Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધ ઘોસ્ટ ઍડ્રેસ : દાદર ૪૦૦ ૦૨૮ (પ્રકરણ ૩)

ધ ઘોસ્ટ ઍડ્રેસ : દાદર ૪૦૦ ૦૨૮ (પ્રકરણ ૩)

Published : 19 August, 2026 05:35 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દમયંતીના મૃત્યુ પછી પણ તેનો આત્મા વૈભવના શરીરમાં જીવતો રહે છે. માનસી અને રુદ્ર ગુરુજીને અઘોરી શક્તિનો સામનો કરવો છે, પરંતુ વૈભવને બચાવવા હવે માનસીએ અસ્થિ મેળવવાનું જોખમી કામ કરવું પડશે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


દાદર પર વિરામ વિના વરસાદ વરસતો હતો. એકધારા વરસતા વરસાદને લીધે વાતાવરણમાં ધુમ્મસ પણ ઉમેરાઈ ગયું હતું. સ્ટ્રીટલાઇટ્સ ફ્લિકર થતી ચાલુ-બંધ થતી હતી અને એ બધા વચ્ચે ભીંજાતી માનસી રસ્તા પર ઑલમોસ્ટ ભાગતી હતી. માનસીના હાથમાં વિઝિટિંગ કાર્ડ હતું અને મનમાં પતિ અને બાળકની ચિંતા. ઉઘાડા પગે ઘરેથી ભાગેલી માનસીને પગમાં ઍસ્ફાલ્ટની સડકની કપચી વાગતી હતી, પણ અત્યારે તેનું ધ્યાન એ દુખાવા તરફ બિલકુલ નહોતું.
સિદ્ધિવિનાયક મંદિરની પાછળના ભાગમાં પહોંચેલી માનસીની નજર આજુબાજુમાં ફરતી હતી. કોઈ માણસ દેખાતું નહોતું એટલે હવે તેણે ઘર જાતે જ શોધવાનું હતું. રખડતી-ભટકતી માનસી એક બંધ ગલીમાં આવી અને ગલીના કૉર્નર પર જ જૂના મરાઠી શૈલીના મકાનની બહાર દીવાદાંડી જેવો નાનો દીવો પ્રજ્વળતો હતો. સાંબેલાધાર વરસાદ વચ્ચે પણ ઘરની પરસાળમાં રહેલો દીવો જોઈને માનસીના મનમાં આશા જાગી અને તેણે ઘરની દીવાલ પર લાગેલી આરસની તકતી પર નજર કરી.
શાસ્ત્રી રુદ્રપ્રસાદ.
માનસીએ ધ્રૂજતા હાથે દરવાજો ખખડાવ્યો. જાણે કોઈ આવવાનું હોય એની રાહ જોવાતી હોય એમ ક્ષણવારમાં દરવાજો ખૂલ્યો. સફેદ ધોતી અને ગળામાં અઢળક રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલા શાસ્ત્રીજી સામે આવ્યા. તેમણે માનસી સામે જોયું અને એક પણ સવાલ પૂછ્યા વિના માનસીને ઘરમાં આવવા માટે જગ્યા કરી આપી.
‘અંદર આવ બેટા...’ શાસ્ત્રીજીના સ્વરમાં શાંતિ હતી, ‘હું તારી જ રાહ જોતો હતો. આવ અંદર, પાછળ નહીં જોતી...’
‘કેમ?’
‘આઈનો કાળો પડછાયો તારી પાછળ અહીં સુધી આવ્યો છે.’ 
શાસ્ત્રીજીએ દરવાજો બંધ કર્યો અને તેમણે એક દિશામાં જવા માટે માનસીને હાથ કર્યો. માનસી આગળ વધી અને માનસીના નાકમાં ધૂપ, કપૂર અને તાજી તુલસીની સુગંધ પ્રસરી ગઈ જેણે માનસીના અશાંત મનને રાહત આપી. 
‘બધું જાણું છું, પણ મારે તારા મોઢે સાંભળવું છે બેટા...’ શાસ્ત્રીજીએ પાણીનો ગ્લાસ ધરતાં માનસીની સામે જોયું, ‘દમયંતી સામે તું આટલો સમય ટકી શકી એ પણ તારું સદ્નસીબ...’
માનસીની આંખમાં આંસુ આવી ગયાં અને રડતી આંખે તેણે 
લગ્નના દિવસે ગુમ થયેલા મંગળસૂત્રથી લઈને છેક થોડી વાર પહેલાં વાંચેલી પેલી ડાયરી વિશે બધી જ વાત શાસ્ત્રીજીને કરી.
‘મને મારા સસરાએ જ તમારું ઍડ્રેસ આપ્યું...’
‘ભાલચંદ્ર મને નિયમિત મળતો, મારી સલાહ લેતો. મેં જ તેને કહ્યું હતું કે દમયંતીની અઘોરી શક્તિ સામે લડવા કોઈ પવિત્ર નારીશક્તિ જ આગેવાની લઈ શકશે.’ પોતાના આસન પર બેસતાં શાસ્ત્રીજીએ કહ્યું, ‘દમયંતીને કાબૂમાં લેવી હવે અઘરું છે, પણ આપણે પ્રયાસ કરીએ. જોઈએ દૈવી શક્તિ જીતે છે કે પછી તારી આઈની અઘોરી શક્તિ.’
શાસ્ત્રીજીએ તાંબાના એક પાત્રમાં જળ લીધું. એમાં કાળા તલ નાખીને મંત્રોચ્ચાર શરૂ કર્યો અને પાત્રના પાણીમાં દેશમુખ વાડા ઊપસી આવ્યો.
‘માનસી...’ શાસ્ત્રીજીનો અવાજ ગંભીર હતો, ‘ત્રીસેક વર્ષ પહેલાં કોકણના એક અઘોરી તાંત્રિક પાસેથી દમયંતીએ પુત્રપ્રાપ્તિ અને અમરત્વનો કાળો કરાર કર્યો. તારો પતિ વૈભવ તાંત્રિક વિધિથી ઉત્પન્ન થયેલો જીવ છે. દમયંતીની વિદ્યાનો નિયમ છે કે વૈભવ પર માત્ર તેનો જ અધિકાર રહેવો જોઈએ. જો વૈભવના જીવનમાં કોઈ અન્ય સ્ત્રી આવે અને વંશ આગળ વધે તો દમયંતીની કાળી વિદ્યાનો નાશ થાય. દમયંતી એટલે જ ઇચ્છે છે કે તું કોઈ હિસાબે મા ન બને...’
માનસીએ પોતાના પેટ પર હાથ મૂક્યો. 
‘ગુરુજી, મારે વૈભવને અને બાળક બન્નેને બચાવવાં છે... કોઈ પણ ભોગે...’
શાસ્ત્રીજીએ લાલ કલરનું રક્ષાસૂત્ર માનસીના કાંડા પર બાંધ્યું અને કાળા તલ નાખેલું પેલા પાણીનું પાત્ર માનસી તરફ લંબાવ્યું. 
‘આ જળથી તારા ઘરની આસપાસ સુરક્ષા-કવચ બનશે, પણ યાદ રાખજે માનસી...’ શાસ્ત્રીજી હવામાં કોઈ દૃશ્ય જોતા હોય એવા તેમના ભાવ હતા, ‘તારી આઈ મરણપથારીએ છે અને તેની કાળી શક્તિઓ પરાકાષ્ઠાએ... દમયંતી પોતાની ચેતના વૈભવના શરીરમાં સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ કરશે અને એવું કરીને તે કાયમ માટે વૈભવમાં વાસ કરવા માટે આવી જશે...’
lll
સવારે માનસી મેઘા સાથે દેશમુખ વાડામાં પાછી ફરી. તેના મનમાં હવે ડર નહોતો, પણ પોતાના પતિ અને બાળકને બચાવવાની જીદ હતી જે સ્પષ્ટપણે માનસીના ચહેરા પર દેખાતી હતી.
વાડાના હૉલમાં સનાટો હતો. 
ભાલચંદ્ર એક ખૂણામાં બેઠા હતા અને વૈભવ આઈના રૂમની બહાર ઊભો હતો.
‘માનસી...’ વૈભવની આંખોમાં ગુસ્સો હતો, ‘રાતે તું ક્યાં જતી રહી? ભાન છે તને, આઈની તબિયત બગડી ગઈ છે... ડૉક્ટરો કહે છે કે હવે તેની પાસે ટાઇમ નથી.’
માનસી આઈની રૂમમાં ગઈ. આઈનું આખું શરીર કાળું પડી ગયું હતું. જોકે તેની આંખોમાં હજી પણ માનસી માટે ભયાનક ઝનૂન હતું. ડૉક્ટરનું કહેવું હતું કે લાસ્ટ સ્ટેજ પર કૅન્સરની ખબર પડી છે, પણ માનસી અને અમુક અંશે ભાલચંદ્ર આઈની આવી હાલતનું કારણ જાણતાં હતાં.
તમામ સગાંસંબંધીઓને બોલાવી લેવામાં આવ્યાં અને બધા વચ્ચે આઈએ ક્ષીણ અવાજે વૈભવને પાસે બોલાવ્યો.
‘વૈભવ... મારો દીકરો...’ દમયંતીએ વૈભવનો હાથ પકડ્યો, ‘હું જાઉં છું... પણ હું તને ક્યારેય નહીં છોડું. હું... હું તારી સાથે રહીશ.’
lll
સાંજે સાડાપાંચ વાગ્યે આઈએ અંતિમ શ્વાસ લીધો ત્યારે તમામની આંખોમાં આંસુ હતાં, પણ માનસીનું ધ્યાન વાતાવરણ પર હતું. એકધારો વરસતો વરસાદ અચાનક જ રોકાઈ ગયો હતો અને સૂર્યનાં કિરણો બહાર આવ્યાં હતાં. વાડાની બહાર છત પર બેઠેલા ડઝનબંધ કાગડાઓએ ચીસાચીસ શરૂ કરી દીધી હતી અને ઘરના હૉલનો પંખો બંધ હોવા છતાં ગોળ-ગોળ ફરતો હતો.
અંતિમ સંસ્કાર માટે આઈના પાર્થિવ દેહને દાદરની ચૈત્યભૂમિ નજીકના સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો. વૈભવે મુખાગ્નિ આપ્યો અને અગ્નિની લપટોમાં દમયંતીનો દેહ હોમાઈ ગયો.
વિધિ પછી રુદ્ર ગુરુજીની સૂચના મુજબ આઈની અસ્થિઓના થોડા ભાગને એક કળશમાં ભરીને એને શિવાજી પાર્ક પાસે આવેલા જૂના વડના ઝાડ નીચે દાટી દેવામાં આવ્યો. બધાને લાગ્યું કે વાર્તાનો અંત આવ્યો, પણ માનસી અને રુદ્ર પ્રસાદ જાણતાં હતાં કે દમયંતી આઈનો ભયાનક અધ્યાય હજી પૂરો નથી થયો. હવે ઘરમાં નવું પ્રકરણ શરૂ થવાનું હતું.
lll
આઈના મોત પછી દેશમુખ વાડામાં શાંતિ પ્રસરવી જોઈતી હતી, પણ એવું થવાને બદલે ઘરમાં નેગેટિવિટી વધવા માંડી. આઈના મોતના બીજા જ દિવસે ઘરમાં બિલાડી મરી તો એ જ રાતે ઘરમાં કાગડો ઘૂસી આવ્યો, જે પંખામાં આવી જતાં તરફડીને મર્યો. આ બે ઘટના પછી ત્રીજા દિવસથી વૈભવના વ્યક્તિત્વમાં અકલ્પનીય અને ભયાનક ચેન્જ આવવા માંડ્યો અને એ લગભગ એનું નિયમિત બની ગયું. 
વૈભવ હવે આખો દિવસ આઈની રૂમમાં બેસી રહેતો. એ રૂમમાં લાઇટ સુધ્ધાં ચાલુ ન કરતો. વૈભવની બોલવાની ઢબ અને આંખો ઝીણી કરવાની રીત ડિટ્ટો આઈ જેવાં થઈ ગયાં હતાં તો જ્યારે તેની કમાન છટકતી ત્યારે વૈભવ સાક્ષાત્ દમયંતી આઈ જેવો લાગતો. અરે, ઘરમાં પણ તે બધા સાથે કોકણી બોલીમાં વાતો કરતો જે તેને ક્યારેય આવડતી જ નહોતી. બહેન નિશાથી માંડીને ભાલચંદ્ર અને માનસી બધા વૈભવમાં આવેલા આ પરિવર્તનથી વાકેફ હતાં, પણ કોઈ કશું બોલતું નહોતું.
lll
‘વૈભવ ક્યાં...’
અડધી રાતે માનસીની ઊંઘ ઊડી ગઈ અને તેણે જોયું તો પલંગ ખાલી હતો. થોડી મિનિટ તો તે એવું ધારીને બેસી રહી કે વૈભવ બાથરૂમમાં હશે, પણ બાથરૂમમાં કોઈ સળવળાટ લાગ્યો નહીં એટલે માનસી ઊભી થઈને નીચે ગઈ. ઘરના નીચેના ભાગમાં આવેલા કિચનમાં ઝાંખી લાઇટ હતી. માનસીએ અંદર નજર કરી અને અંદરનું દૃશ્ય જોઈને તેનું લોહી થીજી ગયું.
વૈભવ કિચનમાં પદમાસન મુદ્રામાં બેઠો હતો. તેની સામે આઈનો જૂનો તાંત્રિક કળશ હતો. વૈભવના હાથમાં એક નાનો છરો હતો અને તે પોતાના જ હાથ પર કાપો મૂકીને લોહી એ કળશમાં પાડતો હતો. તેનું સતત ફફડતું મોઢું કહેતું હતું કે તે મનોમન મંત્રોચ્ચાર કરે છે. 
‘વૈભવ...’
માનસીથી ચીસ પડી કે તરત વૈભવે પાછળ ફરીને જોયું. વૈભવનો ચહેરો એકદમ વિકૃત થઈ ગયો હતો અને તેની આંખોની કીકીઓ ગાયબ હતી - ડિટ્ટો આઈની જેમ. વૈભવ માનસી સામે જોઈને બોલ્યો...
‘માનસીવહુ, તમને શું હતું કે મર્યા પછી હું આ ઘર છોડી દઈશ?’ અવાજ વૈભવનો હતો પણ તે જે બોલતો હતો એ ટોનેશન આઈનું હતું, ‘હું મરી નથી, હું મારા વૈભવના શરીરમાં જીવું છું. હવે આ શરીર મારું છે, મારું...’
આઈનો આત્મા વૈભવના શરીરમાં સંપૂર્ણપણે સ્થાનાંતરિત થઈ ગયો હતો. માનસી કંઈ સમજે કે બોલે એ પહેલાં વૈભવ ચિત્તાની ઝડપે ઊભો થયો અને તેણે માનસીને દીવાલ સાથે ચાંપી દીધી. વૈભવના હાથનું જોર એટલું હતું કે માનસીનું ગળું દબાવા માંડ્યું.
‘ક્યારેય જોખમ આવે તો આ રક્ષા આગળ ધરજે... રક્ષાસૂત્ર તને બચાવશે.’ 
રક્ષાસૂત્ર બાંધતી વખતે રુદ્ર પ્રસાદ ગુરુજીએ કહેલા શબ્દો માનસીને યાદ આવ્યા અને તેણે પૂરી તાકાત લગાવીને કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર વૈભવના કપાળને ટચ કરાવ્યું કે બીજી જ સેકન્ડ તણખો થયો અને વૈભવ બેભાન થઈને ઢળી પડ્યો.
lll
શાસ્ત્રીજીએ આખા વાડાનું ઑબ્ઝર્વેશન કર્યું અને પછી માનસી સામે જોયું. 
સવારે માનસી પોતે શાસ્ત્રીજી પાસે ગઈ હતી અને રાતે વૈભવનું જે વર્તન હતું એ તેમને જણાવ્યું હતું. માનસીની વાત સાંભળીને શાસ્ત્રીજી પોતે જ વાડામાં આવ્યા. તેમણે પૂજાની સામગ્રી સાથે હૉલના વચ્ચેના ભાગમાં એક ચક્ર દોર્યું અને કંકુ છાંટીને વિધિ શરૂ કરી.
વિધિ દરમ્યાન શાસ્ત્રીજીએ વાડાના લાકડાના જૂના ફ્લોરિંગ તરફ ઇશારો કર્યો.
‘માનસી, આ ફ્લોરિંગની નીચે કંઈક છે જે દમયંતીના આત્માને વાડા સાથે બાંધી રાખે છે. આ જગ્યા ખોદીને એ અદૃશ્ય પાશને તોડવો પડશે.’
કેટલાક મજૂરોની મદદથી હૉલના લાકડાના ફ્લોરિંગને ઉખાડવામાં આવ્યું. જેવું ફ્લોરિંગ ઊખડ્યું કે અંદરથી ભયાનક દુર્ગંધ બહાર આવી. ફ્લોરિંગની નીચે માટીના ખાડામાં કેટલીક એવી વસ્તુઓ મળી જે જોઈને ત્યાં ઊભેલા દરેકના હોશ ઊડી ગયા.
માટીના એ ખાડામાંથી બળેલી કાળી બિલાડીના અવશેષો, કાળા દોરા, લોહીથી લખેલા મંત્રો અને ૬૬૬નો અંક કોતરેલી તાંબાની પ્લેટ નીકળી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એ પ્લેટની સાથે માનસીનો લગ્ન વખતનો ફોટો હતો, જેમાં માનસીના ચહેરા પર કાળી શાહી ઘસેલી હતી અને 
પેટના ભાગ પર તીક્ષ્ણ ખીલીઓ ભોંકાયેલી હતી.
‘માનસી, આઈએ ૬૬૬ની અઘોરી બલિ વિધિ કરી છે...’
ગુરુજી કંઈ આગળ બોલે એ પહેલાં રૂમમાં આરામ કરતો વૈભવ બહાર આવ્યો. જાણે કે અમાનવીય તાકાત હોય એવી રીતે આવીને તેણે ગુરુજીના હવનકુંડને એક લાતમાં દૂર ફેંકી દીધો.
‘રુદ્ર...’ વૈભવે રાડ પાડી, ‘તારી આ તુચ્છ પૂજા મારું કંઈ નહીં બગાડી શકે... આ મારો દીકરો છે, મારો જ રહેશે...’
શાસ્ત્રીજીએ ભસ્મ વૈભવ તરફ ફેંકી. વૈભવની ચીસ નીકળી ગઈ.
‘માનસી, અહીં દમયંતી એકલી નથી...’ શાસ્ત્રીજીએ માનસી સામે જોયું, ‘તેની સાથે બીજો પુરુષ આત્મા પણ છે જે દમયંતીને અપાર તાકાત આપે છે...’ 
‘હવે ગુરુજી...’
‘શિવાજી પાર્કના વડ નીચેથી તારે દમયંતીનાં અસ્થિ લઈ આવવાં પડશે... દમયંતીની હાજરીમાં આપણે પૂજા કરવી પડશે... નહીં તો વૈભવ...’
‘હું... હું જઈશ ગુરુજી...’
‘રાતે ૧૨ વાગ્યે એ અસ્થિ બહાર કાઢવાનાં છે...’ સાંભળીને માનસી સ્તબ્ધ થઈ ત્યાં ગુરુજીના શબ્દો આગળ વધ્યા, ‘એ લેવા માટે હું તારી સાથે નહીં આવું શકું... દમયંતી તને રોકી શકે છે પણ તારે... વૈભવ માટે એ કરવાનું છે.’ 
(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 05:35 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK