Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તુમ જો મિલ ગએ હો... આઇ લવ યુ, પણ આઇ ઍમ રાઇટ (પ્રકરણ ૨)

તુમ જો મિલ ગએ હો... આઇ લવ યુ, પણ આઇ ઍમ રાઇટ (પ્રકરણ ૨)

Published : 13 October, 2026 01:24 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આરતીના શ્વાસ ફૂલી ગયા હતા. જે લેડી ટીવી-ચૅનલની પ્રાઇમ-ટાઇમ ડિબેટ્સમાં ભલભલા ઍન્કરોની બોલતી બંધ કરી દેતી હતી તે અત્યારે એક હોટેલના સર્વિસ એરિયામાં ચોરની જેમ સંતાઈને ઊભી હતી.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


સર્વિસ-લિફ્ટ આંચકા સાથે ગ્રાઉન્ડ ફ્લોરના સર્વિસ એરિયામાં ઊભી રહી. લૉન્ડ્રીની ચાદરો, કિચનના એક્ઝૉસ્ટ ફૅનનો ઘોંઘાટ અને કચરાના ડબ્બાઓ વચ્ચે બહાર વરસતા વરસાદનો અવાજ વાતાવરણને વધારે ટેન્શન આપતો હતો. આરતીનો હાથ પકડીને અનિરુદ્ધ એક ખૂણામાં આવ્યો.
‘તું અહીં રહે... હું ગાડી લાવું છું.’
આરતીના શ્વાસ ફૂલી ગયા હતા. જે લેડી ટીવી-ચૅનલની પ્રાઇમ-ટાઇમ ડિબેટ્સમાં ભલભલા ઍન્કરોની બોલતી બંધ કરી દેતી હતી તે અત્યારે એક હોટેલના સર્વિસ એરિયામાં ચોરની જેમ સંતાઈને ઊભી હતી. જોકે આશ્ચર્યની વાત એ હતી કે તેના ચહેરા પર ડર કરતાં વધુ અનિરુદ્ધ પરનો વિશ્વાસ છલકાતો હતો.
lll
‘ફાસ્ટ...’
કારનો દરવાજો ખોલીને અનિરુદ્ધે જોરથી રાડ પાડી અને આરતી ગાડીમાં આવી ગઈ કે તરત સેન્ટ્રલ લૉકનો અવાજ થયો અને વાઇપર ચાલુ કરીને અનિરુદ્ધે ગાડી આગળ વધારી દીધી.
હોટેલના મેઇન ગેટ પર OB વૅનની બ્લુ-રેડ લાઇટ્સ, કૅમેરાના ફ્લૅશ અને રિપોર્ટર્સની બૂમાબૂમ હજી પણ અકબંધ હતી. એ બધા એમ જ માનતા હતા, ધારતા હતા કે આરતી અંદર જ છે; પણ તેમને ખબર નહોતી કે આરતી હોટેલની બહાર નીકળી ગઈ છે.
‘થૅન્ક ગૉડ...’ હાશકારા સાથે આરતીએ રિઅર-વ્યુ મિરરમાં જોયું, ‘આપણે બહાર નીકળી ગયાં...’
‘આપણે માત્ર હોટેલની બહાર નીકળ્યાં છીએ આરતી.’ અનિરુદ્ધની નજર રસ્તા પર હતી, ‘મુંબઈથી નીકળવું એટલું ઈઝી નથી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પહોંચતાં સુધીમાં કેટલાય રસ્તા પર અત્યારે પાણી ભરાયાં હશે અને એ પણ બંધ કરી દીધો છે.’
‘વૉટ...’ આરતીની આંખો ફાટી ગઈ, ‘તો પછી આપણે પુણે કેવી રીતે પહોંચીશું?’
‘કાલિના-કુર્લા થઈને ઈસ્ટર્ન ફ્રી-વે લઈને...’
કારમાં ACની મંદ ઠંડક વચ્ચે ક્ષણવાર માટે મૌન પથરાયું. અનિરુદ્ધે હાથ લંબાવીને પ્લેયર ઑન કર્યું અને સ્પીકરમાં અવાજ ગુંજી ઊઠ્યો...
ઇસ મોડ સે જાતે હૈં, 
કુછ સુસ્ત કદમ રસ્તે
કુછ તેઝ કદમ રાહેં...
આરતીએ અનિરુદ્ધ સામે જોયું અને તેના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘તું હજી પણ આ જ પ્લે-લિસ્ટ સાંભળે છે?’
‘અકબંધ રહેલું પ્લે-લિસ્ટ નક્કી કરશે કે હું પણ હજી એ જ છું?’
અનિરુદ્ધની આંખો હજી પણ હાઇવે પર જ હતી. વરસાદની ગતિ વધી ગઈ હતી. આરતીએ ગરદન ફેરવીને ગાડીના ડૅશબોર્ડ તરફ જોયું. ત્યાં એક નાનકડી હનુમાનજીની મૂર્તિ હતી. એ જોઈને આરતીના હોઠ પર ફરી સ્માઇલ આવી ગયું. 
‘આ હજી પણ સાચવી રાખી છે? હું તારા માટે હરિદ્વારથી લાવી હતી...’
‘વસ્તુઓ સાચવવી મારી જૂની બીમારી છે આરતી. તું તો જાણે છે... હું માણસોને પણ ક્યાં સહેલાઈથી જવા દઉં છું?’ 
‘પણ તું રોકતો પણ ક્યાં હતો?’ આરતીના જવાબમાં અચાનક જ પ્રહાર આવી ગયો, ‘સાચવી રાખવું અને રોકી રાખવું એ બે અલગ વાતો છે...’
ફરી ગાડીમાં ખામોશી પ્રસરી ગઈ અને ગુલઝારના શબ્દોએ વાતાવરણને વધુ ભારે બનાવવાનું કામ શરૂ કરી દીધું.
પત્થર કી હવેલી કો
શીશે કે ઘરોંદો મેં
તિનકોં કે નશેમન તક
ઇસ મોડ સે જાતે હૈ...
ગાડી ચેમ્બુર તરફ આગળ વધતી હતી ત્યાં અચાનક આરતીના ફોને નોટિફિકેશન સંભળાવ્યું. એ કોઈ ન્યુઝ-અલર્ટ નહોતી; પાર્ટીના IT સેલના હેડ અમિત ગુપ્તાનો વૉટ્સઍપ મેસેજ હતો, જેમાં ૧૦ સેકન્ડની એક વિડિયો ક્લિપ હતી.
આરતીએ વિડિયો પ્લે કર્યો.
વિડિયો હોટેલ ઍરપોર્ટ ઇન્ટરનૅશનલની લૉબીનો હતો. કોઈએ છૂપી રીતે આરતી અને અનિરુદ્ધને રિસેપ્શન કાઉન્ટર પર વાત કરતાં અને લિફ્ટ તરફ જતાં શૂટ કરી લીધાં હતાં. નીચે કૅપ્શન લખી હતી... 
‘મિડનાઇટના આરતી કશ્યપ કોઈ અજાણી વ્યક્તિ સાથે... શું આ વ્યક્તિ ઑપોઝિશનનો ફાઇનૅન્સર છે?’
આરતીનો ચહેરો ફિક્કો પડી ગયો. 
‘અનિ જો... કોઈએ હોટેલમાંથી આપણો વિડિયો લીક કર્યો છે...’
અનિરુદ્ધે એક ક્ષણ માટે નજર હટાવી, મોબાઇલની સ્ક્રીન તરફ જોયું અને મોબાઇલ શૂટ થયો હતો એ ઍન્ગલ તરત ઓળખી ગયો. વિડિયોનો ઍન્ગલ રિસેપ્શનના ડાબા ખૂણામાંથી હતો, જ્યાં માત્ર હોટેલનો સ્ટાફ ઊભો રહી શકે.
‘રાઘવ...’ અનિરુદ્ધની જીભ પર કડવાશ આવી ગઈ, ‘અમારો ફ્રન્ટ ડેસ્ક મૅનેજર. તે છેલ્લા બે મહિનાથી પ્રમોશન માટે રમતો રમે છે. મારા કૅરૅક્ટર પર ઊતરી આવ્યો.’
‘તારા નહીં, મારા કૅરૅક્ટર પર અનિ.’ આરતીના શબ્દો ધ્રૂજતા હતા, ‘આ અમારી પાર્ટીના ડેપ્યુટી ચીફ વિક્રમ સિંહનું કામ છે. તે છેલ્લા ૬ મહિનાથી મને દિલ્હીમાંથી હટાવવા માગતો હતો. જો સવારે ૧૧ વાગ્યે હું દિલ્હી ન પહોંચું તો મહારાષ્ટ્રના ઇલેક્શનની બધી જવાબદારી તેના હાથમાં જશે. મોસ્ટ્લી તેણે જ તારા માણસના આ પ્લાનનો ઍડ્વાન્ટેજ લીધો છે.’
અનિરુદ્ધના હાથ સ્ટીઅરિંગ પર કડક થયા. હવે આરતીની પૉલિટિકલ કરીઅર પર જ નહીં, અનિરુદ્ધની ઈમાનદારી પર પણ આંગળી ચીંધાઈ હતી.
‘આરતી, વિક્રમ સિંહને ખબર છે કે તું મુંબઈમાં છે, પણ તેને એ નથી ખબર કે તું ક્યાં જઈ રહી છે.’ અનિરુદ્ધે ગિયર બદલ્યું, ‘આપણે પુણે પહોંચવું જ પડશે. ઍની હાઉ...  પણ આપણે હાઇવે ભૂલવો પડશે.’
lll
વાશી ટોલનાકા તરફ ગાડી સડસડાટ આગળ વધતી હતી. સ્ટ્રીટલાઇટ્સનું પીળું અજવાળું ગાડીના કાચ પરથી સરકીને આગળ વધતું હતું.
‘તને ખરેખર એવું લાગે છે કે હું મારી સક્સેસ પાછળ આંધળી હતી?’ 
આરતીની નજર બારીની બહાર હતી. 
‘તું આંધળી નહોતી આરતી, તું બહુ ઝડપથી દોડતી હતી અને...’ અનિરુદ્ધે કહ્યું, ‘જ્યારે બહુ ઝડપથી દોડીએ ત્યારે આજુબાજુ ઊભેલા પોતાના જ લોકો ધૂંધળા અને ઝાંખા થવા માંડે.’
‘તું તો ઊભો જ રહી ગયો હતોને?’ 
આરતીના સવાલે અનિરુદ્ધની આંખ સામે એ દિવસ લાવી દીધો, જેણે અનિરુદ્ધનાં તમામ સપનાંઓને તોડવાનું શરૂ કર્યું હતું. મૅરેજનું બીજું જ વર્ષ હતું અને અનિરુદ્ધને દુબઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં વાઇસ-પ્રેસિડન્ટની પોસ્ટ માટે ઑફર આવી હતી.
lll
‘આરતી, આપણે દુબઈ શિફ્ટ થઈએ... નવી લાઇફ, નવી દુનિયા, નવી ખુશી અને નવી શાંતિ....’
‘નો વે...’
આરતીએ એકઝાટકે ના પાડી દીધી. એ જ અઠવાડિયે તેને મહારાષ્ટ્ર સ્ટેટ કમિટીમાં પોઝિશન મળી હતી.
‘હું દુબઈ આવીને શું કરું અનિ? તારી હોટેલની કિટી પાર્ટીઓમાં સ્માઇલ આપતી ઊભી રહું?’ આરતીના ચહેરા પર ગુસ્સો હતો, ‘નથી ત્યાં મારું કોઈ સર્કલ, નથી મારી કોઈ ઓળખાણ અને ખાસ તો નથી મારી ત્યાં કરીઅર... મારી ઓળખાણનું શું?’
‘ઓળખ સાથે રહીને પણ બની શકે આરતી.’
‘ખોટી વાત, ફીમેલ પોતાની ઓળખ ત્યારે જ બનાવી શકે જ્યારે તે પોતાના નિર્ણયો જાતે લે. ફેરામાં હું પાછળ રહી, પણ અનિ હું આખી જિંદગી તારી પાછળ ફરતી વાઇફ બનીને નથી રહેવાની...’
એ દિવસે અનિરુદ્ધે ના પાડી દીધી, આરતી માટે; પણ એ વાત તેણે ક્યારેય આરતીને કહી નહીં. અનિરુદ્ધનો 
મેલ-ઈગો વચ્ચે ઊભો હતો.
lll
‘તેં ક્યારેય કહ્યું નહીં કે તેં દુબઈની જૉબ મારા માટે છોડી હતી.’ 
આરતીએ અનિરુદ્ધની સામે જોયું અને અનિરુદ્ધ ચમક્યો. તેણે આરતી સામે જોયું.
‘તને કોણે કહ્યું...’
‘ગયા વર્ષે તારા એક્સ-બૉસ પ્રશાંત કપૂર દિલ્હીમાં મળ્યા ત્યારે ખબર પડી.’ આરતીની આંખોમાં સહેજ ભીનાશ આવી એટલે તેણે નજર ફેરવી લીધી, ‘શું કામ અનિ, શું કામ તેં એવું કર્યું? મારા પર ઉપકાર દેખાડવા?’
‘ના, તું મારા પર દયા ન ખાય એ માટે...’ અનિરુદ્ધે ધીમેકથી સિગારેટ મોઢામાં મૂકી, ‘આરતી, પ્રેમમાં જ્યારે દયા મળે ત્યારે એમાં પ્રેમ નથી રહેતો, એ ઉધારી બની જાય છે અને મારે કોઈ દયાની ઉધારી સાથે જીવવું નહોતું અને કોઈના ઉપર ઉપકારની ઉધારી વધારવી નહોતી... ’
ગાડીમાં ફરીથી સન્નાટો પ્રસરી ગયો.
બહાર વરસતા વરસાદનો સ્પષ્ટ અવાજ હવે ગાડીમાં સંભળાતો હતો અને લૂપમાં વાગતા ગીતના શબ્દો પણ...
આંધી કી તરહ મૂડ કર, 
એક રાહ ગુઝરતી હૈ
શરમાતી હુઈ કોઈ, 
કદમોં સે ઉતરતી હૈ
ઇન રેશમી રાહોં મેં, 
ઇક રાહ તો વો હોગી
તુમ તક જો પહૂંચતી હૈ, 
ઇસ મોડ સે જાતી હૈ
lll
વાશી બ્રિજ પાર કરીને કાર નેરુલ પાસે પામબીચ રોડ તરફ વળી અને અનિરુદ્ધે રિઅર વ્યુ મિરરમાં જોયું.
બ્લૅક સ્કૉર્પિયો પાછળ જ હતી. છેલ્લા ૩ કિલોમીટરથી એ કાર પાછળ આવતી હતી. અનિરુદ્ધે સ્પીડ વધારી એટલે પાછળની સ્કૉર્પિયોએ પણ સ્પીડ વધારી. અનિરુદ્ધે ઇન્ડિકેટર આપ્યા વિના અચાનક ગાડી ડાબી તરફ વાળી એટલે સ્કૉર્પિયો પણ પાછળ વળી.
‘આપણો પીછો થઈ રહ્યો છે...’ 
‘ઓહ ગૉડ... આ વિક્રમ સિંહના જ માણસો છે...’
‘સીટ-બેલ્ટ ટાઇટ બાંધી લે...’ ઍક્સેલરેટર પર પગનું વજન આપતાં પહેલાં અનિરુદ્ધે કહ્યું, ‘મૌસમ બદલને વાલા હૈ...’
અનિરુદ્ધની ગાડીએ ૧૦૦ની સ્પીડ પકડી, સ્કૉર્પિયોની પણ સ્પીડ વધી અને બન્ને ગાડી બરાબર સમાંતર આવી. ડ્રાઇવરની બાજુમાં બેઠેલા માણસે કાચ નીચે કરીને પિસ્તોલની સાઇન કરી અને અનિરુદ્ધે પૅનિક થવાને બદલે અચાનક બ્રેક મારી.
અનિરુદ્ધની કાર પાછળ રહી ગઈ અને ઓવરસ્પીડમાં દોડતી સ્કૉર્પિયો આગળ નીકળી ગઈ. સ્કૉર્પિયોએ પણ બ્રેક મારી, પણ અચાનક લાગેલી બ્રેક અને વરસાદના ભરાયેલા પાણીને લીધે ટાયર સ્લિપ થયું અને એ કાર ડિવાઇડર સાથે અથડાઈ.
અનિરુદ્ધે સેકન્ડ પણ બગાડ્યા વિના કાર રિવર્સમાં લઈને સર્વિસ રોડ તરફ વાળી લીધી. આરતીનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. તેનું શરીર પણ ધ્રૂજતું હતું.
‘શાંત... આપણે નીકળી ગયા.’ 
lll
ગાડી ખંડાલા ઘાટ તરફ આગળ વધતી હતી. પહાડો પર ગાઢ ધુમ્મસ હતું. વરસાદ હવે ધીમી ધારે વરસતો હતો અને એ જ સમયે એક હાઇવે પર ડ્યુટી કરતા કૉન્સ્ટેબલે હાથના ઇશારે ગાડી ઊભી રખાવી.
‘આડોશી ટનલ પાસે લૅન્ડસ્લાઇડ થઈ છે, ઘાટનો રસ્તો સવારના ૮ વાગ્યા પહેલાં નહીં ખૂલે. બધાં વાહનોને ખોપોલી રોકવામાં આવે છે. તમારે પાછા ફરવું હોય તો અહીંથી જ ફરી જાઓ...’
ગાડી રિવર્સ લેવા અનિરુદ્ધે મિરરમાં જોયું. પાછળ ગાડીની લાઇન થઈ ગઈ હતી.
‘ટ્રાફિક જૅમ અનિ...’ આરતીના ચહેરા પર ટેન્શન પ્રસરી ગયું, ‘એનો અર્થ... આપણે પુણે નહીં પહોંચી શકીએ. સવારની ફ્લાઇટ છૂટી જશે... બધું ખતમ...’
અડધી રાતની દોડધામ, જીવનું જોખમ, જૂની લાગણીઓનું વંટોળ... 
બધું જાણે આ પહાડી ભેખડ નીચે દબાઈ ગયું.
અનિરુદ્ધે બહાર પહાડ પર તરતી ધુમ્મસની ચાદર તરફ જોયું.
‘રસ્તો બંધ થયો છે આરતી... જિંદગી નહીં...’ અનિરુદ્ધે તેના ખભા પર હાથ મૂક્યો, ‘ઘાટની નીચે નૅરોગેજ માલગાડીની રેલવેલાઇન લોનાવલા તરફ જાય છે... લોનાવલામાં મારો એક ફ્રેન્ડ છે જેની પાસે ચાર્ટર્ડ હેલિકૉપ્ટરની એજન્સી છે. કમ ફાસ્ટ...’
આરતી અનિરુદ્ધ સામે જોઈ રહી. 
પાંચ વર્ષમાં તેને પહેલી વાર લાગ્યું કે તે એકલી નથી.

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 01:24 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK