Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૨)

બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૨)

Published : 28 April, 2026 12:25 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કાંદિવલીના સ્મશાનમાં સળગતી ચિતાની જ્વાળાઓ આકાશને આંબતી હતી. બાવીસ વર્ષનો પાર્થ હજી કાલે સવાર સુધી બચુભાઈ સાથે ખભેખભા મિલાવીને ઊભો હતો અને અત્યારે, આજે...

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સબ-ઇન્સ્પેક્ટર સાવંતનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેણે જોયું કે પાર્થની લાશ જોઈને બચુભાઈ અવાક રહી ગયા હતા. સાવંતે તરત ફોન કાઢીને એક નંબર ડાયલ કર્યો.

‘સર... તેણે ડિકી ખોલી નાખી. લાશ મળી ગઈ છે.’



‘ઠીક છે. હવે સમજાવ્યું હતું એમ પ્લાન B કામ પર લગાડો સાવંત...’ ફોનના સામે છેડે રહેલા ઇન્સ્પેક્ટર દેશમુખે કહ્યું, ‘બચુભાઈને એ રીતે બધું સમજાવો.’


‘સર, બુઢ્ઢો એમ માની જાય એવો નથી...’

‘માને નહીં તો મનાવવાનો... સત્તા તમારા હાથમાં છે ને મારી તમને બધી છૂટ છે.’


સાવંતે ફોન કટ કર્યો ત્યાં સુધીમાં બચુભાઈએ પાર્થની લાશને બહાર કાઢી લીધી હતી. તેમની આંખો ભીની હતી, પણ એ ભીની આંખો પાછળ ધગધગતો જ્વાળામુખી રીતસર દેખાતો હતો.

બચુભાઈએ જોયું કે પાર્થની મુઠ્ઠી બંધ હતી અને એમાં એક બટન હતું. બચુભાઈએ બટન સરકાવી લીધું.

lll

કાંદિવલીના સ્મશાનમાં સળગતી ચિતાની જ્વાળાઓ આકાશને આંબતી હતી. બાવીસ વર્ષનો પાર્થ હજી કાલે સવાર સુધી બચુભાઈ સાથે ખભેખભા મિલાવીને ઊભો હતો અને અત્યારે, આજે... આજે તે લાકડાંની ચિતા પર રાખ થતો હતો. અગ્નિદાહ આપ્યા પછી બચુભાઈ પથ્થરની મૂર્તિની જેમ સામે ઊભા હતા. તેમની આંખો કોરીધાકોર અને મુઠ્ઠીઓ ભીંસાયેલી હતી. બચુભાઈની એ મુઠ્ઠીમાં બટન હતું, જે પાર્થે મરતી વખતે કોઈના શર્ટમાંથી ખેંચી લીધું હતું.

‘બેટા, તારા બાપે ભલે હવે ઍક્શન છોડી દીધી હોય, પણ તને મારનારાને પકડવા જો રિયલ લાઇફ ઍક્શન કરવી પડે તો એ પણ હું કરીશ... પણ તારો જીવ લેનારો જીવતો નહીં રહે એ મારું તને પ્રૉમિસ છે.’

lll

‘પાયલ, રડવાથી ભાઈ પાછો નહીં આવે...’

અંતિમ સંસ્કાર પતાવીને બચુભાઈ ઘરે આવ્યા ત્યારે પાયલ તેમને વળગીને રડી પડી હતી. બચુભાઈએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો.

‘બેટા, ભાઈને ન્યાય મળશે તો તેના આત્માને શાંતિ મળશે.’

‘બચુભાઈ, આવું કોણ કરે? પાર્થ તો કોઈને કંઈ કહેતો નહીં. એકદમ શાંત હતો તો પછી આવું તેની સાથે કોણ કરે...’

‘એ જ તો આપણે શોધવાનું છે...’ બચુભાઈએ પાયલની આંખોમાં જોયું, ‘બેટા, તારે મને એમાં હેલ્પ કરવાની છે અને બેટા, જો તને ખબર હોય તો કોઈ વાત છુપાવવાની નથી. પાર્થના જીવનમાં એવું શું હતું જે તેણે મારાથી છુપાવ્યું હતું?’

‘એક જ વાત બચુભાઈ...’ પાયલે ટેબલના ખાનામાંથી એક ડાયરી કાઢી, ‘પાર્થ સંધ્યાના પ્રેમમાં હતો; પણ સંધ્યાના પપ્પા પોલીસમાં છે, બહુ કડક છે. પાર્થને બીક હતી કે જો તેના પપ્પાને ખબર પડશે તો તે પાર્થને જીવતો

નહીં છોડે.’

‘કયા પોલીસ-સ્ટેશનમાં છે તેના પપ્પા...’ બચુભાઈની આંખો ચમકી હતી, પણ તેમણે હાવભાવ કન્ટ્રોલમાં રાખ્યા હતા, ‘તેનું નામ...’

‘નામ અને પોલીસ-સ્ટેશન

ખબર નથી, પણ સંધ્યાનું લાસ્ટ નેમ દેશમુખ છે.’

બચુભાઈના કાનમાં પેલો વાયરલેસ પરનો અવાજ ગુંજ્યો, જેમાં તેણે સ્પષ્ટ રીતે નામ સાંભળ્યું હતું, ‘ઇન્સ્પેક્ટર દેશમુખ...’

lll

બીજી સવારે હજી તો કોઈની આંખમાંથી આંસુ પણ નહોતાં સુકાયાં ત્યાં જ દરવાજે સબ-ઇન્સ્પેક્ટર સાવંત અને તેની સાથે પાંચ કૉન્સ્ટેબલ આવીને ઊભા રહી ગયા.

‘બોલો સર... પાર્થને મારનારાની કંઈ ખબર પડી?’

‘ના બચુભાઈ... પણ કારણ શું હોઈ શકે એની ખબર પડી.’ સાવંતે હાથમાં રહેલાં પેપર્સ આગળ ધર્યાં, ‘અમારી પાસે ઘરની તલાશી લેવા માટે

સર્ચ-વૉરન્ટ છે.’

‘અમારા ઘરની તલાશી...’

‘હા...’

સાવંતે ઉદ્ધતાઈ સાથે બચુભાઈને હળવો ધક્કો માર્યો અને સીધો પાર્થની રૂમમાં જઈને તેણે બધું વેરવિખેર કરવાનું શરૂ કર્યું.

‘સાહેબ, મારી વાત...’

‘આઉટ... આઉટ...’ સાવંતે કૉન્સ્ટેબલ સામે જોયું, ‘આને બહાર કાઢો.’

‘મારી વાત...’

બચુભાઈ કંઈ બોલે એ પહેલાં તો રૂમનો દરવાજો બંધ થઈ ગયો અને થોડી મિનિટમાં જ દરવાજો ફરી ખૂલ્યો. સબ-ઇન્સ્પેક્ટર સાવંત બહાર આવ્યો. આ વખતે તેના હાથમાં એક નાની પ્લાસ્ટિકની પડીકી હતી.

‘આ જુઓ! બ્રાઉન શુગર... તમારા દીકરાના કબાટમાંથી નીકળ્યું.’

‘અરે, શક્ય જ નથી...’ બચુભાઈ ચિલ્લાયા, ‘મારો દીકરો જમ્યા પછી મુખવાસ પણ નહોતો ખાતો ને તમે બ્રાઉન શુગર...’

‘એ જ વાત છે... તમારો દીકરો તમને અત્યારે સુધી... બનાવતો હતો.’

‘સાહેબ, મર્યાદા રાખજો...’ બચુભાઈની આંખો લાલ થઈ, ‘ઘરમાં લેડીઝ છે, એક પણ અપશબ્દ હવે ન આવવો જોઈએ.’

બચુભાઈની આંખો જોઈને સાવંત ધબકારો ચૂકી ગયો, પણ તેણે કળાવા ન દીધું.

‘તમારો દીકરો ડ્રગ-પેડલર હતો...’ સાવંતના શબ્દો સાથે જ્યોતિ અને પાયલની આંખો ફાટી ગઈ, ‘તે કૉલેજમાં ડ્રગ્સ વેચતો.’

‘ખોટું, સાવ ખોટું...’ જ્યોતિની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, ‘મારો દીકરો એવું ક્યારેય કરે જ નહીં...’

બચુભાઈ શાંતિથી સાવંત પાસે ગયા.

‘તમે ફિલ્મો જોઈ હશે, પણ મેં બનતી ફિલ્મોમાં કામ કર્યું છે...’ બચુભાઈએ સાવંતની આંખોમાં જોયું, ‘ફિલ્મોમાં મેં અનેક સીન શૂટ કર્યા છે જેમાં પોલીસ પોતે ડ્રગ્સ પ્લાન્ટ કરે. અત્યારે પણ એ જ થયું છે. તમે જે પડીકી અત્યારે કાઢી એ તમારા ખિસ્સામાં હતી. પાર્થના કબાટમાં ગોઠવવા માટે તમે મને રૂમમાંથી કાઢ્યો અને રૂમના દરવાજા બંધ કર્યા... બાકી તમારી જાણ ખાતર, ક્યાંય સર્ચ-વૉરન્ટ ખાનગીમાં થતું નથી.’

‘હોશિયારી નહીં બમ્બાટ!’

સાવંત ગભરાયા હતા, પણ તેણે દેખાવા દીધું નહીં અને કૉન્સ્ટેબલ સામે જોયું.

‘પંચનામું કરો અને લખો કે મરનારો પાર્થ બચુભાઈ ડ્રગ્સના ધંધામાં હતો અને ઇન્ટર્નલ ડીલમાં છેતરપિંડી કરી જેમાં તે પકડાયો એટલે ડ્રગ-ડીલરે તેને મારી નાખ્યો.’

બચુભાઈ સમજી ગયા કે પાર્થની ઓથમાં કોઈને બચાવવાનું કામ શરૂ થયું છે.

 lll

‘બચુભાઈ, પાર્થ ડ્રગ્સના બિઝનેસમાં હતો એ ખરેખર શૉકિંગ કહેવાય...’ ઇન્સ્પેક્ટર દેશમુખના શબ્દોમાં શાલીનતા હતી, ‘ખરેખર, આ આજની જનરેશન...’

‘પાર્થ એવું ન કરે... ક્યારેય નહીં.’

‘બાપ તરીકે તમે એવું માનો એ સમજી શકાય, પણ બચુભાઈ... ભૂલતા નહીં, હવે તો આ પોલીસ-રેકૉર્ડ છે અને તમારે...’ દેશમુખ ગર્ભિત રીતે બોલ્યા, ‘એક દીકરી પણ છે. હવે તમે જ વિચારો, ડ્રગ્સના બિઝનેસમાં હોય એવા ભાઈની બહેન સાથે કોણ રિલેશનમાં આગળ વધે?’

બચુભાઈએ દેશમુખની સામે જોયું.

બચુભાઈની આંખમાં રહેલી શાર્પનેસ દેશમુખને વાગતી હતી અને એટલે જ તેણે નજર ફેરવી લીધી.

‘હું તો માત્ર એટલું કહું છું કે હવે આ કેસને વધુ ચગાવવાને બદલે એવું કરો કે કેસ અને પાર્થ ઝડપથી ભુલાઈ જાય...’

બચુભાઈની આંખો દેશમુખ પર સ્થિર હતી.

દેશમુખના શર્ટનું ત્રીજું બટન બાકીનાં બટન કરતાં થોડું અલગ લાગતું હતું. કદાચ એ નવું હતું એને કારણે જુદું પડતું હતું.

‘તમે જેન્ટલમૅન લાગો છો... પણ એક વાત કહું?’ બચુભાઈએ ધીમેથી કહ્યું. ‘જે યુનિફૉર્મનું બટન બદલી શકે તે વાસ્તવિકતા નથી બદલી શકતો. મારો દીકરો સંધ્યાને પ્રેમ કરતો એ મને આજે જ ખબર પડી.’

દેશમુખના ચહેરા પર એક પળ માટે સન્નાટો છવાઈ ગયો.

‘સંધ્યા? કોણ સંધ્યા?’ દેશમુખનો હાથ અનાયાસ જ બદલાયેલા બટન પર આવી ગયો, ‘બચુભાઈ, દીકરો ગુમાવવાના શોકમાં તમારું ચિતભ્રમ થવા માંડ્યું છે. એક કામ કરો. ઘરે જાઓ, નહીં તો...’

‘નહીં તો શું?’

‘એ જ કે...’ દેશમુખે દાંત ભીંસ્યા, ‘નહીં તો મારે તમને અંદર કરવા પડશે.’

બચુભાઈ સમજી ગયા હતા કે તેની સામે દીકરાનો કાતિલ બેઠો છે અને એ પછી પણ તે કશું કરી શકવાના નથી.

lll

‘હીરાલાલ, ખોટી વાત નહીં કરતો... નહીં તો એક મૂકીશ તો ભોડી પેટમાં થઈ જશે...’ બચુભાઈના લાલચોળ ચહેરાએ હીરાલાલને ધ્રુજાવી દીધો, ‘જલદી કહે, મનસુખ ક્યાં છે?’

બચુભાઈને ખબર હતી કે કંઈક તો એવું છે જે મનસુખ જાણે છે. મનસુખને એ પૂછવા માટે બચુભાઈ ફરી ગૅરેજ પર ગયા, પણ ત્યાં તાળું હતું. આજુબાજુ તપાસ કરી તો ખબર પડી કે મનસુખ પોતાનો સામાન લઈને રાતોરાત જ નીકળી ગયો હતો. બચુભાઈ તરત મનસુખને ત્યાં કામ કરતા કારીગર હીરાલાલને ત્યાં પહોંચ્યા. હીરાલાલના કમનસીબે તે ઘરે જ હતો અને બચુભાઈના હાથમાં આવી ગયો.

‘મને તારી સાથે કોઈ વેર નથી ને નથી વેર મનસુખ સાથે...’ બચુભાઈએ તાકીદ કરી, ‘જો એ પછી પણ તમે મને સાથ નથી દીધો તો હું ખરેખર તમારા બેઉની એવી હાલત કરીશ કે તમારી લાશ ભેગી કરવામાં પણ પોલીસને બે-ચાર વર્ષ લાગી જશે...’

‘બચુભાઈ, મારું નામ નહીં આપતા...’ હીરાલાલે કહી દીધું, ‘મનસુખભાઈ બોરીવલી સ્ટેશનની બાજુમાં આવેલી હોટેલ અપ્સરામાં છે.’

બચુભાઈ હોટેલ અપ્સરા પહોંચ્યા અને મનસુખ તેમને રૂમમાં જ મળી ગયો.

lll

‘સાચું બોલ મનસુખ, એ રાત્રે શું થયું હતું?’

‘એ લોકો મને મારી નાખશે!’

‘ને તું નહીં કહે તો હું તને મારી નાખીશ...’ બચુભાઈએ ખિસ્સામાંથી છ ઇંચની બ્લેડવાળી રામપુરી કાઢી, ‘સાચાને સાથ આપીને મરીશ તો એકાદ પાપ ઓછું ગણાશે...’

‘એ દિવસે ઇન્સ્પેક્ટર દેશમુખ જ આવ્યા હતા.’ મનસુખનો અવાજ આપોઆપ ધીમો થઈ ગયો, ‘સાંજે પાર્થ ફીઆટ લઈને ગૅરેજ પર આવ્યો. તેની સાથે એક છોકરી હતી.’

‘સંધ્યા...’

‘કદાચ... તેના ગળામાં અંગ્રેજી S લખેલું લૉકેટ હતું.’ મનસુખે વાત આગળ વધારી, ‘પાર્થ એ રાતે તે છોકરી સાથે ભાગી જવાનો હતો. તેણે મારી પાસે બીજી ગાડી માગી. હું તેને કંઈ કહું કે સમજાવું એ પહેલાં તો ઇન્સ્પેક્ટર દેશમુખ આવી ગયા. તે પાર્થને લઈને રવાના થઈ ગયા. પાર્થે કોઈ વિરોધ કર્યો નહીં, પણ પેલી છોકરી જે રીતે પેલાને કાકલૂદી કરતી હતી એ જોઈને હું સમજી ગયો કે હવે કંઈક મોટું થશે અને એવું જ થયું. રાતે ૧૦ વાગ્યાની આસપાસ પોલીસ અને દેશમુખ બન્ને પાછા આવ્યા અને મને ધમકાવ્યો કે જો હું મોઢું ખોલીશ તો મને પણ પાર્થની જેમ ઉપર પહોંચાડી દેશે.’

‘પછી શું થયું?’

‘પાર્થની લાશ ફીઆટની ડિકીમાં મૂકીને દેશમુખે જ મને કહ્યું કે ગાડી ખાડી કિનારે મૂકી આવું...’

‘સંધ્યા ક્યાં છે?’

‘ખબર નથી, પણ કદાચ માથેરાનના તેમના જૂના બંગલે...’

lll

હવે કરવું શું? કોર્ટમાં સાબિત કેમ કરવું કે આ કાંડ ઇન્સ્પેક્ટર દેશમુખે જ કર્યો છે? મનસુખની જુબાની પર ભરોસો કરી શકાય એમ નહોતો. ઇન્સ્પેક્ટર દેશમુખની બીકે તે ક્યારેય હૉસ્ટાઇલ બની જવાની શક્યતા ભારોભાર હતી.

અચાનક બચુભાઈને યાદ આવ્યું કે પાર્થ ગાડી ચલાવતી વખતે પોતાનો ફોન ડૅશબોર્ડની નીચે મૂકી દેતો, જે સામાન્ય રીતે કોઈની નજરે ચડતો નહીં. પોલીસે ગાડી સીલ કરી, પણ હજી સુધી પાર્થના મોબાઇલની કોઈ વાત આવી નહોતી. મતલબ કે દેશમુખને એવું લાગ્યું હોઈ શકે છે કે પાર્થ પાસે ફોન હતો જ નહીં.

કોઈ પણ હિસાબે ફોન સુધી પહોંચવું પડે અને ફોન સુધી પહોંચવા માટે પોલીસયાર્ડમાં રહેલી ફીઆટ સુધી જવું પડે.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 12:25 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK