Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૫)

ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૫)

Published : 06 March, 2026 12:29 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ભાઈને કૅન્સર નીકળ્યું, છેલ્લા તબક્કાનું હતું. તો પણ ભાઈ ઓછાંમાં ઓછાં અઢી-ત્રણ વર્ષ એની સામે લડ્યા પણ છેલ્લે પછી ભાઈ...’ જિગરની આંખમાં આંસુ આવી ગયાં, ‘ઠાકોરજીના ધામમાં ગયા.’

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘સાવ આવું, આવું કરવાનું શેઠ?’ વલ્લભ બરાબરનો અકળાયો હતો, ‘કોઈ માણસ માને નહીં, કામ ન કરે એટલે તેને આમ મારી નાખવા સુધી પહોંચી જવાનું?’

‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર... તું નહીં સમજે.’



‘ખબર છે કે હું નહીં સમજું તો પછી તમારે કહેવું શું કામ છે?’ વલ્લભ હજી પણ અકળામણમાં હતો, ‘શેઠ, રસ્તોગીસાહેબ સાચા છે, જો આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો પર્યાવરણ આપણું ધ્યાન નહીં રાખે. ખબર છે તમને, આ શિયાળામાં ઉનાળો ને ઉનાળામાં ચોમાસું કેમ ચાલુ થઈ જાય છે? આપણાં પાપે...’


‘વલ્લભ, પ્લીઝ. મને જ્ઞાન નહીં આપ. મારામાં અત્યારે એ સમજવાની કોઈ ક્ષમતા નથી... પ્લીઝ...’ આકાશનું ફ્રસ્ટ્રેશન બહાર નીકળવા માંડ્યું, ‘જે પ્રોજેક્ટ માટે મેં માર્કેટમાંથી અઢી હજાર કરોડ વ્યાજે લીધા છે, જેની માટે મેં ફૉરેન કોલૅબરેશનની કરોડોની ફી ચૂકવી છે એમાં રસ્તોગી નડે છે. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી અને તમે લોકોએ... તેં ને તારા ઠાકોરજીએ આખી ગેમ બગાડી નાખી.’

‘બગાડી નહીં, સુધારી... અમે તમારી ગેમ સુધારી છે. આ લ્યો...’ વલ્લભે આકાશ મહેતાના ટેબલ પર કાગળ ફેંક્યો, ‘તમને તમારા કામની પરમિશન એ માણસે દઈ દીધી.’


‘એટલે? તે ડરી ગયો?’

‘ના... જરાય નહીં. પાડ માનો મારા ને તમારા બેઉના ઠાકોરજીનો કે તેણે બુદ્ધિ વાપરીને કામ કરાવી લીધું.’ વલ્લભે કહ્યું, ‘એ જગ્યા ઉપર જે બે હજાર ઝાડ તમારે કાપવાનાં હતાં એની સામે રસ્તોગીને વાંધો હતોને? રસ્તોગીએ શરતી મંજૂરી આપી કે તમારી કંપની મુંબઈમાં બે હજાર અને મુંબઈની બહાર બીજાં બે હજાર ઝાડ ઉગાડશે અને એની માવજત કરશે.’

‘એટલે?’ આકાશની આંખોમાં ચમક આવી ગઈ અને ચહેરા પર ખુશી, ‘આટલી અમસ્તી વાત સાથે એ માણસ તૈયાર થઈ ગયો?’

‘હા, કારણ કે તે સાચો હતો ને આ રસ્તો ઠાકોરજીએ તેને દેખાડ્યો.’ વલ્લભે ચોખવટ કરી, ‘આ જે ઝાડ ઉગાડવાનાં છે ને એની માવજત કરવાની છે એની જવાબદારી મારી રહેશે એની ખાતરી ઠાકોરજીએ તેને આપી એટલે રસ્તોગીસાહેબે હા પાડી.’

‘ડન વલ્લભ ડન...’ આકાશ મહેતા ઊભા થઈને વલ્લભને ભેટી પડ્યા, ‘હદ છે વલ્લભ, જે કામ ક્યારેય થાય એવું નહોતું લાગતું એ કામ તેં ને ઠાકોરજીએ ચપટી વગાડતાં કરી દીધું.’

‘મેં નહીં, ઠાકોરજીએ...’

‘અરે હા, ઠાકોરજી ક્યાં છે?’

‘બેઠા છે રીસામણે...’ આકાશની આંખો પહોળી થઈ, ‘હા, સાચે જ. તમારાથી રિસાણા છે. ગયા છે હિંગવાલા લેન, તેના જૂના ભાઈબંધોને મળવા. હાલો, થાવ ઊભા. મનાવો તેને. જો ધાર્યું હોતને શેઠ, તો તે રસ્તોગીને તમારું નામ આપી શક્યા હોત ને જો તમારું નામ દીધું હોત તો રોજ જેલમાં ટિફિન લઈને મારે આવવું પડતું હોત, પણ ભાઈએ રસ્તોગીને તમારું નામ પણ નથી દીધું.’

‘હવે બધી વાત પછી. પહેલાં ચાલ, ભાઈ પાસે જઈએ.’

આકાશે રીતસર વલ્લભને સાથે ખેંચ્યો હતો.

 

‘એ  જિગલા...’

હિંગવાલા લેનના ખૂણા પર પાનનો ઠેલો ચલાવતા માણસને એકધારો જોયા પછી વલ્લભ ઓળખી ગયો કે તે એક સમયે ભાઈ ઠાકોરજી માટે કામ કરતો હતો.

‘અરે વલ્લભભાઈ... તમે?’ વલ્લભને ઓળખીને જિગર પણ ઓળખી ગયો, ‘કેટલા વખતે મળ્યા? ઘાટકોપર બાજુ ક્યારેય આવતા નથી?’

‘હવે ઓછો આવું છું પણ સાંભળ...’ વલ્લભે પૂછ્યું, ‘તું ભાઈને મળ્યો?’

‘ભાઈ એટલે...’

‘શું ડોબા તું પણ? ભાઈને ઓળખતો ન હો એમ પૂછે છે.’ વલ્લભના ચહેરા પર અણગમો હતો, ‘ઠાકોરજી... ઠાકોરજીનું પૂછું છું, તું તેને મળ્યો?’

‘ભાઈને? તેને હું કેવી રીતે મળવાનો, ક્યાંથી મળવાનો?’

જિગરના ચહેરા પર અચરજ હતું.

‘એમ! મને એમ કે ભાઈ મુંબઈ આવ્યા છે તો કદાચ તને મળવા આવ્યા હોય.’

‘ભાઈ મુંબઈ આવ્યા છે?’ જિગરનું અચરજ બેવડાયું, ‘વલ્લભભાઈ, તમારી ભૂલ થાય છે. ભાઈ તો...’

‘ખબર છે મને, ભાઈ જોધપુર રહે છે પણ...’ વાત કાપતાં વલ્લભે કહ્યું, ‘ભાઈ બે દિવસથી મુંબઈમાં છે, મારે ત્યાં રોકાયા છે. આજે સાંજ સુધી મારી સાથે હતા. હમણાં અહીં તમને બધાને મળવા આવ્યા.’

‘વલ્લભભાઈ, બસ હવે. તમે દારૂ પીતા હો એવું તો હું માનતો નથી પણ તમે ભાંગ-બાંગ ચડાવી લાગે છે.’ જિગરના ચહેરા પર દયાભાવ હતો, ‘તમને કદાચ ખબર નથી લાગતી. ભાઈ તો ચાર વર્ષ પહેલાં ગુજરી ગયા.’

વલ્લભની આંખો ફાટી ગઈ અને સાથોસાથ આકાશ મહેતાની પણ.

‘ભાઈને કૅન્સર નીકળ્યું, છેલ્લા તબક્કાનું હતું. તો પણ ભાઈ ઓછાંમાં ઓછાં અઢી-ત્રણ વર્ષ એની સામે લડ્યા પણ છેલ્લે પછી ભાઈ...’ જિગરની આંખમાં આંસુ આવી ગયાં, ‘ઠાકોરજીના ધામમાં ગયા.’

‘પણ તો... મારે ત્યાં...’ વલ્લભે આકાશ સામે જોયું, ‘શેઠ, તમે પણ... એ ઠાકોરજી... તો પછી હું કોને...’

lll

‘રાધે, સમય-સમયની વાત છે.’

‘હશે શ્યામ, પણ મને એક વાત હજી નથી સમજાતી. એક વલ્લભ માટે તમે ગુંડાનું રૂપ લઈને ગયા? વલ્લભ માટે...’

‘જો જરૂર હોત તો કદાચ મર્કટનું રૂપ લઈને પણ ગયો હોત રાધે.’ કૃષ્ણના ચહેરા પર સ્મિત હતું, ‘એક સમય હતો જ્યારે ભક્તને ભગવાનની જરૂર હતી અને આ કળિયુગમાં ભગવાનને ભક્તની જરૂર છે. રાધે, હું ન ગયો હોત તો વલ્લભની આસ્થા તૂટી હોત. હું ન ગયો હોત તો વલ્લભની વર્ષોની શ્રદ્ધા ડગમગી હોત. હું ન ગયો હોત તો વલ્લભને કંઈ થવાનું નહોતું, પણ વલ્લભની આસ્થા ચોક્કસપણે મરી ગઈ હોત ને હું એ નહોતો ઇચ્છતો.’

કૃષ્ણએ વાત આગળ વધારી.

‘રાધે, ઠાકોરજી બનીને હું ગયો. કારણ વલ્લભે ફરી એક વાર, તેના ભાઈ ઠાકોરજીને બોલાવ્યા હતા અને એ પણ કોઈ ત્રાહિત માટે. વલ્લભે મારી પાસે ક્યારેય કશું નથી માગ્યું. તેણે હંમેશાં માગ્યું છે, હાથ ફેલાવ્યો છે ત્યારે અન્ય કોઈની મદદની જ વાત હોય છે. આ વખતે મારે વલ્લભને સાથ આપવાનો હતો તો સાથોસાથ મારે પૃથ્વીલોકને પણ સંદેશ આપવાનો હતો કે પૃથ્વી સાચવો, એના કણ-કણમાં હું છું. પર્યાવરણ સાચવો, એનાં પર્ણ-પર્ણમાં હું છું ને જો હું હોઉં તો...’ કૃષ્ણએ સ્માઇલ સાથે રાધા સામે જોયું, ‘મારી જવાબદારી છે કે હું પણ મારી હાજરી નોંધાવું.’

‘વલ્લભમાં એવું તે શું છે શ્યામ કે તમને તેના માટે આટલો લગાવ છે?’

‘તેનું ભોળપણ અને તેની શ્રદ્ધા...’ કમરે વાંસળી ખોસી કૃષ્ણ ઊભા થયા, ‘માણસ જ્યારે માણસ પર ભરોસો નથી કરી શકતો એવા સમયમાં એ માણસ મારી પથ્થરને મૂર્તિને પોતાના જીવતા-જાગતા સાથીની જેમ પ્રેમ કરે છે અને જે નિસ્વાર્થ પ્રેમ કરે તેના માટે તો કહે જ છેને, શ્રી કૃષ્ણ સદા સહાયતે...’

lll

‘શેઠ, મારા ઠાકોરજી... એ મારા ઠાકોરજી...’

વલ્લભની આંખોમાંથી ચોધાર આંસુ નીકળતાં હતાં તો આકાશ મહેતાની આંખો પણ ભરાઈ ગઈ હતી. ભગવાનની મૂર્તિ ઘર-ઑફિસમાં રાખવાની હોય એવા સામાન્ય ભાવથી અત્યાર સુધી જીવતા આકાશ મહેતાને પણ સમજાઈ ગયું હતું કે તે જે ઠાકોરજીને મળ્યા એ ભાઈ ઠાકોરજી નહીં પણ સાક્ષાત્ ઠાકોરજી હતા. આકાશ મહેતા નિઃશબ્દ હતા. તેને ખબર હતી કે જો તે બોલશે, કંઈ કહેશે તો રડી પડશે પણ વલ્લભને એવી કોઈ ચિંતા નહોતી. તેની આંખોમાંથી આંસુ નીકળતાં જતાં હતાં અને હોઠ પરથી શબ્દો.

‘મારો ઠાકોરજી... મારો ઠાકોરજી, તમારો ઠાકોરજી બનીને આવ્યો... મને, મને એ અહીં...’ વલ્લભ સુખની ચરમસીમા પર હતો, ‘શેઠ, મને એ ભેટ્યા. મારા ખભા પર હાથ રાખીને તે ચાલતા ને હું, હું પામર, ડોબો...’

વલ્લભે પોતાના જ ગાલ પર હળવી થપ્પડ મારી.

‘હું ઓળખી શક્યો નહીં. મને ખબર પણ ન પડી કે મારી સાથે મારા ઠાકોરજી છે. આખેઆખા, હાજરાહજૂર... સાક્ષાત્... મારો વાલીડો...’ વલ્લભ ઝાટકા સાથે આકાશ તરફ ફર્યો, ‘શેઠ, એ મને વાલીડા-વાલીડા કહીને બોલાવતા. તે મારા ઘરમાં... મારી પથારીમાં સૂતા... તેમણે મારા હાથનું ખાધું... હવે, હવે મને સમજાય છે, દેખાય છે. બધુંય દેખાય છે. તમે જોયું’તુંને શેઠ, તે સતત હસતા હતા.’

‘હા વલ્લભ...’ આકાશના ગળામાં ડૂમો હતો, ‘એ પણ સમજાય છે કે તેમણે મને પાપ કરતાં રોકી લીધો.’

‘હા શેઠ... ને એ શેઠ....’

વલ્લભની આંખ સામે ઠાકોરજીએ કરેલો ઍક્સિડન્ટ અને એ ઍક્સિડન્ટની ભયાનકતા આવી ગઈ.

‘શેઠ, કોઈ એટલે કોઈ બચે નહીં. તમે જુઓ, અમને કોઈને કંઈ થયું નહીં. મને, રસ્તોગી સાહેબને, પેલા ટેમ્પોના ડ્રાઇવરને... ને તેણે તો આખેઆખો ટેમ્પો અમારી ગાડીમાં ઘુસાડી દીધો હતો. ગાડી ચલાવતો હોય એ તો કોઈ કાળે બચે નહીં ને એ પછી પણ શેઠ, મારા ઠાકોરજી...’ વલ્લભની રડતી આંખોમાં પોરસ હતો, ‘તેમનો વાળ પણ વાંકો થયો નહીં ને તો પણ મને સમજાણું નહીં કે આ તો મારો હજાર હાથવાળો સાક્ષાત્, પોતે છે. મારો વાલીડો આખેઆખો આવી ગયો. તમને મદદ કરવા...’

‘મને નહીં વલ્લભ... તારી ભક્તિને મદદ કરવા. તારી શ્રદ્ધાને સાથ આપવા.’

lll

એક મહિના પછી.

‘હું વલ્લભ ધીરુભાઈ સોજિત્રા... આ... આ...’

માઇકમાં બોલતી વખતે ફરી એક વાર વલ્લભની આંખો ભરાઈ ગઈ. વલ્લભે પાછળ ફરીને ઉપર લટકતા મોટા બોર્ડ તરફ ઇશારો કર્યો હતો.

‘આ, આ ઠાકોરજી ફાઉન્ડેશનનો હું... હું કંઈ નથી. એ તો શેઠની મહાનતા છે કે તેમણે મને આની જવાબદારી આપી પણ આ, અહીં જે કૅન્સર હૉસ્પિટલ ઊભી થશે એની જવાબદારી બધી મારો ઠાકોરજી, મારો વાલીડો સંભાળવાનો છે. બસ, અમારે તો રોજેરોજનો વહીવટ સંભાળવાનો. બાકી બધું તો તેના હાથમાં છે.’

આકાશ મહેતાએ કૅન્સર હૉસ્પિટલની અનાઉન્સમેન્ટ કરી ઠાકોરજી ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી હતી. હૉસ્પિટલ ઊભી ન થાય ત્યાં સુધી ઠાકોરજી ફાઉન્ડેશનમાં જે કોઈ આવે તેમને મુંબઈમાં કૅન્સરની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઠાકોરજી ફાઉન્ડેશનની તમામ જવાબદારી વલ્લભ સોજિત્રાને સોંપવામાં આવી. હૉસ્પિટલનું આજે ખાતમુહૂર્ત હતું, જે વલ્લભના હાથે જ કરાવવામાં આવ્યું હતું.

‘હું આજે મારા શેઠ આકાશભાઈ મહેતાને એક વિનંતી કરવા માગું છું ને અહીં અમારા આમંત્રણને ખાસ માન આપીને આવેલા રસ્તોગીસાહેબને પણ વિનંતી કરવા માગું છું...’ વલ્લભે આકાશ મહેતા સામે હાથ જોડ્યા, ‘શેઠ, ઠાકોરજી ફાઉન્ડેશનના વહીવટમાંથી હું મુક્તિ માગું છું. હું રોજેરોજ એની ઑફિસે જઈશ. મારા ઠાકોરજીનું, મારા વાલીડાનું નામ એની સાથે જોડાયેલું છે. હું જો રોજ ત્યાં ન જઉં તો ફટ છે મારા આયખાને...’

વલ્લભ હવે રસ્તોગી સામે ફર્યો.

‘રસ્તોગીસાહેબ, તમને પૂછ્યા વિના, તમારી રજા લીધા વિના હું તમને આ ઠાકોરજી ફાઉન્ડેશનની જવાબદારી સોંપું છું.’ રસ્તોગી કંઈ કહેવા જાય એ પહેલાં જ વલ્લભે કહી દીધું, ‘ના પાડો તો તમને ઠાકોરજીના સોગન... ને તમને ખબર છે, ઠાકોરજીની વાત આવે ત્યારે હું કોઈના બાપની વાત નથી સાંભળતો.’

વલ્લભ તરત સામે બેઠેલા મહેમાનો તરફ ફર્યો.

‘એક વધારાની વાત, આજથી મારી આ કંપની સાથેની લેણાદેણી પૂરી થઈ.’ વલ્લભે આકાશ સામે જોયું, ‘શેઠે મને એટલો મોટો પરિચય કરાવી દીધો કે હવે મને અહીંથી બીજું કંઈ જોતું નથી. હું અહીંથી રજા લઉં છું પણ હા, ઠાકોરજી ફાઉન્ડેશનમાં આ વલ્લભ રોજેરોજ જોવા મળશે...’

વલ્લભ સ્ટેજ પરથી ઊતર્યો અને એ જ વખતે તેના મોબાઇલની રિંગ વાગી.

અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ,

રામ નારાયણમ જાનકી વલ્લભમ્

કૌન કહતે હૈં ભગવાન આતે નહીં?

તુમ મીરા કે જૈસે બુલાતે નહીં...

lll

‘શ્યામ, આ વલ્લભ તો ખરો નીકળ્યો!’

‘દુલ્લો રાજા...’ કૃષ્ણના ચહેરા પર ચિરપરિચિત સ્મિત હતું, ‘આવા લોકોને કાઠિયાવાડીમાં અમે દુલ્લો રાજા કહીએ જેને ખાતરી છે તે ભૂખ્યો જાગશે પણ હું તેને ભૂખ્યો સુવડાવીશ નહીં...’

 

(સંપૂર્ણ)

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 12:29 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK