આખી વાર્તા વાંચો અહીં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘આ જહાજ પર બધા પુરુષોની એક જ તો સગલી છે... કાવેરી રૉય!’
તાનિયા-અતીતની નજરો મળી, છૂટી પડી. શિપની પ્રથમ સાંજે વેલકમ-પાર્ટીમાં કાવેરીની હાજરી જાહેર થતાં ખાસ કરીને પુરુષવર્ગમાં આવેલો ઉછાળો દેખીતો હતો. વેકેશન માણવા નીકળેલી એ સામેથી કોઈ સાથે ભળે નહીં. રિક્વેસ્ટ કરો તો સેલ્ફી પડાવવા તૈયાર થાય ખરી.
‘આજે ત્રણ દિવસ થયા, સુથારનું ચિત્ત બાવળિયે હોય એમ માનસની નજર કાવેરીની શોધમાં જ ભટકતી હોય. આ મારા પત્નીત્વનું અપમાન નથી?’
મૌનવી એકાએક આટલી આળી કેમ થઈ એ તાનિયા-અતીતને સમજાયું નહીં. ‘શિપ પર કાયમ તો ગ્રુપમાં રહેવાય નહીં, પણ લંચ કે ડિનરમાં મળવાનું થતું ત્યારે કપલ ખુશમિજાજ લાગતું. હા, મૌનવી કાવેરીને લઈને માનસની ટીખળ કે ફરિયાદ કરી લેતી ખરી, પણ અત્યારનો તેનો રોષ મામલો ગરમાયો હોવાની ગવાહી પૂરે છે. કાલે રાતે ડિનર પછી છૂટાં પડ્યાં ત્યાં સુધી તો બધું બરાબર હતું, આજના દિવસમાં એવું તે શું બન્યું?’
‘આ જુઓ...’ તેણે મોબાઇલ દેખાડ્યો, ‘બપોરે અમે થિયેટરમાં જતાં હતાં, કાવેરી એ તરફ આવી હોવાનું જાણીને માનસ મને થિયેટરમાં મૂકીને વૉશરૂમના બહાને નીકળ્યા, પણ હું તેની રગરગ જાણું. થિયેટરની બહાર નીકળીને તેની સગલી સાથે સેલ્ફી પાડતા માનસને જોઈને તેની કરણીનો આ પુરાવો ફોટોરૂપે મેં સેલફોનમાં જકડી લીધો. પછી રૂમ પર માનસનો ઊધડો લીધો તો કહે, એ તો મારા ફ્રેન્ડ્સને જલાવવા માટે સેલ્ફી પોસ્ટ કરવી’તી.’
‘પૉર્નસ્ટાર સાથેનો સેલ્ફી મિત્રોને બતાવીને તેમને જલાવવાની ચેષ્ટાને શું કહેવું?’
‘માનસના દોસ્તોય ઓછા નથી. અધરવાઇઝ પણ કાવેરી તેમની બેઠકનો કૉમન ટૉપિક હોય છે!’ આવેશમાં મૌનવીને અતીતની હાજરીનો સંકોચ પણ નડતો ન હોય એમ તે બોલી ગઈ, ‘અમારા બેડરૂમના ટીવીના પડદે કાવેરીની હાજરી માનસમાં નવું જ જોમ પ્રેરતી, આજે થાય છે કે એ પળોમાં માનસ માટે હું ક્યાંય હતી જ નહીં, એ તો મને જ કાવેરી સમજી....’
મૌનવી અટકી. અતીત સમજીને આઘોપાછો થઈ ગયો - ‘હું માનસને ખોળી લાઉં...’
પોતાનું અંગત ઉખેળતી મૌનવીને તાનિયાએ હિંમત બંધાવી, ‘તું વધુ પડતું વિચારે છે મૌનવી.’
‘નહીં તાનિયા...’ મૌનવીએ ડોક ધુણાવી, ‘મિત્રોને સેલ્ફી પોસ્ટ કરનારની મહેચ્છા તો કાવેરી સાથેના શયનનો વિડિયો ઉતારવાની જ હોયને.’
‘અરે!’ તાનિયાથી હસી જવાયું, ‘એમ માનસના ધારવાથી શું થવાનું? કાવેરી કાંઈ એમ કોઈને ભાવ આપતી હશે!’
‘માનસ કોશિશ તો કરે છેને. અત્યારે પણ સુલેહ કરીને અમે શૉપિંગ માટે નીકળ્યાં તો જાણે ક્યારે મારો હાથ છોડાવીને સરકી ગયો! જરૂર તે કાવેરી સાથે કોઈ મેળ ગોઠવવા જ ગયો હોય.’
માનસના જવાથી શું વળવાનું એવી દલીલ મૌનવી માટે જોકે વ્યર્થ નીવડવાની એ સમજતી તાનિયાએ જોયું તો અતીત માનસને દોરી લાવતો દેખાયો. તેણે માનસને સમજાવ્યોય હશે એટલે તેણે મૌનવીની માફી માગી લીધી.



