Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગત-અનાગત :અતીતની અટારીએથી (પ્રકરણ ૧)

ગત-અનાગત :અતીતની અટારીએથી (પ્રકરણ ૧)

Published : 21 September, 2026 06:11 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

નંદીગ્રામની શાળામાં સંગીતશિક્ષક તરીકે લાવણ્યા શાહની નિમણૂક થાય છે. ગામના આદર્શ શિક્ષક આનંદનું જીવન સુખી દેખાય છે, પરંતુ તે ખૂનની સજામાંથી પરોલ પર છૂટેલો ગુનેગાર છે. લાવણ્યાનું આગમન તેના ભૂતકાળને ફરી જાગૃત કરશે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સમય : ૧૯૯૯.
સ્થળ : બનારસ.
ડફલીવાલે...
દૂર ક્યાંક ગુંજતા લતાના કંઠે તેના હોઠ મલકી પડ્યા. ૧૯૭૯માં રિલીઝ થયેલી ‘સરગમ’ વખતે પોતે ૪ વર્ષની માંડ હશે, પણ મા કહેતી એમ આખો દિવસ મારા હોઠો પર આ જ ગીત રમતું હોય. મારામાં સંગીતની રુચિ જ લતાજીનાં ગીતોને કારણે કેળવાઈ. આજના નાઇન્ટીઝમાં પણ ‘હિના’, ‘રુદાલી’, ‘લેકિન’, ‘સનમ બેવફા’, ‘હમ આપકે હૈં કૌન’, ‘DDLJ’, ‘માચિસ’, ‘દિલ તો પાગલ હૈ’ જેવી ફિલ્મોનાં તેમનાં ગીતો રણમાં મીઠી વીરડી જેવાં લાગે છે.
‘તારે તો મ્યુઝિક-ટીચરને બદલે ફિલ્મ-ઇતિહાસકાર થવા જેવું હતું.’
પતિના શબ્દો પડઘાતાં સાવિત્રીનું સ્મિત પહોળું થયું. આમ તો અમારાં અરેન્જ્ડ મૅરેજ, પણ બે વર્ષનાં લગ્નમાં રાજશેખરે મને ભરપૂર સુખથી છલકતી રાખી છે.
સાવિત્રીનો હાથ હળવેથી ૬ માસના ઊપસેલા પેટ પર ગયો : અને સંતાનના આગમન સાથે એમાં ભરતીનું પૂર જ ઊભરાવાનું.
‘અમૃત, આ શું કરે છે?’
રાજનો ઊંચો સ્વર સંભળાતાં સાવિત્રીએ વિચારમેળો સમેટીને સજાગ થઈ જવું પડ્યું.
ગંગાટેકરી તરીકે ઓળખાતા શહેરના જૂના વિસ્તારમાં આવેલું વડીલોપાર્જિત મકાન હજી અડીખમ હતું. સાગનાં લાકડાંની બનાવટ, લાંબો-પહોળો ગાળો, આસપાસ ખુલ્લી જગ્યા અને રહેનારાં અમે વર-બૈરી બે જ જણ. આગળ આંબા-આસોપાલવથી શોભતું આંગણું અને પાછળ વનવગડા જેવો વરંડો. ત્યાંથી ત્રીસ-ચાલીસ પગથિયાં જેટલું નીચે ઊતરો એટલે પાવન ગંગામૈયાનો પહોળો પટ. એ તરફ રસોડું પડે અને અત્યારે રાજનો ઘાંટો વરંડા તરફથી જ આવ્યો એટલે સાવિત્રીએ સળિયાવાળી બારીમાંથી નજર નાખી.
પાછળના વગડામાં માળીકામ કરતા વીસ-બાવીસ વર્ષના અમૃત સાથે રાજને શું વાંકું પડ્યું? બિચારો દિવસભર ગુલામની જેમ ઘરનાં-ખેતીનાં કામ કરે છે. બદલામાં બે ટંકનું ખાવાનું અને મામૂલી પગાર. ૬ મહિના પહેલાં તેની માના દેહાંત બાદ સંસારમાં એકલો. સ્વભાવે પરગજુ. બાપડો રાજથી થોડો ડરે પણ છે.
‘તારાં મા-બાપ સાથે નાનપણથી તું અહીં કામ કરવા આવતો...’ રાજે સ્ટિક પછાડીને ડારો આપ્યો, ‘તોય જાણતો નથી કે આ ઝાડનાં ફૂલ અમારા ભગવાનની સેવામાં વપરાય છે એટલે એની જાળવણી હું ખુદ કરું છું. તારા જેવા હલકા વર્ણનો તો એના પર પડછાયો પણ પડવો ન જોઈએ. તોય તેં આજે ફૂલ તોડીને એને અભડાવ્યું.’
‘ફૂલ તોડ્યું નથી માલિક, નીચે પડેલું હતું એ...’
‘મારી સામે દલીલ કરે છે.’
સટાક. સોટી અમૃતના બરડે વીંઝાઈ, ‘તારી હેસિયત ન ભૂલ.’
અરેરેરે... સાવિત્રીએ અરેરાટી અનુભવી.
જૂનું મિલેનિયમ જવાનું, એકવીસમી સદી આવવાની તોય વર્ણવ્યવસ્થાના ચક્રમાંથી ક્યારે બહાર નીકળશે આ સમાજ? દેશના બીજા ભાગોની સ્થિતિ ખબર નથી, પણ અમારી બાજુ તો ઊંચ-નીચનો ભેદ આજેય કટ્ટર છે.
રાજનો જ દાખલો લો. તે પોતે શહેરની માધ્યમિક સ્કૂલનો પ્રિન્સિપાલ, પત્નીને ઘરમેળે સંગીતના વર્ગ ચલાવવા દે એટલો આધુનિક અને તોય વર્ણભેદના મામલે કેટલો રૂઢિચુસ્ત. સદીઓના ચીલાને, DNAમાં ભળી ગયેલા 
છૂત-અછૂતના પૂર્વગ્રહને કોઈ સમજથી, કેળવણીથી ભૂંસી નહીં શકાય?
અમૃત ખમી લે છે કારણ કે તેનું માનસ નાનપણથી આવી વર્તણૂકથી ટેવાયું છે. જોકે વાંક એકલા રાજનો પણ નથી.
વચમાં સ્કૂલના ઇન્સ્પેક્શન માટે આવેલા રિઝર્વ કૅટેગરીવાળા સાહેબે સ્ટાફની હાજરીમાં રાજને કારણ વિના અપમાનિત કરીને પોતાના પાવરનો પરચો આપ્યો. તેમના ગયા પછી રાજ કેટલું ગિન્નાયો હતો : મેરિટમાં મારાથી ઊતરતો માણસ મારું અસેસમેન્ટ કરે એવું તો હિન્દુસ્તાનમાં જ બને.
આટલું થયા પછી તેને પોતાનાથી ઊતરતી જાતિ પરત્વે સમભાવ કેળવાય પણ કેમ?
અત્યારે જોકે એની ચિંતા કરવાને બદલે અમૃતને જાળવી લે...
અને સાવિત્રીને સૂઝી આવ્યું, પતિને સાદ પાડ્યો, ‘તમને મોડું નથી થતું. મનોહર મહારાજ પછી નહીં મળે...’
સીમંતની વિધિ માટે પોતે મહારાજને મળવાનું છે એ સાંભરતાં રાજશેખરે છડી ફગાવી, ‘ચલ, દીસતો થા.’
પછી રસોડા તરફ જોયું, ‘ગંગાજળથી આ બધું પવિત્ર કરીને મહારાજને મળવા જાઉં છું.’
તે ડોલ લઈને વરંડા તરફનો ઝાંપો ખોલીને ટેકરી ઊતરવા લાગ્યો.
તેના જતાં જ સાવિત્રીએ દબાતા સૂરે અમૃતને ઇશારો કર્યો : હવે ઝટ બીજા કામે લાગ.
ડોક ધુણાવીને આગળ તરફ વળતો અમૃત આભારવશ રસોડા પાસે થોભ્યો, ‘બહેન, ઈશ્વર તમને અને તમારા દીકરાને ૧૦૦ વર્ષનાં કરે!’
દીકરો! પ્રસૂતાએ પહેલા ખોળે દીકરો જ જણવાનો એવી પુરાણી જડતાને સ્વાભાવિકપણે અનુસરતો અમૃત મારું સંતાન દીકરો હોવાનું ધારીને આશીર્વાદ આપી ગયો, પણ સંતાન તો દીકરી પણ હોઈ શકેને.
અને સાવિત્રીએ ઉદરમાં મીઠો ફરફરાટ અનુભવ્યો. તેનાથી ઉદર પર હાથ પસવારતાં બોલી જવાયું : ભલે પધારો કુંવરીબા.
lll
સમય : વર્તમાન
સ્થળ : નંદીગ્રામ, વલસાડ, ગુજરાત
‘તમે આવી ગયા!’
ઝાંપો ખોલીને પ્રવેશતા પતિને નિહાળીને ઓસરીના હીંચકે ડાબા પગની પલાંઠી વાળીને બેઠેલી વસુધાએ સાદ નાખ્યો, ‘આસુ-વિની, પપ્પાના હાથમાંથી થેલા લઈ જાઓ તો.’
એવાં જ ૧૫-૧૭ વર્ષનાં ભાઈ-બહેન દોડતાં આવ્યાં અને ‘પપ્પા, મને-મને...’ કરતાં થેલા ખૂંચવીને અંદર ભાગ્યાં. પપ્પા ભાગ્યે જ બજારમાં ખરીદીએ જાય, પણ જ્યારે પણ જાય ત્યારે બાળકો માટે થેલામાં કોઈ ને કોઈ સરપ્રાઇઝ હોય જ એટલે પોતાના ભાગે શું આવ્યું એની અધીરાઈ ભાઈ-બહેનના વર્તનમાં પડઘાતી હતી.
‘જાણે બેઉ ક્યારે મોટાં થશે...’ સંતાનોની હરકત પર મેંશના ટપકા જેવું બબડીને વસુધાએ બાજુના જગમાંથી પતિને પાણી ધર્યું. હીંચકે બેસતા આનંદે બે ઘૂંટ ગળે ઉતાર્યા એટલે હાશકારો થયો.
‘વસુ, ફરી મને બજારમાં ખરીદીએ મોકલીશ નહીં.’
પતિના વાક્યે વસુધા મલકી પડ્યાં. એમાં પોતાના સૌભાગ્ય પરનો ભારોભાર ગર્વ પણ હતો.
‘આવું તમે દર વખતે કહો છો આનંદ, પણ મહિને-દહાડે એક વાર છોકરાઓ માટે સરપ્રાઇઝ લાવ્યા વિના તમને જ ચેન નથી પડતું.’ વસુધાએ અંદરના ખંડમાં નજર ફેંકી, ‘હું ગમે એટલું મોંઘું અપાવું, બાળકોને ઇન્તજાર તો તમારી સરપ્રાઇઝનો જ રહેતો હોય છે.’
આનંદે પણ ભીતર દૃષ્ટિપાત કર્યો. ગિફ્ટ્સનું રૅપર ફાડતાં બાળકોનો 
ઉત્સાહ-ઉત્તેજના જોઈને મરકી જવાયું. પછી પત્નીને નિહાળી...
‘મને માર્કેટમાં ખરીદીએ નીકળેલો જોઈને રઘુ બકાલી ભીંડા, દૂધી ને જાણે કેટલુંય શાક આપી ગયો. રાજુ ફરસાણવાળાએ વિનામાગ્યે કાચાં સમોસાં બાંધી આપ્યાં. મેહુલો આહીર ઘરેથી દુધેલી લઈ આવ્યો... પાછું કોઈ પૈસા લે નહીં. ગિફ્ટના પૈસા તો મારે રમણભાઈને પરાણે થમાવવા પડ્યા.’
‘ન જ લેને...’ પત્નીનો પોરસ બોલી ઊઠ્યો, ‘તમે ગામને આપ્યું એ કંઈ ઓછું છે.’
વસુધાના સ્વરમાં ગંભીરતા ભળી, ‘આજકાલ કરતાં આપણાં લગ્નને ૨૦ વર્ષ થવાનાં. એ દરમ્યાન ગામની એકમાત્ર સ્કૂલના શિક્ષક તરીકે તમે એક આખી પેઢીને ઘડી છે, રોજગારલક્ષી શિક્ષણ આપીને યુવાનોને પગભર કર્યા છે. કેવળ સ્કૂલની કેળવણી જ નહીં, ગામના ઉત્થાન માટે તમે મથ્યા છો. આજે આપણું ગામ પંથકમાં આદર્શ ગામ ગણાતું હોય તો એ કેવળ તમારા ને તમારા જ પ્રતાપે આનંદ!’
કશુંક કહેવા જતા આનંદને વસુધાએ હાથના ઇશારાથી વાર્યો, ‘જાણું છું કે પ્રશસ્તિ તમને ગમતી નથી, માન-સન્માનથી તમે દૂરી જ રાખી છે. તમારું આ નિર્દંભ નિરભિમાનપણું જ તમને બીજાથી નોખા પાડે છે આનંદ... તમારા આ રૂપનો મને, આપણાં બાળકોને કેટલો ગર્વ છે એ અમે કદાચ દેખાડી પણ ન શકીએ.’
પછી પ્રેમથી પતિનો હાથ હાથમાં લીધો, ‘બાકી તમે ચિંતા ન કરો, જેણે-જેણે તમને સામગ્રી આપી છે એ બધાને ત્યાં હું સીધું કે તેમની જરૂરી ચીજો કાલે જ પહોંચાડી દઈશ.’
હળવો થઈને આનંદ પત્નીને નિહાળી રહ્યો, ‘મને તેં જ જાળવી જાણ્યો, નિભાવી જાણ્યો હોં વસુ! બીજું કોઈ હોત તો તેને સત્તા-સંપત્તિનો મદ હોત. આખરે આ ઘર, સ્કૂલ બધું તારા પિતાશ્રીનું. વર્ષો અગાઉ તેમણે મારા જેવા અનાથનો હાથ ઝાલ્યો ન હોત, તને લાયક ગણ્યો ન હોત તો..’
‘મારા પિતાની એ દૂરંદેશીનો મને હંમેશાં ગર્વ રહ્યો છે આનંદ.’ વસુધાનો રણકો ઊપસ્યો, ‘એથીયે વધુ ગર્વ એનો છે કે તમે પિતાજીના ભરોસાને યથાર્થ ઠેરવ્યો. તેમના ગયા પછી પણ તેમના નામની સુવાસ ઓસરવા નથી દીધી, મને હથેળીમાં રાખી છે એ જોઈ સ્વર્ગમાં તેમનો આત્મા કેટલો સંતોષ પામતો હશે.’
પછી પાંપણે બાઝેલી ભીનાશ લૂછતાં વિષયાંતર કર્યું, ‘સ્કૂલમાં સંગીતશિક્ષકની ભરતીનું શું થયું?’
‘નવા નિયમ પ્રમાણે સરકારી ગ્રાન્ટથી ચાલતી સ્કૂલોમાં ગાંધીનગરથી સીધી નિમણૂક થતી હોય છે.’ આનંદે શર્ટના ગજવામાંથી ખાખી કવર કાઢ્યું, ‘આજે આ પત્ર મળ્યો એ મુજબ કોઈ લાવણ્યા શાહનું સિલેક્શન થઈ ગયું છે. મોટા ભાગે દિવાળી પછીના સત્રથી જૉઇન કરશે.’
આમ તો શહેરથી આવનારા શિક્ષકો ગામડાની નિમણૂકે કચવાતા હોય, પણ નંદીગ્રામ આવ્યા પછી કોઈને નહીં ગમવાની કે નહીં ફાવવાની ફરિયાદ રહેતી નથી અને આ લાવણ્યા પણ અપવાદ નહીં હોય - વસુધાને આની ખાતરી હતી.
નંદીગ્રામ છે જ એવું. શહેરની ભીડભાડથી અંતરિયાળ ગામ. બે-અઢી હજારની વસ્તી. નજર નાખો ત્યાં લહેરાતાં ખેતરોની હરિયાળી. ગામની વચ્ચે આવેલા તળાવની મધ્યમાં સદીઓ જૂનું શિવમંદિર ગ્રામજનોની આસ્થાનું પ્રતીક હતું. પાદરે વહેતી સ્વર્ગરોહિણી નદીના કિનારે આવેલી ‘ભગવાનદાસ મહેતા સાર્વજનિક શાળા’નું પરિસર પણ એટલું જ રળિયામણું હતું. બે માળના સ્કૂલના મકાનમાં એકથી ૧૨ ધોરણ સુધીના વર્ગો ચાલતા. બાળમંદિરનો ક્લાસ ખુલ્લા ચોગાનમાં લેવાતો, જેમાં બાળકોએ કુદરતના ખોળે રમવાનો આનંદ માણવાનો રહેતો, બસ.
સ્કૂલના ટ્રસ્ટી-કમ-પ્રિન્સિપાલ તરીકે આનંદ શિક્ષણને કેળવણી તરીકે જોતા અને શિસ્તના એટલા જ આગ્રહી. તેમના હાથ નીચે વિદ્યાર્થીઓ જ નહીં, કેટલાય શિક્ષકો પણ ઘડાયા છે. સંગીતશિક્ષકની જગ્યા ખાસ્સા સમયથી ખાલી હતી. એનો પણ ફેંસલો થઈ ગયો.
વસુધાથી કશીક યાદે હસી પડાયું, ‘સંગીતશિક્ષકના આવતાં અનુરાગના શારીરિક શિક્ષણના વર્ગ પર કાતર ચાલવાની.’
આનંદ પણ મલકી પડ્યો. એકાદ વર્ષથી સ્કૂલમાં ફિઝિકલ ટ્રેઇનિંગ 
(PT)ના ટીચર તરીકે જોડાયેલો અનુરાગ મજાનો જુવાન હતો. હિંમતનગરના ગામડે ઊછરેલો. ખેતમજૂરી કરતાં-કરતાં ભણેલા જુવાનની કાયા મજદૂરીથી કસાઈ હતી. દેહાતી માવતરનું ભોળપણ તેના સ્વભાવની સરળતામાં હજીયે પડઘાતું. સ્કૂલના સમય પછી તે સ્કૂલના ચોગાનમાં ગામના જુવાનિયાઓને ભેગા કરીને અંગકસરતના દાવ શીખવતો. સંગીતના ફ્રી પિરિયડ તે મોટા ભાગે PTના કરાવી દેતો. હવે લાવણ્યાના આવતાં અનુરાગને ટાઇમફ્રેમ ઓછી મળવાની એ તો ખરું.
‘લાવણ્યાના ખબર જાણી તે બબડતો હતો - સ્કૂલમાં સંગીત શીખીને કોણ લતા મંગેશકર બન્યું છે! જ્યારે ફિઝિકલ ટ્રેઇનિંગ બાળકોનું મનોબળ મજબૂત કરે છે...’ આનંદ હસ્યો, ‘તેનું લાવણ્યા સાથે બહુ જામશે નહીં એવું લાગે છે.’
‘કોને ખબર? અનુરાગ કાચો-કુંવારો છે, કોડીલી કન્યાનાં અરમાન જેવો રૂપાળો છે. લાવણ્યા પણ યુવાન હોય, તેની હૈયાપાટી કોરી હોય તો બે વચ્ચે રિશ્તો જામી પણ જાય.’
કહેતાં વસુધા હીંચકો અટકાવીને ઊભી થઈ, નબળા પગની પલાંઠી છોડીને બાજુમાં પડેલી કાખઘોડી ઉઠાવી, ‘હું તમારી ચા મૂકું.’
આનંદ પોલિયોગ્રસ્ત પત્નીને રસોડામાં જતી જોઈ રહ્યો. હળવો નિઃશ્વાસ સરી ગયો. શારીરિક ઊણપ છતાં વસુધાએ મારા માટે સંસારમાં સ્વર્ગ રચી દીધું છે... પણ તેને મારી હકીકતની ક્યાં ખબર છે?
નંદીગ્રામનો આદર્શ કેળવણીકાર ગણાતો હું ખરેખર તો ખૂનની સજામાંથી જેલમાંથી પરોલ પર છટકેલો ગુનેગાર છું એની બીજા તો ઠીક વસુધાને પણ જાણ નથી.
ઊંડો શ્વાસ લઈને લાવણ્યા શાહના નિમણૂકપત્રનું કવર નિહાળતા આનંદને ક્યાં ખબર હતી કે લાવણ્યાના આગમનનું અનાગત પોતાના ગત સાથેનું અનુસંધાન જોડી દેશે.
(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 06:11 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK