Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

13 January, 2022 01:35 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘તું એટલું જ વિચાર અત્તુ કે કાલ ઊઠીને તારાથી ખાનગી તારી આ વિધવા માનો કોઈ સાથે સંબંધ રહ્યો ને એનો પર્દાફાશ જાહેરમાં થાય તો...’

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)

જ્યોત-જ્વાળા (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 4)


‘હવે માંડીને વાત કર, નીમા...’ અતુલ્યએ તેનો હાથ હાથમાં લીધો, ‘મારી ચાહતમાં તને વિશ્વાસ હોય, તું મને ચાહતી હો તો તારું દર્દ વહાવી દે.’
ખરેખર તો થાણે આવી ત્યાં સુધી નીમા ક્ષુબ્ધ હતી. પોલીસે લૉક-અપમાં પૂરવાની તૈયારી કરવા માંડી ત્યારે તેને સૂધ આવી. ‘મા... તે મારી અરેસ્ટના ખબર જીરવી નહીં શકે... ઇન્સ્પેક્ટરને રિક્વેસ્ટ કરી માની ભલામણ માટે અતુલ્યને ફોન જોડતાં તે થાણે ધસી આવ્યો.
‘નીમા અને ચોરી? અસંભવ! ઇન્સ્પેક્ટર, જરૂર તેને કોઈકે ફસાવી છે!’
સાંભળતાં જ નીમાની પાંપણ છલકાયેલી ઃ  સદ્ભાગ્યે અતુલ્યના કૉન્ટૅક્ટ્સ હતા, ફટાફટ જામીનની વ્યવસ્થા કરીને અતુલ્ય તેને પોતાના ઘરે લઈ ગયો. વિદ્યાગૌરી નવા ફણગાએ ડઘાયેલાં.
‘પ્રણય-એકરાર પહેલાં ખરેખર તો માને કન્વીન્સ કરવાની હતી, પણ હવે માની આજ્ઞા પાળવાના સંજોગ જ ક્યાં હતા? નીમાને આ જ રીતે ધબકતી કરાય એમ હતી.’ 
પ્રીતમના તકાજા પછી નીમા પાસે બીજો વિકલ્પ પણ ક્યાં રહ્યો? વિદ્યાગૌરીને જોઈ, હળવો નિઃશ્વાસ નાખી તેણે 
કહેવા માંડ્યું.
lll
‘બંગડીના મામલે નંદિતાબહેને તને ચોર પુરવાર કરી, એમાં તેમને શું મળ્યું?’ 
ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ તરીકે અતુલ્યને ક્રાઇમ ઉકેલવાની ફાવટ હતી, ‘ઘરે તું અને નંદિતાબહેન બે જ હતાં, મતલબ તારા સામાનમાં બંગડી તેમણે જ સરકાવી હોય, જે તેમને થોડી લીગલ પ્રોસીજર બાદ મળી જશે; મતલબ, આખી ઘટનામાં તેમણે કશું ગુમાવવાનું નથી, સવાલ એ છે કે તને ચોર ઠેરવવામાં તેમનો શું ફાયદો હોય? વૉટ ઇઝ હર મોટિવ?’
ત્યારે નીમાને સૂઝ્‍યું,
‘ચોકીનો સેટ! અતુલ્ય, બંગડીની ચોરી સાથે તેમનો સહઆક્ષેપ એવો છે કે તેમની તિજોરીમાંથી અગાઉ ચોકીનો સેટ ચોરાયો છે અને એ પણ મેં જ ચોર્યો હોય...’
‘અહા, મતલબ આજની ઘટનાના મૂળમાં ખરેખર તો આ ચોકીનો સેટ છે! બંગડીની ‘ચોરી’ કરનારે સેટ પણ ચોર્યો જ હોય એવું માનવું તાર્કિક છે. મતલબ, બંગડીના બહાને નંદિતાબહેને ખરેખર તો નીમાને સેટની ચોર ઠેરવી દીધી! બની શકે, સેટ સાચે જ ચોરાયો હોય, પણ નીમાએ બંગડી નથી ચોરી એવું નંદિતાબહેન પોતે તો જાણે જ છે છતાં સેટની ચોરીનો આક્ષેપ તેઓ નીમા પર જ કેમ મૂકે છે.’
‘સિવાય કે ચોકીનો સેટ ગુમ કરવામાં તેમનો જ હાથ હોય!’
‘હેં! પણ માણસ પોતાની જ જણસ ગુમ શું કામ કરે?’
‘એ જ આપણે શોધવાનું છે.’ અતુલ્યએ ચપટી વગાડી, ‘નીમા, નંદિતાબહેનને બયાન પ્રમાણે, તેમના ઘરે ચોકીનો સેટ હતો એ દરમ્યાન તું બે વાર ત્યાં ગઈ. એક આજે, જ્યારે નંદિતાબહેન ચોકીનો સેટ ગુમ થયાનું જાણી ચૂકેલાં અને બીજું, બે શનિવાર અગાઉ તું સમોસાં પહોંચાડવા ગયેલી ત્યારે!’
‘ત્યારે!’ નીમાના દિમાગમાં ફટાફટ ફ્લૅશબૅક રિવાઇન્ડ થઈ રહ્યો, ‘ત્યારે તો તેમણે મને ઘરમાં દાખલ પણ નહોતી થવા દીધી, અતુલ્ય! કારણ કે...’ 
અને નીમા ખચકાઈ. ઘડી પહેલાંનો આવેશ ઓસરી ગયો, ‘નહીં, અતુલ્ય, આ કારણ હું જગત સમક્ષ લાવવા માગતી નથી, પછી ભલે જે થાય.’
‘એવું તે શું છે, નીમા?’ અતુલ્ય ટટ્ટાર થયો. વિદ્યાગૌરી નીમાને ટાંપી રહ્યાં.
‘એમાં એક વિધવાની મર્યાદા છે અતુલ્ય, એને ઉઘાડી કેમ પાડું?’
‘હેં!’
વિદ્યાબહેનની હાજરીને કારણે શક્ય એટલું મોઘમપણે નીમા કહેતી ગઈ. શેખરની વિધ‍વા માને કોઈ સાથે ગુપ્ત સંબંધ છે એ સમજાતાં અતુલ્ય-વિદ્યાગૌરી આઘાત પામ્યાં. 
‘હું તમારી નજરમાં નિર્દોષ છું અતુલ્ય. મને બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. કાયદાની નજરમાં નિર્દોષ ઠરવા હું શનિવારની એ બપોરની વાત ઉઘાડી પાડી વિધવાનું ચિરહરણ નહીં જ કરું.’
‘નીમાના નિર્ણયને મારો ટેકો છે.’
વિદ્યાગૌરીના વજનદાર અભિપ્રાયે દીવાનખંડમાં સોપો સર્જી દીધો.
‘તું એટલું જ વિચાર અત્તુ કે કાલ ઊઠીને તારાથી ખાનગી તારી આ વિધવા માનો  કોઈ સાથે સંબંધ રહ્યો ને એનો પર્દાફાશ જાહેરમાં થાય તો...’
‘મા!’ અતુલ્ય સમસમી ગયો.
‘બસ, શેખરની આ જ પ્રતિક્રિયા નીમા ટાળવા માગે છે...’ કશોક નિર્ણય લીધો હોય એમ તે ઊભાં થતાં, ‘ચોરીના બનાવટી આરોપમાંથી નીમાને સાંગોપાંગ બહાર કેમ કાઢવી એ તારા પર છોડું છું અતુલ્ય, બાકી મેં નક્કી કરી લીધું છે કે ‘આ ઘરની વહુ નીમા જ બનશે.’
‘હેં.’ અતુલ્ય-નીમા સુખદ આંચકો પામી ગયાં.
‘જે છોકરી પોતે દુ:ખ વેઠીનેય પારકાની મર્યાદાનો વિચાર કરે તે પોતાના માટે તો શું ન કરે!’ તેમણે નીમાના માથે હાથ ફેરવ્યો, ‘તારી લાયકાતમાં મને સંદેહ હતો જ નહીં નીમા, જે કંઈ હતું એ તારું આ રૂપ જોયા પછી નષ્ટ પામ્યું. તું સ્વયં જ્યોત  છે નીમા, મારા અતુલ્યના જીવનને અજવાળજે! સુખી રહેજો બેઉ.’
lll
‘તેં આ શું કર્યું, નંદિતા!’
આત્માનો ડંખ નંદિતાબહેનને જંપવા નથી દેતો.
નીમાને હોળીનું નાળિયેર બનાવી ચોકીના સેટનો મામલો ફિટ કરી દીધા પછી પહેલાં તો નિરાંત લાગી. ઘરે આવીને શેખરે અજાણ્યાને ઘરમાં ન ઘાલવા વિશે આગઝરતું લેક્ચર આપ્યું એ અમે સાસુ-વહુએ મૂંગા મોઢે સાંભળીય લીધું. પાર્ટીનો મૂડ રહ્યો નહોતો. નીમાએ રાંધેલું અન્ન પણ શેખરે ફગાવી દીધેલું. સેટ નીમાએ જ ચોર્યો હોવાનું શેખર-મેઘનાએ સ્વીકારી લીધું એની રાહત છેવટે રાતે રૂમમાં સૂવા ગયાં ત્યારે ડંખવા લાગી.
‘તું તો સેફ થઈ ગઈ નંદુ, પણ બિચારી પેલી નિર્દોષ છોકરીનું શું! તેની બીમાર માની શી હાલત હશે એનો વિચાર આવે છે? તારા પાપની પુરવણી નીમા પાસે કરાવી? કયા હકે?’ 
રહી રહીને જાગેલા આત્માએ રાતભર સૂવા ન દીધાં. નંદિતાબહેને મન મનાવી જોયું : ‘બાર-પંદર દહાડાની જ વાત છેને. હિંમત આવે એટલે ઘરેણાં છોડાવીને હું કબૂલી લેવાની છું કે સેટ મારાથી જ આડા હાથે મુકાઈ ગયેલો. શેખુ ઠપકારશે એ વેણ ખમી લઈશ. સેટ મળ્યા પછી નીમા વિરુદ્ધની ફરિયાદ પાછી લઈ લઈશું. મારે ક્યાં તેને જેલમાં સબડાવવી છે!’
આ લૂલો બચાવ આત્માએ સ્વીકાર્યો નહોતો : ‘પોલીસમાં પકડાવી તેં એ છોકરીનું ભાવિ ભેંકાર બનાવી દીધું. વિનાવાંકે ચોર ઠરેલી યુવતીનો હાથ કોણ ઝાલશે? તેની માના નિ:સાસા તારા શેખરનું ધનોતપનોત નહીં કાઢી નાખે?’
આ વિચારે અત્યારે પણ ધ્રૂજી ઊઠઠ્યાં નંદિતાબહેન, ‘ના, ના, મારા શેખુને કંઈ ન થવું જોઈએ!’ 
- ‘તો પછી તારા પાપની સજા તું જ ભોગવી લે!’
ભીતરના સાદે ટટ્ટાર થઈ ગયાં નંદિતાબહેન.
lll
‘અલવિદા!’
ચોથા માળની લૉબીમાંથી ડૂબતા સૂરજને નિહાળતાં નંદિતાબહેનના દિમાગમાં પડઘો ઊઠ્યો : ‘શેખુ-વહુ, તમારી ગેરહાજરીમાં ગામતરું કરું છું. લખવાજોગ મારી અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું જ છે કે પરપુરુષ સાથેના મારા આડાસંબંધે બ્લૅકમેઇલર પેંધો પડ્યો ને તેને રૂપિયા ધરવામાં ગીરવી મૂકેલા સેટની ‘ચોરી’માં નીમાને ફસાવવી પડી એ અપરાધ મારો જીવ ચૂંથે છે. મૃત્યુમાં જ મારી મુક્તિ છે. નીમાને નિર્દોષ છોડાવજે. હા, એ પુરુષનું નામ જાણીજોઈને નથી લખ્યું, તમેય માની એટલી મર્યાદા જાળવજો, વધુ તો શું!’
‘અને હિંમત, તમેય મને માફ કરજો. નીમાને ફસાવવાનું મારું કૃત્ય તમને પણ ગમ્યું નહીં જ હોત, પણ હવે આ બધાનો અર્થ રહેતો નથી... મારા પાપની સજા ઓઢીને સ્વર્ગે કે નરકે સિધાવું છું...’
- અને પેસેજનો કથેડો પકડીને નંદિતાબહેન ઊંચાં થઈને બહારની બાજુ ઝૂકવા જાય છે કે...
‘અરે, નંદિતાઆન્ટી...’ દોડી આવતાં અતુલ્ય-નીમાએ અણીના સમયે આવી ચડી પડતું મૂકવા જતાં નંદિતાબહેનને ઉગારી લીધાં!
ખરેખર તો ખૂબ વિચારના અંતે અતુલ્યએ પોતાના સીઆઇડીના મિત્રને કન્સલ્ટ કરેલો. તેણે જ સલાહ આપી હતી, ‘તમે નંદિતાબહેનને રૂબરૂ મળીને તેમને જ ટટોલો... નીમા તેમનું અફેર જાણે છે એ જાણીને તેઓ ખૂલે પણ ખરાં! ’
- અને નસીબજોગ એ લોકો બહુ સમયસર આવી ચડ્યાં! પહેલાં તો નંદિતા રડ્યાં, નીમાની માફી માગી. નીમા તેમના ગુપ્ત સંબંધનું રહસ્ય જાણે છે એ જાણી હેબતાયાં, પણ પછી કશું જ છુપાવ્યું નહીં. આખા કિસ્સામાં બ્લૅકમેઇલરની ભૂમિકા ત્યારે જ સમજાઈ. બારીના પડદાની આળમાંથી વિડિયો ઉતારાયાનું જાણીને નીમાના દિમાગમાં ડિલિવરી-બૉય ઝળકેલો ઃ ‘અત્તુ,  મેં કહેલુંને હું દાદર ચડતી હતી ત્યાં તે મને ભટકાયેલો... હવે સમજાય છે તે અહીંથી સીક્રેટ ચોરીને જતો હતો!’
અત્યારે તો આ અનુમાન પર આગળ વધવામાં જ શાણપણ છે... નીમાએ ઊંડો શ્વાસ લીધો : ‘અતુલ્યએ કહ્યું એમ, નીલાંબર જાની બહુ શાતિર સીઆઇડી ઑફિસર છે, બ્લૅકમેઇલર જે હોય તે, તેને ઝડપતાં વાર નહીં લાગે!’ 
lll
‘અરે, અરે યે ક્યા હૈ!’
સોમવારની બપોરે ખોલીમાં છોકરીને ચીપકેલો રાજ ભડક્યો. પાંચ લાખ રૂપિયા મળ્યા પછી આવી એશ જ હતી! ત્યાં ધડામના અવાજ સાથે દરવાજો તોડીને પોલીસને પ્રવેશેલી જોઈને લલના શરીરે ચાદર લપેટી સરકી ગઈ. 
ઇન્સ્પેક્ટર રાજને ધિબેડવા માંડ્યો, ‘ન્યુડ ફિલ્મ બનાતા હૈ?’
સાથે આવેલા બે હવાલદારે સર્ચ 
કરવા માંડી. મોબાઇલ, સીડી, પેનડ્રાઇવ બધું કબજે કરતા ગયા. મોબાઇલમાં વિડિયોનું સબૂત મળ્યું, સર્ચ પતી એટલે હવાલદાર-ઇન્સ્પેક્ટરની સંજ્ઞામાં જ વાત થઈ ગઈ - ‘ડન!’
રાજ પાસે હવે કોઈ ક્લિપ નથી રહી એની ખાતરી કરી પોતાની ટીમ સાથે પોલીસના વેશમાં આવેલા સીઆઇડી ઇન્સ્પેક્ટર નીકળ્યા પછી પણ ક્યાંય સુધી રાજ થરથર ધ્રૂજતો રહ્યો.
‘ચોક્કસ, આ પેલી નંદિતાબાઈનું જ કામ. ઇન્સ્પેક્ટર ફિલ્મ લઈ ગયો, કૅશ પણ લઈ ગયો, નોકરી હું છોડી ચૂકેલો... ‘હવે! ‘મુંબઈમાં ફરી નજર આવ્યો તો મર્ડરકેસમાં ફસાવીને અંદર કરી દઈશ....’ નીકળતી વેળા ઇન્સ્પેક્ટરે કહેલા શબ્દો તેને ધ્રુજાવતા રહ્યા. તેણે રાતે જ બિહારના ગામ જતી ટ્રેન પકડી લીધી!
પેલું કહે છેને, જાન બચી તો લાખો પાયે!
lll
‘હાશ!’ અતુલ્ય-નીમા પાસેથી રાજ બાબતનો હેવાલ જાણી નંદિતાબહેન બોલી ઊઠ્યાં, 
‘પહેલાં નીમા વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચીએ અતુલ્ય, પછી એક જ અગ્નિપરીક્ષા બાકી રહે છે!’
lll
‘બસ, આ છે મારી કથા.... ‘દીકરા-વહુને કહેવાય એવા શબ્દોમાં નીરુબહેનની વિદાયથી નીમાને ફસાવવા સુધીનો ઘટનાક્રમ કહેતાં નંદિતાબહેન હાંફી ગયાં. 
શેખર-મેઘના સ્તબ્ધ હતાં. ઑફિસથી આવી ઘરમાં ડગ મૂકતાં નીમાને ભાળીને ચોંકી જવાયેલું. સાથે તેનો ફિયાન્સે પણ છે! તરત તો માએ કહી દીધું કે નીમા બેકસૂર છે, કથા લાંબી છે. તમે ફ્રેશ થઈને આવો એટલે માંડીને વાત કરું છું... ઓહ, કેવી એ કથા! 
‘જાણું છું, તમને કદાચ ધિક્કાર જાગે, જે બન્યું, જે રીતે બન્યું એનો કોઈ બચાવ નથી મારી પાસે. એટલું કહીશ શેખુ કે તારાથી વધુ મારા માટે ધીરેન્દ્ર નહોતા, હિંમત પણ હોઈ ન શકે... હું આજે પણ એ જ ઇચ્છીશ શેખુ, જેમાં તારી ખુશી હોય, મરજી હોય.’ 
આમાં ટપકતું સત્ય દરેકને સ્પર્શ્યું. પતિના લાગણીતંત્રમાં કેવા ધરતીકંપ સર્જાતા હશે એનો અંદાજો હતો મેઘનાને. માની પિલ્સનું રહસ્ય વિનાકહ્યે સમજાઈ ગયું.
‘મને ફસાવ્યા પછી આન્ટીનો આત્મા ડંખવા લાગ્યો, શેખરભાઈ. એટલે તેમણે આપઘાત કરવાનો નિર્ણય લીધો...’
‘હેં!’ પોતે અણીના સમયે આવી તેમને ઉગાર્યાં, પોલીસની મદદથી બ્લૅકમેઇલરને ભગાવ્યો ત્યાં સુધીની કથા કહી અતુલ્ય-નીમા વિરમ્યાં. ખાસ્સી વાર રૂમમાં નીરવતા રહી.
‘નિર્ણય તમારે લેવાનો છે, શેખર’ અતુલ્યએ તેનો ખભો દબાવ્યો, ‘દીકરા માટે તો જગતની દરેક મા ઘસાતી હોય, પણ માને ગમતું આકાશ આપવાનું સદ્ભાગ્ય બહુ ઓછા દીકરાને સાંપડતું હોય શેખર. આ તકને વેડફશો નહીં, બસ, એટલું જ.’
‘હં’ શેખર હોંકારો પૂરીને તેની રૂમમાં જતો રહ્યો. મેઘના તેની પાછળ ગઈ. કદાચ શેખરે  રડવું હશે. પિતાની તસવીરને ફરિયાદ કરવી હશે. કદાચ માને ઇનકાર કરવાના શબ્દો શોધતો હશે... મેઘના તેને સમજાવતી હશે, પસવારતી હશે.
છેવટે રાહ જોઈને અતુલ્ય-નીમા ઘરે જવા ઊઠ્યાં કે તરત શેખર-મેઘનાએ દેખા દીધી, ‘અતુલ્ય-નીમા, તમારી હાજરીમાં જ મારે ફેંસલો કરી દેવો છે.’
તેણે મોબાઇલ જોડતાં નંદિતાબહેનનું હૈયું ડૂબવા લાગ્યું,
‘કોણ, હિંમત અંકલ?’
તેણે પૂછતાં અતુલ્ય-નીમાના જીવ પણ ઊંચા થઈ ગયા. ત્યાં શેખરે ઉમેર્યું, ‘એટલું જ પૂછવું છે કે હું તમને ડૅડી કહી શકું?’
‘હેં!’ અહીં નંદિતાબહેનની આંખો વરસી પડી અને ત્યાં હિંમતભાઈ સુખદ આંચકો ખાઈ ગયા!
lll
શુભ મુરતમાં અતુલ્ય-નીમાતાં લગ્ન લેવાયાં. મહેમાનોમાં શેખર-મેઘના, હિંમતભાઈ-નંદિતાબહેન અંગત જેવાં બની ગયાં.
‘માને પરણાવીને એક ચીલો આપણે ચાતર્યો શેખુ, એમ વિદ્યાબહેને વહુ સાથે વેવાણને પણ ઘરમાં સમાવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનો આદેશ નીમાથી ઉથાવાયો નહીં.’ 
અને હા, સોહાગખંડમાં જામેલી અતુલ્ય-નીમાની પ્રણયવસંત કદી મુરઝાય નહીં એટલું વિશેષ!
 
સમાપ્ત


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2022 01:35 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK