માતાના મોત પછી અનિરુદ્ધ કૉન્ટ્રૅક્ટ કિલિંગની દુનિયામાં પગ મૂકે છે, જ્યારે લજ્જા લગ્નજીવનની અધૂરી ઇચ્છાઓ વચ્ચે એક ખતરનાક નિર્ણય લે છે. બંનેની જિંદગી હવે એક જ રાતે ટકરાવાની છે.
ઇલસ્ટ્રેશન
તે હાંફી રહ્યો.
મીંચાયેલી આંખો હેઠળ ઊપસતું દૃશ્ય કપાળેથી પરસેવો દદડાવતું હતું.
‘મુજરિમ એક કાતિલ છે યૉર ઓનર, સમાજનો દંડનીય અપરાધી છે.’
કાળો કોટ પહેરેલો સરકારી વકીલ હકડેઠઠ ભરાયેલી કોર્ટમાં ઊંચા અવાજે જજસાહેબને કહી રહ્યો છે, ‘માણસ અદાવતમાં કોઈનું ગળું કાપે કે સ્વબચાવમાં કોઈનું ઢીમ ઢાળી દે એ હજીયે ગળે ઊતરે, પણ આ આદમી?’
કઠેડામાં ઊભેલા મારી સમક્ષ આંગળી ચીંધી, કોર્ટમાં મોજૂદ માનવમહેરામણ પર અછડતી નજર ફેંકીને વકીલસાહેબ કોટ સરખો કરતાં ઉમેરે છે, ‘માફ કરજો સાહેબ, આને આદમી કહેવો એ આદમિયતનું અપમાન કરવા બરાબર છે, કેમ કે આ નરરાક્ષસે રૂપિયા લઈને નિર્દોષ લોકોની હત્યા કરી છે. ક્યારેક લાખ રૂપિયામાં કોઈનું ગળું ઘોંટ્યું છે, ક્યારેક બે લાખ લઈને રોડ-ઍક્સિડન્ટની આડમાં કોઈને પતાવી દીધો છે.’
રે રામ! કોર્ટની ભીડમાં અરેરાટી વ્યાપી જાય છે.
‘કોઈ કપડાંનો વેપાર કરે, કોઈ સરસામાનની દુકાન ખોલે, આ હેવાને માણસના પ્રાણ લેવાને પોતાનો ધંધો બનાવી દીધો છે. હવે આજે જ્યારે તે ખુદ કાનૂનના સકંજામાં સપડાયો છે, તેના તમામ અપરાધ પુરવાર થઈ ચૂક્યા છે ત્યારે તેને કઈ સજા મળવી જોઈએ?’
છેલ્લું વાક્ય તારસ્વરે બોલીને વકીલસાહેબ કોર્ટમાં હાજર ભીડ તરફ ફર્યા એટલે સૌએ હાથ ઊંચો કરીને એકઅવાજે કહ્યું : ફાંસી... ફાંસી... ફાંસી.
જજસાહેબ હથોડો વીંઝીને ‘ઑર્ડર... ઑર્ડર...’ કરે છે ત્યાં જ પોલીસપહેરો તોડીને એક કૃશકાય સ્ત્રી કઠેડા નજીક આવીને મારો હાથ પકડે છે : ‘આ દી દેખાડતાં પહેલાં તેં મારું ગળું કેમ ન ઘોંટ્યું કપાતર, મેં તને જન્મતાં જ મારી કેમ ન નાખ્યો.’
અને ‘મા!’ની ચીસ નાખતો તે પથારીમાં બેઠો થઈ ગયો.
છાતી હજી હાંફતી હતી, શરીર હજી ધ્રૂજતું હતું.
પણ ના... આ કોર્ટ નથી, પોતે કઠેડામાં નથી અને મા તો ક્યાંથી હોય.
અનિરુદ્ધની નજર સામેના ટેબલ પર મૂકેલી માની હાર ચડાવેલી છબિ પર ગઈ. પાંપણે બે બુંદ જામ્યાં : મને માફ કરજે મા, તારો આ નાલાયક દીકરો તારો ઇલાજ પણ ન કરાવી શક્યો. પિતાજી નાની વયે સ્વર્ગવાસી થયા બાદ મને ભણાવવા તેં જાત ઘસી. હું ભણ્યો મા, ખૂબ ભણ્યો; પણ લાગવગશાહીના આ દેશમાં મારી મોટી ડિગ્રી મને ઢંગની નોકરી અપાવી ન શકી અને કુદરત તારી કસોટી કરીને ધરાઈ ન હોય એમ તને કૅન્સર નીકળ્યું. તું કૅન્સરમાં રિબાતી મહિનાઓ સુધી ભાડાની આ ખોલીમાં પથારીવશ રહી ને છેવટે અહીં જ દમ તોડ્યો.
અનિરુદ્ધનું ધ્રુસકું સર્યું, પણ પછી જાતને સંયત કરતાં કડવું હસ્યો : અને કિસ્મતનો ખેલ તને ખબર છે મા? તને વળાવીને આવ્યો એના બીજા જ દિવસે મને પાંચ લાખ રૂપિયાનું એક કામ ઑફર થયું. વિચાર, પાંચ લાખ મને પહેલાં મળ્યા હોત તો ક્યાંક તારો ઇલાજ કરાવી શક્યો હોત, મા માટે કંઈક કરી છૂટ્યાની તસલ્લી હૈયે હોત.
‘શા માટે આટલો જીવ બાળે છે દીકરા?’
છબિમાંથી બહાર આવીને મા જાણે માથે હાથ ફેરવતી હોય એવું લાગ્યું, ‘ભણીને તું ક્યાં બેકાર બેઠો? અને તેં કંઈ ઓછી ચાકરી કરી છે મારી! સવારે વહેલો ઊઠીને ઘરનાં કામ કરે, ટ્યુશન આપવા છોકરાઓના ઘરે જવાને બદલે ઑનલાઇન ભણાવે જેથી હું એકલી ન પડું... મારો ગંદવાડ તેં સાફ કર્યો દીકરા. તને જન્મ આપીને હું તો ધન્ય થઈ. મનમાં કોઈ વસવસો રાખીશ નહીં બેટા. હવે તને તક મળી છે તો મન લગાવીને કામ કરજે અને તારી જોડે શોભી ઊઠે એવી રૂડીરૂપાળી વહુ લાવજે.’
વહુ. અનિરુદ્ધના ગાલે સુરખી છવાઈ. એક ગામ, એક નામ, વરસાદની એક રાત સ્મૃતિમાં ઘડી-બે ઘડી સળવળી રહી. પછી હળવો નિઃશ્વાસ સરી ગયો.
‘આમ નિસાસા ન નાખ અનિ!’ લાડથી ઠપકારીને માએ અછો વાનાં કર્યાં, ‘ઈશ્વરે કામ આપ્યું છે તો લગનથી કરજે. હું સ્વર્ગમાંથી આશિષ પાઠવતી જ હોઈશ એટલો વિશ્વાસ રાખજે. ક્યાં નોકરી મળી છે?’
અને અનિરુદ્ધ સહેજ ઝંખવાયો : માને તો કામ એટલે નોકરી એવું જ હોયને!
પણ આ નોકરી નથી... કોઈની હત્યાની સોપારી છે. જોકે માને આવું કહેવાનું ન હોય એટલે અનિરુદ્ધે ‘બધું ઠીક છે મા, તું મારી ચિંતા ન કર...’ કહેતાં મા ફરી તસવીરમાં સ્થિર થઈ એની રાહત અનુભવતાં અનિરુદ્ધે પથારીમાં લંબાવ્યું, પરોઢના સમણાની અસર ખંખેરવી હોય એમ જાતને સજ્જ કરી:
કોઈને મારવાના મારા સંસ્કાર નથી, પણ માએ સિંચેલા સંસ્કારોએ અને આદર્શોએ તેને શું આપ્યું - રિબામણીભર્યું મોત? મને શું આપ્યું - જિંદગીભરનો અફસોસ? માના અવસાન પછી મળેલી ઑફરે ભીતરના આક્રોશને ભડકાવ્યો હતો : જ્યારે મને રૂપિયાની અદમ્ય જરૂર હતી ત્યારે રિસાઈ રહેલી નગુણી કુદરત આમ વરસી રહી છે કે પછી મને હત્યાના રસ્તે વાળીને મને મારી નજરમાંથી વધુ પાડવાની મજા માણી રહી છે? એવું જ હોય તો હું તેનાથી વધારે નગુણો, નિષ્ઠુર થઈને દેખાડીશ... પૈસા ખાતર એક શું, અનેક હત્યાઓ કરીશ.
અત્યારે પણ અનિરુદ્ધનું દિમાગ ધમધમ થઈ રહ્યું હતું : આજે માનાં ક્રિયાપાણી પતે એટલે આજની રાતે કૉન્ટ્રૅક્ટ કિલર તરીકેની કારકિર્દીનો શુભારંભ થઈ ગયો જાણો.
તેણે વધુ એક વાર કાંદિવલીનું સરનામું ગોખ્યું : આશાનગરી, ચોથો માળ, ફ્લૅટ-નંબર ૪૦૧.
પછી દમ ઘૂંટ્યો : બી રેડી ટુ ડાય મિસિસ નથવાણી... મધરાતે તમારો કાળ આવી રહ્યો છે.
lll
હંસલા હાલો રે હવે મોતીડાં નહીં રે મળે...
વહેલી સવારે ગૅસ પર ચાનું પાણી ચડાવતી લજ્જાના હોઠ પર અનાયાસ લતાજીનું ગુજરાતી ગીત આવી ગયું, અંતરમાં ઉદાસી ઘૂંટાઈ : લગ્નનાં બે વર્ષમાં પરણેતરની સવાર કોઈ મીઠા ઉજાગરાના ગીતને બદલે દર્દીલા ગાણાથી થતી હોય એ એટલું તો સૂચવી જ જાય છે કે બિચારી સાસરામાં સુખી નહીં હોય.
‘આ તો ઝાંઝવાંનાં પાણી...’ બીજી કડી લલકારતાં તેની નજર બેડરૂમ તરફ ગઈ, જડબાં સહેજ તંગ બન્યાં, ‘આશા જૂઠી રે બંધાણી...’ ગાતાં લજ્જાનું મુખ રતાશ પકડવા લાગ્યું, ભીતર ચાના પાણીની જેમ તપવા લાગ્યું.
‘મારી લજ્જા તો બહુ ગુણવંતી...’
મા કેટલા ગર્વથી કહેતી.
લજ્જા વાગોળી રહી:
ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા તિઘરા ગામની વસ્તી ઝાઝી નહીં, ખોરડાં પણ સાધારણ; પરંતુ લજ્જાનું રૂપ સાધારણ નહોતું. બે કાંઠે વહેતી નદી જેવું અલ્લડ જોબન ઓઢણીમાં સમાય એવું ક્યાં હતું! લજ્જાથી બે નાની બહેનો હતી; પણ તેની તોલે આવે એવું ગામમાં તો શું, નજીકના શહેરમાં પણ કોઈ નહીં હોય.
‘રૂપ તો આજે છે ને કાલે નથી...’ દમયંતીમા દીકરીઓને, ખાસ તો લજ્જાને કહેતાં, ‘તમે તો છોકરીની જાત છો, કાલ ઊઠીને સાસરે જશો ત્યારે યાદ રાખજો કે તમારે સાસરું અને પિયર એમ બેઉ ઘરની આબરૂનાં રખોપાં કરવાનાં છે... અને એ તમારા સંસ્કારથી ઊજળશે!’
આમાં લજ્જાને ઇનકાર પણ ક્યાં હતો? સ્કૂલ-કૉલેજના ભણતર સાથે તે ઘરકામમાં ઘડાઈ હતી. આંગણાની રંગોળીથી રસોઈના સ્વાદ-સોડમ સુધીનાં કામોમાં તેનો જવાબ નહોતો. સખીઓ સાથે મસ્તી-મજાકમાં તે ખીલી ઊઠે, પણ છોકરાઓ સાથે તો કૉલેજમાં પણ હાય-હલો નહીં. ગામડાના ઉછેરનું બંધારણ જ એવું. બીજી દરેક છોકરીની જેમ લજ્જાએ પણ સ્વીકારી લીધેલું કે અભ્યાસ પૂરો થતાં મા-બાપ દેખાડે એમાંથી કોઈ છોકરો પસંદ કરીને પરણી જવાનું, સાસરિયાંની સેવા કરવાની, પતિને સુખી કરવાનો, છોકરાં જણીને ઉછેરવાનાં... આજ તો નારીનાં ધર્મ અને કર્મ!
શા માટે હું જાતને છેતરતી રહી!
અત્યારે પણ લજ્જાએ અફસોસ ઘૂંટ્યો : બીજા કોઈને નહીં તો કમસે કમ માને ઇશારો આપ્યો હોત કે આયનામાં ક્યારેક ખુદને જોતાં ચિત્તમાં એક છોકરો અંધારાના આગિયાની જેમ ચમકી જાય છે તો...
તો મારી સવાર આમ ઉદાસીભરી નહીં પ્રણયપ્રચુર હોત! મન મદહોશ હોત અને તન...
લજ્જાએ વળી બેડરૂમ તરફ દૃષ્ટિપાત કરી લીધો.
મારાથી માને કહેવાયું નહીં... બાકી ચડતી જવાનીનો ઊભરો કંઈ ઓછો હતો. એમાં આગિયા જેવા પેલા છોકરાનો ઝબકારો કેવો અગ્નિ પેટાવી જતો! સંસ્કારનો ચાબુક વકરવા જતી વૃત્તિને વશમાં રાખતો. લજ્જા જાતને સમજાવતી : લગ્ન પછી પતિ સાથે કામસુખ માણવામાં સંસ્કારનો લોપ નથી ગણાતો... ત્યાં સુધી ખમી ખા!
આવામાં અહીંનું માગું આવ્યું ત્યારથી ઘરે સૌ કેટલા ખુશ હતા : છોકરો સુરતનો છે પણ નોકરી અર્થે મુંબઈ એકલો રહે છે, કાંદિવલીમાં પોતાનો ફ્લૅટ છે... પગાર પણ સારો અને દેખાવડો પણ ખરો.
ના, દેખાવમાં તો મને બ્રિજ સાધારણ જ લાગ્યો હતો... ક્યાં પેલો આગિયા જેવો છોકરો ને ક્યાં બ્રિજ. સરખામણી શક્ય જ નહોતી, પણ છોકરીએ તો વળી છોકરાનું રૂપ જોવાનું હોય - એ જ ગામડાની વિચારધારાએ મને જકડી રાખી. વળી પેલો છોકરો સાવ સાધારણ સ્થિતિનો એટલે માને કદાચ કહું તો પણ તે બ્રિજનું પલડું જ ભારે ગણાવશે એવું પણ ધારી લીધું અને વહુ બનીને અહીં આવી ગઈ : આશાનગરી, ચોથા માળે, ફ્લૅટ-નંબર ૪૦૧.
સલોણી સુહાગરાતે ભીતર સંઘરાયેલાં અરમાન તોફાને ચડ્યાં હતાં. ફૂલોમઢી સેજ પર સંકોરાઈને બેઠેલી દુલ્હનની નજર દરવાજા પર હતી, કાન કોઈનાં પગલાંની આહટ સાંભળવા આતુર હતા ને ચિત્તમાં કલ્પનાનો ગુબ્બારો ફુલાઈ રહ્યો હતો : હમણાં બ્રિજ આવશે... મારા પડખે બેસીને ઘૂંઘટ ખોલશે, હું તેમને કેસરિયા દૂધનો પ્યાલો ધરીશ ને તે હળવું હસીને મારો ગ્લાસ બાજુએ મૂકશે : આજે દૂધ નહીં તમારા રૂપનો આસવ પીવો છે મારા રુદિયાની રાણી!
કહીને તે મને જકડી લેશે. હું દેખાવ ખાતર આનાકાની કરીશ, ત્યાં તો તે મારા હોઠો પર તેના હોઠ મૂકી દેશે અને પછી... પછી...
ઓ મા! લજ્જા સિસકારી ઊઠેલી. જાત પર ગુસ્સો પણ ચડ્યો હતો : આવું શું ઘેલું. આ જ તારા સંસ્કાર!
સંસ્કાર... સંસ્કાર! લજ્જાની ભીતર બીજી લજ્જાએ માથું ઊંચક્યું: જવાનીમાં રગોમાં કામ સળવળે એ સ્વાભાવિક ગણાય. અને હું કંઈ સાધ્વી છું કે વારે-વારે સંયમની લગામ તાણવા બેસી જાઉં? કુંવારી અવસ્થામાં તું આમ જ આડી ફાટીને મને અટકાવતી, પણ હવે શું છે? હવે હું પરણી ચૂકી છું, પતિ સાથે મન ભરીને કામસુખ માણવાની. મહેરબાની કરીને મારા શયનખંડમાં સંસ્કારની દુહાઈ દેવા ફરી પ્રગટતી નહીં!
અને બેડરૂમનો દરવાજો ખૂલવાના અવાજે અત્યારે પણ લજ્જાને વિચારવમળમાંથી ઝબકાવી મૂકી.
બગાસું ખાતો બ્રિજ દીવાનખંડની બેઠકે વળી સોફા પર ગોઠવાયો : લજ્જા, આઇ ઍમ અવેક!
જાગી તો હું પણ ચૂકી છું! લજ્જાની ભીતર પડઘો ઊઠ્યો.
‘લો, મુંબઈમાં પાછી આજથી ૩ દિવસ ભારે વરસાદની આગાહી છે...’ છાપાનાં પાનાં ફેરવતાં બ્રિજે કહ્યું. લજ્જાની નજર રસોડાની બારી બહાર ગઈ. વાતાવરણમાં પલટો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું.
ગોરંભાયેલાં વાદળાંને હવે વરસી જ જવા દો... વરસ્યા વિના પવન એમને દૂર તાણી જાય એવું હવે નહીં બને.
અને લજ્જાએ ગૅસ બંધ કરી દીધો. ચા ઊકળી ગઈ હતી, પણ ભીતરનો ઉકળાટ...
ચાની તપેલી પર સાણસીની પકડ જમાવતી લજ્જાના કાંડાની નસ
ઊપસી : ભીતરની એ આગ બુઝાવવાનો ઇન્તઝામ પણ મેં કરી લીધો છે. મુંબઈમાં રહી એટલી મૉડર્ન તો જરૂર થઈ ચૂકી છું કે પતિની ગેરહાજરીમાં એસ્કોર્ટ તેડાવીને પરણ્યાનાં બે વર્ષ સુધી સાવ કોરાકટ રહ્યાની અતૃપ્તિનો ઇલાજ કરી શકું!
આજે રાતે પહેલી વાર કોઈ પરપુરુષનાં પગલાં અમારા શયનખંડમાં પડશે અને...
લજ્જાએ વિચારબારી બંધ કરી દીધી.
(ક્રમશઃ)
