ડિટેક્ટિવ સોમચંદને અભયના ખૂનમાં રહસ્ય દેખાય છે. ખંજર મારનાર સુરેશ કબૂલાત કરે છે કે અભય પહેલેથી જ મરી ચૂક્યો હતો. હવે સવાલ છે કે ઝેર કોણે આપ્યું અને કાળી બૅગ સાથે નીકળેલો ત્રીજો માણસ કોણ હતો? તપાસ વધુ ગૂંચવાઈ રહી છે.
ઇલસ્ટ્રેશન
‘હું એ જ કહું છું... જે સ્પષ્ટ હોય એ જ ઘણી વાર વધારે અસ્પષ્ટ હોય છે.’ ડિટેક્ટિવ સોમચંદે સાવંતની સામે જોયું, ‘એક વત્તા એક બે થાય, પણ દરેક વખતે નહીં સર...’
સાવંત સમજ્યા નહીં અને સોમચંદ પાસે અત્યારે તેને સમજાવવા માટે સમય પણ નહોતો. સોમચંદે રૂમમાં નજર કરી અને પછી ધીમા પગલે રૂમમાં આગળ વધ્યા. તેણે આખો રૂમ આંખોથી સ્કૅન કર્યો અને એ પછી તે ટેબલ પાસે ગયા અને ઝૂકીને અભયના ચહેરાને જોયો. પછી છાતીમાં ખૂંપેલા ખંજરને જોયું. ટેબલ પર પડેલી મીણબત્તી અને નીચે તૂટેલા કાચના ટુકડા જોયા.
સોમચંદના હોઠના ખૂણે સ્માઇલ આવી ગયું. તેણે મોઢામાંથી ન સળગાવેલી સિગારેટ ફરી બહાર કાઢી, ટેબલની કિનારી પર બે વાર હળવેથી ખંખેરી અને પછી સાવંતની સામે જોયું.
‘તમે જે સુરેશને પકડવા માટે ગાડીઓ દોડાવી તે માણસ એક નંબરનો મૂરખ અને ઍમૅચ્યોર છે. તેણે ખંજર ચોક્કસ માર્યું છે... પણ તેણે ખૂન નથી કર્યું.’
સાવંતની આંખો પહોળી થઈ ગઈ.
‘કાય?! મગજ ઠેકાણે છે તમારું? છાતીમાં ખંજર ભોંકાયેલું છે, લોહી વહે છે અને તમે કહો છો કે તેણે ખૂન નથી કર્યું?’
‘આંખો જે જુએ એ બધું સાચું નથી હોતું ઇન્સ્પેક્ટર.’ સોમચંદે સિગારેટ ફરી હોઠમાં દબાવી, ‘ધ્યાનથી લાશનું મોઢું જુઓ, આ ફીણ જુઓ, તેના હોઠનો ભૂરો રંગ જુઓ. આ લક્ષણો સાઇનાઇડ કે બીજા કોઈ કાર્ડિઍક પૉઇઝનનાં છે અને સૌથી મોટી વાત... આ ઘા જુઓ. જો માણસ જીવતો હોય અને તેને આટલું ઊંડું ખંજર વાગે તો લોહીની ધાર સામેની દીવાલ સુધી ઊડે. અહીં લોહી ધીમેથી બહાર નીકળીને જામી ગયું. એનો સાયન્ટિફિક અર્થ એ કે જ્યારે ખંજર વાગ્યું ત્યારે અભયનું હાર્ટ બંધ હતું. ઝેરની અસરને કારણે અભયનું ડેથ થઈ ચૂક્યું હતું.’
સાવંત સ્તબ્ધ થઈ ગયા. તેમનો બધો આત્મવિશ્વાસ એક પળમાં ડગી ગયો.
સોમચંદે રૂમમાં નજર કરતાં વાત આગળ વધારી...
‘સુરેશ જો પ્રોફેશનલ કિલર હોત તો તે પોતાનું નામ લખેલી ચિઠ્ઠી અહીં ભૂલીને જાય નહીં. તે ગભરાયેલો હતો. તે આવ્યો, તેણે અંધારામાં લાશ પર ખંજર ચલાવ્યું અને ભાગી ગયો. જોકે એ પહેલાં આખી ગેમ રમાઈ ચૂકી હતી.’
સોમચંદ અચાનક દરવાજા તરફ ફર્યા.
‘મારું માનવું છે કે રિયલ મર્ડરર અત્યારે અહીં જ છે. આ બંગલામાં અને કાં તો આપણી આસપાસમાં...’
એ જ ક્ષણે બંગલાના નીચેના હૉલમાંથી કોઈ લેડીનો જોર-જોરથી રડવાનો અને સાથે જ કોઈ પુરુષનો દલીલો કરવાનો અવાજ આવ્યો.
સોમચંદે સિગારેટને હોઠ વચ્ચે સ્થિર કરી અને સાવંત સામે જોયું:
‘સાવંતસાહેબ, નાટકનો પહેલો સીન પૂરો. હવે રિયલ કૅરૅક્ટર્સ સ્ટેજ પર આવે છે, ચાલો.... નીચે બાકીના શંકાસ્પદોને મળીએ.’
બહાર વીજળીનો ભયાનક કડાકો થયો. આખા કાર્ટર રોડ પર અંધકાર વધુ ઘેરો બની ગયો અને ‘દોશી વિલા’ના કાચની બારીઓ પર ભૂતાવળ જેવા પડછાયા નાચતા દેખાતા હતા.
lll
નીચેના વિશાળ લિવિંગરૂમમાં જૂની પેઢીનું ઇટાલિયન શૅન્ડલિયર અડધીપડધી પીળી રોશની ફેંકતું હતું. ઇન્વર્ટરને કારણે બે નાઇટ-બલ્બ જલતા હતા. રૂમના સોફા પર બે વ્યક્તિ બેઠી હતી. એક હતી માયા, અભયની પત્ની. માયા મોં પર કાળો રેશમી રૂમાલ દાબીને ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી તો તેની બાજુમાં દેવેન ઊભો હતો. દેવેન પારેખ અભયનો બિઝનેસ-પાર્ટનર હતો.
‘સર, આ બધું શું છે? મારા હસબન્ડનું ખૂન કેવી રીતે થાય?’ માયાએ સાવંતને જોતાં જ ચીસો પાડવી શરૂ કરી દીધી, ‘સાંજે તો અમે જુહુ એક પાર્ટીમાં ગયાં હતાં... પછી અભયને હેડેક શરૂ થયું એટલે તે ઘરે આવી ગયા... હું હમણાં આ દેવેનની ગાડીમાં પાછી આવી ત્યારે સુમન પાસેથી ખબર પડી...’
દેવેન પારેખે પણ સાવંત સામે હાથ લંબાવ્યો.
‘હું દેવેન પારેખ... અભયનો પાર્ટનર. અભય ઇઝ લાઇક માય બ્રધર... થયું શું સર? કોઈ ચોર આવ્યો અને તેણે આ કર્યું? જનરલી ઘરમાં કરોડો રૂપિયાની જ્વેલરી અને કૅશ હોય છે... એને લીધે...’
સોમચંદ ખૂણામાં ઊભા રહીને માયા અને દેવેનના એક્સપ્રેશનનું ઍક્સ-રે જેવું સ્કૅનિંગ કરતા હતા. તેના મોઢામાં હજી પણ સિગારેટ અકબંધ હતી. સિગારેટ પીવાની છોડી દીધા પછી પણ હોઠ વચ્ચે સિગારેટ રાખવાની તેની આ આદત છૂટી નહોતી.
માયાના હાથની આંગળીઓ પર સોમચંદની નજર પડી. મોંઘી મરૂન કલરની નેઇલપૉલિશ હતી, પણ ડાબા હાથની અનામિકા પરથી નખનો એક ખૂણો અડધો તૂટેલો હતો અને ત્યાં સહેજ લોહી જામી ગયું હતું. સોમચંદે દેવેન પર નજર કરી. દેવેનના શર્ટની બાંય કોણી સુધી વાળેલી હતી અને તેના કાંડા પર કાંટાવાળા તાર કે લોખંડની જાળીથી થયેલો નવો તાજો ઘસરકો આછા પ્રકાશ વચ્ચે પણ દેખાતો હતો.
‘તમે શાંત પડો...’ સાવંતે દેવેનની સામે જોયું, ‘ઘરમાં કોઈ ચોરી નથી થઈ. મર્ડરર અમારી નજરમાં છે. સુરેશ શાહ નામનો માણસ...’
સાવંત હજી તો પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ બંગલાના પૉર્ચમાં પોલીસની જીપની જોરદાર બ્રેકનો અવાજ આવ્યો.
ચીઇઇઇ...
અવાજ પરથી રીતસર ખબર પડતી હતી કે ટાયરો સહેજ લપસ્યાં હતાં. અડધી જ મિનિટમાં બે હવાલદારો એક માણસને ઢસડતા અંદર લઈને આવ્યા.
‘સાહેબ, આ છે સુરેશ શાહ...’
સુરેશના આખા શરીર પર કાદવ અને ગટરનું ગંદું પાણી હતાં. વરસાદમાં તે સાવ નિચોવાઈ ગયો હતો. તેના હોઠ ફિક્કા પડી ગયા હતા અને શરીર વાઈના દરદીની જેમ ધ્રૂજતું હતું. સાવંતની ટીમે તેને કાર્ટર રોડના છેડે આવેલા ઓમકારેશ્વર મંદિર પાસેથી પકડી લીધો હતો, જ્યાં તે ગુજરાતની બસની રાહ જોતો સંતાયેલી અવસ્થામાં ઊભો હતો.
lll
‘બસમાં ભાગવાની પેરવીમાં જ હતો... એમાં પકડાયો.’
સુરેશ જમીન પર બેસી ગયો. તેણે માયા અને દેવેન સામે જોયું અને પછી સાવંતનાં બૂટ પકડી લીધાં.
‘સાહેબ, મેં કંઈ નથી કર્યું. મને છોડી દો... મને ફસાવવામાં આવ્યો છે.’
સટાક...
સાવંતનો પિત્તો ગયો. તેણે સુરેશના કાન નીચે સણસણતો લાફો ચોડી દીધો.
‘તારાં લોહીવાળાં ગ્લવ્ઝ સ્ટડી-રૂમમાંથી મળ્યાં, તારી ધમકીવાળી ચિઠ્ઠી મળી, તારા અંગૂઠાની છાપ છે એ પણ ફિંગરપ્રિન્ટમાં આવી જ જવાની છે...’ ઇન્સ્પેક્ટર સાવંતની કમાન બરાબર છટકેલી હતી, ‘હજી ખોટું બોલે છે?! સીધેસીધું કહી દે શું કામ તેં મર્ડર કર્યુ... બોલ ફટાફટ...’
ધાડ.
સાવંતે સુરેશને લાત મારી અને સુરેશ રડવા લાગ્યો, ગળે ડૂમો ભરાઈ ગયો. તે કંઈ બોલે એ પહેલાં સોમચંદ આગળ આવ્યા. તેણે સાવંતનો હાથ હળવેથી પકડીને નીચે કર્યો.
‘સાવંતસાહેબ, થર્ડ ડિગ્રીથી શરીર તૂટે, સત્ય નહીં...’
સોમચંદ સુરેશ પાસે નીચે બેઠા અને તેના માથે હાથ ફેરવ્યો.
‘સુરેશ, હું સોમચંદ શાહ. મને ખબર છે આંકડાકીય ઘાલમેલ કરી શકનારા ક્યારેય ચાકુ કે ખંજર સાથે ઘાલમેલ ન કરી શકે... અકાઉન્ટ હૅન્ડલ કરવા માટે બુદ્ધિ જોઈએ અને માણસને મારવા માટે કાળજું... જે તારી પાસે નથી. સાચેસાચું કહી દેજે, શું થયું હતું એ રૂમમાં?’ સોમચંદે તાકીદ પણ કરી, ‘સાચું બોલીશ તો તારી સાથે રહીશ, બાકી આને સોંપી દેવામાં મને જરા પણ વાર નહીં લાગે.’
lll
‘હા... સાચું, હું ગયો હતો અભયભાઈના રૂમમાં.’ સુરેશે ધ્રૂજતા અવાજે કહ્યું, ‘મારે તેમને મારી જ નાખવા હતા. તેમણે મારું જીવવું હરામ કરી નાખ્યું હતું. સ્ટૉકમાર્કેટમાં મેં મારી રીતે થોડી રમત કરી એમાં પૈસાની જરૂર પડી એટલે અભયભાઈના અકાઉન્ટમાંથી મેં ઑનલાઇન પચાસ લાખ લઈ લીધા અને તેમણે એ પકડી પાડ્યું. જોકે પછી મને કાઢી મૂકવાને બદલે કે પોલીસમાં પકડાવવાને બદલે તે મારી પાસે રોજ કાળાં કામ કરાવતા. આજે સવારે તેમણે મને બધાની હાજરીમાં લાફો માર્યો, મારી વાઇફ માટે જેમ ફાવે એમ બોલ્યા અને મને ધમકી આપી કે ૨૪ કલાકમાં મારા આખા ખાનદાનને જેલમાં નખાવી દેશે એટલે મારું મગજ ફરી ગયું હતું. હું મલાડથી ખંજર ખરીદીને લાવ્યો હતો. પાછળની બારીમાંથી અંદર ઘૂસ્યો...’
‘જોયું ઇન્સ્પેક્ટર, આણે જ મારા પતિને માર્યા છે; ફાંસી આપો આ કૂતરાને...’
માયાએ ચીસ પાડી કે તરત સોમચંદે હાથ ઊંચો કરીને તેની સામે જોયું.
‘જ્યાં સુધી મારી વાત ચાલતી હોય ત્યાં સુધી મને વચ્ચે કોઈ જોઈએ નહીં...’ સોમચંદે સુરેશ સામે જોયું, ‘હં... પછી શું થયું?’
‘રૂમમાં અંધારું હતું. એક મીણબત્તી જ સળગતી હતી.’ સુરેશ હીબકાં ભરતો હતો, ‘અભયભાઈ ખુરસી પર બેઠા હતા. તેમનું માથું ટેબલ પર ઢળેલું હતું. પાછળથી જોતાં મને લાગ્યું કે તે ફાઇલ જુએ છે. હું પાછળથી ગયો, મેં ખંજર કાઢ્યું અને પૂરી તાકાતથી તેમને મારી તરફ ફેરવીને ખંજરનો ઘા તેમની છાતીમાં કરી દીધો... પણ... પણ સાહેબ, ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હું મારું એ પહેલાં અભયભાઈ મરી ગયા હતા.’
‘કાય બકવાસ કરતોય?’
સાવંત લાત મારવા આગળ આવ્યો, પણ સોમચંદની કતરાતી નજરે તેણે પગ રોકી લીધો. સુરેશે સાવંત સામે હાથ જોડ્યા.
‘સાચું કહું છું સાહેબ, જ્યારે મેં ખંજર માર્યું ત્યારે તેમણે કોઈ રીઍક્શન આપ્યું નહીં. તેમનું શરીર બરફ જેવું ઠંડું હતું. મેં ટૉર્ચ ચાલુ કરીને જોયું તો તેમની આંખો ફાટી ગઈ હતી, મોઢામાંથી સફેદ ફીણ નીકળી ગયાં હતાં અને તેમના હોઠ એકદમ ભૂરા હતા. અભયભાઈ લાશ હતા...’ સુરેશની આંખો પહોળી થઈ ગઈ હતી, ‘મેં લાશનું મર્ડર કર્યું હતું. હું ડરી ગયો એટલે બારીમાંથી કૂદીને ભાગી ગયો. સાહેબ, મેં ડેડબૉડી પર વાર કર્યો હતો, મેં તેમને નથી માર્યા...’
લિવિંગરૂમ સોપો પડી ગયો.
દેવેનનો ચહેરો વધુ ફિક્કો પડી ગયો તો માયા રડવાનું એકદમ બંધ કરીને ફાટી આંખે સુરેશને જોઈ રહી.
‘સાવંતસાહેબ, સુરેશ સાચું કહે છે કે નહીં એ માટે કંઈ બહુ રાહ જોવાની જરૂર નથી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવશે ત્યારે ખબર જ પડવાની છે કે અભયનું મોત સાઇનાઇડ જેવા કોઈ ઝેરથી થયું છે કે પછી સુરેશના ઘાથી...’
‘ચાલો માની લઈએ, તમારી થિયરી મુજબ અભયને ઝેર અપાયું તો એ આપ્યું કોણે?’
‘એનો જવાબ આ બંગલાની દીવાલો અને આ લોકો આપશે.’ સોમચંદે કિચનના દરવાજે ઊભેલી સુમનબાઈ તરફ જોયું, ‘જવાબ અહીંથી જ મળશે...’
lll
સુમનબાઈ હજી પણ ધ્રૂજતી હતી. સોમચંદ તેની પાસે ગયો.
‘સુમનબાઈ, તુમ્હી સાંગા... જ્યારે લાઇટ ગઈ ત્યારે તમે કિચનમાં શું કરતાં હતાં?’
સુમનબાઈએ સાડીનો પાલવ સરખો કર્યો
‘સાહેબ... મી કિચન મધ્યે વાસણ ઘાસત હોતી. ત્યાં જ લાઇટ ગઈ એટલે પછી હું મીણબત્તી શોધવામાં લાગી... આ, આ જે મશીન છે એ...’ સુમને ઇન્વર્ટર તરફ હાથ કર્યો, ‘એ થોડાક વખતથી સરખું કામ નથી કરતું એટલે મીણબત્તી કરવી પડે છે.’
‘આ દરમ્યાન તમે ઘરમાં કોઈને આવતાં-જતાં જોયો?’
સુમનબાઈએ એક પળ માટે માયા અને દેવેન સામે જોયું. તેની આંખોમાં ભય હતો, જોકે પછી તેણે જે ફોડ પાડ્યો એ વધારે મોટો અને ભયાનક હતો.
‘હો સાહેબ...’ સુમનબાઈનો અવાજ ધીમો પણ સ્પષ્ટ હતો, ‘લાઇટ ગઈ એની બે મિનિટ પછી... એટલે કે ૯ વાગીને બાર-તેર મિનિટે... ઉપરના દાદરા પરથી કોઈક ફટાફટ નીચે ઊતર્યું. મેં રસોડાના દરવાજામાંથી જોયું. એક માણસ પાછળના બગીચા તરફ દોડતો જતો હતો. તેણે રેઇનકોટ પહેર્યો હતો પણ...’
‘પણ શું સુમનબાઈ, તે આ જ માણસ હતોને?’
સુમને એકસાથે અનેક વખત નકારમાં માથું ધુણાવ્યું અને તરત જ સોમચંદે ઇન્સ્પેક્ટર સાવંત સામે જોયું.
‘તે સુરેશ નહોતો સાવંતસાહેબ, તમે કેમ ભૂલો છો... સુરેશ બારીમાંથી આવ્યો હતો અને બારીમાંથી જ તે બહાર ગયો, જ્યારે તે માણસ સીધો સીડી પરથી ઊતરીને પાછળના સર્વન્ટ ક્વૉર્ટરના દરવાજેથી બહાર ગયો હતો.’
‘હા અને સાહેબ...’ સુમનબાઈએ માહિતીમાં ઉમેરો કર્યો, ‘તે માણસના હાથમાં કાળી બૅગ હતી.’
‘બરાબર ૯ વાગીને ૧૨ મિનિટની આસપાસ... રાઇટ?’ સુમને હા પાડી એટલે સોમચંદે ગણતરી માંડી, ‘સુરેશ સવાનવ વાગ્યા પછી ઘરમાં આવ્યો છે અને તે માણસ ૯ વાગીને ૧૨ મિનિટે ગયો છે. મતલબ અભય મર્યાની બરાબર ૩ મિનિટ પછી. એનો અર્થ એ કે અભયને ઝેર આપીને કોઈ આરામથી સીડીઓ ઊતરીને પાછળના રસ્તેથી નીકળી ગયું અને તેના ગયા પછી આ અણઘડ સુરેશ બારીમાંથી અંદર ઘૂસ્યો અને મડદા પર ખંજર હુલાવીને બેસી ગયો.’
‘તો આ ત્રીજી વ્યક્તિ કોણ?’
(ક્રમશ:)
