રક્ષાબંધનના દિવસે વૈદેહી અને અરેનના પવિત્ર માનેલા ભાઈ-બહેનના સંબંધ પર શંકા ઊભી થાય છે. એક મોર્ફ કરેલો ફોટો પરિવારને તોડી શકે એ પહેલાં અચાનક બનેલી ઘટનાથી સત્ય સામે આવે છે અને ઉષામાનો પૂર્વગ્રહ દૂર થાય છે. અંતે વિશ્વાસની જીત થાય છે.
ઇલસ્ટ્રેશન
અને રક્ષાબંધનની વેળા આવી પહોંચી.
બધા નવાં વસ્ત્રો પહેરીને દીવાનખંડમાં ગોઠવાયા છે. મરૂન સેલા પર સોનાના દાગીનાથી વૈદેહી ઝગમગ થાય છે. શેરવાનીમાં અદ્વય-અરેન એકસરખા શોભે છે. ચોલીસૂટમાં રિયાનો થનગનાટ છાનો નથી રહેતો. ઉષામાએ મુરતનો તકાજો કર્યો અને...
‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના...’
સ્પીકર પર લતાનું ગીત મૂકીને અદ્વયભાઈને કંકુ-ચોખાથી વધાવી રિયાએ રક્ષા બાંધીને ભાઈની આરતી ઉતારી અને જેવી અદ્વયની બાજુમાં બેઠેલી વૈદેહીભાભી તરફ વળી કે...-
‘ઊભી રહે રિયા, એની જરૂર નથી.’
હેં! કેમ!
વૈદેહીને ઉષામાની તંગ થયેલી મુખામુદ્રામાં આવનારા તોફાનનો અણસાર વર્તાયો.
‘પહેલાં હવેલી જા.’ ઉષાબહેને વિચારી રાખ્યું હોય એમ રિયાને બહાર રવાના કરી, ‘મનોરથનો પ્રસાદ લેવા જવાનું છે, મુખિયાજીએ અત્યારનો જ સમય આપ્યો છે.’
‘હા, પણ ભાભીની રાખડી...’
‘એ તો જઈને આવ્યા પછી પણ બંધાશે... જરૂર રહી તો!’
શબ્દોના છેલ્લા લટકણિયાએ વૈદેહીનું હૈયું જરાતરા કાંપવા લાગ્યું : માએ ધાર્યું છે શું!
‘સાંભળો સૌ.’
રિયા નીકળી એટલે ઘરનો દરવાજો વાસીને દીવાનખંડ તરફ પગ ઉપાડતાં ઉષાબહેને જાતને સજ્જ કરી. વહુના પર્દાફાશ સાથે દીકરાનું હૈયું ભાંગશે એનો અણસાર છે, પણ જાણ્યાનું ઝેર પચાવ્યા વિના અદ્વયનો પણ છૂટકો નથી. મેં બધી તૈયારી કરી રાખી છે – ડિવૉર્સ-પેપર પણ તૈયાર છે. રિયાના કુમળા માનસ પર અવળી અસર ન પડે એ માટે તેને રવાના કરી. વેવાઈ-વેવાણને તેડાવવાનું કારણ જ એ કે તેમની હાજરીમાં દૂધનું દૂધ ને ઝેરનું ઝેર થઈ જાય! દિવસોથી ભીતર ધરબેલા ભેદનો ભોરિંગ હવે હૈયેથી ઉતારી દેવો છે.
‘માનેલા ભાઈ-બહેનના સંબંધમાં મને વિશ્વાસ રહ્યો નથી એનું કારણ ભૂતકાળનો વસમો અનુભવ છે જેની મારા છોકરાઓને પણ જાણ નથી...’
બેઠક લઈને ઉષાબહેને બાંધેલી પ્રસ્તાવના અદ્વયને પણ સમજાઈ નહીં.
‘વૈદેહીને મોંબોલો ભાઈ છે એ પહેલેથી જાણતી હોત તો આ સંબંધમાં હું આગળ જ ન વધી હોત.’
બીજા ગૂંચવાયા, જ્યારે વૈદેહીના ચિત્તમાં પ્રકાશ પથરાયો : માને અરેનભાઈ બાબત છુપાવ્યાનો નહીં; ખુદ અરેનભાઈનો, અમારા સંબંધનો જ વાંધો હતો! માના સંદર્ભ મને હવે આયના જેવા સાફ છે.
‘સાવકાં મા-દીકરા વચ્ચે આડો સંબંધ બંધાય, સાસુ જમાઈ જોડે ભાગી જાય એવા સમાચાર આંખે-કાને અફળાતા રહે છે... ભાઈ-બહેનનો સંબંધ સંસારમાં સૌથી પવિત્ર ગણાયો છે, પણ આ માનેલાં ભાઈ-બહેનનું તૂત એનોય મલાજો નથી રાખતું.’
ઉષામા કહેવા શું માગે છે? વૈદેહીએ હોઠ કરડ્યો, અરેનના કપાળે કરચલી ઊપસી, અદ્વય અકળાયો : મા આજે આ કયો વિષય ઉખેળી બેઠી!
ઉષાબહેને નજીકના ડ્રૉઅરમાંથી આંગડિયામાં મળેલું કવર કાઢ્યું.
‘માનેલાં ભાઈ-બહેન બાબતની મારી માન્યતા, મારો ધ્રાસકો ખોટાં નહોતાં એની ખાતરી આ ટપાલે આપી.’
વૈદેહી ફાટી આંખે માના હાથમાં રહેલા કવરને તાકી રહી.
‘કવરમાં એક પત્ર છે...’ ઉષાબહેન કવર ખોલવાની ચેષ્ટા કરે છે કે ઉપરાઉપરી રણકતી ડોરબેલે વિક્ષેપ સરજ્યો. સાથે દરવાજો ઠોકતી રિયા સાદ પાડી રહી છે : ભાભી... ભાઈ, જલદી ટીવી પર ફલાણી ચૅનલ મૂકો. મોબાઇલનું નોટિફિકેશન કહે છે કે કશુંક અભૂતપૂર્વ બની રહ્યું છે!
ઉષાબહેનને દીકરીની ખલેલ ખટકી, જ્યારે વૈદેહી માટે રિયાનું આગમન ફાંસીના કેદીને જીવનદાનના ખબર જેવું વહાલું લાગ્યું.
તેણે દોડીને દરવાજો ખોલ્યો, અદ્વયે ટીવી ચાલુ કર્યું અને ગુજરાતી ન્યુઝ-ચૅનલનો પ્રેઝન્ટર ચિલ્લાતો દેખાયો : આ જુઓ અમદાવાદ શહેરમાં આજે બળેવના શુભ દિને શું થઈ રહ્યું છે... લાઇવ...
એ સાથે જ હોટેલરૂમનું દૃશ્ય ઊપસ્યું.
lll
‘રસિકા, આ શું કરે છે?’
નટરાજ હોટેલની રૂમમાં પ્રવેશતો સાગર ખચકાયો.
તહેવારને કારણે ઑફિસ બંધ હતી. વહેલી સવારે રાખડીનું ફંક્શન પતાવ્યા પછી પોતે નવરો હતો ત્યાં રસિકાએ સામેથી કૉલ કરીને હોટેલ તેડાવ્યો એથી બદનમાં ગરમાટો ફૂંકાવા લાગ્યો હતો. સામાન્યપણે પોતે ગામમાં છાનગપતિયાં ન કરવાનો નિયમ રાખ્યો છે, પણ એકાદ અપવાદ તો ચાલે! અદ્વયને ‘અંગત’વાળું કવર મળી ચૂકેલું, પણ ત્યાંથી ધડાકાના કોઈ ખબર નથી એની અકળામણ પણ રસિકાના સંગમાં વરાળ થઈ જશે... એમ વિચારીને પોતે આવ્યો તો તે ચાકુ દેખાડીને મારું સ્વાગત કરે છે!
‘કેમ, આજે ચાકુ-ચાકુ રમીને તારે મારા પર રેપ કરવો છે?’ ઝબકારો થતો હોય એમ બોલતા સાગરને રસિકાએ ‘શીશશ...’ કરી અટકાવ્યો, ‘આજે તો તારી જાત ઉઘાડવી છે મારા મેહબૂબ... દુનિયા સમક્ષ!’
એટલે! સાગરે આમતેમ જોયું, પણ છુપાવેલા કૅમેરા એમ તેની નજરે ચડે એમ નહોતા. બ્રેકિંગ ન્યુઝની લાલચે રસિકા ચૅનલ દ્વારા લાઇવ ટેલિકાસ્ટ કરાવી રહી છે એવો તો અંદાજ પણ કેમ આવે!
ત્યાં તો રસિકાએ ચાકુની અણી સાગરની ચિબુકે ટેકવી, ‘તેં મારી જાણબહાર આપણી કામક્રીડાનો વિડિયો ઉતારેલો? અને એ પાછો અબ્દુલને આપ્યો? શું કામ?’
‘કા... કામ હતું.’
‘હું પણ એ જ પૂછું છું...’ દાંત ભીસીને રસિકાએ ચાકુની અણી ખૂંતાડતાં સાગર બોલી ઊઠ્યો, ‘કહું છું રસિકા... વેર લેવા!’
પઢાવેલા પોપટની જેમ તે બોલી ગયો, ‘ખરેખર તો આપણા ફોટોમાં કોઈ બીજાના ચહેરા ફિક્સ કરીને મારે બેઉને બદનામ કરવા હતા. અબ્દુલ ગૂગલ પરથી શીખીને આવા કામમાં માસ્ટર બની ગયો છે એની મને જાણ હતી.’ સાગરને સાંભર્યું, ‘આનો આઇડિયા તેં જ આપેલો... યાદ આવે છે?’
પળભર રસિકા પૂતળા જેવી થઈ. પોતે ન્યુડ ફિલ્મના કલાકારોને બદલે અમને બેને ધારવાની કલ્પના આપેલી, એમાંથી સાગરે આ કેવી પ્રેરણા લીધી! એ જ રાતે અમારો વિડિયો પણ ઉતારી લીધો?
‘એ ફોટો મેં ‘અંગત’ અને ‘અર્જન્ટ’ લખીને યોગ્ય વ્યક્તિને પહોંચાડી દીધા છે... એ ટાઇમબૉમ્બની જેમ ગમે ત્યારે ફાટવાના ને મારું વેર વસૂલાઈ જવાનું!’
‘અને મારું વેર?’ ચાકુ ફગાવીને રસિકાએ સાગરનો કૉલર પકડ્યો, ‘સ્વાર્થી આદમી! કદી વિચાર્યું કે આપણી ક્લિપનો અબ્દુલે પછી શું ઉપયોગ કર્યો? એને ફરતી કરવાની ધમકી આપીને બદમાશે મને બ્લૅકમેઇલ કરીને મારો ઉપભોગ તો કર્યો જ, પછી તે મારો દલાલ બની બેઠો!’
હેં. સાગર ડઘાયો. અબ્દુલે તેનું કામ સફાઈથી કરેલું, પોતે અરેનના સોશ્યલ મીડિયામાંથી તેની, વૈદેહીની તસવીરો આપી હતી એને હૂબહૂ ફિટ કરીને તેણે અફલાતૂન કામગીરી કરી હતી. વૈદેહી ગાંધીનગર રહેતી હતી એ જોગાનુજોગ પણ તેના વરના મનમાં વહેમ ઉપજાવવા બહુ કામ લાગવાનો... ફોટો મોકલવા છતાં ત્યાં હજી કશું બન્યું નહીં, પણ મારો ચહેરો બ્લર કરીને અબ્દુલ રસિકા સાથે કેવી રમત રમી ગયો!
‘હી ફિનિશ્ડ મી!’ રસિકાના સ્વરમાં લૂંટાઈ ગયાની ચીસ હતી, ‘મને વૉટ્સઍપ પર ફરતી કરીને તેણે મને ક્યાંયની ન રાખી... આપણો વિડિયો તેં ઉતારેલો એવું તે બોલ્યો ત્યારે મનાયું નહોતું, પણ તારી કબૂલાતે એની ખાતરી મળી એટલે હવે...’
સાગરને ધક્કો દઈને રસિકા સાઇડના પ્લૅટફૉર્મ પર મૂકેલા કેરબા તરફ ગઈ, બેઠા થવા મથતા સાગરને કંઈ સમજાય એ પહેલા ઢાંકણું ખોલીને અંદરનું મોટા ભાગનું પ્રવાહી તેના માથાબોળ ઢોળી દીધું, ‘અબ્દુલને તો નામર્દ બનાવીને સજા આપી, હવે તારો વારો.’
‘હે...ય... આ શું કે...રો...સીન...’ ફાટેલા સાદે સાગર કહે છે ત્યાં સુધીમાં રસિકા બચેલું પ્રવાહી પોતાના પર રેડે છે : વેશ્યા બનીને મારે પણ જીવવું નથી... તને ગુનાની સજા અને મને દોજખમાંથી મુક્તિ.’
શબ્દો સાથે તેણે દીવાસળી ચાંપી દીધી.
lll
અરે બાપ રે!
બેઉને સળગતાં જોઈને ઉષાબહેન થથરી ગયાં. રિયા અદ્વયની સોડમાં ભરાઈ. બીજી ઘડીએ ટીવીની ચૅનલ પર અંધારપટ છવાઈ ગયો. લાઇવમાં આવું કંઈક થશે એવી તેમની પણ ધારણા નહીં હોય...
‘આ સાગર એટલે... તમારા રણમલકાકાનો દીકરોને!’
વૈદેહીએ અરેનને પૂછતાં ઉષાબહેનનાં નેત્રો પહોળાં થયાં. સાગરે ક્યાંય અરેન-વૈદેહીનું નામ નહોતું લીધું, પણ ‘અંગત’, ‘અર્જન્ટ’ લખેલા કવર સાથે એનો મેળ બેસતો હતો.
અને અત્યારે અરેને કહેલી ગાથા પરથી સાગરનો મોટિવ પણ સમજાય છે....
ભાઈ-બહેનને બદનામ કરવાનો મોટિવ!
તેમણે હજીયે હાથમાં રહેલું કવર પીસ્યું. બીજી પળે સાસુ-વહુની નજર મળી, છૂટી પડી.
કવરને વાળીને બ્લાઉઝમાં દબાવતાં ઉષાબહેને રણકો ઊપસાવ્યો, ‘ચલ રિયા, મુરત વીતે એ પહેલાં તારી ભાભીને રાખડી બાંધ અને સંભાળ, આજથી તારે અરેનને પણ રાખડી બાંધવાની. તે તારો માનેલો ભાઈ.’
‘થૅન્ક યુ મમ્મી. આમ પણ અરેનભાઈ મને અદ્વયભાઈ જેવા જ લાગ્યા છે.’
અરેન મલક્યો. વૈદેહીના હૈયે એની મધુરતા પ્રસરી ગઈ.
ફરી તહેવારના ઉમંગમાં ટપાલની, માનેલાં ભાઈ-બહેન બાબત ઉષામાએ છેડેલા સૂરની વાત વીસરાઈ પણ ગઈ!
આની રાહત અનુભવતાં ઉષાબહેનની નજર વહુ સાથે ટકરાઈ. ના, વહુ નથી ભૂલી.
‘રાતે વાત વહુ.’
lll
‘બસ, આટલી જ વાત છે વહુ.’
રાત્રે સૌ પોઢી ગયા પછી વહુ સાસુની ઓરડીમાં આવી હતી અને ઉષાબહેને ભીતરના ભેદ ખોલી દીધા.
નવીન-કજરીના પ્રતાપે માનેલાં
ભાઈ-બહેન બાબત માને ગ્રંથિ બંધાવી સ્વાભાવિક છે. એમાં સાગરે મોકલેલા ફોટોને સાચા પુરાવા માનીનો માએ ડિવૉર્સ પેપર્સ પણ તૈયાર કરાવી રાખેલા... જો રસિકાના ન્યુઝ વાઇરલ ન થયા હોત તો માએ ફોટો સાથે એ પેપર્સ પણ મૂકી દીધા હોત તો બીજા તો ઠીક, અરેનભાઈ પર શું ન વીતત!
‘સાચાની ભીડ તો ભગવાન સાચવી લે વહુ. આજે એનો જ સાક્ષાત્કાર મને થયો...’
પુરાવા જૂઠા હોવાનો પુરાવો પુરાવા ખોલવાના સમયે જ મળે પછી પુરાવાને બદલે સત્યને જ માનવાનું હોયને. અરેન જેવો મૂલ્યનિષ્ઠ અધિકારી અંગત સંબંધમાં પણ નિષ્ઠાવાન હોય જ એમાં હવે શંકા-આશંકાને સ્થાન નથી. વેર માટે સાગરને એવી જ બનાવટ કરવાનું સૂઝ્યું જે પોતાનામાં અરેન-વૈદેહીની સચ્ચાઈનું સબૂત બની રહે એ કેવું! બાકી વહુ-અરેન વચ્ચે ખરે જ નવીન-કજરી જેવું હોત તો સાગરે બનાવટ ઊભી કરવી જ શું કામ પડે?
‘એ ક્ષણે મારા પૂર્વગ્રહની પટ્ટી ખૂલી ગઈ... મને સમજાયું વહુ કે માનેલાં ભાઈ-બહેનનો સંબંધ પણ સગાં ભાઈ-બહેન જેટલો જ પવિત્ર હોય છે. નવીન-કજરી તો કેવળ વીસરી જવા યોગ્ય અનુચિત અપવાદ હતાં...’
અને મા એ વીસરી ચૂક્યાં હોય તો જ તો પોતાની સગી દીકરીને માનેલા ભાઈની છૂટ આપી. આમાં જ માની માફી છે અને પસ્તાવો પણ. ફોટો તો માએ મને પણ દેખાડ્યા નથી. ચૂલાના અગ્નિમાં ફોટો સાથે ડિવૉર્સ પેપર પણ સ્વાહા કરી દીધેલા.
જાણીને વૈદેહી ઉષાબહેનને વળગી પડેલી : સાસુ-વહુના હેતમાં હવે ક્યારેય ઓટ આવવાની નહીં!
lll
કથાના ઉપસંહારમાં એટલું કે સળગેલાં સાગર-રસિકા બચી ન શક્યાં. પુરુષાતન ગુમાવી ચૂકેલા અબ્દુલે ફિનાઇલ પીને સુસાઇડ કરી લીધું. ફોટો મૉર્ફ કરીને સાગર કોની સામે વેર લેવા માગતો હતો એ ભેદ તેમની સાથે જ ગયો! રસિકાનાં માવતર નિસાસા નાખે છે. જુવાનજોધ દીકરો જે રીતે ગયો એથી રણમલકાકા-ભામિનીકાકી સમાજમાં મોં સંતાડે છે. જેવી જેની કરણી!
આ બાજુ એ રાતની સાસુ-વહુ વચ્ચેની વાત ક્યારેય ત્રીજા કાને પહોંચી નહીં. સ્નેહાબહેનની જેમ ઉષાબહેને પણ અરેનને હંમેશાં પોતાના અદ્વય સરખો જ ગણ્યો. છેવટે લગ્ન માટે અરેનને છોકરી ગમી એ લાવણ્યાને અરેને હસતાં-હસતાં કહેલું પણ : તારા માથે બે સાસુ અને બે નણંદ રહેશે એ વિચારી જોજે.
‘એ લોકોએ તો મને માથે બેસાડી છે...’ લગ્ન પછી લાવણ્યા અરેનને ચીંટિયો ભરતાં હસે છે : મારે ચેતવા જેવું તો તમારાથી હતું. રાતભર તંગ કરો છો... આમ કહીને પાછી તે જ અરેનને ભીંસી દે છે!
અદ્વય-વૈદેહી, અરેન-લાવણ્યાનો સંસાર મહેકતો રહ્યો અને ભાઈ-બહેનની દરેક બળેવ યાદગાર રહી એ ઉમેરવાની જરૂર ખરી.
(સમાપ્ત)
