‘આવીને... ચાલ, અત્યારે જઈએ...’
કાંદિવલી-વેસ્ટની મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા બચુભાઈ બમ્બાટે દીકરા પાર્થના મોત પછી કાંદિવલી છોડી દીધું હતું. બોરીવલીમાં રહેવું કે કાંદિવલીમાં, બચુભાઈ માટે તો બધું સરખું જ હતું; પણ હા, જ્યોતિ અને પાયલ માટે આ ચેન્જ થોડો રાહત આપનારો પુરવાર થયો હતો.
‘બચુભાઈ, એવું હોય તો આજે તમે આરામ કરોને...’ રૂમમાંથી બહાર આવતાંની સાથે જ જ્યોતિએ કહ્યું, ‘કાલે રાતે તમને તાવ હતો...’
‘એવું હશે તો આવીને સૂઈ જઈશ...’ બચુભાઈએ મેઇન ડોર ખોલ્યો, ‘પાયલની ટ્રેઇનિંગમાં રજા નહીં ચાલે...’
‘એક વર્ષથી તો ટ્રેઇનિંગ આપો છો, હજી કેટલી ટ્રેઇનિંગ આપવી છે?’
‘જીવું છું ત્યાં સુધી...’
મેઇન ડોર બંધ થયો અને બચુભાઈ-પાયલ ઘરની બહાર નીકળી ગયાં.
પોતે એક સમયના ઍક્શન ડિરેક્ટર. ફિટનેસમાં પણ ચુસ્ત અને એમ છતાં પાર્થ કે પાયલે એ દિશામાં ધ્યાન આપ્યું નહોતું. એ સમયે તો બચુભાઈને લાગ્યું પણ હતું કે બાળકોને જેમ રહેવું હોય એમ જ રહેવા દેવા જોઈએ, પણ પાર્થના મોત પછી બચુભાઈના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે જો પાર્થ સેલ્ફ-ડિફેન્સ જાણતો હોત તો તેણે પોતાની સ્વરક્ષા કરી લીધી હોત.
જો બીત ગઈ સો બાત ગઈ.
મનોમન જાતને આવું આશ્વાસન આપીને બચુભાઈએ દીકરીને કરાટે શીખવવાનું શરૂ કરી દીધું હતું, જેને જોતજોતાંમાં એક વર્ષ પૂરું થઈ ગયું. બચુભાઈ અને પાયલ રોજ સવારે પાંચ વાગ્યે જાગીને નૅશનલ પાર્ક પહોંચી જાય. પાયલને બચુભાઈ ટ્રેઇન કરે. થોડા સમયમાં તો એવું બન્યું કે બચુભાઈ અને પાયલને જોઈને બીજી છોકરીઓ પણ ઊભી રહેવા માંડી અને બચુભાઈએ એ છોકરીઓને પણ સેલ્ફ-ડિફેન્સના આ પ્રોગ્રામમાં સામેલ કરી દીધી.
‘અરે, આવી જાઓ. તમે પણ દીકરીઓ જ છો, તમારે પણ શીખવું જોઈએ.’
બચુભાઈની આંખ સામે એ દિવસ આવી ગયો હતો જે દિવસે તેમણે પાયલને ટ્રેઇનિંગ માટે તૈયાર કરી હતી.
lll
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૩ દાયકા સુધી ફાઇટ માસ્ટર અને ઍક્શન ડિરેક્ટર તરીકે
મોટા-મોટા સ્ટાર્સને હવામાં ઊછળતા, હવામાં લાતો મારતા અને કાચ તોડીને બહાર નીકળતા બચુભાઈએ શીખવ્યું હતું. પાર્થના ગયા પછી બચુભાઈએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી હતી, પણ એક દિવસ તેમણે પાયલને અંધારામાં એકલી રડતી જોઈ ત્યારે તેમની અંદરનો ફાઇટ માસ્ટર જાગી ગયો હતો.
‘પાયલ...’
પાછળ જોયા વિના જ બચુભાઈએ ઘેરા અવાજે હાંક મારી.
‘હા બચુભાઈ.’
લિવિંગરૂમના ખૂણામાં રાખેલા લાકડાના ટેબલ પર પોતાની ઑફિસની ફાઇલો ગોઠવતી પાયલ ઊભી થઈ. મુંબઈની મિડલ ક્લાસ છોકરી જેવી જ લાગતી સલવાર-કમીઝ, આંખો પર ચશ્માં અને વાળ ઓળવાની કડાકૂટમાં પડવું ન પડે એટલે શોલ્ડરથી થોડા વધારે લાંબા વાળ.
‘એક વાત યાદ રાખજે કે દુનિયા ગરીબ પર દયા કરી શકે પણ નબળા પર નહીં. હવે આ ઘરનો દીકરો તું છે અને હું નથી ઇચ્છતો કે તું ક્યાંય પાછી પડે...’ બચુભાઈના અવાજમાં દૃઢતા હતી, ‘હું છું ત્યાં સુધી તને કે તારી મમ્મીને કંઈ થવા નહીં દઉં, પણ... મારી ગેરહાજરીમાં...’
‘પ્લીઝ બચુભાઈ... આવું ન બોલો.’
‘ન બોલવાથી વાસ્તવિકતા બદલાતી નથી પાયલ...’ પાયલની આંખમાં ફરી આવી ગયેલાં આંસુ લૂછતાં બચુભાઈએ કહ્યું, ‘હવે તારે લડવાનું છે અને લડવા માટે તારે સૌથી પહેલાં સજ્જ થવાનું છે... તારી સજ્જ થવાની ટ્રેઇનિંગ કાલ સવારથી શરૂ થશે.’
lll
‘બચુભાઈ, એની શું જરૂર છે? પાયલને કોણ હેરાન કરવાનું?’
‘પાયલને હેરાન કરવાનું પણ કોઈ વિચારે નહીં એ માટેની આ ટ્રેઇનિંગ છે.’ જ્યોતિ આગળ કંઈ બોલે એ પહેલાં જ બચુભાઈએ કહી દીધું, ‘આ બાબતમાં હું તમારું કંઈ નહીં સાંભળું જ્યોતિ... અમને અમારું કામ કરવા દો. તમને અમે ક્યાંય નડીશું નહીં...’
બચુભાઈના અવાજમાં રહેલી ફર્મનેસ અનુભવીને જ્યોતિ ચૂપ
થઈ ગઈ.
એ દિવસ અને આજની ઘડી.
જ્યોતિ વચ્ચે બોલી નહીં અને બચુભાઈ-પાયલની ટ્રેઇનિંગ અટકી નહીં. સામેવાળાના કયા અંગ પર પ્રહાર કરવાથી તે સેકન્ડમાં જમીનદોસ્ત થઈ જાય, ચપ્પુ પકડેલા હાથને કેવી રીતે મરડી નાખવો અને સૌથી અગત્યનું, હુમલા સમયે મગજને બરફ જેવું શાંત કેવી રીતે રાખવું જેવા અનેક પાઠ બચુભાઈએ પાયલને શીખવવાના શરૂ કરી દીધા. બચુભાઈનો હેતુ ક્લિયર હતો કે કોઈને જીતવા માટે નહીં પણ કોઈ હરાવી ન જવું જોઈએ.
lll
‘રસિકનો ફોન આવ્યો હતો.’ બચુભાઈએ પાયલ સામે જોયું, ‘કોઈ ગુજરી ગયું છે એટલે તે કાલે વડોદરા જવાનો છે. બે દિવસ મેડિકલ સ્ટોર બંધ રાખવો પડશે એનું તેને ટેન્શન હતું. મેં કહ્યું છે કે ફ્રી સમયે હું બેસીશ અને તું ફ્રી હશે ત્યારે તું પણ બેસશે.’
રસિક શાહ માત્ર બચુભાઈનો લંગોટિયો મિત્ર નહોતો, પાર્થના ગયા પછી આ ફૅમિલીને સાચવી લેવામાં પણ તેનો બહુ મોટો હાથ હતો.
‘તમારે હેરાન થવાની જરૂર નથી બચુભાઈ. આમ પણ મારે બે દિવસ રજા છે એટલે હું ફ્રી જ છું.’
પાયલે જવાબ આપ્યો ત્યારે તેને નહોતી ખબર કે આવનારા દિવસોમાં શું બનવાનું છે તો બચુભાઈને પણ ક્યાં ખબર હતી કે હવે પાયલ કેવી વિટંબણામાં મુકાવાની છે?
lll
‘સર, તમે જે માગો છો એ એટલું ઈઝી નથી...’
નરીમાન પૉઇન્ટના પચાસ માળના સિંઘાનિયા ટાવર્સમાં વાતાવરણ ગરમ હતું. કાચની સ્લાઇડિંગ બારીઓમાંથી આખું મરીન ડ્રાઇવ અને અરબી સમુદ્ર ફરતે પહેરાવવામાં આવેલો લાઇટનો નેકલેસ દેખાતા હતા. રૂમના સેન્ટરમાં રાખેલા ઇટાલિયન માર્બલના ટેબલ પર નકશાઓ વેરવિખેર પડ્યા હતા અને એ બધાની સામે સિંઘાનિયા માઇનિંગ કૉર્પોરેશનના વિક્રમ સિંઘાનિયા મોંઘી સિગાર સળગાવીને ઊભો હતો.
‘તમે જે માગો છો એ અશક્ય છે...’ ખાણ-ખનિજ મંત્રાલયના સેક્રેટરીએ ધ્રૂજતા અવાજે કહ્યું, ‘માથેરાન ઇકો-સેન્સિટિવ ઝોન છે. પર્યાવરણ મંત્રાલય સહેજ પણ ચલાવી લેતું નથી અને તમે જે પહાડની વાત કરો છો એની બરાબર નીચે વણઝારાવાડી નામનું આદિવાસી ગામ છે. ત્યાં ૧૩૦૦થી વધુ લોકો રહે છે. જો તમે ત્યાં ૧૫૦૦ ફુટ ઊંડું ખોદકામ કરો તો આખો પહાડ ધસી પડશે. એ આખું ગામ, એ ૧૩૦૦ લોકો જીવતા કબર બની જાય...’
‘મુંબઈમાં રોજ કેટલા લોકો લોકલમાંથી પડીને મરી જાય છે ખબર છેને? તેમના મરવાથી કોઈ ફરક પડે છે?’ સિગારનો ધુમાડો સિંઘાનિયાએ સેક્રેટરીના ચહેરા પર છોડ્યો, ‘નહીંને, તો માથેરાનના એ આદિવાસીઓ મરે તો કોને ફરક પડવાનો? નકશામાંથી એક નાનકડું ટપકું ભૂંસાશે, બસ.’
સિંઘાનિયાએ ટેબલ પરથી એક રિપોર્ટ ઉપાડીને સેક્રેટરી તરફ ફેંક્યો.
‘આ જો, એ માઉન્ટનના પેટાળમાં બ્લૅક ઓપલ છે. એ બ્લૅક ઓપલ જે એશિયામાં ક્યાંય નથી. આ પ્રોજેક્ટની કિંમત ૭૦૦૦ કરોડ રૂપિયા છે. તારા મિનિસ્ટરને કહે કે ૧૦૦૦ કરોડ તેના અકાઉન્ટમાં આવી જશે. બસ, મને પરમિશન જોઈએ.’
‘તમને ખબર તો છે સર, અત્યારે ED કેવી પાછળ પડી જાય છે?’ સેક્રેટરીએ લાચારી દેખાડી, ‘સાહેબ, સારી ગાડી પણ નથી લઈ શકતા...’
‘એ ટેન્શન છોડી દે...’ સિંઘાનિયાએ દરવાજા તરફ જોઈને રાડ પાડી, ‘ઍન્થની...’
ચેમ્બરનો દરવાજો ખૂલ્યો અને લાંબો, પાતળો પણ કસાયેલો શખ્સ બહાર આવ્યો. તેની આંખો બિલાડી જેવી માંજરી હતી અને જમણા હાથ પર વિચિત્ર ટૅટૂ હતું. ઍન્થની હવાલા ઑપરેટર હતો.
સિંઘાનિયાએ સેક્રેટરી સામે જોયું.
‘ઍન્થની બધું કામ સંભાળશે... સાહેબના ૧૦૦૦ કરોડ દુબઈથી તેમના શેલ અકાઉન્ટમાં કન્વર્ટ થશે. ઍન્થની આ ડીલ હૅન્ડલ કરી લેશે... બસ, મને પરમિશન જોઈએ, કોઈ પણ ભોગે...’
હકારમાં એકસાથે ચારથી પાંચ વખત મસ્તક નમાવીને સેક્રેટરી નીકળી ગયો.
lll
નવી મુંબઈને જોડતા પનવેલ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું અને બ્લૅક કલરની સ્પીડિંગ સિડૅન મુંબઈ તરફ આવતી હતી. કાર ઍન્થની ચલાવતો હતો. બાજુની સીટ પર નાની બ્રીફકેસ હતી જેમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા માટેનો ટોકન કોડ હતો. એક ખાસ સિરીઝની ૧૦૦ રૂપિયાની નોટ, જેના પર દુબઈના હવાલા કિંગની સિગ્નેચર અને સિરીઝ લખેલાં હતાં. આ નોટ બતાવવાથી દુબઈમાં ફન્ડ રિલીઝ થવાનું હતું.
‘ઍન્થની, ક્યાં પહોંચ્યો?’
‘સર, નવી મુંબઈ ક્રૉસ કરું છું. કલાકમાં નરીમાન પૉઇન્ટ...’
વાક્ય પૂરું થાય એ પહેલાં જ ઍન્થનીની સામે કન્ટ્રોલ ગુમાવી ચૂકેલું કન્ટેનર રૉન્ગ સાઇડથી આવ્યું. ઍન્થનીએ તરત ગાડી ડાબી બાજુએ લેવાની કોશિશ કરી, પણ મોડું થઈ ગયું હતું. ટ્રકની સાઇડ કાર સાથે અથડાઈ અને ઍન્થનીની કાર ૩ પલટી ખાઈને રોડની સાઇડમાં આવેલા લોખંડના પોલ સાથે અથડાઈ. કારના બૉનેટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા.
lll
ધડામ...
નસીબજોગે ઍક્સિડન્ટની જગ્યાથી ૨૦૦ મીટર દૂર જ પોલીસનું રૂટીન ચેકિંગ ચાલતું હતું. ઇન્સ્પેક્ટર સાવંતે અવાજ સાંભળ્યો અને તે ઘટનાસ્થળે પહોંચી ગયા.
‘જલદી કરો, કાચ તોડો!’
પોલીસ તરત કામે લાગી અને ઍન્થનીને બહાર કાઢ્યો. ઍન્થનીનો ડાબો પગ ફસાઈ ગયો હતો અને એમાંથી અસહ્ય લોહી વહેતું હતું. તે બેહોશ હતો.
ઇન્સ્પેક્ટર સાવંતની નજર સીટ પર ગઈ. સીટ પર પડેલી બૅગ ખૂલી ગઈ હતી. એમાં થોડા પેપર્સ અને ૧૦૦ રૂપિયાની એક સિંગલ નોટ પ્લાસ્ટિકના પાઉચમાં પૅક હતી. સાવંતને અજુગતું લાગ્યું.
લક્ઝરી કારમાં ફરતો માણસ, આટલી કીમતી બ્રીફકેસ અને કાળજીપૂર્વક પૅક કરેલી ૧૦૦ની નોટ?
ઍન્થનીને તાત્કાલિક હૉસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો અને બ્રીફકેસનો કબજો ઇન્સ્પેક્ટર સાવંતે લઈ લીધો.
lll
‘UTI માટે કંઈ છે... ઇમિજિએટ રાહત થાય એવું...’
કાઉન્ટરની પાછળ ઊભેલી પાયલે તરત સિટ્રો-સોડાનું પાઉચ પેલી વ્યક્તિના હાથમાં મૂક્યું અને પૈસા લીધા. બરાબર એ જ સમયે મેડિકલ સ્ટોરની સામે આવીને એક બાઇક ઊભી રહી. બાઇક પરથી ચંદુ બ્લેકિયો ઊતર્યો અને શાહ મેડિકલ સ્ટોર્સના કાઉન્ટર પર જઈને તેણે ચિઠ્ઠીનો ઘા કર્યો.
‘એય છોકરી, જલદી આ દવા આપ.’ તેણે એક ચિઠ્ઠી કાઉન્ટર પર ફેંકી.
પાયલે ચિઠ્ઠી હાથમાં લીધી. ચિઠ્ઠીમાં સેફ્ટ્રીએક્ઝોન ઇન્જેક્શન અને
હાઈ-ડોઝ ઍન્ટિ-બાયોટિક્સનાં નામ હતાં જે ઑપરેશન પછી ગંભીર ઇન્ફેક્શન રોકવા માટે વપરાતાં. ચિઠ્ઠી પર કોઈ ડૉક્ટરનું નામ કે સહી નહોતી.
‘આ દવા પ્રિસ્ક્રિપ્શન વિના ન મળે...’
પાયલે ચિઠ્ઠી પાછી આપી કે તરત ચંદુ ભડકી ગયો.
‘તારા બાપની દુકાન છે? જે માગ્યું એ ચૂપચાપ કાઢ, નહીંતર...’
‘પ્રિસ્ક્રિપ્શન હશે તો જ આ દવા મળશે...’ પાયલે મર્યાદા છોડી નહીં, ‘તમે પ્લીઝ બહાર જાઓ, બીજા કસ્ટમર ઊભા છે.’
ચંદુનો પારો છટક્યો. તેણે આજુબાજુ જોયું. દુકાનમાં એક ટીનેજ છોકરી અને મોટી ઉંમરનાં માજી જ હતાં. ચંદુએ તરત પોતાની કમરથી ધારદાર ચપ્પુ કાઢ્યું અને કાઉન્ટરની આડો લાંબો કરીને પાયલની ગરદનની નજીક લાવી દીધો અને તેનું ધ્યાન પાયલના ગળામાં રહેલી સોનાની ચેઇન પર ગયું.
‘હવે બોલ, આપે છે કે પછી આ ચેઇન લેતો જઉં?’
આ ચંદુની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી.
જેવી ચંદુની આંગળીઓ પાયલની ગરદનને ટચ થઈ કે પાયલની આંખોમાં ફ્લૅશબૅક જેવો ચમકારો થયો. તેને ઍક્શન ડિરેક્ટર બચુભાઈએ લિવિંગરૂમમાં લાઇવ બતાવેલો શૉટ યાદ આવ્યો : ‘જ્યારે દુશ્મન ક્લોઝ રેન્જમાં હોય અને તેનો હાથ પ્રૉપર્ટી ઝૂંટવવામાં હોય ત્યારે તેનો અટૅકિંગ ઍન્ગલ આપોઆપ નબળો પડી જાય છે.’
પાયલે માઇક્રો-સેકન્ડમાં પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો અને ચંદુના ચપ્પુવાળા હાથના કાંડા પર અંદરની બાજુએ ઘા કર્યો. ઘા એટલો સચોટ હતો કે ચંદુના હાથમાંથી ચપ્પુ છૂટી ગયું. તે કંઈ સમજે એ પહેલાં પાયલે કાઉન્ટરની કિનારીનો સપોર્ટ લઈને બૉડીનું વેઇટ શિફ્ટ કર્યું અને હવામાં સહેજ ઊછળીને ચંદુના નાક પર એક પંચ માર્યો.
કડાક...
ચંદુના નાકનું હાડકું તૂટ્યું. નાકમાંથી લોહીની ધાર વહેવા માંડી.
(ક્રમશ:)
