ન હોય! ધૅન ઇટ ઇઝ અ ટ્રૅપ. વિજયસિંહનુ દિમાગ દોડવા લાગ્યું : આજકાલ ટેક્નૉલૉજી ઍડ્વાન્સ થઈ ગઈ છે. અમુક ટૂલ્સ અને તમુક ફિલ્ટર્સ વાપરો તો તમારો અવાજ તમે ધારો તેના અવાજમાં કન્વર્ટ થઈને સામા છેડે સંભળાય, આ એવી જ કરામત કરાઈ છે!
ઇલસ્ટ્રેશન
મધરાતે વિજયના કક્ષનો ઇન્ટરકૉમ રણક્યો. સામે મોહિનીદેવી હતાં : જરા હૉલમાં આવજે, જલદી!
અત્યારે એવું તે શું થયું?
ADVERTISEMENT
ઉતાવળી ચાલે દિવાનખંડમાં પગ મૂકતો વિજય મા-ઉદય સાથે અજાણી યુવતી (તર્જની)ને જોઈ જરા ખચકાયો: યસ?
‘આ તર્જની છે. હિંમતગઢથી આવી છે.’ મોહિનીદેવીએ પરિચય આપી ખુલાસો કર્યો, ‘ટ્રાફિકમાં તેને અહીં પહોંચતાં મોડું થયું.’
આમ તો મહારાણીમા આવા કથોરા સમયે કોઈને મળે નહીં પણ આવનારીની વાતમાં તાકીદ જણાઈ હશે એટલે મુલાકાત આપી. અને હિંમતગઢવાળાની ઇમર્જન્સી રાજમાતાને શોધવાની જ હોયને!
વિજયસિંહ સચેત થઈ ગયો.
ત્યાં તર્જની તેને જ કહેતી સંભળાઈ, ‘જી સર, મને રાજમાતાએ મોકલી છે.’
‘રાજમાતાએ?’ ચમકી ગયો વિજયસિંહ. તર્જનીની નજર તેના પર જ ચોંટી હતી,
‘જી. વાસ્તવમાં રાજમાતા તેમનો ત્રીસ કરોડનો રજવાડી હાર અહીં ભૂલી ગયાં, એ લેવા મને મોકલી.’
‘જૂઠ!’ વિજય જોમમાં આવ્યો, ‘રાજમાતા અહીં કશું ભૂલ્યાં નથી. અહીં તેમનો કોઈ હાર નથી.’
‘એ તો હું તેમના કક્ષમાં જોઈ લઈશ એટલે ખબર પડશે.’
‘એટલે? તમારે પૅલેસમાં સર્ચ કરવી છે? હાઉ ડેર યુ...’
‘વિજય, તેમને તસલ્લી કરી લેવા દે. રાજમાતાએ કહ્યું છે તો..’
‘હમ્બગ મા, ઇમ્પૉસિબલ. રાજમાતા તેને આવું કહી જ ન શકે.’
‘તેમણે મને તો કહ્યું, વિજય.’
હેં! માએ રાજમાતા સાથે વાત કરી? એ તો બને જ કેમ! વિજય ફાટી આંખે ઘડીક માને તો ઘડીક તર્જનીને જોઈ રહ્યો.
‘શું તું પણ! એમ કોઈ છોકરી આવી ગમે તે કહે એ હું માની લેતી હોઈશ? રાજમાતાનો ફોન લાગ્યો નહીં એટલે મેં તેમના મોટા દીકરા સમીરસિંહને ફોન જોડ્યો, તેણે રાજમાતા જોડે વાત કરાવી.’
ન હોય! ધૅન ઇટ ઇઝ અ ટ્રૅપ. વિજયસિંહનુ દિમાગ દોડવા લાગ્યું : આજકાલ ટેક્નૉલૉજી ઍડ્વાન્સ થઈ ગઈ છે. અમુક ટૂલ્સ અને તમુક ફિલ્ટર્સ વાપરો તો તમારો અવાજ તમે ધારો તેના અવાજમાં કન્વર્ટ થઈને સામા છેડે સંભળાય, આ એવી જ કરામત કરાઈ છે!
‘શું વિચારે છે, દીકરા?’ મોહિનીદેવીએ હળવો નિશ્વાસ નાખ્યો, ‘રાજમાતા આમ પોતાની એમ્પ્લૉઈને તલાશી માટે મોકલે એ મને પણ બહુ રુચ્યું નથી, પણ તે આપણા નિમંત્રણે આવેલાં એટલે ભલે આ છોકરી બધું ચેક કરતી. જા, લઈ જા તેને.’
વિજયસિંહને પગ ઉપાડતાં બહુ જોર પડ્યું પણ પછી જાતને સમજાવી દીધી : ભલેને તર્જની આખો મહેલ ખૂંદતી, તેને સુરંગનો ગુપ્તમાર્ગ ઓછો મળવાનો!
પણ તેણે તર્જનીને જાણી નહોતી.
હારના બહાને મહેલમાં પ્રવેશી તેણે મોહિનીદેવી-ઉદયના પ્રતિભાવ પરથી જાણી લીધું કે એ લોકો આખા કિસ્સાથી સાવ જ અજાણ છે. ‘રાજમાતા’ સાથે વાત પણ કેટલા સહજ ભાવે કરી. પણ વિજયના પ્રત્યાઘાતે તેના ગુનેગાર હોવા પર મહોર મારી દીધી! હવે દેર નથી કરવી.
દીવાનખંડની બહાર નીકળતાં જ તર્જનીએ વિજયની પીઠ પર રિવૉલ્વરનું નાળચું ટેકવ્યું, ‘હાર-બાર રહેવા દો હાઇનેસ, તમે સીધા રાજમાતા પાસે જ લઈ જાઓ... ક્વિક!’
વિજયસિંહ ધ્રૂજી ગયો, ‘રાજમાતા તો હિંમતગઢ છે, તમે જ તો વાત કરાવી મા સાથે.’
‘અને એ તમારાથી મનાયું નહીં. એટલે ઓવરસ્માર્ટ બન્યા વિના રાજમાતા પાસે દોરી જાઓ નહીં તો મારી પિસ્ટલ મૂંગી નહીં રહે. હું ‘રૉ’ની જાસૂસ છું ને મીનળદેવી મારી માતા સમાન છે.’
‘રૉ’ની જાસૂસ! ત્યારે તો એ
મેં મોકલેલા વિડિયોનું સચ પણ
જાણતી હશે.
વિજયસિંહ અટકી ગયો.
‘શૂટ મી, તર્જની. આયૅમ રેડી ટુ ડાઇ. બાકી મારા જીવતાં તો હું રાજમાતાને નહીં છોડું. તેમની પાસે મારો એક ભેદ છે, તેમના છૂટતાં જ એ ભેદ ખૂલી જવાનો જે મારા માટે મોતથીયે બદતર ગણાશે. શૂટ મી!’
તેની અક્કડતામાં, તેની વિનંતીમાં રુદનની છાંટ હતી. તર્જની પણ બે ઘડી વિચારમાં પડી : યુવરાજનો એવો તે કેવો ભેદ હશે?
‘ધિસ ઇઝ નેગોશિએબલ. રાજમાતા તમારો ભેદ કોઈને નહીં કહે એની જવાબદારી મારી. નાઓ મૂવ!’
અને...
એક બાજુ વિજયસિંહ સાથે તર્જની ભોંયરામાં ઊતરે છે એ જ વખતે વિરાટનગરના માર્ગેથી કેતુ તેની ટીમ સાથે આવી પહોંચ્યો.
રાજમાતા મહોરી ઊઠ્યાં.
‘સૉરી, વિજયસિંહ, કિડનૅપિંગ ઇઝ નૉટ યૉર સબ્જેક્ટ. વિરાટનગરના જંગલમાં રાજમાતાની કાર મળી, સ્નિફર ડૉગ્સ અમને સુરંગ સુધી દોરી ગયા... સો ઈઝી!’
lll
રાજમાતાએ વિજયનો ભેદ
કેતુ-તર્જની સમક્ષ ખોલી નાખ્યો. બંકરમાં સ્તબ્ધતા છવાઈ રહી.
રંભા ડઘાયેલી હતી. વિજયસિંહ ડૂસકાં ભરતો હતો, ‘મારો અવિનય ક્ષમા કરજો, રાજમાતા. સિધાવો. માને પણ સચ કહી દો અને મને...’
તે તર્જનીની ગન ઝૂંટવવા લપક્યો, પણ રાજમાતાએ તેનો હાથ પકડી લીધો, ‘બે શરતે હું મોહિનીને કશું નહીં કહું.’
શરત!
‘ઉદયને સ્વીકારી લે. તેને બદીમાંથી બહાર કાઢીશ તો એ પણ માના હૈયે રહેવાનો માર્ગ થયો એ તને સમજાવવાનું હોય, વિજય?’
રાજમાતાએ તેના માથે હાથ ફેરવ્યો, ‘એટલું કરીશ તો મોહિની આ રંભાને વહુ તરીકે સ્વીકારવા પણ રાજી થઈ જશે.’
રંભાના ગાલે શેરડા પડ્યા. બે દિવસ રાજમાતાની ચોકીમાં રહી એમાં તેમણે મારી પ્રીત અને પોત પારખી લીધાં! વિજયસિંહ નીચું જોઈ ગયો.
‘તું મૂળભૂત રીતે સંસ્કારી પુરુષ છે વિજય... જે અણજોઈતાં, અણગમતાં છાંટણાં છે એને જોઈએ તો સાઇકિયાટ્રિસ્ટની મદદ લઈ વિખેરી નાખ, ચોખ્ખો થઈ જા. છ મહિનાનો સમય આપું છું તને.’
છેવટે રાજમાતા વગેરે સુરંગ રસ્તે નીકળી ગયાં. તર્જની રોકાઈ, તેણે મોહિનીદેવીને મળીને હાર બાબત માફી માગીને નીકળવાનું હતું, નૅચરલી.
એ રાતે કક્ષમાં આવેલી રંભાને વળગીને વિજય બસ, રડતો જ રહ્યો.
lll
કામિની રાતભર પડખાં ઘસતી રહી.
પુઅર દિવાકર. શારીરિક ક્રીડા માટે અક્ષમ બનેલો તે ચમત્કારની આશાએ હવાતિયાં મારતો એથી કામિનીની અધૂરી રહેતી તરસ અભાવ પ્રેરતી.
એમાં વળી તેણે બેબી પ્લાન કરવાનું કહેતાં કામિની અંદરખાને ભડકી: હવે બાળક પ્લાન કરવાનો મતલબ એ કે મારે આખી જિંદગી પથારીમાં સિસકતા રહેવાનું!
એ ન બને. હું વહેશી નથી, ઐયાશ નથી પણ સાવ સાધ્વી પણ નથી! યૌવન છે, પુરબહાર જોબન છે, હું શા માટે તડપતી રહું!
તો પછી દિવાકરથી છૂટી થઈ જા.
આનો મતલબ મારે રસ્તા પર આવી જવાનું! મહેલમાંથી ખોલીમાં જતા રહેવાનું? અલબત્ત, આમાં પોતે જ પોતાને સ્વાર્થી લાગી એટલે બીજું કારણ પણ શોધી કાઢ્યું : ડિવૉર્સના કેસમાં દિવાકરની એબ ખૂલવાનું થાય, એ બિચારાને મરવા જેવું લાગે!
તો પછી તેને મારી જ નાખને! આમેય બિચારો મરવાના વાંકે જીવી રહ્યો છેને, તો તું જ તેને મુક્ત કરી દે એટલે તુંય છુટ્ટી!
નિર્ણય ઘડાઈ ગયો, યોજના
બની ગઈ.
અને એ મુજબ ખંડાલાના ફાર્મહાઉસનું આઉટિંગ ઊભું કરી હું તેને ખંડાલા લઈ ગઈ. અફકોર્સ, પહેલાં ત્યાં અમે બેશરમીથી મસ્તી માણતાં એટલે સ્ટાફને હાજર રાખતા નહીં. એ સાંજે પણ બધા નીકળી ગયા અને રાતે હદ ઉપરાંતનુ ડ્રિન્ક પીવડાવી મેં ઘેનમાં આવેલા દિવાકરને પૂલમાં ધકેલ્યો.
થોડાંઘણાં હવાતિયાં માર્યાં-ન માર્યાંને ખેલ ખતમ!
ફાયદો એ રહ્યો કે દિવાકરની એબ કોઈને માલૂમ નહોતી, જૂની સર્જરીનાં નિશાન પણ રહ્યાં નહોતાં એટલે પોસ્ટમૉર્ટમમાં પણ એ ઍન્ગલ ન આવ્યો. પોલીસે દિવાકરના મૃત્યુને આકસ્મિક સ્વીકારી લીધું છે. થોડા વખતમાં ઇન્શ્યૉરન્સના રૂપિયા આવી જાય એટલે
ધીરે-ધીરે શોકથી મુક્ત થઈ આગળ વધવાનું વિચારી રાખેલું એમાં હવે ભૂત આવી ન શકે!
કામિનીએ દમ ભીડ્યો.
lll
‘ભૂતપ્રેત જેવું કાંઈ હોતું નથી.’
સવારે ઊઠતાં જ નૈનાની રેકૉર્ડ ચાલુ થઈ ગઈ, ‘રાતે હું જરા ગભરાઈ ગયેલી પણ લાંબું વિચારતાં મને તો મામલો બીજો જ લાગે છે, મૅડમ.’
‘બીજો મામલો!’ કામિનીને આવી જ કોઈ હૈયાધારણની જરૂર હોય એમ પૂછી બેઠી.
‘મિલકતનો મામલો. ચોક્કસ કોઈનો ડોળો તમારી મિલકત પર છે, ભૂતની વાત ઉપજાવી એ પાર્ટી ભાવ તોડવા માગે છે.’
હાઉસમેઇડમાં આટલી બુદ્ધિ! પણ તેના તર્કમાં તથ્ય છે. બહાદુર રજા પર ઊતરી ગયો છે, નધણિયાતા ફાર્મહાઉસમાં ભૂત હોવાની વાત વહેતી થાય એ પહેલાં ત્યાં રહીને અફવા પર પડદો જ કેમ ન પાડી દેવો!
અને સાંજે જ માલકિન-આયા ફર્મહાઉસ પહોંચી ગયાં.
lll
‘મૅ..ડમ!’
અડધી રાતે નૈનાની તીણી ચીસે કામિની જાગી ગઈ. બારી તરફ
આંગળી કરતી નૈનાના ચહેરા પર ભય થીજી ગયો હતો.
ઝાટકાભેર કામિનીએ ડોક ઘુમાવી ને કાળજે ચીરો પડ્યો.
સામે જ, પૂલ આગળ દિવાકર બેઠો છે. બિલકુલ તે. સ્વિમસૂટમાં શોભતો એ જ કસાયેલો માંસલ દેહ. તેનાં ડૂસકાં મને અહીં સુધી સંભળાય છે!
‘ભૂ..ત’ કહેતી નૈના બેહોશ થઈ ઢળી પડી. કામિનીએ મહાપરાણે હામ જાળવી.
‘વાય... તેં આ શું કર્યું?’
નજરોમાં નજર મેળવી પુછાયેલા સવાલે કામિનીમાં ઘમસાણ મચ્યું.
‘બોલ કામિની, મારો કયો ગુનો હતો કે તેં મને આમ...’
‘ગુનો!’ ભીતરના લાવાથી ભૂતને ભસ્મીભૂત કરું હોય એમ કામિની ઝનૂનભેર રૂમમાંથી નીકળી દિવાકર તરફ ગઈ, ‘તારો વાંક મને પૂછતાં પહેલાં તારે તારી મરદાનગી ચકાસી લેવી જોઈતી હતી, યુ ઇમ્પોટન્ટ! તારી અધૂરપ મને સળગાવતી હતી દિવાકર, નામરદ બનીનેય તારાથી ડૂબી ન મરાયું એટલે મારે તને પૂલમાં ડુબાડવો પડ્યો! હજી પાછો ડુબાડીશ, ભૂત થઈને તું મને ડરાવી ન શકે!’
કહી કામિની જોરથી દિવાકરને ધક્કો મારવા ધસી ત્યાં તો તે હવામાં ઓગળી ગયો ને કામિની પૂલમાં પડતી રહી ગઈ.
‘થૅન્ક્સ ફૉર યૉર કન્ફેશન!’
અલગ-અલગ દિશામાં છુપાયેલી જાસૂસટીમ સાથે પોલીસટુકડી બહાર આવી, તેમની સાથે નૈના જોડાઈ એટલે સમજાયું : આ ટ્રૅપ હતું!
બાઈ તરીકે ગોઠવાયેલી નૈના સેફમાં રહેલા દિવાકરના સ્વિટ્ઝરલૅન્ડના મેડિકલ રિપોર્ટ્સ સુધી પહોંચી એમાં બાજી પલટાઈ ગઈ. ઇટ્સ ઑલ ઓવર.
તેણે આમતેમ જોયું : આમાં દિવાકરનું ભૂત ક્યાં?
નૈના રહસ્યમય મલકી : એ ભૂત નહોતું, કામિની.
lll
‘એ હતો દિવાકરનો AI ક્લોન!’
નાતાલમાં હિંમતગઢ આવેલાં
કેતુ-તર્જની દિવાકર મર્ડરકેસની છણાવટ કરી મુદ્દા પર આવે છે,
‘તમે સાંભળ્યું-જોયું પણ હશે.
ન્યુઝ-ઍન્કર્સના, સિંગર્સના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પ્રેરિત ક્લોન બનાવાય છે જે હૂબહૂ તેમના જેવું લાઇવ પર્ફોર્મ પણ કરે છે. ગુનેગારને ઝડપવામાં એનો ઉપયોગ કરવાનો આ કદાચ પહેલો કિસ્સો હશે, જેની પ્રેરણા અમને રાજમાતાના વિડિયો પરથી મળી. યસ, સિગાર પીતાં રાજમાતાનો વિડિયો તેમને હિપ્નોટાઇઝ કરીને નહોતો ઉતારાયો. હકીકતમાં તે રાજમાતા હતાં જ નહીં, તેમનો ક્લોન અવતાર હતો!’
પોતાની શોધખોળ બાબત વિજયસિંહ આ વિડિયોને કારણે મુસ્તાક હતો એ રાજમાતાને પછીથી સમજાયેલું.
‘જોકે ડિજિટલ ફૉરેન્સિકના અભ્યાસને કારણે અમને ક્લોનની શક્યતા વર્તાઈ ગઈ. IT ભણેલા વિજય માટે વિડિયો બનાવવાનું શક્ય પણ હતું, એમાં તર્જનીના દાવે મહોર મારી.’
‘આ બાજુ નૈનાએ દિવાકરની ઊણપનું સબૂત મેળવતાં મોટિવ હાથ લાગ્યો પણ એને પુરાવા તરીકે વાપરી શકાય નહીં. રાજમાતાનો વિડિયો જોતાં જ સૂઝ્યું કે દિવાકરનો AI ક્લોન બનાવી કામિની પાસે સચ ઓકાવ્યું હોય તો! ઍન્ડ ઇટ વર્ક્ડ!’
‘બસ, હવે વિજયસિંહ તેની પરીક્ષામાં હેમખેમ પાર ઊતરે એવું જ ઇચ્છીએ!’
રાજમાતાનો આ આશાવાદ ફળ્યો હોય એમ છઠ્ઠા મહિને મોહિનીદેવી વિજયની કંકોતરી લઈને આવી પહોંચ્યાં. સાથે જુદો જ, આત્મવિશ્વાસસભર ઉદય હતો ને નવવધૂ તરીકે રંભાનું નામ હતું!
આની ખુશી કેતુ-તર્જનીએ પણ અનુભવી. જોકે ‘તમે ક્યારે કંકોતરી મોકલો છો’ એવું રાજમાતાએ પૂછ્યું એનો જવાબ તો ફરી એક વાર બેઉ શરમાઈને ટાળી જ ગયાં!
(સમાપ્ત)


