પણ એવું તો કયું કારણ હોય? આરવના સંસ્કારમાં મને શ્રદ્ધા છે, કુશાંગી દુખી થાય એવું તો તે કરે નહીં અને સાસુપણું દાખવવાથી હું સભાનપણે દૂર રહી છું
ઇલસ્ટ્રેશન
આરવના સંસારમાં કશુંક ઠીક નથી!
સવારે આરવે ગંભીરભાવે બેચાર મહિના માટે મુંબઈ આવવા કહ્યું ત્યારનું યામિનીબહેનના ચિત્તમાં ઘમ્મર વલોણું ઘુમરાય છે.
ADVERTISEMENT
‘શું વાત છે, આરવ? વહુ
ઠીક છેને?’
પોતે વારે-વારે પૂછતાં રહ્યાં ને આરવ એટલું જ કહી અટકી જતો : તું આવ એટલે બધું ઠીક થઈ જશે!
મતલબ કશુંક ઠીક નથી...
યામિનીબહેનનો જીવ
બળતો હતો.
કુશાંગી સાથે આરવનો પ્રીતવિવાહ! દીકરાની પસંદને મેં આવકારી, સ્વીકારી કેમ કે કુશાંગીમાં મનેય કશું કહેવાપણું લાગ્યું નહોતું. થોડી નાદાન હશે, પણ આરવને ચાહે છે ને બેઉ એકમેક સાથે ખુશ છે એવું જ પોતે આજ સવાર સુધી માનતાં હતાં... પાંચ-પાંચ વર્ષથી પરણેલાં વચ્ચે કોઈ કારણે મનમુટાવ થયો હશે?
પણ એવું તો કયું કારણ હોય? આરવના સંસ્કારમાં મને શ્રદ્ધા છે, કુશાંગી દુખી થાય એવું તો તે કરે નહીં અને સાસુપણું દાખવવાથી હું સભાનપણે દૂર રહી છું. કુશાંગી ગામ આવતી નથી એનોય ખટકો રાખ્યો નથી. બાકી મારા બદલે મારાં સાસુ હોત તો!
અપલક નેત્રે યામિનીબહેન બારસાખને તાકી રહ્યાં ને ગતખંડ તરવરી રહ્યો.
lll
‘ભલે પધાર્યાં, વહુરાણી, રુમઝુમ કરતાં પગલાં પાડો ને ઝટ વંશવારસનાં વધામણાં દો!’
વલસાડથી અંતરિયાળ ભદેલી ગામના શણગારેલા ઘરે નવદંપતીની પધરામણી કરાવી સાસુ દેવકીબહેને દીકરા-વહુનાં ઓવારણાં લેતાં અંતરની અબળખા ઉજાગર કરી દીધી. યામિની એવું તો શરમાયેલી.
પણ હાય રે! સુહાગની એ પહેલી રાત જ નહીં, કંઈકેટલીય રાતો કરવટ બદલતાં વીતી. દિવાકરમાં એટલું કૌવત જ નહોતું કે યૌવનના ઓરતા રિઝાય!
તોય આદર્શવહુની જેમ યામિનીએ સઘળો ભાર ઉપાડી લીધેલો. સાસુના જુનવાણી માનસની પિન જોકે વંશના વારસ પર અટકી હતી. વહુ દૂર બેઠાનું જાણી ભવાં ચડી જતાં. ધીરે-ધીરે વહુ માટે વાણીમાંથી કટુતા ટપકવા લાગી, દોઢ-બે વર્ષ પછી તો વેવાણને ફોન જોડી મેણું મારતાં : તમારી દીકરીમાં લાખ ગુણ હશે, વંશવેલો ન વધારી આપે એવી વહુ મારે શા કામની?
યામિનીનો આપો રાતના એકાંતમાં પતિ સમક્ષ તૂટે : ‘તમે માને કશું કહેતા કેમ નથી?’
‘હું શું કહું?’ દિવાકર એવી લાચારી દર્શાવતો કે યામિનીને અનુકંપા થઈ આવતી. ધરતીની કોખમાં રહેલા બીજ સુધી આભનું ચોમાસું પહોંચે તો અંકુર ફૂટેને! દિવાકર પુરુષમાં જ નથી એવું નહીં, પણ નબળા બાંધાને કારણે હું તેની પરણેતર બનીને પણ કુંવારી છું એ અંગત કોને કહેવું?
અને લગ્નના ચોથા વર્ષે એક ઘટના ઘટી.
‘વહુ, આજે પકવાન રાંધો. મારો ભાણેજ પરદેશથી
આવે છે!’
દેવકીબહેનથી નાનાં જમનામાસી પરણીને લંડન સ્થાયી થયેલાં. માસાની ભારે જાહોજલાલી હતી. આદર્શ તેમનો એકનો એક દીકરો.
‘આદર્શ દિવાકરથી વરસ નાનો. જોકે એ લોકો ભાગ્યે જ ઇન્ડિયા આવતાં ને અમે ત્યાં જઈ શક્યાં
નહીં એટલે આદર્શ-દિવાકર વચ્ચે જોઈતી ધરી રચાઈ જ નહીં. અને તમારાં લગ્નના બે વરસ અગાઉ જમના-જયંતીલાલ રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાં પછી તો આદર્શ સાવ દૂર થઈ ગયો.’
વહુને વિસ્તારથી સમજાવતાં દેવકીબહેને ઉમેરેલું : આ તો જયંતીલાલના કુટુંબમાં કોઈ પ્રસંગે તે મુંબઈ આવે છે તો ચાર દહાડા અહીં રોકાવાનું તેણે સામેથી કહ્યું. ભલે આવતો. કોને ખબર, તેના પગલે આપણને જોઈતી ખુશી પણ પાછળ આવે!
આ વાક્ય યામિનીના હૈયે ચિતરાઈ ગયું. દિયરને આવકારવાનો હરખ આપોઆપ ઊભરાવા લાગ્યો.
અને બુધવારની બપોરે તે આંગણે આવી ઊભો!
દીવાલે છાણાં થાપતી યામિની બે ઘડી તો કારમાંથી ઊતરેલા જુવાનને જોતી જ રહી ગઈ: જાણે પરીકથાનો કોઈ રાજકુમાર!
‘દેવકીમાસીનું ઘર આજ કે?’
તેના સાદે આંગણે આંબા હેઠળના ખાટલે સૂતાં દેવકીબહેન સળવળ્યાં: કોણ? ઓહ, આદર્શ તો નહીં! આવ, આવ. વહુ, આમ બુત જેવી કેમ ઊભી છે? તેનો સામાન લઈ લે...’
ત્યારે હાથ લૂછી યામિની ઝાંપે દોડી ગઈ, ‘આવો, આવો આદર્શભાઈ!’
‘તમે યામિનીભાભી? હાય! યુ લુક વેરી પ્રિટી,’ કહી અંદર આવતાં માસીને કહ્યું: માસી, તારી વહુ બહુ બ્યુટિફુલ-રૂપાળી છે!’
‘હં!’ દેવકીમાએ પલાંઠી વાળતાં ફિલસૂફી ડહોળી, ‘રૂપ ગુણથી શોભે મારા વાલીડા ને વહુ વંશના વારસથી!’
યામિની ઓછપાઈ, આદર્શના હાથમાંથી બૅગ લઈ અંદર તરફ વળી.
‘તેને જવા દે, તું મારી પાસે બેસ... આવી ખુલ્લી હવા લંડનમાં ક્યાં મળવાની?’ ભાણેજને પાસે બેસાડી દેવકીબહેને પોરસ જતાવ્યો: દિવાકર ખેતરે છે. વહુ ખબર આપશે એટલે દોડી આવશે. બહુ કામગરો હં, તારો ભાઈ!’
જોકે મોડેથી આવેલા દિવાકરને જોઈ આદર્શનો પ્રતિભાવ ડઘાવાનો જ હતો: તને ટીબી તો નથીને? કેવો નિસ્તેજ ને દૂબળો લાગે છે!
‘ટીબી થાય તેના દુશ્મનને.’ દેવકીબહેન તાડૂકી ઊઠ્યાં, ‘ઘણાનો બાંધો એવો હોય... તુંય ગમેએમ ભરડ નહીં, ભા!’
આદર્શ ત્યારે તો ગમ ખાઈ ગયો, પણ ચાર દિવસના રોકાણમાં તેને યામિની સાથે સૌથી વધુ ફાવી ગયું. તેની રસોઈના વખાણ કરતાં તે ગુજરાતીમાં બાફતો ને યામિની હસીને બેવડ વળી જતી : તમે ઇંગ્લિશમાં વખાણો, એટલું અંગ્રેજી તો મને આવડે છે!
તેને હસતી જોઈ આદર્શ બોલી ઊઠતો : બસ, આ ઘરમાં એક આ જ વસ્તુ ખૂટે છે, તમારું હાસ્ય. તમે હસ્યાં તો હવે બધું કેટલું જીવંત લાગે છે! બાકી તો માસી દર બીજા વાક્યે તમને વારસનાં મેણાં મારે છે અને દિવાકર... ભાભી, સાચું કહેજો, દિવાકર જેવા નબળા બાંધાના જુવાન માટે તમે હા કેમ પાડી?’
જાણે કોઈ અંગત સખી મન ટટોલતી હોય એવું લાગ્યું યામિનીને એ ઘડીએ. આપોઆપ તેનો હૈયાભાવ ખુલ્યો, ‘ગામડાગામમાં હજીયે ઘણું પરંપરાગત થતું હોય છે, દિયરજી. ગરીબ ઘરની એકની એક કન્યા માટે આ ઘરનું કહેણ મહામૂલું ગણાય. નવસારીના મારા માવતરે ખોરડું જોયું, ખાનદાની જોઈ અને છોકરાનું રૂપ જોવાનું ન હોય એવી માનસસ્થિતિમાં મારા વિરોધનું કારણ જ ક્યાં રહ્યું? અને સાચું માનજો, મને એનો કોઈ પસ્તાવો નથી. મા ગમે તે બોલે, દિવાકરે મને કદી એક શબ્દ કહ્યો નથી. એ પણ ધણિયાણીનું સુખ જ કહેવાય...’
કહી તે રણકો ઊપસાવતી, ‘હવે તમે જરા તમારી ખાતાવહી ખોલો. માસાજીનો વેપાર તમે સંભાળી લીધો છે, કહેતા હો તો કન્યા ખોળું.’
‘વાહ, પછી મારી ક્રિસુનું શું!’ આદર્શ જરા લજાયેલો.
ત્યારે ભેદ ખૂલ્યો કે જનાબ
પ્રેમમાં છે!
‘કૉલેજમાં સાથે ભણતી ક્રિસ્ટિના સાથે લવ ઍટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો, અમને બન્નેને હંકે!’ પાકીટમાં રાખેલો ક્રિgtdUનાનો ફોટો દેખાડી તેણે પ્રણયગાથા ખોલેલી, ‘જબરી પઢાકુ છે. PhD કરે છે. મને મળ્યા પછી flણે નૉનવેજ છોડી દીધું. સાડીનો તેને શોખ છે. મારું ચાલે તો-તો આજે તેને પરણી જાઉં, પણ મૅડમનું કહેવું છે કે મૅરેજ પછી તે થીસિસમાં ધ્યાન નહીં આપી શકે. સો લગ્નમાં હજી બેએક વર્ષ તો ખરાં.’
પણ એ સમય જ ન આવ્યો.
અત્યારે યામિનીબહેનથી નિસાસો નખાઈ ગયો:
લંડન પરત થયા પછી આદર્શના બેચાર મહિને ફોન આવતા રહેતા, ક્રિસ્ટિના સાથે પણ એકબે વાર વાતો થઈ. ખ્રિસ્તી છોકરી સાથે ભાણેજનો સંબંધ દેવકીમાને નહોતો રુચ્યો અને કુદરતને પણ મંજૂર ન હોય એમ લગ્નની શરણાઈને બદલે મોતનો માતમ ગુંજ્યો. ક્રિસ્ટિનાને કૅન્સર નીકળ્યું, લાસ્ટ સ્ટેજ!
ખબર આપતાં આદર્શ ભાંગી પડેલો. એ અરસામાં યામિની લગભગ રોજ લંડન ફોન કરતી. ક્રિસ્ટિના કહેતી: શ્વાસ છૂટવાથી સાથ નથી છૂટતો, તમારું આ વાક્ય અમારું પ્રેરકબળ બની ગયું છે...
આમ કહેનારી ક્રિસ્ટિના છ માસમાં જિંદગીનો જંગ હારી ગઈ ત્યારે કોઈ નિકટનું સ્વજન ગુમાવ્યાની પીડા યામિનીએ અનુભવી હતી.
સંજોગો તો તેના માટે પણ કપરા બન્યા હતા. સાસુએ અલ્ટિમેટમ આપી દીધું: આ વરસમાં તું વારસદારનાં વધામણાં ન દે તો ફારગતી લઈ તારા ઘેર જતી રેજે, બાઈ!
lll
વારસદાર!
અત્યારે આ એક શબ્દે વર્તમાનમાં પટકાતાં યામિનીબહેન કમરમાં સટાકો બોલ્યો હોય એમ ટટ્ટાર થઈ ગયાં.
એવું હોય કદાચ કે લગ્નના પાંચ વર્ષે હવે બેઉ બાળક માટે પ્લાન કરતાં હોય ને વહુને ગર્ભ રહેતો નહીં હોય...
જાણે પોતાની જ ગાથાનું પુનરાવર્તન થતું હોય એમ હાંફી ગયાં યામિનીબહેન. લગ્નનાં સાત-સાત વર્ષેય મારો ખોળો નહોતો ભરાયો એનું કારણ જોકે જુદું હતું પણ એના પરિણામે અંધારું ઓઢી મારે પરપુરુષના ઓરડામાં સરકવું પડ્યુ’તું એમ વહુ પણ...
થથરી જવાયું : નહીં-નહીં, આવું ન જ હોય. તો પણ હવે તો મારે મુંબઈ જવું જ રહ્યું.
lll
‘ગુડ મૉર્નિંગ હની!’
રવિવારની મોડી સવારે મોબાઇલના મેસેજ રણકારે કુશાંગીને ઝબકાવી દીધી. જોયું તો આરવનો મેસેજ હતો. હોઠ કરડી તેણે મેસેજ ટાઇપ કર્યો : GM. સ્લિપિંગ જાન, ટૉક યુ લેટર કહી કિસિંગના બેચાર ઇમોજી મૂકી તેણે મોબાઇલ સાઇડ પર ફગાવ્યો ને પડખે સૂતેલા પુરુષને વીંટળાઈ વળી!
‘યુ હન્ગ્રી ગર્લ!’ હસતા પુરુષે તેને ભીંસી દીધી.
સત્તાવીસની થયેલી પોતે પાંચ વર્ષથી કોઈની પત્ની છે એ હિસાબે પણ ગર્લ તો ન જ ગણાય, પણ કામક્રીડાનાં તોફાનો જોઈ છોકરીમાં ખપવું અપ્રોપ્રિયેટ ગણાય!
કુશાંગીએ શ્વાસમાં મગરૂરી ભરી.
‘યુ લુક બ્યુટિફુલ!’
આયનો કહેતો, લોકોની નજર કહેતી. કૉલેજમાં આવતા સુધી કુશાંગી સમજી ગયેલી કે પોતાની પાસે સૌંદર્યની એવી છડી છે જેનાથી ધાર્યાં નિશાન પાર પાડી શકાય.
અને તેની નજરમાં ધાર્યું નિશાન એટલે એવો જીવનસાથી જે રૂપાળો વધુ છે કે શ્રીમંત વધુ છે એ નક્કી કરવું અશક્યવત હોય.
કુશાંગીને આમાં દ્વિધા નહોતી, ભલે કોઈને તે ગણત્રીબાજ લાગે. મલ્ટિનૅશનલમાં કામ કરતા તેના પિતાની આવક સારી હતી. બોરીવલીમાં ત્રણ બેડરૂમનો લક્ઝુરિયસ કહી શકાય એવો ફ્લૅટ હતો, પણ એને સાઉથ મુંબઈની તોલે તો ન જ મુકાયને!
કુશાંગીનાં શમણાં ઊંચાં હતાં ને પોતાના રૂપની મૂડી પર તે મુસ્તાક હતી. અમીરજાદાને પરણી વૈભવી ઠાઠ માણવા જેટલી જ તેની આકાંક્ષા હતી.
‘નિસર્ગ ઇઝ ડાયનૅમિક. સત્તાવીસ વર્ષની યંગ એજમાં અમારી કંપનીનો CEO બની ગયો. ગર્ભશ્રીમંત પરિવારનો વારસ છે, મલબાર હિલમાં તેમની આલિશાન વિલા છે...’
પિતા લતેશભાઈ મા જોડે અમસ્તા જ ઑફિસની વાતો કરતા હોય એમાં નવા અપૉઇન્ટ થયેલા CEOના ખબરે કુશાંગી ચમકી. નિસર્ગ નામ પણ કેવું સુંદર છે! પાછો કુંવારો છે જાણી મનતીતલી ઉડાઉડ કરવા લાગી: આમેય મારું ગ્રૅજ્યુએશન પૂરું થયું છે, મા છોકરા જોવાનું શરૂ કરે એ પહેલાં હું નિસર્ગની વિકેટ ખંખેરી તેમને સરપ્રાઇઝ કરી દઉં તો!
‘પપ્પા, તમારી કંપનીનું ઍન્યુઅલ ગેધરિંગ કાલે છેને! હું આવીશ.’
માવતરને એ સરપ્રાઇઝ જ લાગી. રવિવારની એ સાંજે મરીન ડ્રાઇવના સી ફેસ બૅન્ક્વેટના ગેધરિંગ માટે કુશાંગી એવી તૈયાર થઈ કે ફિલ્મની હિરોઇનો ઝાંખી પડે. એમાં થોડું મોડું પહોંચાયું. કંપનીના CEOની સ્પીચ પતી ગયેલી, ખાણીપીણીનો રાઉન્ડ શરૂ થઈ ચૂકેલો.
હૉલમાં પ્રવેશતાં જ ઘણાની નજર કુશાંગીએ જકડી લીધી, પણ જેને મારે નજરમાં સમાવવો છે એ ક્યાં? પપ્પાને પૂછ્યું : તમારા CEO ક્યાં?
લતેશભાઈએ હૉલમાં નજર દોડાવી આંગળી ચીંધી: ત્યાં સ્ટેજ આગળ...
આ..હ! એ દિશામાં બે જુવાન સાથે ઊભા હતા, પણ મોં પરથી માખ પણ ન ઊડે એવો શામળો તો નિસર્ગ ન જ હોય બલકે જેને જોતાં જ આહ સરી ગઈ એ નેવી બ્લુ બ્લેઝરવાળો સોહામણો, પૌરુષથી ભર્યોભાદર્યો જુવાન જ નિસર્ગ હોય!
ખરેખર તો આરવને નિસર્ગ ધારવાની એ ગેરસમજ હતી જેની આરવને તો આજે પણ ક્યાં જાણ છે?
(ક્રમશ:)


