અહીં વાંચો સાપ્તાહિક નવલકથાનું ત્રીજું પ્રકરણ
ઇલસ્ટ્રેશન
‘કાં તો તેં આપેલા માણસો પાસે અને કાં તો ઇન્સ્પેક્ટર સાવંત પાસે...’
ઍન્થનીના ફોન પછી ગણેશ માટે હવે એકમાત્ર કામ હતું ૧૦૦ની નોટ. માણસોની સાથે કોઈ સંપર્ક થતો નહોતો એટલે ગણેશે તરત પ્લાન B અમલમાં મૂક્યો. ઇન્સ્પેક્ટર સાવંત જ્યારે ડ્યુટી પર હતા ત્યારે સાયનથી તેમની પત્ની અને ૮ વર્ષના દીકરાને ગણેશના માણસોએ કિડનૅપ કરી લીધાં. કામ જેવું પૂરું થયું કે તરત ગણેશે સાવંતને વિડિયો-મેસેજ મોકલાવ્યો.
ADVERTISEMENT
‘સાહેબ, તમારી પત્ની અને બચ્ચું અમારાં મહેમાન છે. જો તેમને જીવતાં જોવા માગતા હો તો પેલી બ્રીફકેસ અને ૧૦૦ રૂપિયાની નોટ લઈને બાર ૧૨ વાગ્યે ગોરેગાંવ ફિલ્મસિટી આવી જજો. જો પોલીસ ફોર્સ સાથે લાવ્યા તો... તમારાં ધર્મપત્ની અને બચ્ચાની આગળ મોટા અક્ષરે સ્વર્ગીય લખવાનો વારો આવી જશે...’ ગણેશે સૌથી છેલ્લે પોતાનું મોઢું દેખાડી બે હાથ જોડ્યા હતા, ‘નમસ્તે...’
ઇન્સ્પેક્ટર સાવંતના પગ નીચેથી ધરતી સરકી ગઈ.
lll
ગણેશને કામ સોંપ્યા પછી પણ ઍન્થની શાંત નહોતો બેસી રહ્યો.
જો ઇન્સ્પેક્ટર સાવંતની પાસે પેલી ૧૦૦ની નોટ ન હોય અને એ નોટ આગલી રાતે જ ચોરાઈ ગઈ હોય તો બની શકે કે પેલી મેડિકલ સ્ટોરવાળી છોકરી પાસે એ નોટ નીકળે. જો એ છોકરી સલામત હોય તો એનો અર્થ એવો થાય કે પોતે જે માણસોને મોકલ્યા હતા એ માણસો કોઈ તકલીફમાં હોય.
‘એવું તો ન બને. મારા બેસ્ટ પાંચ માણસો ગયા હતા પણ... પણ એક વાર જઈને જોઈ લેવું જરૂરી છે...’
ઘાયલ સિંહ જેવો ઍન્થની લંગડાતા પગે પોતે મોડી સાંજે કાર્ટર રોડ પર આવેલી શાહ મેડિકલ સ્ટોર્સ પર પહોંચ્યો, દુકાન બંધ હતી એટલે તેણે બાજુમાં આવેલા પાનના ગલ્લાવાળા પાસેથી માહિતી કઢાવી, જેમાં તેને ખબર પડી કે દુકાન રસિકભાઈ શાહની છે પણ તે બહારગામ ગયા છે એટલે રસિકભાઈના ફ્રેન્ડ બચુભાઈ બમ્બાટની દીકરી પાયલ દુકાન પર હતી, જેણે ચંદુની પીટાઈ કરી હતી.
ઍન્થનીએ પાયલ વિશે વધુ પૃચ્છા કરી તો તેને ખબર પડી કે હજુ હમણાં જ બચુભાઈ સાથે બહાર ગઈ.
મતલબ?
ઍન્થનીને સરળતાથી સમજાઈ ગયું હતું કે જે પરિવારને ખતમ કરવા તેણે માણસો મોકલ્યા તે માણસો જ આ બાપ-બેટીના ભોગ બન્યા છે અને કાં તો આ બાપ-બેટીએ એ લોકોને પોતાના કબજામાં રાખ્યા છે.
lll
‘બચુભાઈ મોડું નહીં કરતા...’ બહાર જતા બચુભાઈને જ્યોતિએ કહ્યું, ‘રાતે નવ વાગ્યા પહેલાં જમી લેવાનું છે...’
હોંકારો આપી બચુભાઈ બહાર જવા માટે નીકળી ગયા અને થોડી જ વારમાં દરવાજે જોરથી લાત પડી. દરવાજો મિજાગરામાંથી હચમચી ગયો અને મેઇન ડોર પર લાગેલું લૉક બારસાખમાંથી ઊખડી ગયું.
એ સમયે જ્યોતિબહેન રસોઈ કરતાં હતાં અને પાયલ લિવિંગ રૂમમાં હતી. દરવાજે પડેલી લાતથી જ્યોતિબહેનના હાથમાંથી સાણસી પડી ગઈ અને પાયલ એકઝાટકે ઊભી થઈ ગઈ. ઍન્થની ઘરમાં દાખલ થયો, તેના હાથમાં સાઇલેન્સરવાળી ગન હતી.
‘મારા માણસો પાસેથી લીધેલો સામાન ક્યાં છે?’ ઍન્થનીએ રીતસર રાડ પાડી હતી, ‘૧૦૦ની નોટ ક્યાં છે?’
કિચનના દરવાજે આવી ગયેલાં જ્યોતિબહેન રીતસર ધ્રૂજતાં હતાં પણ પાયલ મક્કમ રહી, તેણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ડાઇનિંગ ચૅર ઉપાડી ઍન્થની તરફ ફેંકી. ઍન્થની ફાઇટર હતો, તેણે હવામાં જ ચૅરને લાત મારી દીધી અને પાયલ તરફ આગળ વધ્યો. પાયલની આંખો સામે બચુભાઈની ટ્રેઇનિંગ હતી અને તેણે તરત એને અમલમાં મૂકીને ઍન્થનીના લંગડાતા પગ પર પ્રહાર કર્યો. ઍન્થની દર્દથી ચિલ્લાયો, પણ તેણે પાયલના વાળ પકડીને તેને દીવાલ સાથે અફળાવી.
જ્યારે ઍન્થની પાયલ પર આખરી વાર કરવા જતો હતો બરાબર એ જ સમયે બચુભાઈ ઘરમાં દાખલ થયા. દરવાજાની હાલત જોતાં જ તે ઘરનું વાતાવરણ પારખી ગયા હતા. ઘરમાં આવતાં તેમણે દીકરીને ઘાયલ જોઈ અને બચુભાઈએ ઍન્થની પર હુમલો કર્યો. ફિલ્મોમાં અસંખ્ય ઍક્ટર્સને ફાઇટ શીખવનાર બચુભાઈ આજે રિયલ લાઇફમાં પોતાના પરિવાર માટે લડતા હતા. તેમણે ઍન્થનીના ડિફેન્સને તોડીને તેને જમીન પર પછાડ્યો અને તેનો ઘાયલ પગ એવો મરડ્યો કે ઍન્થની ચીસ નીકળી ગઈ.
પાયલ ફરી ઊભી થઈ અને સ્ટોર રૂમમાંથી જાડી રસ્સી લઈ આવી. બચુભાઈ અને પાયલે ઍન્થનીને ખુરસી સાથે સખત રીતે બાંધ્યો અને ત્યાં સુધીમાં પગની પીડાના કારણે ઍન્થની બેહોશ થઈ ગયો.
lll
‘બોલ, આ ૧૦૦ રૂપિયાની નોટનું શું છે?’ કલાક પછી ઍન્થનીએ આંખો ખોલી ત્યારે બચુભાઈએ તેની સામે નોટ ધરી, ‘જવાબ આપવામાં વાર કરીશ તો તારા પાંચ સાથીઓ પાસે તને ઉપર મોકલવામાં અમને વાર નહીં લાગે... રાઇટ પાયલ?’
જાણે કે જવાબ નહીં, પરચો આપવાનો હોય એમ પાયલે ઍન્થનીના ફેસ પર લાત ઠોકી અને ઍન્થનીની ચૅર પાછળની તરફ ઊંધી ધકેલાઈ કે તરત બચુભાઈએ ચૅરનો હાથો પકડી લીધો.
‘છોડું એટલી વાર... તારું હૅમરેજ ફાઇનલ છે.’
‘બતાતા હૂં... બતાતા હૂં...’
ઍન્થનીને મોઢામાં લોહી નીકળતું હતું પણ બચુભાઈ કે પાયલે દરકાર કરી નહીં. જ્યોતિ આ જોઈ શકવાની નથી એની ખાતરી હતી એટલે બચુભાઈએ તેને રૂમમાં મોકલી, રૂમ બહારથી બંધ કરી દીધો હતો.
‘જલદી બોલ...’
‘આ હવાલાની નોટ છે. વિક્રમ સિંઘાનિયાની હવાલા નોટ...’
‘શેનો હવાલો છે?’
પાયલને સમજાયું નહોતું પણ બચુભાઈ સમજી ગયા હતા કે સેંકડો કરોડોના હવાલા સમયે જ આવાં પ્રૂફ અપાતાં હોય છે.
‘હું, હું કહીશ તો તમારું જોખમ વધશે...’
‘તું જવાબ નહીં આપે તો તારા પર જોખમ વધશે...’
‘માથેરાન પાસે વણઝારાવાડી ગામ જે પર્વત પર છે ત્યાંથી સાત હજાર કરોડના બ્લૅક ઓપલનો પ્રૉજેક્ટ શરૂ કરવાનો છે. એમાં ગામ આખું ખતમ થઈ જશે, પરમિશન માટે મિનિસ્ટરને એક હજાર કરોડ આપવાના હતા. આ એ હવાલાની નોટ છે.’
‘બધી વાત કર, કાલે મારે ત્યાં તારા માણસો શું કામ આવ્યા હતા?’
ઍન્થની પોપટ બની ગયો. તેણે ત્રૂટક-ત્રૂટક પણ માંડીને વાત કરી અને લેટેસ્ટ અપડેટ પણ આપી દીધી.
‘ગણેશના માણસોએ ઇન્સ્પેક્ટર સાવંતના પરિવારને કિડનેપ કર્યો છે. વિક્રમસરને કોઈ પણ ભોગે નોટ જોઈએ છે.’
‘સાવંતની ફૅમિલીને ક્યાં રાખી છે...’
‘મને એક્ઝૅક્ટ ખબર નથી પણ કદાચ ફિલ્મસિટી...’
ઍન્થની ફરી બેભાન થઈ ગયો.
lll
‘બચુભાઈ, મને હજુ પણ થાય છે કે આપણે જવું જોઈએ. વાત હવે મારી કે તમારી નથી પણ વાત હવે ઇન્સ્પેક્ટરના ફૅમિલી અને એની સાથે પેલા ગામના ૧૩૦૦ ગરીબ આદિવાસીઓના જીવનની પણ છે...’
‘તારી મા... એનું શું?’ બચુભાઈએ જ્યોતિ તરફ ઇશારો કર્યો, ‘તે ના પાડે છે.’
‘મારા બચુભાઈ મારી સાથે હોય તો મને બીજા કોઈની પરમિશનની જરૂર નથી.’
બચુભાઈ ઊભા થયા અને તેણે પાયલ સામે હાથ લંબાવ્યો.
‘તૈયાર થઈ જા, હવે ફિલ્મસિટીમાં અસલી ઍક્શન ડિરેક્ટ આપણે કરીશું.’
lll
ફિલ્મસિટીના સૌથી છેવાડાનો ભાગ રાતના અંધકારમાં વધારે ડરામણો અને ભયાનક બનાવતો હતો. ઑલમોસ્ટ જંગલ એવા આ એરિયામાં કેટલીક જૂની અને ખંડેર જેવી કૅબિનો અને સેટ્સનાં લાકડાનાં માળખાં કચરાની જેમ પડ્યાં હતાં. રાતના પોણાબાર થયા હતા. આકાશમાં વાદળો ઘેરાયેલાં હતાં અને ભેજવાળો પવન પાંદડાઓ સાથે અથડાઈને એક વિચિત્ર અવાજ પેદા કરતો હતો.
ગણેશ પોતાની બ્લૅક સ્કૉર્પિયો પાસે ઊભો હતો. તેની આસપાસ છ હથિયારબંધ શૂટર્સ તહેનાત હતા, જેમના હાથમાં લોડ કરેલી પિસ્તોલો હતી. ખૂણામાં બેઠેલી એક સ્ત્રી અને ૮ વર્ષના બાળકને બાંધ્યાં હતાં. એ ઇન્સ્પેક્ટર સાવંતનું ફૅમિલી હતું. બાળક બીકથી ધ્રૂજતું હતું, તો માની આંખોમાંથી આંસુ વહેતાં હતાં.
‘ભાઈ, સાવંતનો ફોન...’
ગાડી પાસે ઊભેલા ગુંડાએ ગણેશ તરફ મોબાઇલ લંબાવ્યો અને ગણેશે ફોન લીધો.
‘ક્યાં પહોંચ્યા સાહેબ... હવે ટાઇમ નથી વધ્યો.’
‘ફિલ્મસિટીના મેઇન ગેટ પર... ઍન્થનીની બૅગ અને પેલી ૧૦૦ની નોટ મારી પાસે છે.’ સાવંત ખોટું બોલતા હતા, ‘મારી વાઇફ કે દીકરાને કંઈ થવું ન જોઈએ.’
‘તમે એકલા જ આવજો. જો પોલીસ વૅન પાછળ દેખાઈ તો...’
lll
‘બચુભાઈ, પ્લીઝ નોટ આપી દો. આ ગણેશ હરામી છે...’
ફિલ્મસિટીના મેઇન ગેટથી થોડે દૂર પાર્ક થયેલી ગાડીમાં ઇન્સ્પેક્ટર સાવંત સાથે બચુભાઈ બમ્બાટ અને પાયલ પણ હતાં. સાવંતનો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો.
‘સાહેબ, બીક નહીં રાખો.’ બચુભાઈએ સાવંતના ધ્રૂજતા ખભા પર હાથ મૂક્યો, ‘અૅક્શન સીન ડિરેક્ટ કરતાં-કરતાં સમજી ગયો છું કે વિલન કઈ રીતે વિચારે અને કઈ જગ્યાએ ભૂલ કરે. જો તમે નોટ આપી દેશો તો ગણેશ તમારી ફૅમિલીને નહીં છોડે.’
‘તો કરવાનું શું?’ સાવંતનો અવાજ રૂંધાયો, ‘મારો આઠ વર્ષનો દીકરો ત્યાં છે.’
પાછળની સીટ પરથી આગળ આવીને પાયલે સાવંત સામે જોયું.
‘તમારે જવાનું એકલા જ છે, પણ અમે તમારી પાછળ હોઈશું. ગણેશ લડાઈની અપેક્ષા રાખશે, પણ આપણે સાયલન્ટ અને સ્માર્ટ ઍક્શનથી સ્ટાર્ટ લેશું.’
બચુભાઈએ ગાડીની ડિકીમાંથી ફિલ્મના સેટ પર વપરાતો જૂનો સામાન કાઢ્યો, જેમાં નાનું વાયરલેસ કમ્યુનિકેટર અને કૅમેરા ડિવાઇસ હતું.
‘સાહેબ, તમે અંદર જઈને ગણેશ સાથે વાત કરશો. મને એના લોકેશનનાં લાઇવ વિઝ્યુઅલ્સ મળતાં રહેશે.’ બચુભાઈએ પાયલ સામે જોયું, ‘પાયલ, તારો ટાર્ગેટ ગણેશની આજુબાજુના લોકો હોવા જોઈએ. યાદ રાખજે, સહેજ પણ અવાજ ન થવો જોઈએ.’
lll
ઇન્સ્પેક્ટર સાવંત કાગળો ભરેલી બ્રીફકેસ લઈને ગણેશ પાસે પહોંચ્યા કે તરત બે ગુંડાઓએ તેમની ઝડતી લીધી અને તેમની પિસ્તોલ છીનવી લીધી.
‘આવો સાહેબ, આવો...’ ગણેશે હાથ લંબાવ્યો, ‘નોટ...’
‘આ રહી નોટ...’ બચુભાઈએ આપેલી ૧૦૦ની નોટ સાવંતે દેખાડી, ‘પહેલાં મારી વાઇફ અને દીકરાને છોડ.’
‘છોડી દેત સાહેબ, પણ શું છે... મને ઉપરથી ઑર્ડર છે કે આ નોટ જેણે-જેણે જોઈ છે તેની સવાર નથી પડવા દેવાની...’ ગણેશે અટ્ટહાસ્ય કર્યુ, ‘પહેલાં તમે એકલાએ જોઈ હતી, હવે તો તમારી ઘરવાળી ને દીકરાએ પણ એ જોઈ લીધી.’
સાવંત કંઈ સમજે એ પહેલાં જ શૂટર્સે સાઇલેન્સરવાળી ગન સાવંત તરફ તાકી.
lll
‘માણસ જ્યારે જીતની ખુશીમાં હોય ત્યારે તેનો પાછળનો ભાગ બ્લાઇન્ડ સ્પૉટ બની જાય અને આ બ્લાઇન્ડ સ્પૉટ સૌથી નબળો હોય છે.’
સાવંતની પાછળ આવી ગયેલી પાયલને બચુભાઈએ ટ્રેઇનિંગ વખતે કહેલા શબ્દો યાદ હતા અને હવે તેણે એનો અમલ કરવાનો હતો.
પાયલે જમણી બાજુ ઊભેલા પહેલા ગુંડાના ગળા ફરતે પાછળથી સાંકળ વીંટી દીધી અને તેનું મોઢું દબાવી દીધું. માત્ર ત્રણ સેકન્ડમાં તેનો શ્વાસ રૂંધાયો અને તે જમીન પર ઢળી પડ્યો. બાજુમાં ઊભેલો બીજો ગુંડો પાછળ ફરે એ પહેલાં પાયલે તેની કોણીના સાંધા પર જોરદાર લાત મારીને તેનો હાથ મરડી નાખ્યો અને તેની પિસ્તોલ લઈ લીધી.
‘કોણ... કોણ છે ત્યાં?’
ગણેશ ચોંકીને પાછળ ફર્યો, પણ ત્યાં સુધીમાં સ્ટુડિયોની મેઇન લાઇટનું કન્ટ્રોલ બોર્ડ તૂટવાનો અવાજ આવ્યો અને એ આખા વિસ્તારમાં અંધકાર ફેલાઈ ગયો. આ અંધકાર એ હકીકતમાં બચુભાઈને આવવા માટેનું નિમંત્રણ હતું. હવે ખુદ ઍક્શન ડિરેક્ટરની ઍક્શન શરૂ થવાની હતી.
lll
બચુભાઈ અંધારામાં ચિત્તાની ઝડપે અંદર આવ્યા. ફિલ્મ-સેટના અંધારા ખૂણાઓનો તેમને વર્ષોનો અનુભવ હતો. અવાજની દિશા પારખીને તેમણે સ્કૉર્પિયો પાસે ઊભેલા ત્રીજા ગુંડાના ઘૂંટણ પર લોખંડના સળિયાથી પ્રહાર કર્યો. ગુંડાની ચીસ નીકળી કે તરત ચોથો ગુંડો અવાજની દિશામાં ફાયરિંગ કરવા ગયો, પણ પાયલે તેને પકડીને ગોળીઓ આકાશ તરફ ડાઇવર્ટ કરી અને તેને પોતાના ખભા પરથી હવામાં ઉછાળીને જમીન પર પછાડ્યો.
‘ગણેશ... ભાગ અહીંથી!’
એ ગુંડાએ બૂમ પાડી અને સાવંતના પરિવાર તરફ બંદૂક તાકી.
‘એ ભૂલ પણ ન કરતો...’
બચુભાઈનો ઘેરો અવાજ બરાબર એ ગુંડાની પાછળથી આવ્યો. બચુભાઈએ તેનો બંદૂકવાળો હાથ પકડીને તેની આંગળી મરડી કે પિસ્તોલ નીચે પડી ગઈ. બચુભાઈના એક સૉલિડ પંચે તેને કાયમ માટે શાંત કરી દીધો.
(વધુ આવતી કાલે)
