Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કેસ ફાઇલ : કાર્ટર રોડ – ૧ વત્તા ૧, દરેક વખતે ૨ ન થાય (પ્રકરણ ૩)

કેસ ફાઇલ : કાર્ટર રોડ – ૧ વત્તા ૧, દરેક વખતે ૨ ન થાય (પ્રકરણ ૩)

Published : 17 September, 2026 08:52 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દોશી વિલામાં અભયની હત્યાની તપાસ દરમિયાન માયાના તૂટેલા નખ, દેવેનની ગાડીમાંથી મળેલું સાઇનાઇડ અને સુમનબાઈ પાસેના જૂના પુરાવા અનેક રહસ્યો ખોલે છે. સોમચંદને લાગે છે કે હત્યા પાછળ હજી કોઈ મોટો ખેલાડી છુપાયેલો છે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


ત્રીજી વ્યક્તિ કોણ?
દોશી વિલાના લિવિંગરૂમમાં હાજર રહેલી દરેક વ્યક્તિના શ્વાસ થંભી 
ગયા હતા. 
‘એક વાત નક્કી છે કે તે ત્રીજી વ્યક્તિ જે છે તે આ જ ઘરની વ્યક્તિ છે...’ અચાનક યાદ આવ્યું હોય એમ સોમચંદે માયા સામે જોયું, ‘અભયનું લૉકર ક્યાં છે?’
‘હેં... હા...’ વિચારોમાંથી ઝબકી હોય એ રીતે માયાએ જવાબ આપ્યો, ‘અમારા બેડરૂમના કબાટમાં ડિજિટલ સેફ છે. શું આ ચોરી માટે...’
‘એ તો ચેક કરીએ પછી ખબર પડે...’ સોમચંદે સીડી તરફ ઇશારો કર્યો, ‘ચાલો ઉપર, જોઈએ...’
lll
બેડરૂમના કપબોર્ડનો દરવાજો ખુલ્લો હતો. એમાં લોખંડની મોટી ડિજિટલ સેફ હતી. સેફ જોઈને સાવંતના મોઢામાંથી સિસકારો નીકળી ગયો.
સેફનો દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો. લોકરનાં ખાનાં વેરવિખેર હતાં 
તો કેટલાક ડૉક્યુમેન્ટ્સ ફ્લોર પર રઝળતા હતા.
માયાના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ.
‘ઓહ ગૉડ, લૉકરનો પાસવર્ડ તો મને અને અભય બેને જ ખબર હતો.’
‘કાં તો એવું અભયે તમને દેખાડ્યું છે ને કાં તો... તમે અમને એવું દેખાડો છો.’
મૅગ્નિફાઇંગ ગ્લાસ અને પૉકેટ-ટૉર્ચ સાથે સોમચંદ આગળ વધ્યા. તેણે લૉકરના ડિજિટલ કી-પૅડ અને હૅન્ડલનું નિરીક્ષણ કર્યું અને પછી અંદર પડેલા ડૉક્યુમેન્ટ્સ જોયા. એમાં કંપનીનાં શૅર-સર્ટિફિકેટ્સ હતાં, સોનાનાં થોડાં બિસ્કિટ હતાં અને પચાસેક લાખની કૅશ હતી.
‘લૉકર લૂંટના ઇરાદાથી ખોલવામાં નથી આવ્યું.’ સોમચંદે સિગારેટ હોઠના બીજા ખૂણે ફેરવી, ‘કૅશ અને ગોલ્ડ સલામત છે. અહીંથી એક જ વસ્તુ ગાયબ થઈ છે.’
‘શું?’ 
સાવંત અને માયા બન્ને આગળ આવ્યાં.
‘કાર્ટર રોડના આ બંગલાની ઓરિજિનલ ફાઇલ અને અભય દોશીનું નવું વિલ.’ સોમચંદે જમીન પર પડેલું લાલ ફોલ્ડર હાથમાં લીધું અને સાવંતની સામે ફેરવ્યું, ‘વાંચો...’
ફોલ્ડર પર લખ્યું હતું, ‘દોશી 
વિલા - લાસ્ટ વિલ ઍન્ડ ટેસ્ટામેન્ટ.’ 
‘ફોલ્ડર છે પણ એમાં 
ડૉક્યુમેન્ટ્સ નથી...’
સોમચંદે ફરી કામે લાગ્યા અને લૉકરના ગોળ સ્ટીલના હૅન્ડલ પર ટૉર્ચનો પ્રકાશ ફેંક્યો. એ હૅન્ડલ પર એક નાનકડો, ચમકતો કટકો ચોંટેલો હતો. સોમચંદે ચીપિયા વડે એ કટકો ઉપાડ્યો.
એ મરૂન કલરની ઍક્રિલિક નેઇલપૉલિશ સાથે તૂટેલો નખનો 
ટુકડો હતો.
પીઠ ફેરવીને સોમચંદે ટૉર્ચનો પ્રકાશ માયાના ડાબા હાથ પર ફેંક્યો.
માયાના ડાબા હાથની અનામિકાનો નખ બરાબર એ જ રીતે તૂટેલો હતો જેવો ટુકડો તિજોરીના હૅન્ડલ પરથી મળ્યો હતો. 
સોમચંદે એ તૂટેલો નખ સાવંતના હાથમાં મૂક્યો અને માયા કંઈ સમજે કે કહે એ પહેલાં માયાનો ડાબો હાથ પકડીને તેની હથેળી સાવંતના બીજા હાથમાં મૂકી.
સાવંતની આંખોમાં લોહી 
ઊપસી આવ્યું.
‘મિસિસ અભય દોશી, તમે જુહુની પાર્ટીમાંથી હમણાં જ દેવેન સાથે પાછાં આવ્યાં તો પછી તમારી આંગળીનો તૂટેલો નખ શું એકલો ટૅક્સી કરીને લૉકરના હૅન્ડલને ટચ કરવા અહીં આવ્યો?’ સાવંતે ઑલમોસ્ટ ચીસ પાડી, ‘અભય દોશીનું વિલ ક્યાં છે?’
માયાના હોઠ ધ્રૂજવા લાગ્યા. તેણે દેવેન સામે જોયું કે તરત દેવેન બે ડગલાં પાછળ હટી ગયો. તેણે માયાથી અંતર બનાવીને તરત જ માયાની સામે જોયું.
‘માયા... આપણે પાર્ટીમાં ક્યારે સાથે હતાં?’ દેવેનની નજર માત્ર માયા પર હતી, ‘તું મને ૯ વાગ્યે બોરીવલી સ્ટેશન પર મળી. તેં જ મને ફોન કરીને મળવા બોલાવ્યો. તેં મને કહ્યું કે તું પાર્ટીમાંથી ૮ વાગ્યે નીકળી ગઈ તો પછી...’
‘દેવેન! તું... તું ખોટું નહીં બોલ...’ માયા ચીસી ઊઠી, ‘તું મને ફસાવે છે.’
‘શું કામ તને ફસાવું અને હું શું કામ ખોટું બોલું...’ દેવેને ડિટેક્ટિવ સોમચંદ સામે જોયું, ‘જુઓ, મારે આ બધા સાથે કંઈ નિસબત નથી. મેં જે સાચું છે એ તમને કહી દીધું. બાકી તમે આ માયાને પૂછો... અને હા, જો ચેક કરવું હોય તો માયાનો મોબાઇલ ચેક કરી લો અને કદાચ મારામાં રેકૉર્ડિંગ પણ છે. તેણે જ મને ૯ વાગ્યે સ્ટેશને મળવા બોલાવ્યો...’
માયા ચારેય દિશાએથી ઘેરાઈ ગઈ હતી. તેના નખના ટુકડાએ તેની પોલ ખોલી નાખી હતી, જેમાં ઉમેરો હવે દેવેને કર્યો હતો.
‘હા, હું આવી હતી ૮ વાગ્યે...’ માયાએ રડતી આંખોએ સોમચંદ સામે જોયું, ‘પણ મેં ખૂન નથી કર્યું. હું તો માત્ર...’
‘હું તો માત્ર.... શું?’ સોમચંદે માયા સામે જોયું, ‘તમે માત્ર વિલ ચોરવા આવ્યાં હતાંને? કારણ કે તમને ખબર પડી ગઈ હતી કે અભય અબજોનો બંગલો અને પોતાની તમામ પ્રૉપર્ટી તમારા નામે કરવાને બદલે ચૅરિટેબલ ટ્રસ્ટના નામે કરવાનો હતો. રાઇટ?’
માયા પથ્થર બનીને સોમચંદ સામે જોઈ રહી. તેની પાસે કોઈ જવાબ નહોતો.
સોમચંદ અચાનક સાવંત તરફ ફર્યા.
‘માયાએ તિજોરી ખોલી, વિલ પણ તેણે જ ગાયબ કર્યું પણ... પણ ૮ વાગ્યે જ્યારે તે અહીં આવી ત્યારે અભય જીવતો હતો એટલે ક્લિયર છે કે માયાએ મર્ડર નથી કર્યું. મર્ડર એ પછી થયું છે.’ ડિટેક્ટિવ સોમચંદે માયાની સામે જોયું, ‘૯ વાગ્યે અભયના ટેબલ પર ગ્રીન-ટીમાં જે સાઇનાઇડ આવ્યું એ ગ્રીન-ટી કોણે આપી એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન, સુમનબાઈએ ૯ વાગીને ૧૨ મિનિટે જે માણસને બ્લૅક બેગ સાથે પાછળના દરવાજાથી ભાગતા જોયો... તે કોણ?’
અચાનક બહાર વીજળી થઈ અને વીજળી થતાંની સાથે જ સોમચંદની નજર દેવેન પારેખના કાંડા પર પડેલા તાજા લિસોટા પર સ્થિર થઈ. જાણે કે દેવેનને પણ ખબર પડી ગઈ હોય એમ તેણે તરત હાથ પીઠ પાછળ કર્યો.
‘હાથ છુપાવવાનું કારણ?’ સોમચંદે દેવેન પારેખ પર સીધો મર્મભેદી ઘા કર્યો, ‘એ જે ઘસરકો છે એ કાચનો નથી. તમારા બિઝનેસ-પાર્ટનરના બંગલાની પાછળ જે બોગનવેલ છે એનો કાંટો વાગવાથી આ ચામડી છોલાઈ છે. બોગનવેલને પાણી પિવડાવવાનું કામ તમારું છે?’
‘મિસ્ટર સોમચંદ, માઇન્ડ યૉર લૅન્ગ્વેજ...’ દેવેનની આંખો લાલ થઈ ગઈ, ‘હું અભયનો બિઝનેસ-પાર્ટનર છું, ગાર્ડનર નહીં...’
‘વાગ્યું શું?’
‘ગાડીનો દરવાજો ખોલતાં વાગ્યું.’
‘ખોટું બોલે છે આ...’ 
ડૂસકાં ભરતાં માયા 
ઊભી થઈ. તેનો ચહેરો તમતમતો હતો. 
‘સોમચંદ, આ દેવેન ઓછી માયા નથી. દેવેન અને મારી વચ્ચે છેલ્લા એક વર્ષથી રિલેશન છે. તેણે જ મને ચડાવી કે અભય આપણી વચ્ચેથી હટી જાય તો આપણા બધા રસ્તા ખૂલી જાય. આ બંગલા માટે દેવેને એક બિલ્ડર પાસેથી ૧૦૦ કરોડની ડીલપેટે ૧૦ કરોડનું ટોકન પણ લઈ લીધું હતું. અભય બંગલો વેચવા રાજી નહોતો અને બિલ્ડર દેવેનને ધમકાવતો હતો.’ માયા એકશ્વાસે બોલતી જતી હતી, ‘દેવેને જ મને કહ્યું હતું કે વિલ ચોરી લે, બાકીનું કામ તે સંભાળી લેશે. તેણે જ મને કહ્યું હતું કે આપણે આ બધું વેચીને કાયમ માટે દુબઈ શિફ્ટ થઈ જઈશું.’
રૂમમાં સોપો પડી ગયો અને દેવેનનો ચહેરો કાળોમેંશ.
‘માયા, આઇ વિલ...’ 
દેવેન આગળ વધે એ પહેલાં ઇન્સ્પેક્ટર સાવંતે રિવૉલ્વર કાઢી. 
‘હલચલ નકો...’ સાવંતે દાંત પીસ્યા. ‘મિસ્ટર પાર્ટનર... બિલ્ડરનું દેવું ચૂકવવા અને દોસ્તની પત્ની સાથે ભાગવા માટે તેં અભયને મારી નાખ્યો. શિંદે, હાથકડી કાઢ.’
‘સાવંતસાહેબ, કેસ પૂરો કરવાની તમને બહુ ઉતાવળ છે... ઊભા રહો.’ સોમચંદે વચ્ચે હાથ નાખ્યો. ‘આપણે હજી દેવેનની ગાડી ચેક કરવાની છે.’
lll
પાંચ મિનિટમાં બધા દેવેનની કાળી મર્સિડીઝ પાસે હતા.
મર્સિડીઝની ડિકીમાં ટૂલકિટ બૉક્સ, સ્પેર વ્હીલ અને બ્લૅક લેધર બૅગ હતી. સાવંતે ગ્લવ્ઝ પહેરીને બૅગની ચેઇન ખોલી. અંદરથી પ્લાસ્ટિકના બબલ-રૅપમાં લપેટેલી કાચની ડાર્ક બ્રાઉન બૉટલ નીકળી.
લેબલ પર ખોપરીનું નિશાન હતું અને નીચે લખ્યું હતું : પોટેશિયમ સાઇનાઇડ કમ્પાઉન્ડ – ઇન્ડસ્ટ્રિયલ પેસ્ટ કન્ટ્રોલ.
‘સાવંત, બૉટલ જુઓ...’ સોમચંદે બૉટલને હાથ લગાડ્યા વિના જ કહ્યું, ‘બૉટલનું સીલ તૂટેલું છે અને અડધું લિક્વિડ વપરાયું પણ છે.’ 
‘અરે વાહ સોમચંદ, માની ગયા તમારી આંખને...’ સાવંત હવે દેવેન તરફ ફર્યા, ‘હવે કંઈ કહેવું છે... દેવેન કે આગળની સ્ટોરી હું કહું... હું જ કહું. સાંભળ. કાલે તેં આ સાઇનાઇડ ખરીદ્યું, આજે બંગલામાં આવીને અભયની ગ્રીન-ટીમાં ભેળવ્યું અને પછી કાંટાવાળી વાડ કૂદીને ભાગ્યો. સુમનબાઈએ આ જ કાળી બૅગ જોઈ.’
દેવેન ધ્રૂજવા લાગ્યો. 
‘હું... હું સાચું કહું છું સાહેબ... મેં આ કેમિકલ મગાવ્યું, પણ એ મારી ફૅક્ટરીના ગોડાઉનમાં ઉંદર મારવા માટે હતું. કોઈએ મારી ગાડીમાં આ મૂકી દીધું છે. મેં અભયને નથી માર્યો... ગૉડ પ્રૉમિસ... મેં તો ઉંદરોને મારવા...’
‘ગોળી મારો તેના ઉંદરોને!’ સાવંતે હવાલદારને ઇશારો કર્યો, ‘લઈ લે આને...’
સોમચંદ ચૂપ રહ્યા. આટલી સહેલાઈથી મળતા પુરાવા સ્વીકારવા તેમનું મન તૈયાર નહોતું. સોમચંદ સીધા બંગલાના પાછળના ભાગમાં આવેલા કિચનમાં ગયા.
lll
કિચનમાં અંધારું હતું, માત્ર સિન્ક પાસે રાખેલી એક મીણબત્તી હજી પ્રકાશ આપતી હતી. પ્લૅટફૉર્મ પર અડધાં ધોયેલાં ડિનરનાં વાસણો પડ્યાં હતાં અને ખૂણામાં સુમનબાઈ બેઠી હતી. તેના ખોળામાં તેનું જૂનું રેક્ઝિનનું કાળું પર્સ હતું. સોમચંદને આવતા જોઈને સુમનબાઈ સહેજ ચમકી અને તેણે પર્સ સાડીના પાલવ નીચે છુપાવવાનો પ્રયત્ન કર્યો.
સોમચંદની નજરે એ હરકત 
પકડી લીધી.
‘સુમનબાઈ, હાથમાં શું છે?’ 
‘કાહી નાહી સાહેબ... માઝી 
થેલી આહે.’
‘લાવો અહીં...’ 
સાવંત પણ સોમચંદની પાછળ કિચનમાં આવ્યા હતા. સુમનબાઈનો હાથ પર્સ આપવા રાજી નહોતો એ જોયા પછી સોમચંદે સુમનબાઈના હાથમાંથી પર્સ ખેંચી લીધું અને ઝીપ ખોલી અંદરની તમામ વસ્તુઓ પ્લૅટફૉર્મ પર ઠાલવી દીધી.
ચાવીઓ, સેફ્ટી પિન, બીડીનું બંડલ, માચીસ... 
અને એ બધા વચ્ચેથી નીકળ્યું એક જાડું લાલ કવર.
સોમચંદે કવર ખોલ્યું. અંદર જે હતું એ જોઈને સાવંતની આંખો ફાટી ગઈ.
કવરમાં અભય દોશીની સહીવાળા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના પાંચ-પાંચ લાખના ૪ બ્લૅન્ક ચેક હતા અને એ ચેકની સાથે જૂનો, પીળો પડી ગયેલો એક કાગળ હતો. સોમચંદે કાગળ ખોલીને એના પર નજર કરી.
lll
એ ૨૦૦૪નો બોરીવલી પોલીસ-સ્ટેશનનો ઍક્સિડન્ટનો કેસ-રિપોર્ટ હતો. અભય દોશીની કાર નીચે કચડાઈને ૧૨ વર્ષના એક છોકરાનું મોત થયું હતું, પણ પુરાવાના અભાવે કેસ રફેદફે કરી દેવાયો હતો. ફરિયાદ લખાવનારી વ્યક્તિનું નામ હતું : સુમન સુરેશ કાંબળે.
lll
 ‘આ શું છે?!’ સાવંતે સુમનબાઈના ખભા પકડીને હચમચાવી નાખી, ‘આ ચેક તારી પાસે ક્યાંથી આવ્યા અને આ ૨૦૦૪નો હિટ ઍન્ડ રન રિપોર્ટ તારી પાસે શું કરે છે? તું આ ઘરમાં ૨૦ વર્ષથી પોતાં મારવા નહોતી આવતી?’
સુમનબાઈની આંખોમાં રહેલો ડર ગાયબ થઈ ગયો અને તેની આંખોમાં ક્રૂર ચમક આવી ગઈ. તેણે સાવંત સામે જોયું અને દાંત પીસ્યા.
‘તો માઝા એકુલતા એક પોરગા હોતા સાહેબ...’ સુમનના અવાજમાં બેફિકરાઈ હતી, ‘આ અભયે દારૂના નશામાં મારી સામે મારા બચ્ચાને કચડી નાખ્યો. પૈસા ફેંકીને પોલીસને ખરીદી લીધી. પછી મેં તેને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું... તે મને દર મહિને પાંચ લાખ આપતો હતો. એ સમયે CCTV કૅમેરા નહોતા પણ એક જ દુકાનમાં CCTV કૅમેરા હતા. એના પુરાવાના આધારે અભય મારું બધું માનતો...’
‘સોમચંદ, સાલ્લું આ તો આખું ઘર જ કિલરોનું છે...’ 
સોમચંદ ચૂપચાપ કિચનની ડસ્ટબિન પાસે ગયા અને આખી ડસ્ટબિન જમીન પર ખાલી કરી નાખી. કચરામાં શાકભાજીની છાલ વચ્ચે સફેદ સિરૅમિક કપના તૂટેલા ટુકડા પણ નીકળ્યા. સોમચંદે ચીપિયાથી કપનો એક ટુકડો ઉપાડ્યો. કપની કિનારી પર સુકાઈ ગયેલી ચાના ડાઘ સાથે કંઈક બીજું પણ ચોંટેલું હતું.
‘ખેલ હવે રસપ્રદ બન્યો છે સાવંત...’ સોમચંદના હોઠ પર સ્માઇલ આવી ગયું, ‘જે દેખાય છે એમાંથી અડધું સાચું છે અને અડધું કોઈ બહુ મોટા ખેલાડીની ગેમ છે.’
બહાર ગાજવીજ સાથે વરસાદ વધુ તોફાની બન્યો હતો. આકાશ જાણે દોશી વિલામાં છુપાયેલાં પાપોને ધોવા તલપાપડ થયું હતું.

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 08:52 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK