વાંચો વાર્તાનું પાંચમું પ્રકરણ અહીં
ઇલસ્ટ્રેશન
‘સાળુંકે, મગનલાલ ૧૦૦ ટકા અત્યારે વલસાડ જતો હશે.’ સોમચંદે કહ્યું, ‘સવારે સૌથી પહેલાં તે બૅન્કનું કામ પૂરું કરવા માગતો હશે. આપણે આજે જ મગનલાલનો ખેલ પાડવો પડે. આપણે નીકળી જઈએ.’
‘હા સોમચંદ, મગનલાલની ગાડીનો નંબર હું હાઇવે પોલીસને આપી દઉં છું.’
ADVERTISEMENT
પોલીસ હેડક્વૉર્ટર પર દેવા અને મીનુને મળ્યા પછી સોમચંદ ઑપરેશનના લાસ્ટ સ્ટેજ પર કામે લાગી ગયા અને સાળુંકે પણ તરત તૈયાર થઈ ગયા.
અડધા જ કલાકમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સાળુંકે અને સોમચંદની જીપ આવી ગઈ હતી. મુશળધાર વરસાદને કારણે હાઇવે પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટર સુરેશ સાળુંકેની સરકારી જીપ ૧૧૦ની સ્પીડે ભાગતી હતી.
‘સાળુંકે, સ્પીડ જરા પણ ઓછી નહીં કરતા...’ સોમચંદની નજર હાઇવે પર ભાગતી કારોની નંબરપ્લેટ પર હતી, ‘મગનલાલ શાતિર છે. તેણે ભાગવા માટે હાઈવે પસંદ કર્યો છે, પણ તેને ખબર હશે કે ટોલનાકા પર ચેકિંગ હશે એટલે તેણે બીજો કોઈ પ્લાન બનાવ્યો હશે.’
‘સોમચંદ, મનોર પાલઘર પાસેની ચેકપોસ્ટ પર નાકાબંધી કરાવી દીધી છે અને મગનલાલની ગાડીના નંબર પણ આપી દીધા છે. તે જેવો ત્યાં પહોંચશે કે તરત હાથમાં આવી જશે.’
‘સાળુંકે, રીઢો માણસ પકડાવાની અણી પર હોય ત્યારે એવી ચાલ રમે જેની કલ્પના પોલીસ પણ નથી કરતી.’ સોમચંદે જવાબ આપ્યો, ‘મગનલાલની બુદ્ધિ એનાથી પણ આગળ હોઈ શકે છે.’
રાતના અઢી વાગ્યે સોમચંદ-સાળુંકે મનોર ટોલનાકા પહોંચ્યા ત્યારે ત્યાં વાહનોની લાંબી લાઇન હતી. બૅરિકેડ્સ ગોઠવાઈ ગયાં હતાં અને હથિયારધારી કૉન્સ્ટેબલ દરેક ગાડી ચેક કરતો હતો.
જીપ એક બાજુ પાર્ક કરીને સાળુંકે બહાર આવ્યા કે તરત ટોલનાકાનો સબ-ઇન્સ્પેક્ટર દોડતો તેની પાસે આવ્યો...
‘સાહેબ, તમે જે નંબર આપ્યો હતો એ MH-04-XX-8811 નંબરની બ્લૅક સ્કૉર્પિયો સાઇડ પર રખાવી છે.’
‘સોમચંદ ફાસ્ટ...’
સાળુંકે અને સોમચંદ કાર પાસે પહોંચ્યા અને બન્ને સ્તબ્ધ રહી ગયા. ગાડીમાં માત્ર મરાઠી ડ્રાઇવર બેઠો હતો.
‘એ કૌન હૈ તૂ?’ સાળુંકેએ ડ્રાઇવરનો કાઠલો પકડ્યો, ‘મગનલાલ કિધર હૈ?’
‘સા’બ, વો મેરે શેઠ હૈ... મૈં કૈસે ઉનકો પૂછું કિ વો કિધર હૈ.’
‘આ ગાડી તારી પાસે કેવી રીતે આવી?’
‘તેણે જ આપી.’ ડ્રાઇવર ધ્રૂજતો હતો, ‘શેઠ પોતે નૅશનલ પાર્ક ઊતરી ગયા અને તેણે મને કીધું કે ગાડી વલસાડ પહોંચાડવાની છે. વલસાડથી મારે બસમાં આવી જવાનું.’
‘આ પહેલાં ક્યારેય મગનલાલે આવી રીતે ગાડી મોકલાવી છે?’
‘ના, આ પહેલી વાર આવી રીતે ગાડી વલસાડ મોકલાવી.’ ડ્રાઇવરે ખિસ્સામાં હાથ નાખીને પૈસા કાઢ્યા, ‘ગાડી પહોંચાડવાના મને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું કે પહેલી તારીખ પછી મારે બીજી નોકરી શોધી લેવાની છે. શેઠ ફૉરેન જવાના છે.’
સટાક...
સાળુંકેએ ડ્રાઇવરના ગાલ પર લાફો ઝીંકી દીધો. આ લાફો ગુસ્સાની પ્રતિક્રિયા હતી. પોલીસને ભટકાવવા માટે મગનલાલે પોતાની ગાડી હાઇવે પર મોકલી આપી અને તે પોતે તો કોઈ બીજા જ વાહનમાં નીકળી ગયો.
‘સાળુંકે, હવે એનો કોઈ અર્થ નથી...’ સોમચંદે ટોલનાકાના સબ-ઇન્સ્પેક્ટર સામે જોયું, ‘CCTV કૅમેરાનો કન્ટ્રોલ-રૂમ ક્યાં છે?’
સોમચંદ-સાળુંકે અને સબ-ઇન્સ્પેક્ટર કન્ટ્રોલ-રૂમમાં પહોંચ્યા અને સોમચંદે છેલ્લા અડધા કલાકનું ફુટેજ રિવાઇન્ડ કરાવ્યું.
સોમચંદ ઝીણી આંખો સાથે સ્ક્રીનની નજીક ગયા.
‘જો સાળુંકે, આ જુઓ...’ સ્ક્રીન પૉઝ કરીને સોમચંદે એક કૅમેરાનાં વિઝ્યુઅલ્સ પર આંગળી મૂકી, ‘આ માણસ જુઓ...’
સાળુંકેએ નજર માંડી અને તેની આંખો ચમકી.
ટોલનાકા પર સ્કૉર્પિયો આવી એની પાંચ મિનિટ પહેલાં શાકભાજી લાવવા-લઈ જવાની એક જૂની પિક-અપ વૅન ટોલનાકા પરથી પસાર થઈ હતી. એ વૅનની ક્લીનરની સીટ પર રેઇનકોટ પહેરીને એક માણસ બેઠો હતો. તેની જમણી આંખ નીચે એક મોટા મસાનું નિશાન હતું.
‘સોમચંદ, આ તો મગનલાલ છે...’ સાળુંકેની જીભ પર ગંદી ગાળ આવી ગઈ, ‘હરામખોર શાકભાજીના ટેમ્પોમાં છુપાઈને નીકળી ગયો.’
‘સોમચંદ, ક્વિક...’ સાળુંકેના પગમાં ગતિ ઉમેરાઈ, ‘મગનલાલ આપણાથી અડધો કલાક લીડ પર છે. આપણે તેને જલદી પકડવો પડશે.’
જીપ તરફ આગળ વધતાં સાળુંકેએ મહારાષ્ટ્ર-ગુજરાત બૉર્ડર પર આવેલી ભિલાડ ચેકપોસ્ટને પણ અલર્ટ કરી દીધી અને જીપ ગુજરાત બૉર્ડર તરફ દોડવા લાગી.
‘સાળુંકે... મગનલાલ સીધો વલસાડ તેના ઘરે નહીં જાય.’ સોમચંદે સાળુંકેની સામે જોયું, ‘મગનલાલ વર્ષોથી વલસાડના એક ઍડ્વોકેટ પાસે જ બધું કામ કરાવે છે. બને કે તે વલસાડ સીધો તે ઍડ્વોકેટને મળવા જાય અને ત્યાંથી તે જરૂરી પેપર્સ લઈ, એનો નિકાલ કરીને દીવથી ફલાઇટ પકડીને બહાર જવાની પેરવી કરે.’
‘સોમચંદ, આપણે પહેલાં તે ઍડ્વોકેટને ત્યાં જઈએ...’
સવારે સાડાચાર વાગ્યે સાળુંકેની જીપ વલસાડ શહેરની હદમાં દાખલ થઈ. વરસાદ હવે થોડો ધીમો પડ્યો હતો, પણ આકાશમાં કાળાં વાદળાં ઘેરાયેલાં હતાં.
‘ઓહ નો...’
સોમચંદનું અનુમાન સાચું પડ્યું હતું. મગનલાલે તેના ઍડ્વોકેટને અલર્ટ કરી દીધો હતો અને ઍડ્વોકેટ ઑફિસ પર જ તેની રાહ જોતો હતો. ઑફિસની નીચે જ પેલો ટેમ્પો લાવારિસ અવસ્થામાં પડ્યો હતો. સોમચંદ અને સાળુંકે ઍડ્વોકેટની ઑફિસના ફ્લોર પર પહોંચ્યા ત્યારે ઑફિસ બહારથી બંધ હતી પણ અંદર લાઇટ ચાલુ હતી. સોમચંદે ઑફિસનું લૉક તોડી નાખ્યું અને અંદરનું દૃશ્ય જોઈને બન્નેની આંખો પહોળી થઈ ગઈ.
ઑફિસમાં ઍડ્વોકેટ બંધક અવસ્થામાં ખુરસી પર પડ્યો હતો. તેના મોઢા પર પટ્ટી મારેલી હતી અને ટેબલની બાજુના કપબોર્ડના દરવાજા ખુલ્લા હતા અને એમાં રાખેલી તિજોરી પણ ખુલ્લી હતી. જોતાં સ્પષ્ટ ખબર પડતી હતી કે મગનલાલે પોતાના જ વકીલને લૂંટી લીધો હતો અને તમામ પુરાવા તથા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો.
સાળુંકેએ વકીલના મોઢા પરથી પટ્ટી હટાવી.
‘મુંબઈ પોલીસ...’
‘સર, આ... આ મગનલાલ ગાંડો થઈ ગયો છે.’ વકીલનો અવાજ ધ્રૂજતો હતો, ‘તેના અઢી કરોડ મારી પાસે પડ્યા હતા એ અને પોતાની બધી ફાઇલો લઈને તે ભાગી ગયો. સર, મગનલાલે ઇન્શ્યૉરન્સ લઈને રાજુ એકનું જ મર્ડર નથી કરાવ્યું. દર વર્ષે તે ઓછામાં ઓછા એકથી બે મજૂરોને આ રીતે મરાવીને તેમના ઇન્શ્યૉરન્સના પૈસા લઈ લે છે.’
‘મગનલાલ ક્યાં ગયો?’
‘તેણે મને કહ્યું નથી પણ મેં જ બધી અરેન્જમેન્ટ કરી છે એટલે મને ખબર છે.’ ઍડ્વોકેટ પોતે તાજનો સાક્ષી બની ગયો, ‘અત્યારે પાંચ વાગ્યે તે દમણ બંદરથી બોટમાં બેસીને દરિયાઈ માર્ગે બહાર ભાગી જવાનો છે.’
સોમચંદે ઘડિયાળમાં જોયું.
પાંચ વાગવામાં ૭ મિનિટની વાર હતી.
વલસાડથી દમણ હજી અડધો કલાકના અંતરે હતું. દમણના દરિયાકિનારેથી જો મગનલાલ એક વાર માછીમારોની બોટમાં બેસીને ઇન્ટરનૅશનલ વૉટર-બૉર્ડર ક્રૉસ કરી જાય તો તેને પાછો લાવવો અશક્ય હતું.
‘ભાગો સોમચંદ... જલદી’
ધીમે-ધીમે સીડી ઊતરતા સોમચંદને જોઈને સાળુંકેને અકળામણ થતી હતી. સોમચંદ જેવા જીપમાં બેઠા કે સાળુંકેએ સાયરન ચાલુ કરી અને જીપ દમણના જંપોર બીચ તરફ ભગાવી. જંપોર બીચ પહોંચતાં સુધીમાં સવારે સાડાપાંચ વાગી ગયા હતા.
સૂરજ હજી ક્ષિતિજમાં આવ્યો નહોતો. દરિયા પર ઘેરો અંધકાર હતો અને ભરતીને કારણે હવામાં મોજાંઓ ઊછળતાં કિનારે લાંગરાયેલી અન્ય બોટ સાથે અથડાતાં હતાં.
‘હવે આ મગનને ક્યાં શોધવો?’
‘ત્યાં...’
એક દિશામાં સોમચંદે હાથ કર્યો અને સાળુંકેએ એ તરત નજર કરી. દૂર દરિયામાં નાની મોટરબોટ સ્ટાર્ટ થતી દેખાય. બોટમાં રેઇનકોટ પહેરેલો માણસ કાળી બૅગ લઈને બેસવા જતો હતો. તે મગનલાલ કાપડિયા પોતે હતો.
‘મગનલાલ...’
સાળુંકેએ બૂમ પાડી અને સાથોસાથ તેણે બોટ તરફ દોટ મૂકી. જોકે સાળુંકે પહોંચે એ પહેલાં ચાલુ થઈ ગયેલી મોટરબોટ કિનારાથી ૧૦ મીટર દરિયામાં આગળ વધી ગઈ અને મગનલાલનું અટ્ટહાસ્ય દરિયાના ઘુઘવાટા વચ્ચે પણ કિનારા સુધી પહોંચ્યું.
સાળુંકેએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, પણ બોટ રેન્જની બહાર હતી.
સાળુંકે નિરાશ થઈને પાણીમાં ઊભા રહી ગયા.
‘સોમચંદ... હરામી નીકળી ગયો... આપણી બધી મહેનત પાણીમાં ગઈ.’
સાળુંકેના ચહેરા પર નિરાશા હતી, પણ ડિટેક્ટિવ સોમચંદ કિનારે શાંતિથી ઊભા હતા. તેમના ચહેરા પર હજીયે નિરાંત હતી. તેમણે પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો.
‘સાળુંકે... જો રીઢો ગુનેગાર પોતાની આખરી ચાલ રમી શકતો હોય તો આટલાં વર્ષોના અનુભવ પછી એ ચાલને પાછી પાડવા આપણે પણ રમત રમી જ શકીએને?’
‘એટલે...’ સાળુંકે ચોંકી ગયા, ‘તમે શું કર્યું?’
સોમચંદે હસતાં-હસતાં સાળુંકે સામે જોયું અને પછી હાથનો ઇશારો કરીને દરિયો દેખાડ્યો. સાળુંકેએ નજર ફેરવી અને દરિયાના સામેના છેડે અચાનક લાઇટો થઈ.
મુંબઈ કોસ્ટગાર્ડ અને કોસ્ટલ પોલીસ બે બોટ સાથે ઑલરેડી દમણના દરિયામાં તહેનાત હતી. મગનલાલની બોટ જેવી દરિયા તરફ આગળ વધી કે તરત એ બન્ને સ્પીડ-બોટે લાઇટ્સ ઑન કરીને પોતાની હાજરી પુરાવી હતી.
સાળુંકે દરિયામાં જોઈ રહ્યા.
મુંબઈ કોસ્ટગાર્ડ અને કોસ્ટલ પોલીસની સ્પીડ બોટે મગનલાલની મોટરબોટને ઘેરી લીધી અને કોસ્ટગાર્ડના જવાનોએ સ્પીકર હાથમાં લીધું...
‘રુક જાઓ, વર્ના હમેં ફાયરિંગ કરના પડેગા.’
મગનલાલનો ચહેરો ઊતરી ગયો અને સાળુંકેએ સોમચંદ સામે જોયું.
‘આ ક્યારે સોમચંદ...’
‘ઍડ્વોકેટને ત્યાંથી નીકળ્યા કે તરત જ...’ સોમચંદે સ્માઇલ સાથે કહ્યું, ‘ધીમે-ધીમે સીડી ઊતરતો હતો ત્યારે... તમને ટેન્શન હતું કે આપણે અડધો કલાકનું અંતર કેવી રીતે કાપીશું એટલે મેં તરત કોસ્ટલ પોલીસ અને મુંબઈ કોસ્ટગાર્ડને અલર્ટ કર્યા કે દમણના કિનારેથી આરોપી ભાગે છે. બન્ને એજન્સીએ દમણની આસપાસ પૅટ્રોલિંગ કરતી બોટને ઇમિડિએટ દમણ તરફ રવાના કરી અને આપણે પહોંચીએ એ પહેલાં તેઓ આવી ગયા.’
એ જ વખતે સાળુંકેની નજર મગનલાલની બોટ તરફ ગઈ અને તેના મોઢામાંથી નીકળી ગયું.
‘ઓહ નો...’
મગનલાલે ભાગવાનો અંતિમ પ્રયાસ કર્યો અને દરિયામાં કૂદકો મારી દીધો. જોકે તેની પાછળ તરત કોસ્ટગાર્ડના કમાન્ડોએ પણ પાણીમાં છલાંગ મારી અને તેને પાણીમાંથી ઊંચકી લીધો.
દમણના કિનારે કોસ્ટગાર્ડની બોટ આવી અને ભીંજાયેલા મગનલાલને જ્યારે જમીન પર ફેંકવામાં આવ્યો ત્યારે સૂરજ ક્ષિતિજમાં આવી ગયો હતો અને પોતાનો કેસરી પ્રકાશ પાથરવા માંડ્યો હતો.
‘સોમચંદ, ૧૪ મજૂરોની હત્યા અને તેમના ઇન્શ્યૉરન્સના પૈસા પોતાના ગજવામાં...’ સાળુંકેની આંખોમાં હજી પણ તાજ્જુબ હતું, ‘આ કેસમાં મને રાષ્ટ્રપતિ સન્માન મળે છે અને તમારા હિસ્સામાં કંઈ નથી આવતું. તમને સહેજ પણ ફરક નથી પડતો?’
‘ના...’ સોમચંદના ફેસ પર સ્માઇલ હતું, ‘સાળુંકે, કેટલાક કિંગ બનવા જન્મ્યા હોય અને કેટલાક કિંગમેકર. જો ચાણક્યને ચિત્રગુપ્તની ઈર્ષ્યા થવા માંડી હોત તો ચાણક્યનીતિનો જન્મ જ ન થાય.’
(સમાપ્ત)
