આરતી અટકી ગઈ. વરસાદના ઝીણા છાંટા તેના ચહેરા પર બાઝી ગયા હતા.
તુમ જો મિલ ગએ હો... આઇ લવ યુ, પણ આઇ ઍમ રાઇટ
‘સંભાળીને...’ અનિરુદ્ધે આરતીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો, ‘લેફ્ટ સાઇડ નહીં ચાલ, ત્યાં સીધો ઢોળાવ છે.’
અંધારામાં આગળ વધતી આરતી અત્યારે શૂન્યમનસ્ક હતી. જે લેડી ઍરકન્ડિશન્ડ સ્ટુડિયોમાં ઑપોઝિશનને અને દિલ્હીના લીલાછમ બંગલાઓમાં સોફા પર બેસીને બ્યુરોક્રેટ્સને ધ્રુજારી છોડાવી દેતી હતી તે અત્યારે મહારાષ્ટ્રના નિર્જન પહાડો પર પોતાની કરીઅર બચાવવા માટે પથ્થરો ખૂંદતી આગળ વધતી હતી.
ADVERTISEMENT
‘અનિ, આપણે ખરેખર પહોંચી શકીશું?’ આરતીએ હાંફતાં પૂછ્યું, ‘મને લાગે છે કે આજે બધા રસ્તા બંધ થઈ ગયા.’
‘કિસ્મત બંધ નથી થતી. બસ, એ અલગ રસ્તે આગળ વધે છે.’ અનિરુદ્ધે પાછળ જોયા વિના જ કહ્યું, ‘યાદ છે, તું જ કહેતી કે જે હારીને બેસી જાય તે લાશ બની જાય અને જે અંધારામાં પણ રસ્તો શોધે તે લીડર બને.’
આરતી અટકી ગઈ. વરસાદના ઝીણા છાંટા તેના ચહેરા પર બાઝી ગયા હતા.
‘તને મારી જૂની વાતો બહુ યાદ રહે છે...’
‘કારણ કે તારી વાતોમાં વજન હતું આરતી. બસ, તકલીફ એટલી જ હતી કે એ વજન તું સંબંધ પર મૂકી દેતી અને સંબંધો એ વજન સહન નહોતા કરી શકતા.’
પહાડી કેડી પૂરી થઈ અને જૂની, કાટ ખાઈ ગયેલી બ્રિટિશ જમાનાની મીટરગેજ રેલવેલાઇન આંખ સામે આવી. આ લાઇન લોનાવલા તરફના માલગાડી ટર્મિનલ સુધી જતી હતી. પાટા પર કાંકરીઓ પથરાયેલી હતી.
અનિરુદ્ધે ઘડિયાળમાં જોયું.
રાતના પોણાત્રણ વાગ્યા હતા.
‘અહીંથી દોઢ કિલોમીટર સીધા જઈશું એટલે લોનાવલા આઉટર સિગ્નલ આવશે. ત્યાં મારા ફ્રેન્ડ સચિનનું ફાર્મહાઉસ છે. તેનું ચાર્ટર હેલિપૅડ ત્યાં જ છે.’
હજી તો માંડ અડધો કિલોમીટર ચાલ્યા હશે ત્યાં જ પાટાની સામેથી બે તેજ ટૉર્ચના શેરડા સીધા અનિરુદ્ધ અને આરતીની આંખો પર પડ્યા.
‘ઊભા રહો બાબુ મોશાય...’ અવાજ આવ્યો, ‘હવે આગળ વધ્યા તો મારા હાથમાં જે છે એ તમારા કોઈ રિલેશનને ધ્યાનમાં નહીં રાખે.’
અનિરુદ્ધે તરત આરતીને પોતાની પાછળ ધકેલી.
સામે રેઇનકોટ પહેરેલા ૩ પડછંદ ઊભા હતા. તેમના હાથમાં લોખંડના પાઇપ અને દેશી તમંચો હતાં. તેમની પાસે વૉકી-ટૉકી હતી જેમાંથી ધીમો અવાજ આવતો હતો.
‘બન્ને મળી ગયાં, રેલવે-ટ્રૅક પર જ છે.’
આરતી તરત સમજી ગઈ કે તે વિક્રમ સિંહના માણસો છે જે માત્ર હાઇવે પર જ નહીં, ખોપોલીથી લોનાવલા જવાના તમામ છૂપા રસ્તાઓ પર પથરાયેલા હતા.
‘મૅડમ, તમારી ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ છે.’ એક માણસે આગળ વધતાં આરતી સામે જોયું, ‘વિક્રમસાહેબે કહ્યું છે કે સવારે ૧૨ વાગ્યા સુધી તમને અહીં પહાડની મજા માણવા દેવાની. પછી રવાના થવા દેવાના...’
‘તે માણસ આટલી હદે જઈ શકે એ મેં વિચાર્યું પણ નહોતું...’
‘તમે જે પૉલિટિક્સમાં છો મૅડમ ત્યાં દયા નથી હોતી.’ અનિરુદ્ધ તરફ તમંચો તાકતા પેલા માણસે કહ્યું, ‘હીરો! સાઇડમાં જા. તારી સાથે કોઈ દુશ્મની નથી, પણ જો આડે આવ્યો તો દુશ્મની કરવામાં અમને વાંધો પણ નથી...’
પરિસ્થિતિને પારખીને અનિરુદ્ધે આરતીના હાથ પર સહેજ દબાણ આપ્યું.
‘ભાઈ, હું તો હોટેલનો મૅનેજર છું.’ અનિરુદ્ધે હાથ ઊંચા કરીને એકદમ નમ્ર અવાજે કહ્યું, ‘અમારી પાસે જે પૈસા અને દાગીના છે એ લઈ લો એટલે હું આમને મૂકવા જતો રહું.’
‘ચૂપ! તારા પૈસા નથી જોઈતા...’
પેલો માણસ પૂરું વાક્ય બોલે એ પહેલાં અનિરુદ્ધે ગાડીમાંથી લીધેલી સ્ટીલની બૉડીવાળી ઇમર્જન્સી ટૉર્ચ સીધી પેલા બંદૂકવાળાના મોં પર ઝીંકી દીધી. ટૉર્ચની ધાર તેના નાક પર વાગતાં જ ચીસ નીકળી ગઈ અને તમંચો નીચે પડી ગયો. અનિરુદ્ધે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બીજા માણસના પેટમાં લાત મારી અને તરત જ ઝૂકીને જમીન પર પડેલો પથ્થર ઉઠાવીને ત્રીજા તરફ ફેંક્યો.
એ ૩ શખ્સો માટે આ વળતો હુમલો વણકલ્પ્યો હતો.
‘આરતી, દોડ... ટનલ તરફ...’
આરતીનો હાથ પકડીને અનિરુદ્ધે રીતસર તેને ખેંચી હતી.
પાટા પર પથ્થરો ખૂંદતાં બન્ને અંધારી ટનલમાં ઘૂસી ગયાં. પાછળથી પેલા ગુંડાઓની ગાળો અને દોડવાના અવાજ આવતા હતા. ટનલમાં અંધકાર અને ટપકતા પાણીનો અવાજ હતો, જે વાતાવરણને વધારે ભયાનક બનાવતો હતો.
અનિરુદ્ધે આરતીને ટનલની એક જૂની મેઇન્ટેનન્સ નિશાનવાળી દીવાલના પોલાણમાં ખેંચી લીધી. બન્ને એકબીજાને બિલકુલ અડીને ઊભાં રહી ગયાં. અનિરુદ્ધે આરતીના મોં પર પોતાનો હાથ મૂકી દીધો જેથી શ્વાસનો અવાજ બહાર ન જાય.
બહારથી બે ગુંડાઓ ટૉર્ચ ફેરવતા ટનલમાંથી પસાર થયા.
‘આગળ ગયાં લાગે છે, ચાલ ઝડપ કર.’
બન્ને ગુંડાઓનાં પગલાં ધીમે-ધીમે દૂર થતાં ગયાં.
અનિરુદ્ધનો હાથ હજી પણ આરતીના હોઠ પર હતો. આરતીએ ધીમેથી પોતાનો હાથ અનિરુદ્ધના હાથ પર મૂક્યો. અનિરુદ્ધે હાથ હટાવી લીધો, પણ તેનું શરીર હજી પણ આરતીની સિક્યૉરિટી બનીને ઢાલની જેમ અડીખમ ઊભું હતું.
‘તને વાગ્યું નથીને?’
‘ના, જસ્ટ શર્ટ ફાટ્યું છે...’
અંધારામાં આરતીની આંખો ચમકી. અચાનક તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો જે તેને છેલ્લા બે કલાકથી કોરી ખાતો હતો.
‘અનિ... વિક્રમ સિંહના માણસોને કેવી રીતે ખબર કે આપણે આ રેલવે-ટ્રૅક પરથી જવાના છીએ? આપણે હોટેલમાંથી નીકળ્યા ત્યારે આ રસ્તો તેં નક્કી કર્યો. ગાડીમાં પણ આપણે આની વાત નહોતી કરી... તો પછી તેને કેવી રીતે ખબર પડી કે આપણે અહીં...’
અનિરુદ્ધ થંભી ગયો. તેણે તરત આરતી સામે જોયું.
‘તારી બૅગ આપ...’
‘મારી બૅગ?’ આરતીને પહેલી વાર લગેજ યાદ આવ્યું, ‘એ તો હોટેલ પર છે...’
‘અરે, તારું પર્સ આપ...’
ઇરિટેટ થઈને અનિરુદ્ધે આરતીના ખભા પરથી પર્સ લઈ લીધું. પછી ટૉર્ચની આછી લાઇટમાં પર્સની અંદરનાં ખાનાં તપાસ્યાં. પેન, લિપસ્ટિક, નોટપૅડ... અને છેલ્લે પર્સના તળિયે સીવેલા અસ્તર વચ્ચેથી એક નાનકડી સિક્કા જેવી કાળી ચિપ દેખાઈ. અનિરુદ્ધે એ ખેંચી કાઢી.
GPS ટ્રૅકર.
આરતી સ્તબ્ધ થઈ ગઈ.
‘આ... આ શું છે?’
‘આ તારી સાથે દિલ્હીથી ફરે છે આરતી.’ ચિપ તોડતાં અનિરુદ્ધે કહ્યું, ‘વિક્રમ સિંહ આ લાંબા સમયથી કરતો હશે. એ તારા દરેક સ્ટેપ પર નજર રાખે છે. તેને ખબર હતી કે તું ક્યારે મુંબઈ આવીશ, ક્યાં રોકાઈશ. વરસાદ અને ફ્લાઇટ કૅન્સલેશન બે જ એવી વાત હતી જેમાં વિક્રમનું કશું નથી ચાલ્યું, પણ બાકી બધું પ્લાન્ડ હતું.’
આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ.
‘યુ મીન ટુ સે... હું જેને મારી પાર્ટી, મારી ટીમ માનતી તે લોકો મને પ્યાદાની જેમ યુઝ કરે છે?’
‘પૉલિટિક્સ અને મોગલ સામ્રાજ્ય એકસરખાં આરતી...’ અનિરુદ્ધે તેના ખભા પર હાથ મૂક્યો, ‘જ્યારે વજીર પાવરફુલ બની જાય ત્યારે પોતાના જ સાથીઓ તેને ઘેરી લે અને માત અપાવે...’
ટનલમાંથી બહાર નીકળીને અનિરુદ્ધ અને આરતી લોનાવલા આઉટર સિગ્નલ તરફ આગળ વધ્યાં. વરસાદ હવે થંભી ગયો હતો અને પહાડો પરથી ધુમ્મસ ઓગળી રહ્યું હતું.
આરતી હવે શાંત હતી. તેના ચહેરા પરનો તેજતર્રાર પૉલિટિકલ લીડરનો અહમ્ જાણે કે ટુકડેટુકડા થઈને વેરાઈ ગયો હતો.
‘અનિ, તને યાદ છે આપણો એ ઝઘડો?’
‘કયો, જે રોજ થતો એ કે જે છેલ્લે થયો એ?’
હળવા કટાક્ષ સાથે અનિરુદ્ધે આરતી સામે જોયું.
‘એ લાસ્ટ ઝઘડો... જ્યારે મારા પપ્પા હૉસ્પિટલમાં હતા.’ આરતીની આંખોમાં શરમ હતી, ‘આખી રાત તું હૉસ્પિટલમાં તેમની પાસે રહ્યો અને સવારે જ્યારે હું આવી ત્યારે મેં તને થૅન્ક યુ કહેવાને બદલે શું કહ્યું હતું...’
અનિરુદ્ધ મૌન રહ્યો. એ ઘા હજી પણ તેના મનમાં તાજો હતો.
પોતાના એ શબ્દો આરતીએ અત્યારે આ ક્ષણે પણ અક્ષરશ: રિપીટ કર્યા.
‘તું મારા પપ્પાની સેવા કરીને મારા પર પ્રેશર લાવવાની કોશિશ નહીં કર. હું મારી પૉલિટિકલ રૅલી કૅન્સલ નહીં કરું એ નક્કી છે.’ આરતીની આંખો ભીની થઈ, ‘ઓહ ગૉડ, હું કેટલી ખોટી હતી અનિ. મને પપ્પાએ પણ કહ્યું કે જે માણસ તારી ગેરહાજરીમાં તારી ફૅમિલીને સાચવે છે તેને તું તારા ઈગો માટે છોડે છે? એક દિવસ તારી પાસે લાખો લોકોની ભીડ હશે, પણ હૉસ્પિટલના પલંગ પાસે ઊભો રહેવાવાળો કોઈ અનિરુદ્ધ નહીં હોય...’
અનિરુદ્ધે એક ઊંડો નિસાસો નાખ્યો.
‘માન-સન્માનની ભૂખ માણસને બહુ દોડાવે, પણ તકલીફ એ છે કે જ્યારે મંજિલ મળે ત્યારે હાથ પકડવાવાળા જૂના હાથ છૂટી ગયા હોય. તેં ત્યારે તારી રૅલી પસંદ કરી, મેં હૉસ્પિટલનો દરવાજો પસંદ કર્યો. તું તારી જગ્યાએ સાચી હતી, હું મારી જગ્યાએ...’
‘ના અનિ...’ આરતીએ અનિરુદ્ધનો હાથ પકડી લીધો, ‘હું સાચી નહોતી. જે લોકો માટે મેં તને છોડ્યો તેમણે મને આજે આવી હાલતમાં મૂકી દીધી, બૅક-સ્ટૅબિંગ કર્યું અને... અને જે માણસનું દિલ મેં તોડ્યું તે આજે મારા માટે આમ ભટકે છે.’
‘મેં આ તારા માટે નથી કર્યું...’ અનિરુદ્ધે ધીમેથી જવાબ આપ્યો, ‘મેં આ એ પ્રેમ માટે કર્યું જે પાંચ વર્ષ પહેલાં આપણી વચ્ચે હતો. માણસ બદલાય, પણ તેની સાથે વિતાવેલી ક્ષણોની પવિત્રતા નથી બદલાતી...’
બન્ને લોનાવલાના ખાનગી ફાર્મહાઉસના ગેટ પાસે પહોંચ્યાં. સામે વિશાળ લૉન હતી અને વચ્ચે એક પ્રાઇવેટ સિક્સ-સીટર બેલ હેલિકૉપ્ટર ઊભું હતું. એના રોટર બ્લેડ્સ ધીમે-ધીમે ફરવાની તૈયારીમાં હતા.
રનવે-કોટ પહેરીને ઊભેલો સચિન અનિરુદ્ધને જોઈને તેની પાસે આવ્યો.
‘અનિ, મને મેસેજ કર્યા પછી તારો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કેમ છે? હું અને પાઇલટ રેડી છીએ અને આ...’ આરતીને જોતાં જ સચિન ઓળખી ગયો, ‘ભાઈ, તું ક્યાં આ પૉલિટિક્સના ચક્કરમાં ફસાયો? ટીવી પર રાતથી આનું નામ ચાલે છે...’
‘સચિન, તને બધા જવાબ આપું, પહેલાં એ કહે...’ અનિરુદ્ધે કહ્યું, ‘અત્યારે પુણે ઍરપોર્ટ જઈ શકાશેને?’
‘પુણે નહીં અનિ.’ સચિને બૉમ્બ ફોડ્યો, ‘૧૦ મિનિટ પહેલાં જ વેધર ડિપાર્ટમેન્ટનો ઑર્ડર આવ્યો છે. ખરાબ વેધર અને VIP મૂવમેન્ટને કારણે પુણે ઍરપોર્ટ સવારે ૮ વાગ્યા સુધી તમામ પ્રાઇવેટ અને સિવિલિયન્સ ફ્લાઇટ્સના લૅન્ડિંગ-ટેકઑફ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે.’
‘પુણે પણ બંધ?!’ આરતીના મોઢામાંથી નીકળી ગયું, ‘ઓહ ગૉડ...’
‘બીજો કોઈ રસ્તો...’
અનિરુદ્ધે સવાલ કર્યો અને સચિને તરત જ રસ્તો દેખાડ્યો.
‘હેલિકૉપ્ટરથી પુણે નહીં, સુરત ઍરપોર્ટ જઈ શકાશે. સુરતની વેધર ક્લિયર છે અને સુરતથી સવારે સાડાસાત વાગ્યે દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ છે. જો તમે અત્યારે નીકળો તો સાડાછ વાગ્યે સુરત પહોંચી જશો.’
આરતી અને અનિરુદ્ધે એકબીજા
સામે જોયું.
‘અનિ, તું પણ મારી સાથે સુરત ચાલ...’
આરતીના ચહેરા પર ચિંતા હતી. અનિરુદ્ધે હેલિકૉપ્ટરના દરવાજા તરફ જોયું.
‘સુરત તારે જવાનું છે આરતી. મારે તો આ પહાડ પરથી પાછા મુંબઈ જવાનું, હોટેલનો હિસાબ ચૂકવવા.’
ધડામ...
એ જ ક્ષણે ફાર્મહાઉસના મેઇન ગેટનો દરવાજો તોડતી ૪ ગાડીઓ અંદર ધસી આવી.
વિક્રમ સિંહના માણસો છેક લોનાવલા પહોંચી ગયા હતા.
‘ક્વિક, અંદર બેસો...’
સચિને બૂમ પાડી અને હેલિકૉપ્ટરના પંખા તેજ ગતિએ ઘૂમવા લાગ્યા.
અનિરુદ્ધે આરતીને પકડીને હેલિકૉપ્ટરના દરવાજા તરફ ધકેલી, જ્યાં હવે આરતીની સામે માત્ર સુરતની ઉડાન નહીં પણ અનિરુદ્ધને પાછળ છોડી દેવાનો સવાલ ઊભો હતો.
(ક્રમશ:)
