Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૧)

ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૧)

Published : 02 March, 2026 02:19 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ચૂપ... હજીયે ઠાકોરજીની વાત પૂરી નહોતી થઈ, ‘સાંભળ, તારી શ્રદ્ધામાં પણ અંધશ્રદ્ધા છે અને મારી અંધશ્રદ્ધામાં પણ ભગવાન જીવે છે. રામ-રાવણ અને કંસ-કૃષ્ણ કોઈ પાછા આવવાના નથી.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘પ્રોજેક્ટ અટકે કેવી રીતે?’

બૉસના ઊંચા થયેલા અવાજે સેક્રેટરીને ધ્રુજારી ચડાવી દીધી. તે કંઈ કહે કે સ્પષ્ટતા કરે એ પહેલાં જ અવાજ આવ્યો...



ધડામ.


અવાજ સાથે ફર્શ પર ક્રિસ્ટલના ગ્લાસના ટુકડા વિખેરાઈ ગયા અને નરીમાન પૉઇન્ટ પર આવેલી પચાસ માળની કાચની ઇમારત ‘સ્કાય હાઈ ટાવર’ના ટૉપ ફ્લોર પર સન્નાટો પથરાઈ ગયો. રિયલ એસ્ટેટ ટાયકૂન તરીકે મુંબઈ આખામાં પૉપ્યુલર થયેલા આકાશ મહેતાએ જ આ બિલ્ડિંગ બનાવ્યું હતું અને એ જ બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર તેણે પોતાની ઑફિસ બનાવી હતી.

આકાશ મહેતાની ઑફિસની ભવ્યતા એવી હતી કે કોઈ પણ એ જોઈને અંજાઈ જાય. દીવાલો પર વિશ્વવિખ્યાત પેઇન્ટર્સનાં પેઇન્ટિંગ્સ, ઇટાલિયન માર્બલથી સજ્જ ફર્શ, જર્મન ફર્નિચર અને દીવાલો પર બેલ્જિયમ પેઇન્ટ. સ્કાય હાઈ ટાવરના આ ટૉપ ફ્લોરની બારીમાંથી બહાર દેખાતું મુંબઈ નાનું અમસ્તું રમકડા જેવું લાગતું.


જેના નામમાત્રથી અબજોનો સોદો થઈ જતો એ આકાશ મહેતાના ચહેરા પર સફળતાની ચમક રહેતી; પણ આજે... આજે એ ચમક ઓસરી ગઈ હતી. ચહેરા પર સતત દેખાતી રોનક અસ્ત થઈ ગઈ હતી.

‘હું તને પૂછું છું મિત્રા, પ્રોજેક્ટ અટકે કેવી રીતે?’ આકાશના અવાજમાં ગર્જના હતી, ‘કોણે હિંમત કરી આકાશ મહેતાના પ્રોજેક્ટને પરમિશન નહીં આપવાની?’

‘સર... સર... એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટે પ્રોજેક્ટ અટકાવી દીધો છે.’ સેક્રેટરીનો અવાજ ધ્રૂજતો હતો, ‘એવી આર્ગ્યુમેન્ટ સાથે ફાઇલ અટકાવી છે કે આ પ્રોજેક્ટ માટે અઢી હજાર ઝાડ કાપવાં પડશે, એનાથી મુંબઈમાં પૉલ્યુશન વધશે.’

‘રિટ કરીએ તો જવાબ આવતાં કેટલી વાર લાગશે?’

‘એક મહિનો... મિનિમમ.’ સેક્રેટરીએ ફાઇલમાં નજર કરી, ‘પ્રોજેક્ટ એક મહિનો ડીલે થાય તો પણ આપણું ૨૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્ટરેસ્ટ અને ફૉરેન કોલૅબરેશન ફીમાં જ આપણને ૩૦૦ કરોડની નુકસાની થશે.’

‘વસ્તુ હોય કે વ્યક્તિ, દરેકની કિંમત હોય!’ આકાશના સ્વરમાં અહંકાર નીતરતો હતો, ‘જાઓ, જે આપવું પડે એ આપો, જે સપ્લાય કરવું પડે એ સપ્લાય કરો પણ મને પરમિશન જોઈએ... ગેટ લૉસ્ટ.’

ચેમ્બરની બહાર નીકળવા સેક્રેટરીએ દરવાજો ખોલ્યો અને સામે જ વલ્લભ મળ્યો.

‘જે શી કૃષ્ણ...’ મિત્રાએ મોઢું બગાડ્યું કે તરત વલ્લભના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘ઠાકોરજીનું નામ લ્યો ને દિવસ સુધારો...’

જવાબ આપ્યા વિના મિત્રા

નીકળી ગયો.

lll

વલ્લભ સોજિત્રા.

ઠાકોરજીનો પરમ ભક્ત. સુખમાં અને દુખમાં, ખુશ હોય ત્યારે પણ અને નારાજગીના સમયમાં પણ, મનમાં હળવાશ હોય તો પણ અને હૈયે વિષાદ હોય તો પણ વલ્લભ ભગવાન ઠાકોરજીને ભૂલે નહીં. તેનો દિવસ ઠાકોરજી સાથે શરૂ થાય અને ઠાકોરજી સાથે જ દિવસ પૂરો થાય. ભારોભાર ટેન્શન આવીને ઊભું રહી જાય તો પણ વલ્લભના પેટનું પાણી ન હલે. તેની પાસે એક જ જવાબ હોય, ‘ઠાકોરજી છેને, તે બધું સંભાળી લેશે.’

ઑલમોસ્ટ દોઢ દશક પહેલાં વલ્લભને ઠાકોરજીનો સાક્ષાત્કાર પણ થયો હતો. જોકે એ અનુભવ તેનો જરા જુદો હતો.

ઠાકોરજી પાસે મદદની સતત દુહાઈ કરતા વલ્લભના જીવનમાં ઠાકોરજી આવ્યા તો ખરા, પણ તે ઠાકોરજી નામનો માણસ હતો. રાજસ્થાનના મોસ્ટ વૉન્ટેડ ડૉન ઠાકોરજીએ વલ્લભની વિનંતીઓ સાંભળી અને તેના મનમાં ભાવ જાગ્યો કે ભલે તે ગાંડિયો ભગવાન ઠાકોરજી પાસે મદદ માગતો, પણ સાંભળ્યું મેં તો મારી ફરજ છે કે તેને મદદ કરું.

ઠાકોરજી વલ્લભને મદદ કરતા રહ્યા અને વલ્લભ માનતો રહ્યો કે આ મદદ તો તે જેને મોટા ભાઈ માને છે એ ભગવાન ઠાકોરજી કરે છે. એક દિવસ વલ્લભ સામે સત્ય હકીકત આવી અને વલ્લભ ઠાકોરજી સાથે લડી પડ્યો. જોકે એ લડાઈમાં તર્કબદ્ધ રીતે તો ઠાકોરજી જીત્યા.

lll

‘હું... હું તને ક્યાં કંઈ કહેતો હતો?’ વલ્લભે લાંબો હાથ કરીને ઠાકોરજીને કહ્યું, ‘હું તો મારા ઠાકોરજી સાથે વાત કરતો હતો.’

‘તને એમ છે કે તું કહે એટલે તારો ઠાકોરજી, તારો ભગવાન એ કામ કરી આપે?’

‘હા, મારો નાનપણનો ભાઈબંધ છે... હું નાનો હતો ત્યારે બાએ કીધું છે કે કોઈ વાતથી બીવાનું નહીં... તારી પાસે તારા ઠાકોરજી છે, તેને કહી દેવાનું... મારો, મારો ઠાકોરજી હાજરાહજૂર છે. તેણે ગીતામાં પણ કીધું છે કે જ્યારે-જ્યારે મારી જરૂર પડશે ત્યારે-ત્યારે હું આ પૃથ્વી પર પાછો આવીશ... કળિયુગમાં તે પાછા આવવાના છે.’

‘ચૂપ, ચૂપ...’

ઠાકોરજીને વલ્લભ પર ગુસ્સો આવતો હતો. વલ્લભ એકધારો બોલ્યે જતો હતો એની સામે ઠાકોરજીને વાંધો નહોતો, પણ વલ્લભ જે રીતે ઠાકોરજીની સામે ધર્મ અને ભગવાનના નામે બક-બક કરતો હતો એ સાંભળીને ઠાકોરજીની કમાન છટકી હતી.

‘જૂઠ...’ ઠાકોરજીએ પોતાના હાથમાં રહેલો લોટો જમીન પર ફેંક્યો, ‘જૂઠ, તુમ્હારે જૈસોં કે કારન હી આજ હમારે જૈસે લોગોં કા કામ ચલતા હૈ. ભગવાન આએગા, જબ કલિયુગ આએગા તબ કૃષ્ણ એક બાર પૃથ્વી પર વાપસ... ફિર સે વાપસ આએંગે. ક્યા ખાક આએગા તુમ્હારા કૃષ્ણ. ક્યા યે કલિયુગ નહીં હૈ, ક્યા અભી તુમ્હારા સતયુગ ચલ રહા હૈ? ઔર અગર યે તુમ્હારા સતયુગ ચલ રહા હૈ તો કલિયુગ કૈસા હોગા તુમ્હારા.’

ઠાકોરજીની આંખો લાલ થઈ ગઈ હતી.

‘મને થયું કે તું તકલીફમાં છે તો ચાલો થોડી મદદ કરું... તું છે કોણ મારો. મેં મનથી તને દોસ્ત બનાવ્યો, તારી મુશ્કેલીઓ દૂર કરી. પછી... પછી તને મળવા આવ્યો ત્યારે જોયું કે તું બીજાઓ માટે હૈયાબળતરા કરે છે. તું દિલનો ચોખ્ખો છે, ભોળો છે. તું તારા માટે નહીં પણ તારા ઓળખીતા માટે ભગવાનને પ્રાર્થના કરતો એટલે મેં તારાં કામ કરી આપ્યાં. એવા ઇરાદે કે તું રાજી તો હું રાજી. પછી તો તારે ત્યાં બીજા લોકોની લાઇન લાગી ગઈ. મને આ કામથી કોઈ ફાયદો નહોતો થતો. ઊલટું, તારે લીધે મેં આ ઘાટકોપરમાં દુશ્મન ઊભા કર્યા. જોકે મને એની સામે વાંધો નહોતો, કારણ કે તું સ્વાર્થથી કોઈ કામ નહોતો કરાવતો. તું મદદ કરીને રાજી થનારો માણસ છે અને આવા માણસો, તારા જેવા ભોળા અને ભગવાનના ઘરના માણસોના કારણે જ પૃથ્વી અકબંધ છે એવું મન મનાવીને હું તારી ખુશીમાં ખુશ થતો રહ્યો ને... ને તું કહે છે કે મારે તારાં કામ કરવાની જરૂર નહોતી, મારો ભગવાન આવવાનો છે. અરે, કોઈ ભગવાન હવે આવવાનો નથી.’

‘પણ...’

‘ચૂપ...’ હજીયે ઠાકોરજીની વાત પૂરી નહોતી થઈ, ‘સાંભળ, તારી શ્રદ્ધામાં પણ અંધશ્રદ્ધા છે અને મારી અંધશ્રદ્ધામાં પણ ભગવાન જીવે છે. રામ-રાવણ અને કંસ-કૃષ્ણ કોઈ પાછા આવવાના નથી. અને જો તું હજીયે એમ ધારતો હો કે આ બધા પાછા આવશે તો તને એક વાત કહી દઉં. આ રામ-રાવણ-કંસ-કૃષ્ણ કોઈ ગયા નથી, બધા અહીં જ છે. રામ મારા મનમાં છે અને રાવણ પણ મારા જ મનમાં છે. જે સમયે મેં તારું કામ કર્યું, કોઈ સ્વાર્થ વિના તારું કામ કર્યું ત્યારે મારામાં રામ જીવતો હતો. જે સમયે મેં બહાર જઈને ધમકી આપીને પૈસા પડાવ્યા એ સમયે મારામાં રહેલો રાવણ બહાર આવતો હતો. જા સાલ્લા... જા. તને મારી મદદથી શરમ આવતી હોય તો તું શરમાઈ લે. મને તારું કામ કરીને કોઈ શરમ નથી આવતી. તને હવે પોલીસ બોલાવે તો મને બિન્દાસ કહી દેજે. તારા માટે પોલીસ પાસે હાજર થઈ જવાનું કામ કરવામાં પણ મને વાંધો નથી. પણ... પણ એક વાત હજીયે તને કહી દઉં કે કોઈ કૃષ્ણ હવે આવવાનો નથી, કોઈ કેસ આ પૃથ્વી પરથી ઓછો પણ થવાનો નથી.’

lll

વલ્લભ ચેમ્બરમાં દાખલ થયો.

આકાશ મહેતાના ચહેરા પર રહેલી અકળામણ વલ્લભ પારખી ગયો હતો.

‘શેઠ, સહેજ શાંત થાઓ.’ વલ્લભે ધીમેકથી કહ્યું, ‘ઠાકોરજી બધું સારાં વાનાં કરશે...’

‘બુલશિટ...’ આકાશના મનમાં આમ તો મોટી ગાળ હતી, પણ વલ્લભનો પ્રભાવ એવો હતો કે તેનાથી કન્ટ્રોલ થઈ ગયો, ‘ભાન છે તને, મારું કેટલું નુકસાન થવાનું છે?’

વલ્લભે હસીને આકાશના ટેબલ પર રહેલી ઠાકોરજીની નાની મૂર્તિ સામે જોયું.

‘શેઠ, ચિંતા શું કામ કરો છો? ઠાકોરજી બેઠો છેને! એ જ્યારે રસ્તો ખોલશે ત્યારે કોઈ મંજૂરીની જરૂર નહીં પડે. બસ, એના પર શ્રદ્ધા રાખો.’

‘બસ વલ્લભ! તારો આ ઠાકોરજી-ઠાકોરજીનો રાગ હવે મને અકળાવે છે.’ આકાશ ઊભો થયો. ‘તારા ઠાકોરજીએ તને શું આપ્યું? આ એક નોકરી અને તે પણ એ ગુંડો હતો એટલે હું તેની વાત માન્યો... પણ એ પછી, એ પછી ઠાકોરજીએ તને શું આપ્યું? જવાબ આપ, છેલ્લાં ૧૫ વર્ષથી મારી ઑફિસની સાફસફાઈ કરે છે, ભાડાના મકાનમાં રહે છે.’

‘હું એ ઠાકોરજીની વાત નથી કરતો શેઠ. આપણા આ...’ વલ્લભે ઠાકોરજીની મૂર્તિ તરફ હાથ કર્યો, ‘આ ઠાકોરજીની વાત કરું છું... આ બેઠો છે, એ બધું કરી આપશે.’

‘તારો આ ઠાકોરજી એટલો જ પાવરફુલ હોય તો મને અત્યારે આ મુસીબતમાંથી કેમ નથી કાઢતો? જા, કહી દે તારા ભગવાનને કે જો એ ખરેખર હોય તો રસ્તો બતાવે. બાકી આ મૂર્તિ પણ અહીંથી હટાવી લેજે!’

આકાશના શબ્દોમાં શ્રદ્ધા પ્રત્યેનો તિરસ્કાર હતો. વલ્લભની આંખો ભીની થઈ ગઈ. ઠાકોરજીનું અપમાન તે સહન કરી શકતો નહોતો. તેણે નીચું જોઈને મનોમન વિનંતી કરી, ‘હે પ્રભુ, આ શેઠને માફ કરજો. તે અહંકારમાં આંધળા થયા છે.’

lll

સાંજ પડી હતી. આકાશ તેના જુહુના બંગલે પહોંચ્યો. બંગલાનું નામ આકાશે તેની માના નામ પર શાંતિ નિવાસ રાખ્યું હતું, પણ શાંતિ નિવાસ નામમાત્ર હતું. ત્યાં શાંતિનો છાંટો પણ નહોતો. જેવો તે ઘરમાં દાખલ થયો કે તરત પત્ની રાધિકા સાથે ઝઘડો શરૂ થયો.

‘આકાશ, બાળકો માટે તારી પાસે સમય નથી. આરવ ડ્રગ્સ અને પાર્ટીઓના રવાડે ચડી રહ્યો છે અને તારી દીકરી સિયા કોની સાથે આખેઆખી રાત રહે છે એની આપણને ખબર નથી...’ રાધિકાએ ગુસ્સામાં કહ્યું, ‘તું ઘર પર ધ્યાન આપ...’

‘જો રાધિકા, મેં તેમને દુનિયાની શ્રેષ્ઠ સુવિધાઓ આપી છે. હવે સંસ્કાર પણ મારે જ આપવાના?’ આકાશનો અવાજ તરડાયો, ‘ઍટ લીસ્ટ, આટલું તો ધ્યાન તું રાખ. ભાન છે તને મારે બહારનાં કેટલાં ટેન્શન છે.’

‘આ ઘર પણ તારું જ છેને!’

ધડામ...

રાધિકાને જવાબ આપવાને

બદલે આકાશે બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો.

lll

એ આખી રાત આકાશને ઊંઘ ન આવી. તે બંગલાની ગૅલરીમાં ઊભો હતો. સામે ઘૂઘવતો દરિયો હતો અને કાનમાં દરિયાનાં ઊછળતાં મોજાંનો ઘેઘૂર અવાજ. એ અવાજ વચ્ચે અચાનક જ આકાશને વલ્લભના શબ્દો યાદ આવ્યા...

‘મારો ઠાકોરજી રસ્તો ખોલશે...’

ઠાકોરજી...

આકાશના ચહેરા પર ચમક આવી ગઈ. ગૅલરીમાં પડેલા ઝૂલા પરથી તેણે તરત પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને નંબર ડાયલ કર્યો.

lll

‘અત્યારે શેઠનો ફોન...’

વલ્લભની આંખોમાંથી ઊંઘનું બાષ્પીભવન થઈ ગયું અને તેણે ફોન રિસીવ કર્યો.

‘બોલોને શેઠ... બધુંય બરાબર છેને, તબિયતપાણી...’

‘હા... વલ્લભ, ગમે ત્યાંથી ઠાકોરજીને શોધ.’ ઠાકોરજી-ભક્ત વલ્લભના મનમાં ભગવાન ઠાકોરજી ન આવે એવા હેતુથી આકાશે ચોખવટ પણ કરી લીધી, ‘હું પેલા ગુંડા ઠાકોરજીની વાત કરું છું. મારે તેને મળવું છે.’

‘શેઠ, તેણે તો મુંબઈ મૂકી

દીધાને ૧૫ વર્ષ થઈ ગયાં.’ વલ્લભે કહ્યું, ‘પહેલાં થોડાક મહિના તેના ફોન આવ્યા, પણ પછી તો ફોન પણ બંધ થઈ ગયા. રામ જાણે અત્યારે તે ક્યાં હશે?’

‘વલ્લભ, તે જ્યાં હોય ત્યાં, જે હાલતમાં હોય એ હાલતમાં... મને ઠાકોરજી જોઈએ છે.’ આકાશના અવાજમાં ઇમોશન્સ ઉમેરાયાં, ‘તને ખબર છે અત્યારે મને તેની બહુ જરૂર છે, પ્લીઝ ભાઈ... હું તારો ઉપકાર...’

‘બસને શેઠ, આવું બોલીને ગાળ દઈ દીધીને?’ વલ્લભ ઇમોશનલ થઈ ગયો, ‘તમારું કામ થઈ જશે... મારો ઠાકોરજી બેઠો છેને. મારાથી કંઈ નહીં થાય તો તે કરશે, તે ઠાકોરજીને ગોતી લાવશે...’

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 02:19 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK