Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આઇ લવ યુ ભગવાન - વાત એક અજાણ્યા સાથની (પ્રકરણ ૫)

આઇ લવ યુ ભગવાન - વાત એક અજાણ્યા સાથની (પ્રકરણ ૫)

Published : 26 June, 2026 12:34 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હૉસ્પિટલ પહોંચતાં જ ઇમર્જન્સી સાયરન વાગી અને ડૉ. પલ્લવી અને તેની ટીમ સ્ટ્રેચર લઈને આવી ગયાં. મૈત્રીને તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. સફેદ ઝભ્ભા પર લોહીના લાલ ડાઘ સાથે ભગવાનરાવ ઑપરેશન થિયેટરની બહારની બેન્ચ પર બેસી ગયા

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘એય છોકરી, આંખો ખોલ!’ ભગવાનરાવે જમીન પર બેસીને મૈત્રીના ગાલ પર હળવી ટપલી મારી, પણ મૈત્રીના ચહેરા પર મોતની ફીકાશ પ્રસરવા માંડી હતી.

‘મૈત્રી... એય છોકરી...’



ફરીથી કોઈ જવાબ નહીં અને સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના ભગવાનરાવે પોતાના બન્ને હાથોમાં મૈત્રીને ઊંચકી લીધી. આ એ જ માણસ હતો જે થોડા દિવસ પહેલાં પંખે લટકીને પોતાનો જીવ આપવા માગતો હતો અને આજે એ જ ખડૂસ બુઢ્ઢો પોતાના ખભા પર પૃથ્વી પર આવવા માગતા એક નવા જીવનો અને તેની માતાનો ભાર ઊંચકીને લિફ્ટ તરફ ભાગતો હતો.


વરસાદ હજી પણ એકધારો વરસતો હતો. નીચે આવીને ભગવાનરાવે મૈત્રીને પાછળની સીટ પર સુવડાવી અને પોતાની જૂની કારને પૂરી તાકાતથી ઍક્સેલરેટર આપ્યું. પાણી ઉડાડતી કાર નાણાવટી હૉસ્પિટલ તરફ ભાગી. મુંબઈના ટ્રાફિક અને વરસાદ વચ્ચે કાર ચલાવતા ભગવાનરાવ વારંવાર પાછળ જોઈ લેતા હતા.

‘એય છોકરી, જાગતી રહેજે... કંઈ નહીં થાય તને...’ ભગવાનરાવ સતત બોલતા જતા હતા, ‘વાત નહીં કર તો ચાલશે, પણ તારે જાગતા રહેવાનું છે... જાગતી રહેજે.’


હૉસ્પિટલ પહોંચતાં જ ઇમર્જન્સી સાયરન વાગી અને ડૉ. પલ્લવી અને તેની ટીમ સ્ટ્રેચર લઈને આવી ગયાં. મૈત્રીને તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. સફેદ ઝભ્ભા પર લોહીના લાલ ડાઘ સાથે ભગવાનરાવ ઑપરેશન થિયેટરની બહારની બેન્ચ પર બેસી ગયા. આજ સુધીમાં ભગવાનરાવે ક્યારેય ભગવાનને યાદ નહોતા કર્યા, ક્યારેય નહીં; પણ આજે તેમની આંખો સામે વારંવાર વિઠ્ઠલ આવતા હતા.

‘વિઠ્ઠોબા, આ છોકરી અહીં સુધી એકલા હાથે લડી છે. હવે તેને સાથ જોઈએ છે. સાથ તારે આપવાનો છે...’

lll

‘વડીલ...’ કલાક પછી ઑપરેશન થિયેટરમાંથી બહાર આવતાંની સાથે ડૉ. પલ્લવીએ કહ્યું, ‘પરિસ્થિતિ ક્રિટિકલ છે. મેન્ટલ ટ્રૉમા અને શૉકને કારણે ઍમ્નિઑટિક બૅગ ફાટી ગઈ છે.

બ્લડ-લૉસ રોકાતું નથી. બાળક ગર્ભમાં જ ગૂંગળાય છે. અમારે તાત્કાલિક નિર્ણય લેવો પડશે. અમે બેમાંથી કોઈ એકને જ બચાવી શકીશું : મા અથવા બાળક. તમે લીગલ ગાર્ડિયન છો, તમારે નક્કી કરવું પડશે.’

ભગવાનરાવના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ કેવી ક્રૂર મજાક હતી ઈશ્વરની?

‘નક્કી છે ડૉક્ટર... પેલી છોકરીને બચાવો...’ ભગવાનરાવનો અવાજ ભારે હતો, ‘બાળક વિના જીવવું તેના માટે અઘરું હશે, પણ... આશા નવી જન્મી શકે. તમે તે છોકરીને બચાવો...’

ડૉક્ટર કંઈ કહે એ પહેલાં તો ઑપરેશન થિયેટરમાંથી નર્સ દોડતી બહાર આવી.

‘મૅડમ, પેશન્ટને હોશ આવે છે. તે ઑક્સિજન માસ્ક કાઢી નાખે છે. એક જ વાત બોલે છે... ભગવાન, ભગવાન...’

‘એ તો આવી સિચુએશનમાં કોઈને પણ ભગવાન યાદ...’

‘મી ભગવાન આહે, તી પોરગી મલા બોલવતેય...’

ડૉક્ટરે પરમિશન આપી કે તરત ભગવાનરાવ ઑપરેશન થિયેટરમાં ગયા. મૈત્રી મશીનોની વચ્ચે વીંટળાયેલી હતી. તેનો શ્વાસ ધીમો હતો.

‘તને કંઈ નહીં થાય છોકરી... કંઈ નહીં...’

તેણે ધીમેથી ભગવાનરાવનો હાથ પકડ્યો.

‘મને બધી ખબર છે. તમે... પ્લીઝ... મારા બાળકને બચાવજો.’

‘તું ગાંડી છે?’ ભગવાનરાવ ડૂમો ગળતાં બોલ્યા, ‘તને કંઈ નહીં થાય. તારે... તારે આ બાળકને મોટું કરવાનું છે.’

‘તમે છોને?’

‘ના, હું... હું નહીં... તારે... તારે તેને મોટું કરવાનું છે...’

‘પ્લીઝ...’ મૈત્રીની આંખમાંથી આંસુ સરી પડ્યાં, ‘આ બાળક... રાહુલની છેલ્લી નિશાની... જો નહીં હોય તો હું આમ પણ મરી જઈશ. રાહુલે મારા અને તેના માટે પોતાનો જીવ આપ્યો... તેને બચાવી લો પ્લીઝ... તેને કહેજો કે તેની મા તેને બહુ પ્રેમ કરતી...’

મૈત્રીની આંખો ફરી મીંચાઈ અને મશીન પર હાર્ટબીટ્સનો ગ્રાફ નીચે જવા માંડ્યો.

ભગવાનરાવ ડૉક્ટર પલ્લવી તરફ ફર્યા. તેમની આંખોમાં એક ભયાનક આગ હતી.

‘ડૉક્ટર, હું સહી કરવાનો નથી. તમારે બન્નેને બચાવવાનાં છે. જો લોહી જોઈતું હોય, કિડની-હૃદય જે જોઈતું હોય એ મારું કાઢી લો; પણ મને આ બે જીવતાં જોઈએ.’

‘તમે... તમે બહાર બેસો. અમે અમારી બનતી કોશિશ કરીએ છીએ...’

lll

ઑપરેશન થિયેટરની બહાર પૅસેજમાં ભગવાનરાવ ઊભા હતા ત્યાં લિફ્ટનો દરવાજો ખૂલ્યો અને રાહુલનો ભાઈ કેતન, ત્રણ હટ્ટા-કટ્ટા ગુંડા અને વકીલ આવ્યા. કેતને આવીને સીધો ભગવાનરાવનો કૉલર પકડ્યો.

‘ઓય બુઢ્ઢા... મારી એક જ વાત છે. પેલી છોકરી અંદર મરવાની તૈયારીમાં છે. તે મરે એ પહેલાં આ કાગળ પર તેનો અંગૂઠો લાવી દે. નહીં તો અમે આમ પણ તેને હવે જીવતી રહેવા દેવાના નથી...’

ભગવાનરાવે શાંતિથી કેતનનો હાથ કૉલર પરથી હટાવ્યો. તેમના ચહેરા પર કોઈ ડર નહોતો. ઊલટું ભયાનક અને ક્રૂર સ્મિત હતું.

‘ભાઈ... તેં સવારે જે ભૂલ કરી એ જ ભૂલ તું અત્યારે કરે છે...’ ભગવાનરાવે પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો, ‘એક મિનિટ ઊભો રહે...’

ભગવાનરાવે ફોનમાં એક નંબર ડાયલ કર્યો અને પછી ફોન કાન પર મૂક્યો.

‘વિઠ્ઠલરાવ બોલતોય. નાણાવટી હૉસ્પિટલ, સેકન્ડ ફ્લોર. પાંચ મિનિટાત પોહચા...’

કેતન, વકીલ અને તેના ગુંડાઓ હસી પડ્યા.

‘કોને બોલાવે છે બુઢ્ઢા... પોલીસને?’

‘પોલીસ તો કાયદાથી ચાલે, મારા માણસો માત્ર મારા હુકમથી ચાલે છે.’ ભગવાનરાવે મોબાઇલ ખિસ્સામાં મૂક્યો, ‘બે મિનિટ... એકસો વીસ સેકન્ડ. ઊંધી ગણતરી ચાલુ કરી દે... ના, તું રહેવા દે, હું ગણતો જઉં. એકસો વીસ, એકસો ઓગણીસ...’

બીજા સાંભળી શકે એમ ભગવાનરાવે ગણતરી શરૂ કરી.

ત્રણ, બે અને....

એકનો આંકડો હજી તો બોલાયો પણ નહોતો અને ત્યાં જ નાણાવટી હૉસ્પિટલની લિફ્ટ અને સીડીઓ પરથી ધડધડાટ કરતા અવાજો આવવા લાગ્યા અને લાલ શર્ટ સાથે હાથ પર બિલ્લા બાંધેલા પચાસથી વધુ રેલવેના કૂલીઓ અને યુનિયનના મજૂરો સેકન્ડ ફ્લોરના પૅસેજમાં ગોઠવાઈ ગયા!

આખી હૉસ્પિટલ લાલ સમુદ્રમાં ફેરવાઈ ગઈ.

દરેકના હાથમાં લોખંડની ચેઇન અને રેન્ચ હતાં.

‘સાહેબ! બોલા કાય કરાયચં આહે?’ ૬ ફુટ ઊંચા કૂલીએ ભગવાનરાવ સામે જોયું, ‘અહીં જ પૂરો કરીએ કે બહાર લઈ જઈએ?’

કેતન અને તેના ગુંડાઓનાં પૅન્ટ ભીનાં થઈ ગયાં.

વકીલ તો ક્યારનો બાથરૂમમાં સંતાઈ ગયો હતો.

ભગવાનરાવ ધીમે-ધીમે કેતનની નજીક ગયા.

સટાક...

ગાલ પર છાપ છોડી દેનારા જોરદાર લાફાનો અવાજ આખા પૅસેજમાં પથરાયો.

‘આ મુંબઈ મારું છે છોકરા...’ ભગવાનરાવ કડક અવાજમાં ગર્જ્યા, ‘અને અંદર જે ગુજરાતી છોકરી છે તે આ મરાઠી બાપની દીકરી છે! હવે પછી તેની, તેના બાળકની કે તેના હકની આસપાસ પણ ડોકાયો તો... તો મારા આ છોકરાઓ તારા ટુકડા કરીને રેલવેના પાટા પર વેરી દેશે! છેલ્લી વાર જવા દઉં છું. હવે દેખાઈશ તો મી મરાઠી મર્દ નાહી...’

lll

એંએંએં...

૧૦ મિનિટ પછી ઑપરેશન થિયેટરમાંથી નાના બાળકના રડવાનો અવાજ આવ્યો અને અવાજ સંભળાતાં જ ભગવાનરાવ જમીન પર બેસી નાના બાળકની જેમ રડી પડ્યા. તેમને ખબર નહોતી પડતી કે તે શું કરે, કેમ વર્તે?

પાંચ જ મિનિટમાં ડૉ. પલ્લવી આવ્યાં. તેમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં જીતની ચમક હતી.

‘ભગવાનરાવ, તમે સાચે જ ભગવાનનું નામ સાર્થક કર્યું. ઇટ્સ મૅજિક. મૈત્રી સેફ છે અને... તેને બેબી ગર્લ આવી છે. દીકરીની તબિયત સારી છે.’

ભગવાનરાવ દોડીને અંદર ગયા. મૈત્રીને હોશ આવી ગયા હતા. તેની બાજુમાં એક નાનકડી, મુઠ્ઠીમાં સમાય એવી નાની દીકરી રડતી હતી. ભગવાનરાવે ધ્રૂજતા હાથે તે બાળકીને હાથમાં લીધી અને બાળકીએ ભગવાનરાવની આંગળી પકડી લીધી.

ભગવાનરાવને યાદ આવ્યું કે આ એ જ આંગળીઓ હતી જે થોડા દિવસ પહેલાં ગળામાં ફાંસો નાખવા માટે દોરડું બાંધતી હતી અને આજે... આ જ આંગળીઓ એક નવા જન્મેલા જીવને પકડીને જિંદગીનો અર્થ સમજાવતી હતી.

‘એ છોકરી, આ છોકરી તો... આ તો... તારા જેવી જ લાગે છે. નાની ને સાવ ઝીણી...’ ભગવાનરાવની આંખોમાં આંસુ હતાં પણ ચહેરા પર સ્માઇલ હતું, ‘આનું નામ તો આપણે...’

‘એન્જલ...’

મૈત્રીએ કહ્યું અને ભગવાનરાવની અંદરનો ગુસ્સો જાગી ગયો.

‘ના, આ રુક્મિણી છે. આનું નામ રુક્મિણી...’

‘મેં અને રાહુલે તેનું નામ એન્જલ ફાઇનલ કર્યું છે...’

‘તો તું તેને એન્જલ કહેજે... હું તેને રુક્મિણી કહીશ...’ ઑર્ડર આપીને ભગવાનરાવ તો તેની સાથે રમવા પણ માંડ્યા, ‘બરાબરને રુક્મિણી, સરસ છેને નામ...’

મૈત્રી તે પરાયા પિતાની સામે જોઈ રહી.

lll

એ શુક્રવારની બપોર હતી.

ઑફિસના કામમાંથી બ્રેક લઈને મૈત્રી કિચનમાં પૂરણપોળી બનાવતી હતી અને ત્યાં પાંચ વર્ષની એન્જલ દોડતી આવી.

 ‘મમ્મા, આજોબા જાગતા નથી! મેં તેમને બહુ ઉઠાડ્યા... પણ સૂતા જ રહે છે.’

‘તારાથી રિસાયા હશે...’ ઍક્ટિંગ કરી, ‘તે આમ સૂતા છે...’

એન્જલના બે ફેલાયેલા હાથ જોઈને મૈત્રીના ધબકારા વધી ગયા. તે દોડીને ભગવાનરાવની રૂમમાં ગઈ.

ભગવાનરાવ પોતાની પ્રિય આરામખુરસીમાં સૂતા હતા. તેમનો ચહેરો એકદમ શાંત હતો, જાણે કોઈ તપસ્વી ધ્યાનમાં બેઠા હોય; પણ તેમની છાતીમાં કોઈ હલચલ નહોતી. મૈત્રીએ ધ્રૂજતા હાથે તેમની નાડી તપાસી. ભગવાનરાવ રવાના થઈ ગયા હતા, કાયમ માટે.

મૈત્રી ફસડાઈ અને ત્યાં જ તેની નજર ભગવાનરાવના હાથમાં રહેલા કવર પર પડી, જેના પર લખ્યું હતું : ‘ફક્ત મારી દીકરી મૈત્રી માટે.’

મૈત્રીએ કવર ખોલ્યું. અંદર

લેટર હતો.

lll

મારી એકમાત્ર મિત્ર એવી મૈત્રી,

તું આ વાંચીશ ત્યારે હું નહીં હોઉં. મને ખબર પડી ગઈ હતી કે મારો સમય પૂરો થયો છે. તને યાદ છે એ દિવસ? જ્યારે તું અહીં રહેવા આવી ત્યારે... ત્યારે હું પંખા પર લટકીને મરવાનો હતો. બધી તૈયારી કરી લીધી હતી, બે જ મિનિટની વાર હતી અને ત્યાં તું મારા જીવનમાં આવી. તેં મને મરવા ન દીધો. તેં મને નવી જિંદગી આપી. આ પાંચ વર્ષ જે તેં અને રુક્મિણીએ મને આપ્યાં એ મારા જીવનનું બોનસ હતું.

મારું વિલ તૈયાર છે. મારી બચત, મારું પેન્શન, આ ફ્લૅટ અને પેલી ભંગાર ફીઆટ ગાડી. બધું જ મારી રુક્મિણી અને તારા નામે કર્યાં છે. જોકે એક શરત છે છોકરી. મારી રુક્મિણીને ગમે એવી અંગ્રેજી મીડિયમમાં ભણાવજે, પણ તેને પ્યૉર મરાઠી ગાળો બોલતાં પણ શીખવાડજે! નહીં તો મને સ્વર્ગમાં શાંતિ નહીં મળે અને હું ભૂત બનીને તારા સપનામાં આવીશ! હા, એક ખાસ વાત. જો કોઈ સારો છોકરો મળે તો ફરીથી ઘર વસાવવામાં અચકાતી નહીં. આ તારા ફ્રેન્ડનો ઑર્ડર છે.

તારો ખડૂસ ભગવાન.

lll

ચિઠ્ઠી વાંચીને રડતી આંખો વચ્ચે પણ મૈત્રીથી સ્માઇલ થઈ ગયું. તેણે એન્જલને ગળે વળગાડી અને ભગવાનરાવ સામે જોયું. બારીમાંથી સૂર્યનું એક કિરણ સીધું ભગવાનરાવના ચહેરા પર પડતું હતું. મૈત્રીએ પોતાના બન્ને હાથ જોડીને, હૃદયના ઊંડાણમાંથી એક એવી બૂમ પાડી જે સીધી સ્વર્ગ સુધી પહોંચી...

‘આઇ લવ યુ... ભગવાન!’

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 12:34 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK