Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સાઇકલ, સહી અને સસ્પેન્સ… ડિટેક્ટિવ સોમચંદ ઇઝ બૅક (પ્રકરણ ૩)

સાઇકલ, સહી અને સસ્પેન્સ… ડિટેક્ટિવ સોમચંદ ઇઝ બૅક (પ્રકરણ ૩)

Published : 08 July, 2026 01:14 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પેપરમાં લખ્યું હતું કે મનસુખલાલ શાહના ખાતામાંથી જે ૩૦ લાખની પર્સનલ લોન લેવાઈ હતી એ ફન્ડ મનસુખલાલ શાહની દીકરી એટલે કે શ્રુતિનાં મમ્મીનું એક જૉઇન્ટ અકાઉન્ટ ઓપન કરીને ટ્રાન્સફર થયું હતું.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘તમે... તમે મારા નાનાને કેવી રીતે ઓળખો?’ શ્રુતિના ધબકારા વધી ગયા હતા, ‘મને તમારું! ઍડ્રેસ પેલો, મારા ઘરમાં જે ચોર આવ્યો હતો તેની પાસેથી મળ્યું... તમે તો પ્રાઇવેટ ડિટેક્ટિવ છો તો તમારું ઍડ્રેસ તેની પાસે કેવી રીતે આવ્યું...’

તજ અને લવિંગમિશ્રિત ખડી સાકરનો ટુકડો સોમચંદે ડાબા ગલોફામાં ભરીને આંખ પર લાગેલાં ચશ્માં સરખાં કર્યાં.



‘શ્રુતિ, શાંત થા. પહેલાં બેસ.’ સોમચંદે હાથથી ઇશારો કર્યો, ‘બહાર વરસાદની કાતિલ ઠંડક છે તો મગજ શાંત રાખ... રહી વાત તારા નાનાની તો મનસુખલાલને ફક્ત હું નહીં, આખું મલાડ ઓળખે છે અને તારા ઘરમાં જે ચોર આવ્યો, જેની ચિઠ્ઠીમાં તને મારું ઍડ્રેસ મળ્યું એ મેં જ તેના ખિસ્સામાં સરકાવ્યું હતું...’


‘પણ કેમ?’

‘સાંભળ...’ ટેબલ પરથી ડિજિટલ ડાયરી હાથમાં લઈને સોમચંદે શ્રુતિની સામે જોયું, ‘ઍક્સિડન્ટના બે દિવસ પહેલાં તારા નાના મને મળવા આવ્યા હતા. તે બહુ ટેન્શનમાં હતા. મનસુખલાલે મને કહ્યું કે તેમના બૅન્ક-અકાઉન્ટમાંથી કોઈ રૂપિયાની ઉચાપત કરે છે. તેમને ડાઉટ હતો કે તેમના પર નજર પણ રાખવામાં આવે છે.’


‘ઓહ...’

‘મનસુખલાલની સિક્યૉરિટીના પર્પઝથી મેં મારો એક માણસ તેમની પાછળ રાખ્યો. કાલે જે ચોર તારા ઘરમાં ઘૂસ્યો તેને પણ પકડવાની મારા માણસે નીચે જ ટ્રાય કરી અને એ ઝપાઝપીમાં પેલાના ખિસ્સામાં મારું ઍડ્રેસ મૂકી દીધું. આવી ઘટના બને ત્યારે માલિક બે સ્ટેપ લે. એક તો તે સીધો પોલીસ પાસે જાય અને બીજું, પોલીસ પાસે જતાં પહેલાં જાતે જ થોડી ઇન્ક્વાયરી કરે. તેં એ જ કર્યું. પોલીસ પાસે જવાને બદલે સીધી મારી પાસે આવી.’

શ્રુતિ હવે પૉઇન્ટ પર આવી અને તેણે પોતાની હૅન્ડબૅગમાંથી એ પેપર કાઢ્યું જેના પર નાનાની નકલી સહીની પ્રૅક્ટિસ થઈ હતી.

‘આ પેપર તે ચોરના ખિસ્સામાંથી પડ્યું. આમાં નાનાની નકલી સાઇન છે અને આ પેપર મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કનું લેટરહેડ છે. મૅનેજર કહે છે કે નાનાએ પોતે બૅન્કમાંથી ૩૦ લાખની લોન લીધી, પણ આ દિવસોમાં તો નાના મારી સાથે અમદાવાદ અને રાજકોટમાં હતા.’

સોમચંદે એ પેપર હાથમાં લઈને ઝીણવટ સાથે જોયું.

‘શ્રુતિ, આ લેટરહેડ મહાલક્ષ્મી બૅન્કની મલાડ બ્રાન્ચનું નથી.’ સોમચંદે પેપર પર રહેલા નાના અક્ષરો તરફ આંગળી ચીંધી, ‘આ લેટરહેડ મહાલક્ષ્મી બૅન્કની હેડ ઑફિસનું છે જે નરીમાન પૉઇન્ટ પર છે. બ્રાન્ચના લેટરહેડ પર બ્રાન્ચનો કોડ હોય, જે આમાં નથી. એનો અર્થ એ કે મનસુખલાલ સાથે જે કંઈ થયું એમાં માત્ર મલાડ બ્રાન્ચ જ નહીં, હેડ ઑફિસનો પણ કોઈ મોટો ઑફિસર ઇન્વૉલ્વ છે અને તે માણસ મલાડ બ્રાન્ચની સિસ્ટમનો દુરુપયોગ કરે છે.’

‘મને ડાઉટ મૅનેજર નમ્રતા પર હતો, પણ તમે કહો છો એ જો સાચું હોય તો નમ્રતા શિરોડકર નિર્દોષ હોઈ શકે...’

‘સફેદ કપડાં પહેરનારો દરેક નિર્દોષ નથી હોતો અને કાળાં કપડાં પહેરનારો દરેક માણસ ગુનેગાર નથી હોતો...’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘આપણે બૅન્કમાં તપાસ કરવી પડશે અને એ પણ આપણી રીતે... ઑફિશ્યલી નહીં.’

સોમચંદ શાહ ઊભા થયા.

‘સાથે આવવું હોય તો ચાલ...’

સોમચંદ અને શ્રુતિ મલાડ-વેસ્ટના માલવણી વિસ્તાર તરફ રવાના થયાં.

lll

‘આપણે ક્યાં જઈએ છીએ?’

‘જગ્ગુ કાણાને મળવા...’

જગ્ગુ કાણા જામીન પરથી છૂટીને ફરી પોતાની રિક્ષામાં ગોઠવાઈ ગયો હતો.

‘તે માણસને છોડવામાં પોલીસે પૈસા લીધા હશે?’

‘ના... શ્રુતિ, પોલીસે તો તેને જે દેખાય એ મુજબ જ કામ કર્યું છે અને આ આપણા દેશની લાચારી છે. બેદરકારીને આપણે બહુ સરળતાથી સ્વીકારી લઈએ છીએ... પણ એક વાત છે.’ સોમચંદે શ્રુતિ સામે જોયું, ‘જગ્ગુ સરળતાથી છૂટી જશે એની ખાતરી મનસુખલાલ સાથે ખોટું કરનારાઓને પહેલેથી હતી. એટલે જ તેમણે મનસુખલાલને રસ્તામાંથી હટાવવા માટે આ રસ્તો વાપર્યો.’

‘જગ્ગુને મળીને શું કરવાનું?’

‘તેને સોપારી આપનારાનું નામ જાણવાનું.’

lll

‘એય, ખોટી દાદાગીરી નહીં. મેં પોલીસને બધું કહી દીધું, પછી જામીન મળ્યા અને હું બહાર આવ્યો...’ જગ્ગુએ બીડીનો કશ લીધો, ‘ચાલો નીકળો... મારો ટાઇમ ન બગાડો... જાઓ.’

સોમચંદે ખિસ્સામાંથી પાંચસોની બે નોટો કાઢીને જગ્ગુના હાથમાં મૂકી.

‘જગ્ગુ, મારે એક  જ વાત જાણવી છે કે એ રાતે ગાડી કોણ ચલાવતું હતું?’

‘મેં કીધુંને, હું જ ચલાવતો હતો!’

‘જગ્ગુ, તારી ડાબી આંખ નથી. રાતે અંધારામાં હેડલાઇટ બંધ રાખીને તને ગાડી ચલાવવાનું કહું તો ગૅરન્ટી સાથે કહી દઉં કે તું પહેલા ટર્ન પર જ ગાડી પલટી મારી દે...’ જગ્ગુનો કૉલર પકડીને સોમચંદે તેને પાસે લીધો, ‘CCTV કૅમેરાનું ફુટેજ કહે છે કે ગાડી ચલાવનારના કોઈ હાથમાં ટૅટૂ નહોતું અને તેં જમણા હાથ પર ઓમનું ટૅટૂ કર્યું છે.’

જગ્ગુની બોલતી બંધ થઈ ગઈ. તેના ચહેરાનો રંગ ઊડી ગયો.

‘જગ્ગુ કહે... ઍક્સિડન્ટની જવાબદારી લેવાના કેટલા રૂપિયા મળ્યા?’

જગ્ગુ જવાબ આપે એ પહેલાં સોમચંદે શ્રુતિની સામે જોયું.

‘આંખ બંધ કર...’ શ્રુતિ કંઈ કહે એ પહેલાં સોમચંદે શબ્દો રિપીટ કર્યા, ‘કહું છું, આંખ બંધ કર...’

સટાક...

શ્રુતિની બંધ આંખો પર જગ્ગુને પડેલી થપ્પડનો અવાજ ચીપકી ગયો.

‘સાહેબ, એ લોકો મને મારી નાખશે...’ જગ્ગુ રીતસર ધ્રૂજતો હતો, ‘તેઓ મને જીવતો નહીં મૂકે...’

‘તે મારે ત્યારની વાત ત્યારે... તું જવાબ નહીં આપે તો હું તો અત્યારે જ મારી નાખીશ...’ સોમચંદે કમરથી શર્ટ સહેજ ઊંચું કર્યું અને જગ્ગુને પિસ્ટલ દેખાઈ, ‘એટલો વિશ્વાસ રાખજે, મારાથી તને કોઈ બચાવી નહીં શકે અને કોઈ તને કંઈ કરે એવું હું નહીં થવા દઉં... જવાબ આપ...’

સટાક...

‘ઍક્સિડન્ટના બે દિવસ પહેલાં એક માણસ આવ્યો. તેણે મને બે લાખ આપીને બે દિવસ માટે ગાડી ભાડે લીધી. શરત એટલી કે જો ઍક્સિડન્ટ થાય તો મારે પોલીસને કહેવાનું કે ગાડી હું ચલાવતો હતો. જામીન અને વકીલનો ખર્ચ તે આપવાનો હતો. બે લાખમાં ગાડીના એક વર્ષના ઇન્સ્ટૉલમેન્ટ્સ ભરાઈ જશે એવી લાલચે મેં હા પાડી દીધી.’

‘કોણ હતો તે માણસ?’

‘ખબર નથી... તેણે મોઢા પર રૂમાલ બાંધ્યો હતો અને અવાજ પુરુષનો હતો.’ જગ્ગુના આગળના શબ્દો સોમચંદ અને શ્રુતિની આંખો પહોળી કરી ગયા, ‘તે માણસ કોઈની સાથે ફોનમાં વાત કરતો હતો અને મૅડમ કહીને બોલાવતો હતો...’

lll

‘શ્રુતિ, આજે અલર્ટ રહેજે...’ સાંજના સમયે સોમચંદે શ્રુતિને નાનાના ઘરે ઉતારી, ‘જગ્ગુએ જે ઇન્ફર્મેશન આપી છે એ જ વાત પેલા લોકો સુધી પણ પહોંચી ગઈ હશે એટલે બની શકે કે એ લોકો આજે કંઈ કરે...’

‘અટૅક કરશે?’

‘ડર લાગે છે?’

‘થોડો...’ સહેજ વિચારીને શ્રુતિએ સાચો જવાબ આપી દીધો, ‘પણ વાંધો નહીં, આઇ વિલ મૅનેજ. બસ, મને આ કેસમાં જે કોઈ છે તેમને ખુલ્લા પાડવા છે.’

‘હં...’ સોમચંદે શ્રુતિ સામે જોયું, ‘તને મારે ત્યાં આવવાનું કહી શકું છું, પણ એવું કહીશ નહીં... જો તું અહીં હોઈશ તો જ આપણને આગળનું સ્ટેપ જાણવા મળશે.’

lll

રાતનો દોઢ વાગ્યો હતો. શ્રુતિ રૂમમાં નાનાનાં જૂનાં બૅન્ક-સ્ટેટમેન્ટ્સ ચેક કરતી હતી અને અચાનક ઘરનું પાવર-કનેક્શન કટ થઈ ગયું. આખા ઘરમાં અંધકાર પ્રસરી ગયો અને શ્રુતિનો શ્વાસ અધ્ધર થઈ ગયો. અલબત્ત, તેણે હિંમત રાખવાની હતી.

શ્રુતિએ ધ્રૂજતા હાથે મોબાઇલની ફ્લૅશલાઇટ ચાલુ કરી અને ત્યાં જ હૉલમાંથી કોઈના ચાલવાનો ધીમો અવાજ આવ્યો.

ઠક... ઠક... ઠક...

હિંમત કરીને શ્રુતિએ રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર નજર કરી.

લિવિંગરૂમની બારી ખુલ્લી હતી અને સોફાની પાછળ એક કાળો પડછાયો ઊભો હતો. શ્રુતિ બૂમ પાડવા ગઈ, પણ એ પહેલાં પાછળથી આવીને કોઈએ શ્રુતિના મોઢા પર ક્લોરોફૉર્મવાળો રૂમાલ દાબી દીધો. શ્રુતિની આંખો સામે અંધારું છવાયું અને તે જમીન પર ઢળી પડી.

lll

શ્રુતિની આંખો ખૂલી ત્યારે તે સોફા પર સૂતી હતી અને તેની બાજુમાં ડિટેક્ટિવ સોમચંદ બેઠા હતા...

‘શ્રુતિ, થોડા અમસ્તા ક્લોરોફાર્મની પણ વધારે અસર થઈ ગઈ...’

‘સર, તે... તે માણસ પાછળથી આવ્યો અને મને...’ શ્રુતિનું માથું ભારે થઈ ગયું હતું, ‘તે શું લઈ ગયો... કંઈ ખબર નથી.’

‘તે લેવા નહીં, મૂકવા આવ્યો હતો શ્રુતિ. તેણે તારા લૅપટૉપમાં એવી ફાઇલ મૂકી છે જે જોઈને તારું આ ભારે થયેલું દિમાગ વધારે વજનદાર બની જશે...’

શ્રુતિએ લૅપટૉપ ખોલ્યું કે તરત સ્ક્રીન પર મહાલક્ષ્મી બૅન્કના ઇન્ટર્નલ ઑડિટનું સીક્રેટ કહેવાય એવું પેપર ઓપન થઈ ગયું. પેપરમાં લખ્યું હતું કે મનસુખલાલ શાહના ખાતામાંથી જે ૩૦ લાખની પર્સનલ લોન લેવાઈ હતી એ ફન્ડ મનસુખલાલ શાહની દીકરી એટલે કે શ્રુતિનાં મમ્મીનું એક જૉઇન્ટ અકાઉન્ટ ઓપન કરીને ટ્રાન્સફર થયું હતું.

કોઈએ શ્રુતિનાં ગુજરી ગયેલાં મમ્મીના નામનું નકલી ID બનાવીને બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું હતું.

‘સર, આ... આ કેવી રીતે શક્ય બને?’ શ્રુતિની આંખો ફાટી ગઈ હતી, ‘સર, મારાં મમ્મીનું ડેથ-સર્ટિફિકેટ, એ આખો ઇન્સિડન્ટ બધું દુનિયાની સામે છે. એ પછી તેના નામનું બૅન્ક-અકાઉન્ટ કેવી રીતે ઓપન થઈ શકે... આ શક્ય જ નથી.’

‘શક્ય બની ગયું શ્રુતિ, તારી આંખ સામે છે.’ સોમચંદની આંખોમાં ચમક હતી, ‘શ્રુતિ, અમારી ડિટેક્ટિવ લૅન્ગ્વેજમાં તને સમજાવું તો આપણે આરોપીની નહીં, આરોપી આપણી બહુ નજીક છે અને તે આપણને ગેરમાર્ગે લઈ જવા માટે સતત પ્રયત્ન કરે છે.’

‘હવે કરવાનું શું?’

‘હવે આપણે મહાલક્ષ્મી બૅન્કની હેડ ઑફિસના તે ઑડિટરને શોધવાનો છે જેણે આ ફાઇલ બનાવી છે.’ સોમચંદે તજ-લવિંગમિશ્રિત સાકરનો ટુકડો મોંમાં મૂક્યો, ‘શ્રુતિ, આરોપી બહુ સ્માર્ટ છે. તેને ખબર હતી કે જો તે કોઈ અજાણ્યાનું અકાઉન્ટ ખોલે તો ઑડિટ વખતે પકડાય, પણ જો મનસુખલાલ શાહના બ્લડ-રિલેશનની વ્યક્તિના નામે અકાઉન્ટ ખોલે તો બૅન્કની કમ્પ્યુટર સિસ્ટમ ફૅમિલી કનેક્શનને લીધે બહુ સવાલો ઊભા ન કરે. મનસુખલાલ શાહ સાથે ખોટું કરનારાએ સરકારી રેકૉર્ડમાંથી તારી મમ્મીના જૂના ID ચોર્યા. મુદ્દો એ છે કે જે ઘરમાં ઘૂસ્યો હતો તે માણસ આ ફાઇલ તને આપી કેમ ગયો?’

‘હા, તે તો પ્રૂફ દૂર કરે, સામેથી આવીને થોડાં આપે?’

‘હં... એનો સીધો અર્થ એવો નીકળે કે આ જે માણસ આવ્યો તે આરોપી નથી. આ તે માણસ છે જે બૅન્કમાં બેસીને બધું જુએ છે, પણ સામે આવતાં ડરે છે. તે પોતે ઇચ્છે છે કે આ કેસ બહાર આવે અને બૅન્કના આરોપીઓ સામે પગલાં લેવામાં આવે. શ્રુતિ, મને લાગે છે...’

સોમચંદ અચાનક જ બોલતા અટકી ગયા. તેમણે સહેજ વિચાર કર્યો અને પછી ફટાફટ લૅપટૉપ હાથમાં લીધું.

‘શ્રુતિ, આ માણસ સુધી આપણે પહોંચી શકીએ છીએ...’

સોમચંદનો હાથ લૅપટૉપ પર ફરતો હતો. થોડી સેકન્ડ પછી એ આંગળીઓ અટકી અને સોમચંદના મોઢામાંથી હાશકારો નીકળી ગયો.

સ્ક્રીન પર ફાઇલનું યુઝર-નેમ હતું : AUDIT_HO_09.

‘આ મહાલક્ષ્મી બૅન્કની નરીમાન પૉઇન્ટ હેડ ઑફિસના સિનિયર ઇન્ટર્નલ ઑડિટરનો સ્પેશ્યલ કોડ છે...’ સોમચંદે ઊભા થયા, ‘મૅડમ, તૈયાર થઈ જાઓ. હવે મલાડ છોડીને દક્ષિણ મુંબઈ જવાનું છે. આખી વાર્તા ત્યાંથી ઑપરેટ થાય છે.’

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 01:14 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK