લાવણ્યા પોતાની માતાના મૃત્યુ પછી જ્વલંતના પ્રેમની કસોટી કરવા પિતાના ખૂનીની શોધનું રહસ્ય તેની સામે ખોલે છે. બીજી તરફ, નંદીગ્રામ પહોંચેલી લાવણ્યાની મુલાકાત અનુરાગ સાથે થાય છે અને નવી સફરની શરૂઆત થાય છે.
ઇલસ્ટ્રેશન
સમય : ૧૯૯૯.
સ્થળ : બનારસ.
‘હાશ. સીમંતની વિધિ સુખરૂપ પતી.’
રાતે પતિની છાતી પર માથું ટેકવીને સાવિત્રીએ હરખ જતાવ્યો.
આમ તો માથે સાસુ-સસરા રહ્યાં નહોતાં. રાજશેખરને કોઈ ભાઈ-બહેન પણ નહીં. જોકે અમારામાં તો નજીક-દૂરનાં સગાંનાં પણ માન-મોભો જાળવવાનાં. નાની ચૂકમાં છેડો ફાડતાં અહીં કોઈને વાર નહીં.
સદ્ભાગ્યે આમાંનું કશું બન્યું નહીં. સીમંતના વહેવારમાં એક ભેટ સૌથી ન્યારી રહી : ઘરનોકર અમૃતે રાજથી, સૌથી છાની બાળક માટે સ્વેટર-મોજાની ભેટ આપી હતી. પોતે તેને ઠપકો પણ આપ્યો કે આટલો ખર્ચ કરવાની શી જરૂર હતી?
‘કેમ નહીં? મારી માતાને ટીબીનો વ્યાધિ થયો’તો ત્યારે તમે મારા ઘરે ખબર કાઢવા આવેલાં, દવાના પૈસાની મદદ કરી એ કેમ ભુલાય! હું ત્યારથી તમને મોટી બહેન જ માનું છું.’ અમૃતે હાથ જોડ્યા, ‘નાના ભાઈની ભેટ પાછી ન વાળશો.’
સદ્ભાગ્યે આ વહેવાર કોઈની આંખે ન ચડ્યો એ પ્રભુનો ઉપકાર.
અને સાવિત્રીથી હળવો ચિત્કાર નખાઈ ગયો. પોતાના પાશની મદહોશીમાં રાજની કામના ઊછળવા લાગી હતી.
‘નહીં રાજ...’ સાવિત્રીએ કંચુકીબંધ પર સરકતો પતિનો હાથ પકડ્યો, ‘સાતમો મહિનો ચાલે છે.’
‘હા... તો!’ રાજ મગરૂરીભર્યું હસ્યો, ‘તારા ગર્ભમાં મરદનો દીકરો શ્વસે છે, તેની ફિકર કર મા.’
દીકરો. સાવિત્રીથી મલકી પડાયું, ‘દીકરો જ કેમ? દીકરી પણ હોઈ શકે!’
પળ પૂરતો રાજશેખર સ્થિર થયો, ક્ષણાર્ધ પૂરતો ચહેરા પર અકથ્ય ભાવ ફરકી ગયો. પછી પત્નીને ટપલી મારતાં આત્મવિશ્વાસભર્યું મલક્યો, ‘આપણે ત્યાં ઘરની વહુને પહેલા ખોળે દીકરો જ અવતરે એવી પ્રથા રહી છે. એ કંઈ એમ ઓછી તૂટવાની.’
સાવિત્રીએ હોઠ કરડ્યો.
‘આની ખાતરી પણ મેં મેળવી લીધી.’
પતિના શબ્દોએ સાવિત્રી ચમકી : એ કઈ રીતે?
‘જમના દાયણ પાસેથી.’
હેં!
સાવિત્રીના ચિત્તમાં સીમંતમાં આવેલી દાયણ ઝબકી. હવે તો સિત્તેરની થવા આવેલી જમનાબાઈનો એક સમયે દબદબો હતો. તેના હાથનો જાદુ એવો કે ઊતરતી જાતિની હોવા છતાં
મોટા-મોટા ઘરની વહુવારુની પ્રસૂતિ માટે તેને માનભેર તેડાવાતી. વારતહેવારે ભેટસોગાદ પહોંચાડાતી. હવેની પેઢીમાં જોકે દાયણ પાસે સુવાવડ કરાવવાનું ચલણ નથી રહ્યું, અવસ્થાવશ જમના પણ નિવૃત્ત છે. છતાં રાજે તેને સીમંતમાં તેડાવી એ ગમ્યું હતું, પણ શા કારણે તેડાવેલી એ હવે સમજાય છે.
‘તેણે દૂરથી તારા પગના સોજા જોઈને જ કહી દીધું કે તું દીકરો જણશે!’
રાજે કંચુકીબંધ ખોલી દીધો, પણ પતિને રોકવા જેટલી હામ સાવિત્રીને રહી નહોતી.
તેના ચિત્તમાં જમના દાયણે ભરડો લીધો હતો : જમના અનુભવી છે, તે એક નજરમાં ગર્ભનો જાતિભેદ પામી ગઈ હોય એ શક્ય છે... પણ તે સાચું જ કહી ગઈ એમ કેમ માનવું? ખરે જ દીકરો હોવાનું લાગ્યું હોત તો તે મને પણ વધાઈ દીધા વિના ઓછી જાત.
સાવિત્રીના દિમાગમાં ટીકટીક થવા લાગી : શક્ય છે મારા ગર્ભમાં દીકરી હોવાનું તે પારખી ગઈ હોય એટલે તેને વધુ તપાસની જરૂર લાગી ન હોય, માને મળવાને બદલે જમાનાની ખાધેલ બાઈ યજમાનનું મન જાળવવા દીકરાની વધાઈ આપી ગઈ હોય એવું તો ન હોયને!
આની ખાતરી જમનાને તેડાવીને કરી લીધી હોય તો?
બીજી બપોરે રાજ સ્કૂલે જવા નીકળતાં સાવિત્રીએ અમૃતને મોકલીને જમનાને તેડાવી.
અને ધાર્યું હતું એવું જ નીકળ્યું.
જમનાએ થોડી વધુ તપાસ કરીને ડોક ધુણાવી : દીકરી છે!
સાવિત્રીએ કંપન અનુભવ્યું.
lll
સમય : વર્તમાન.
સ્થળ : વડોદરા, ગુજરાત.
‘હાય સ્વીટી!’
રણકારભેર સાદ નાખીને જ્વલંત સામે ગોઠવાયો, લાવણ્યા ફિક્કું હસી : મને સ્વીટી કહેનારા જ્વલંતની પ્રણય-પરીક્ષા હમણાં થઈ જવાની અને મને ખાતરી છે કે...
‘આઇ નો લાવણ્યા, તારાં મધરના ડેથને હજી ૩ મહિના માંડ થયા...’ તેની ફિક્કાશનો ભળતો અર્થ કરીને જ્વલંતે સ્વરમાં ઠાવકાઈ ઘૂંટી, ‘તને ચોક્કસ વસમું લાગતું હશે, પણ છેવટે તો માણસમાત્રે સ્મશાન-વૈરાગમાંથી બહાર આવવું જ પડતું હોય છે.’
જ્વલંતની ફિલોસૉફી સામે લાવણ્યાએ હોઠ કરડ્યો.
લાઇફ કેટલી સ્મૂધ હતી માના મૃત્યુના બે દિવસ પહેલાં સુધી...
લાવણ્યા સાંભરી રહી:
બેશક, પિતાજીનો દેહાંત નાની ઉંમરમાં થયેલો. પોતે ત્યારે દસમામાં હતી. પિતાની ખોટને માતાએ બમણું હેત વરસાવીને સરભર કરી નાખેલી. સધ્ધર આર્થિક પાસાને કારણે નિર્વાહની તકલીફ નહોતી. સયાજી રોડ પર આલીશાન બંગલો હતો, માર્કેટની દુકાન ભાડે આપીને અમે મા-દીકરી લહેરથી જીવતાં.
સંગીતમાં ડૉક્ટરેટ કરીને હું એકાદ વર્ષ અગાઉ મ્યુઝિક-ટીચર તરીકે શહેરની જાણીતી સ્કૂલમાં જોડાઈ. ત્રીસેક વરસનો જ્વલંત અહીંનો હાયર સેકન્ડરીનો મૅથ્સનો ટીચર. જુવાન, દેખાવડો, વિદ્યાર્થીઓમાં પ્રિય પણ ખરો. તેનાં ટ્યુશન્સ પણ હાઉસફુલ રહેતાં. મારી પહેલી જૉબમાં તે બહુ હેલ્પફુલ, કાઇન્ડ લાગ્યો. ફિલ્મોની વાતો કરે, સ્કૂલમાં કયા ટીચરને કયા ટ્રસ્ટી જોડે સારાસારી છે એની માહિતી પીરસીને કોની જોડે બગાડવું નહીં એની પણ સલાહ આપે. અલબત્ત, મને ઇમ્પ્રેસ કરવાનો તેનો આયાસ કળાય, પણ અપરિણીત જુવાન આ રીતે જીવનસાથીનું સેટિંગ કરવા માગે એમાં ખોટું શું હતું?
‘ગણિતનો શિક્ષક ભારે ગણતરીબાજ છે... આજકાલ હાર્મોનિયમ પર તેના ગુણાકાર-ભાગાકાર મંડાય છે.’
ટીચર્સરૂમમાં થતી કાનાફૂસી ક્યારેક અજાણતાં કાને ચડી જતી.
‘અગાઉ વિજ્ઞાનની ટીચર જોડે કેવો મીઠો થતો. મ્યુઝિક-ટીચર આવતાં તેના સૂર બદલાયા. હાસ્તો, સંગીતની શિક્ષિકા ક્યાંય વધુ રૂપાળી અને પૈસાવાળી જો છે.’
‘લોકો વાતો કરે જ્વલંત, પીઠ પાછળની કૂથલીને સિરિયસલી લેવાનો મારો સ્વભાવ નથી છતાં એટલું કુતૂહલ અવશ્ય છે – સાયન્સની માધુરી ટીચર જોડે તમે રિલેશનમાં હતા? તે હંમેશાં મારાથી જાણે કેમ કતરાતી હોય છે?’
જ્વલંતને સીધું પૂછતાં તે સહેજ ગલવાયો, પછી રોષ ઉછાળ્યો, ‘માધુરીને મેં કોઈ કમિટમેન્ટ નહોતું આપ્યું... અહીં બધા જલે છે મારા પ્રોગ્રેસથી, ટ્વેલ્થનાં મારાં રિઝલ્ટ્સથી.’ કહીને અચાનક મારો હાથ પકડી લીધો : બાકી હા, હું તને જરૂર ચાહવા લાગ્યો છું.
‘ઓહ!’ હું આ ધડાકા માટે તૈયાર નહોતી. પહેલી વાર લાગ્યું કે જ્વલંત બીજાને મૅનિપ્યુપ્લેટ કરવા જેટલો હોશિયાર તો ખરો.
‘આઇ ઍમ સૉરી જ્વલંત, પણ હું હજી લગ્ન માટે તૈયાર નથી...’ મેં હળવેથી હાથ સરકાવતાં તેણે માઠું ન લગાડ્યું, ‘અફકોર્સ, ટેક યૉર ઑન ટાઇમ.’
‘છોકરા બાબત તને વાંધો શું છે? આપણી ન્યાતનો છે, તને ચાહે છે...’
નિકટતા વધારવાના પ્રયાસરૂપે જ્વલંત ક્યારેક અમે મા-દીકરી મૂવી જોવા ગયાં હોઈએ ત્યાં ભટકાઈ જાય, ક્યારેક સિદ્ધિવિનાયકનાં દર્શનમાં ભેટી જાય. પછી તો માએ ઘરે તેડાવતાં એક-બે વાર બંગલે પણ આવી ગયેલો. માને તે બધી રીતે યોગ્ય ઉમેદવાર લાગતો, પણ કશુંક હતું જે મને બાંધી રાખતું.
‘જ્વલંત મારી પાસેથી આપણો પ્રોગ્રામ જાણે ને પછી ત્યાં પહોંચી જાય એમાં પ્યારથી વધુ મને ગણતરી લાગે છે મા. તેના માટે મને પ્રીતનાં સ્પંદનો ફૂટતાં જ નથી અને તેના હૈયે ફૂટ્યાં હોય તો એ નૈસર્ગિક નથી એટલું તો કળી શકું છું હું.’
ત્યારે માએ આગ્રહ પડતો મૂક્યો, પણ જ્વલંતે આશા છોડી ન હોય એમ મારી આગળ-પાછળ મંડરાતો રહેતો.
આવામાં માને અચાનક માંદગીએ જકડી. લાસ્ટ સ્ટેજનું કૅન્સર નીકળ્યું. હૉસ્પિટલમાં જ્વલંત ખડેપગે રહ્યો એ તો કબૂલવું પડે. મે બી, માતાજી જવાનાં એટલે નોંધારી થનારી દીકરીને સાચવી લઈને પોતે તેનો ભરથાર અને સાથે કરોડોનો માલિક બની શકે એવી ગણતરી પણ તેને પ્રેરતી હોય, કોણે જાણ્યું!
જ્વલંત જેટલો નિકટ આવવાના ઉધામા કરે છે એટલો મારાથી દૂર જાય છે એ વિરોધાભાસ મને ખુદને ક્યારેક અકળાવતો, પણ માની માંદગીમાં એ વિશે કંઈ જ વિચારવું નહોતું.
માને અમે કૅન્સર વિશે કહ્યું નહોતું, પણ તેને અંતકાળનો અંદાજ આવી ગયો હોય એમ એ રાતે મને નિકટ તેડાવી : લાવણ્યા, દરવાજો લૉક કર, મારે તને અગત્યની વાત કહેવી છે.
કહ્યા પછી મા તો હળવી થઈને બીજા દિવસે ચિરનિદ્રામાં પોઢી ગઈ, પણ પછી સત્યના એ ઓથારે મને સરખી સૂવા નથી દીધી. શહેર-ઘર બધું ખાવા ધાય છે. અહીંથી દૂર જવા બીજે નોકરી પણ શોધી રાખી છે.
જોકે અહીંથી જતાં પહેલાં એક જ કામ કરવાનું રહે છે - જ્વલંતના મનોભાવ ચકાસવાનું કામ. મમ્મીના ગયા પછી મારી સંભાળના બહાને તેનો ઘરે આવરોજાવરો વધી ગયેલો. ખરખરા માટે તેનાં મધરનો પણ ફોન આવેલો ત્યારે સમજાયું કે જ્વલંત પોતાની રીતે ઘણો આગળ વધી ગયો છે... મને સ્વીટી કહીને બોલાવી લે છે ને હું વણદેખ્યું, વણસાંભળ્યું કરી લઉં છું. મરતાં પહેલાં માએ કહેલો ભેદ મને બીજું કંઈ જ સૂઝવા દે એમ નથી... આની એક ઝલક જ્વલંતને દેખાડું તો એ તેની ઍસિડ-ટેસ્ટ પણ થઈ જાય કે નહીં!
બસ, આ જ વિચારીને જ્વલંતને આજે કમાટીબાગ સામેની રેસ્ટોરાંમાં તેડાવ્યો છે, વેઇટર ઑર્ડર સર્વ કરી ગયો છે અને હવે...
વિચારમેળો સમેટીને લાવણ્યાએ પર્સ ઉઘાડબંધ કરીને એક કવર કાઢ્યું, ‘તમે મને ચાહો છો એવા તમારા બયાનને સત્ય માનીને મારી જિંદગીનો સૌથી મોટો ભેદ તમને કહું છું... સાંભળતાં પહેલાં એટલું જાણી લો કે મારા પિતાની મિલકતની હું વારસદાર રહી નથી.’
આટલું સાંભળતાં જ જ્વલંતે તરાપ મારીને લાવણ્યાના હાથમાં રહેલું કવર ખૂંચવ્યું : શું વાત કરે છે, તારી મધર આવી વસિયત કરી ગઈ કે શું?
વારસાનું સાંભળી જ્વલંતને ધક્કો લાગ્યો એ તો ચોક્કસ. હૉર્સરેસમાં ક્યાંક ખોટા ઘોડા પર દાવ નથી લગાડાઈ ગયોને – એવો અજંપો તેના ચહેરા પર સાફ વર્તાતો હતો.
‘આ શું છે?’ કવરમાંથી વસિયતને બદલે છાપાનું કટિંગ નીકળતાં જ્વલંત અકળાયો.
‘ન્યુઝ-કટિંગ છે... ‘ લાવણ્યાએ ચીંધેલું મથાળું વાંચતાં જ્વલંતની આંખો પહોળી થઈ:
ખૂનકેસમાં જન્મટીપની સજા પામેલો કેદી પરોલ પર નીકળીને ફરાર.
વર્ષો જૂના અખબારની આ ઝેરોક્સ કૉપી છે, જેમાં ફરાર ખૂનીનો ચહેરો એટલા ધબ્બાવાળો છે કે સરખો ઓળખાય એવો નથી.
‘આ માણસ મારા પિતાનો ખૂની છે જ્વલંત અને મને તેની તલાશ છે. બોલ, તેની શોધમાં તું મને સાથ આપીશ?’
જ્વલંત ઘડીક લાવણ્યાને તો ઘડીક સમાચારપત્રને નિહાળી રહ્યો.
lll
વલસાડ સ્ટેશને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી લાવણ્યા ઊતરી કે ગળામાં ફૂલોનો હાર પડ્યો : વેલકમ ટુ નંદીગ્રામ.
આમ કહીને ટહુકતો ઊંચો-પહોળો જુવાન કસાયેલો જણાયો, પણ કોઈ કુંવારી છોકરીના ગળામાં આમ હાર પહેરાવવાનો અર્થ શું થાય એ સમજતો પણ હશે ખરો?
લાવણ્યાએ હોઠ કરડ્યો : સમજતો જ હોય. માસૂમ બનીને છોકરી પટાવવાનો ટ્રેન્ડ તો સિનેમાના ઇતિહાસ જેટલો જૂનો છે.
‘હલો, હું અનુરાગ. આનંદસરે તમને તેડવા મને મોકલ્યો. તેમની કાર લઈને આવ્યો છું. સરે કહેલું નવા ટીચરનું સ્વાગત બરાબર કરજો એટલે ફૂલનો હાર લઈ આવ્યો. તમને સરપ્રાઇઝ ગમીને?’
ત્યારે હા-ના કહેવાને બદલે લાવણ્યાએ જુદું પૂછ્યું, ‘તમે કેમ જાણ્યુ કે હું જ નવી ટીચર છું? મારા અપૉઇન્ટમેન્ટ લેટરમાં મારો ફોટો તો નહીં જ બીડ્યો હોય.’
તેના અવાજમાં સહેજ ધાર
આવી ગઈ.
‘હા, પણ તમે ફર્સ્ટ ક્લાસમાં આવો છો એવું આનંદસરે કહેલું અને ડબ્બામાંથી વલસાડ ઊતરનારાં તમે એક જ લેડીઝ હતાં એટલે...’ તે સહેજ મૂંઝાયો, ‘તમે મિસ લાવણ્યા ન હો તો હાર પાછો આપજો હં! મારે અસલી લાવણ્યાને પહેરાવવાનો છે.’
ત્યારે લાવણ્યાથી હસી પડાયું. ના, આ જુવાનમાં કપટ નથી.
‘ડોન્ટ વરી, હું જ છું લાવણ્યા.’ તેણે હસતાં-હસતાં કહ્યું.
અનુરાગ તેના ગાલમાં પડતા ખાડાને મુગ્ધપણે તાકી રહ્યો.
(ક્રમશ:)
