Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૧)

ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૧)

Published : 31 August, 2026 02:48 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઠાકોરજીની અમાનત માનીને વલ્લભ એક પવિત્ર મૂર્તિ કાલબાદેવી પહોંચાડવા નીકળે છે, પણ રસ્તામાં તેને ખબર પડે છે કે આ ચોરાયેલી પ્રાચીન મૂર્તિ છે. હવે વલ્લભ ભક્તિ, બુદ્ધિ અને હિંમતથી શેખરને તેના જ જાળમાં ફસાવે છે અને ગુંડાઓ પણ પાછળ પડે છે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર બે પર આવેલા જૂના બિલ્ડિંગના બીજા માળે સવારનો કૂણો તડકો પથરાઈ ચૂક્યો હતો. વલ્લભ ત્રિકમરાય સોજિત્રાએ નિત્યક્રમ મુજબ નાહી-ધોઈને પોતાના ડાબા ખભા પરથી સરી પડતા સુતરાઉ સદરાને જરા ઊંચો કરીને સરખો કર્યો અને રોજિંદી આદત મુજબ ઘરમાં રાખેલી ઠાકોરજીની મૂર્તિ સામે હાથ જોડ્યા. પછી મૂર્તિની બાજુમાં રાખેલી તસવીર સામે જોયું. એ તસવીર રાજસ્થાનના ભાઈ ઠાકોરજીની હતી. કૅન્સરે ઠાકોરજીનો જીવ લઈ લીધો હતો.
‘તમે તો બેય મારે મન ભાઈ જ કહેવાઉં... એકનું નામ લઉં એટલે તરત બીજો ભાઈ આંખ સામે આવી જાય...’ વલ્લભે ભીની આંખે ભાઈ ઠાકોરજી સામે જોયું, ‘ભાઈ, તમે તો ધામમાં ચાલ્યા ગયા, પણ તમારી એક વાત હજીયે મારા મનમાં છે. જરૂર પડે ત્યારે બોલાવજે, આવી જઈશ... આવવાનું ભૂલતા નહીં હોં... બોલાવું ત્યારે આવજો. પડખે ઊભા રે’જો.’
ચંદનની ડબ્બી વલ્લભે હાથમાં લીધી અને પછી સૌથી પહેલાં ઠાકોરજીને, પછી ભાઈ ઠાકોરજીને અને છેલ્લે પોતાના કપાળે તિલક કર્યું અને ઘરને લૉક કરીને બોરીવલી સ્ટેશન જવા પગ ઉપાડ્યા. વલ્લભ હજી તો બિલ્ડિંગના ઝાંપાની બહાર નીકળ્યો ત્યાં જ એક લક્ઝરી કાળી ગાડી આવીને બરાબર તેની સામે ઊભી રહી ગઈ. વલ્લભ ગાડીને જોઈ રહ્યો.
ગાડીનો દરવાજો ખૂલ્યો અને અંદરથી રાજસ્થાની સાફા સાથે છ ફુટ ઊંચો પડછંદ બહાર આવ્યો. 
‘રામ-રામ વલ્લભભાઈ...’ 
આગંતુકે હાથ લંબાવ્યો.
‘જેશીક્રિશ્ન...’ વલ્લભે નમસ્તેની મુદ્રામાં હાથ જોડ્યા, ‘આપની ઓળખાણ... આપણે ક્યારેય મળ્યા નથી લાગતા...’
‘હા, આપણે મળ્યા નથી પણ વલ્લભભાઈ, હું તમને રગેરગથી ઓળખું.’ આગંતુકે ઓળખાણ આપતાં કહ્યું, ‘હું જેસલમેરથી આવું છું. સ્વર્ગસ્થ ઠાકોરજીભાઈના ગામનો છું. ભાઈ જ્યારે જીવતા ત્યારે તમારા વિશે ઘણી વાતો થતી.’ 
ઠાકોરજીભાઈનું નામ સાંભળતાં જ વલ્લભનો સંકોચ ઓગળી ગયો. 
‘અરેરેરે... તમે ઠાકોરજીના ગામના... આવો, આવો... ઘરમાં બેસીએ. સરસ ચા પીવડાવું. આવો...’
વલ્લભ જેવો અવળો ફર્યો કે તેના ખભા પર હાથ આવ્યો.
lll
‘વલ્લભભાઈ, અત્યારે ઘરમાં બેસવાનો સમય નથી...’ 
શેખરના અવાજમાં ગંભીરતા હતી.
વલ્લભે શેખરની સામે જોયું અને શેખરે ગાડીની પાછલી સીટ પરથી કાળી ટ્રાવેલ બૅગ કાઢી, જેના પર મોરપીંછનું નિશાન હતું. બૅગ શેખરે વલ્લભના હાથમાં મૂકી. 
‘આ ઠાકોરજીની અમાનત છે...’ શેખરના અવાજમાં દર્દ હતું, ‘આમાં નાથદ્વારાના મંદિરમાં પૂજાઅર્ચના કરાયેલી સાક્ષાત્ ઠાકોરજી ભગવાનની અષ્ટધાતુની પવિત્ર મૂર્તિ છે. ભાઈએ જીવ છોડતાં પહેલાં મને કહ્યું હતું કે આ મૂર્તિ કાલબાદેવીમાં આવેલા રાધા-ગોવિંદ હવેલી ટ્રસ્ટમાં પધરાવવાની છે. તેની ઇચ્છા તો હતી કે તે પોતે જ તમને આ મૂર્તિને હાથમાં આપે, પણ ઉપરવાળા ઠાકોરજીની સામે ક્યાં કોઈનું ચાલ્યું છે વલ્લભભાઈ.’
‘તમે રાધા-ગોવિંદ હવેલી નથી જોઈ?’ વલ્લભ ઉત્સાહથી બોલ્યો, ‘હાલો, હું લઈ જાઉં. મારેય દર્શન થઈ જાશે.’
‘મારાથી નહીં અવાય વલ્લભભાઈ...’ શેખરે દબાયેલા અવાજે કહ્યું, ‘મારા પર જેસલમેરથી જ અમુક વિઘ્નસંતોષીઓની નજર છે એટલે હું જાતે જઈ નહીં શકું કે નહીં તમારી સાથે આવી શકું. વલ્લભભાઈ, આ પવિત્ર અમાનત તમારે આજે બપોરે ૧૨ વાગ્યા પહેલાં કાલબાદેવી પહોંચાડવાની છે. ગમે એ થાય...’
‘તમતમારે ચિંતા મૂકી દો શેખરભાઈ...’ વલ્લભે બૅગને માથે અડાડી, ‘ભાઈનું કામ ને એમાંય સાક્ષાત્ ઠાકોરજીની સેવા, આ કામ મારે કરવાનું જ હોય. હું સ્ટેશને જ જતો હતો. હમણાં લોકલ પકડીને ચર્ચગેટ પહોંચી ત્યાંથી સીધો કાલબાદેવી અને કાલબાદેવીથી સીધો રાધા-ગોવિંદ હવેલી...’
‘હું તો કહીશ કે તમે ટૅક્સીમાં નીકળી જાઓ...’ શેખરે વલ્લભના હાથમાં ૧૦,૦૦૦ રૂપિયા રોકડા મૂક્યા, ‘આ ટૅક્સી અને રસ્તાના ખર્ચા માટે. કાલબાદેવી પહોંચીને જેવો તમે ત્યાંના ગોપીનાથજી મહારાજને ફોન કરશો એટલે તે તમને સામેથી લેવા આવશે; પણ યાદ રાખજો, બૅગની ચેઇન ખોલવાની નથી. ઠાકોરજીની પવિત્રતા ભંગ ન થવી જોઈએ.’
‘તમારી વાત સમજી ગયો શેખરભાઈ, તમે ચિંતા ન કરો. ટૅક્સી કરતાં લોકલમાં ફટાફટ પહોંચાશે. હું એમાં જ જઉં છું...’ વલ્લભે પૈસા તરફ હાથ જોડ્યા, ‘ભાઈની અમાનત એટલે હવે આ મારી અમાનત... તમે એનું ટેન્શન નહીં રાખો ને હા, તમારો નંબર મને મોકલી દો. જેવું કામ પતે એવો તરત તમને ફોન કરું.’
‘તમારો નંબર મારી પાસે છે... હું તમને ફોન કરીને મારો નંબર આપી દઉં.’
હાથમાં બૅગ લઈને વલ્લભ ઝડપી પગલે બોરીવલી પ્લૅટફૉર્મ તરફ ઊપડ્યો. જો પાછળ ફરીને જોયું હોત તો તેને શેખર અને તેના ચહેરા પર આવી ગયેલું સ્માઇલ દેખાયું હોત. વલ્લભને જતો જોઈને શેખરને નિરાંત થઈ અને ગાડીમાં બેસીને તેણે મોબાઇલ હાથમાં લીધો.
‘કામ થઈ ગયું છે. રાજસ્થાનથી ચોરેલી મૂર્તિ હવે એવા ગુજરાતી બકરાના હાથમાં મૂકી દીધી છે કે એને કોઈ હાથ નહીં લગાડે.’ શેખરે મિરરમાં જોઈ લીધું, ‘ક્રાઇમ બ્રાન્ચ મને શોધે છે, પણ વલ્લભ નામના આ ભક્તડાના હાથના થેલામાં કોઈ હાથ નહીં નાખે. કાલબાદેવીમાં પાર્ટી તૈયાર કરી દે. માલ પહોંચે એટલે તરત ફોન કરે.’
lll
બોરીવલી સ્ટેશન પર સવારની ભીડ વચ્ચે વલ્લભ પ્લૅટફૉર્મ-નંબર ૪ પર ફાસ્ટ લોકલની રાહ જોતો ઊભો હતો અને ત્યાં જ સ્ટેશન પર અનાઉન્સમેન્ટ શરૂ થઈ. અનાઉન્સમેન્ટની સાથે રેલવે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ડૉગ-સ્ક્વૉડ સાથે પ્લૅટફૉર્મ પર આવી ગઈ અને વલ્લભના કાનમાં લાઉડસ્પીકરના શબ્દો પડ્યા...
‘તમામ મુસાફરો ધ્યાન આપે. રાજસ્થાનથી એક કીમતી ઍન્ટિક મૂર્તિ દાણચોરીથી મુંબઈ આવી છે. શંકાસ્પદ બૅગ સાથે ફરતી કોઈ પણ વ્યક્તિની તાત્કાલિક તપાસ કરવામાં આવશે. કોઈ અજાણ્યા સામાનને હાથ પણ ન લગાડે.’
અનાઉન્સમેન્ટની સાથે જ પોલીસે મનમાં આવે એ મુસાફરની બૅગ ખોલાવવાનું શરૂ કર્યું અને એ દૃશ્ય જોઈને વલ્લભના ધબકારા વધી ગયા. તે મનોમન ગભરાયો. 
‘જો પોલીસ બૅગ ખોલશે તો શેખરભાઈના ઠાકોરજીની પવિત્રતા તૂટશે. મારે કંઈક કરવું પડશે...’ 
વલ્લભ પાછળ હટવા જતો હતો ત્યાં જ તેના ખભા પર હાથ આવ્યો. વલ્લભે પાછળ ફરીને જોયું. તેની પીઠ પાછળ રોફદાર ઇન્સ્પેક્ટર ઊભો હતો.
‘શું છે આ બૅગમાં...’ દમ દેખાડતાં ઇન્સ્પેક્ટરે ઑર્ડર કર્યો, ‘ચાલ, ખોલ એને!’
વલ્લભના હાથ ધ્રૂજવા લાગ્યા. તે બૅગ પાછળ ખેંચવા લાગ્યો અને બરાબર એ જ સેકન્ડે પ્લૅટફૉર્મ પર ફેરિયો મુરલીધર આવ્યો. તેણે માથે લાલ ટોપી અને ગળામાં મોરપીંછનું લૉકેટ પહેરેલાં હતાં. 
મુરલીધરના હાથમાંથી અચાનક જ ઇન્સ્પેક્ટરના પગ પાસે ચા અને પાણીની બૉટલોનું આખું મોટું ક્રેટ ઢોળાયું.
‘અરે... અરે સાહેબ, માફ કરજો. પગ લપસી ગયો!’ 
પોલીસે મુરલીધરને ફડાકો ચોડી દીધો અને પ્લૅટફૉર્મ પર ધક્કામુક્કી શરૂ થઈ. એ અંધાધૂંધી વચ્ચે જ મુરલીધરે વલ્લભનો હાથ પકડ્યો અને સ્ટેશન પર આવી ગયેલી ફાસ્ટના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ધકેલી દીધો. ટ્રેને તરત સ્પીડ પકડી લીધી.
ડબ્બામાં હાંફતા વલ્લભે મુરલીધર સામે જોયું. 
‘ભાઈ, તેં મને બચાવી લીધો, પણ આટલું જોખમ કેમ લીધું?’
મુરલીધર હસીને વલ્લભના કાનની નજીક આવ્યો. 
‘કાકા, તમે જે બૅગને ઠાકોરજીની કૃપા માનીને છાતીએ વળગાડી છેને એ કોઈ મંદિરની મૂર્તિ નથી. એ હવેલીમાંથી ચોરાયેલી મૂર્તિ છે. શેખરે તમને બાટલીમાં ઉતાર્યો છે. તમે આ મૂર્તિ આપી દેશો પછી તમારે પણ જવાનું છે કાયમ માટે ઉપર, ઠાકોરજી પાસે...’
પગ નીચેથી ટ્રેનનું પ્લૅટફૉર્મ સરકી ગયું હોય એવો આંચકો વલ્લભને લાગ્યો.
lll
ટ્રેન અંધેરી પાર કરી ગઈ. વલ્લભ હજી પણ સ્તબ્ધ હતો. તેની નજર બૅગ પર હતી.
‘શેખરભાઈએ મને તો કહ્યું કે તે ભાઈ ઠાકોરજીનો ભાઈબંધ છે, તેના ગામનો છે.’ 
‘એ બધું સાચું; પણ કાકા, તેણે ભાઈ ઠાકોરજીના નામનો ગેરલાભ લીધો.’ મુરલીધરે ખુલાસો કર્યો, ‘શેખરે નાથદ્વારાની એક મઢીમાંથી મૂર્તિ ચોરી. પોલીસ પાછળ પડી એટલે તેણે તમને ઢાલ બનાવ્યા. કાલબાદેવી પહોંચતાં જ તેના ગુંડાઓ મૂર્તિ તમારી પાસે લઈ લેશે અને પછી તમને...’
વલ્લભનો ડાબો ખભો થથરવા લાગ્યો. તે રડવા જેવો થઈ ગયો. 
‘હું... હું સામેથી પોલીસ-સ્ટેશને જઈને સરેન્ડર કરી દઉં... હું નિર્દોષ છું.’ 
‘પોલીસ તમારી વાત નહીં માને કાકા, જેલમાં રહેવું પડશે.’ 
વલ્લભને કશું સૂઝતું નહોતું. તેને ખબર નહોતી પડતી કે હવે તે શું કરે, કેમ કરે? વલ્લભે આંખો બંધ કરી અને તેના કાનોમાં ભગવદ્ગીતાના અઢારમા અધ્યાયનો ૬૬મો શ્લોક ગુંજવા લાગ્યો...
સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ॥
ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, ‘ચિંતાઓ, કર્તવ્યો અને ભયનો આશરો છોડીને તું માત્ર મારા એકના શરણે આવી જા. હું તને બધાં પાપો અને બંધનોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક કે ગભરાટ ન કર.’
ભગવદ્ગીતાની સાથોસાથ જ વલ્લભના કાનમાં ભાઈ ઠાકોરજીનો પહાડી અવાજ પણ પથરાયો, ‘જ્યારે મુશ્કેલી સામે આવીને ઊભી રહે ત્યારે રડવાથી કશું નહીં વળે. રાવણ સામે લડવા માટે તારે તારી અંદરના રામને જગાડવો પડશે. કંસને મારવા સુદર્શન હોવું જ જોઈએ. દરેક વખતે અહિંસા કામ નહીં લાગે, શસ્ત્ર ઉપાડવું એ પણ ધર્મ જ છે.’ 
વલ્લભની આંખો ખૂલી. હવે એ આંખોમાં ચમક હતી.
‘મુરલીધર, ભાઈ હોત તો અત્યારે તે ભાગવાને બદલે દુશ્મનને તેના દાવમાં ફસાવી દેત, તેને ચીત કરી દેત...’
વલ્લભે આજુબાજુમાં જોયું અને પછી બૅગ ખોળામાં લઈને તેણે બૅગની ચેઇન ખોલી. અંદર સોના-હીરા જડેલી અતિ પ્રાચીન અષ્ટધાતુની મૂર્તિ હતી, પણ પછી તેની નજર તરત મૂર્તિના તળિયે ચોંટાડેલા નાના લાલ કલરના બ્લિન્ક થતા ડિવાઇસ પર ગઈ.
એ એક GPS ટ્રૅકર હતું. શેખરે તેના હાથમાં મૂર્તિ જ નહોતી મૂકી, તેણે વલ્લભ પર આ રીતે નજર રાખવાનું પણ શરૂ કરી દીધું હતું. 
lll
ટ્રેન દાદર પહોંચી એટલે વલ્લભે મુરલીધર તરફ જોયું. 
‘મુરલી, આપણી પાસે કલાક છે. શેખરને છે કે હું તેનું કહ્યું કરીશ, પણ હવે આપણે ઠાકોરજી અને મારો ઠાકોરજી જે માર્ગ દેખાડે છે એ રસ્તે ચાલીએ...’ 
સ્ટેશનની બહાર નીકળીને વલ્લભ કનૈયાલાલની દુકાને પહોંચ્યો. કનૈયાલાલ પિત્તળ અને ધાતુની મૂર્તિઓ બનાવતો. વલ્લભે અષ્ટધાતુની ઠાકોરજીની મૂર્તિમાંથી GPS ટ્રૅકર ઉખેડીને કનૈયાલાલ પાસે હતી એ પિત્તળની ઠાકોરજીની સામાન્ય મૂર્તિ પર એ ટ્રૅકર ચોંટાડીને મૂર્તિ ફરી બૅગમાં મૂકી અને પછી અસલી પ્રાચીન મૂર્તિને સાદા સુતરાઉ ખેસમાં લપેટીને મુરલીધરના હાથમાં આપી દીધી.
‘આ અત્યારે તારી પાસે રાખી...’
lll
૧૨ વાગ્યે વલ્લભ કાલબાદેવીની સાંકડી ઝવેરીબજારની ગલીમાં કાળી બૅગ સાથે દાખલ થયો. દૂર એક જૂની હવેલી પાસે શેખરના ૪ ગુંડાઓ વલ્લભની રાહ જોતા હતા. શેખર પોતે થોડે દૂર ગાડીમાં બેસીને વલ્લભને જોતો હતો.
વલ્લભ ગુંડાઓ પાસે પહોંચ્યો. 
‘આ... આ લ્યો ભાઈ, શેખરભાઈની ઠાકોરજીની અમાનત.’
એક ગુંડાએ બૅગ આંચકીને શેખરને ફોન કર્યો : ‘ભાઈ, માલ અને બકરો આવી ગયા.’
શેખરે ગાડીમાંથી બારીની બહાર જોયું અને વલ્લભે શેખરની આંખોમાં આંખ મિલાવીને સ્માઇલ કર્યું. જાણે કે સ્માઇલની જ રાહ જોવાતી હોય એમ કાલબાદેવીની એ સાંકડી ગલી સાયરનોના અવાજથી ગૂંજી ઊઠી અને માઇક પર અવાજ આવ્યો...
‘શેખર, સરેન્ડર કરી લે, નહીં તો અમારે ઍક્શન લેવી પડશે...’
શેખરે ગભરાઈને વલ્લભ તરફ રિવૉલ્વર તાકી. 
‘સાલ્લા ગાંડા, આ તેં શું કર્યું?’
વલ્લભે પોતાનો ડાબો ખભો સહેજ ઊંચો કર્યો, સુતરાઉ સદરો સરખો કર્યો. 
‘તને એમ કે વલ્લભ મૂર્ખ બની જશે... ગધેડા, તું ભૂલી ગયો.... મારો ભાઈ ઠાકોરજી ભલે ધામમાં ગયો, પણ તેણે મને એટલું તો સમજાવ્યું છે કે અધર્મ સામે પાપનો ઘડો અહીં જ ફૂટે છે... બોલો બધા... ઠાકોરજીની જય.’ 
જયકારો સંભળાય એ પહેલાં જ સ્પૉટ પર સ્મોક બૉમ્બ ફેંકાયો અને ગલીમાં અંધાધૂંધી મચી ગઈ.
શેખર ભાગી ગયો. 
હવે અસલી મૂર્તિ વલ્લભ પાસે હતી અને ગુંડાઓ વલ્લભની પાછળ.
(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 02:48 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK