Read full story here.
ઇલસ્ટ્રેશન
‘ઍન્થની અને રાજન... આ બે સ્ટુડન્ટ્સને લઈ આવવાના છે.’ ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત દલીલ કરે એ પહેલાં જ સોમચંદે ચોખવટ કરી, ‘તે સગીર છે એની મને ખબર છે પણ કેકે, વાત કઢાવવા માટે, સાચી વાત જાણવા માટે અત્યારે જ એ બન્નેને ઉપાડવા પડશે.’
‘સોમચંદ, બહાર ખબર પડશે તો હેરાનગતિ પોલીસની વધશે.’
ADVERTISEMENT
‘હંમ...’ સોમચંદે તરત જ રસ્તો કાઢ્યો, ‘એ બન્નેને લેવા માટે હું જઈશ. મને સિવિલ ડ્રેસમાં તમારા ડિપાર્ટમેન્ટમાંથી સ્ટાફ જોઈશે. એ સ્ટાફ જે સ્ટાફની ડ્યુટી ભાઈંદર અને વિરારમાં લાગતી હોય.’
‘આગળની બધી જવાબદારી તમારીને?’
જવાબ આપવાને બદલે સોમચંદે જમણા હાથનો થમ્બ દેખાડી દીધો અને ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતે પોતાના વિશ્વાસુ કૉન્સ્ટેબલને બોલાવ્યો.
lll
‘સવારે બન્ને સ્કૂલથી નીકળે એ પછી આપણે એ લોકોને લઈ લેવાના છે.’ સામે બેઠેલી પોતાની તરોતાઝા ટીમને સમજાવતાં ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘ઍન્થની અને રાજનને ઉપાડવા માટે આપણી પાસે પંદર મિનિટ છે અને એ પછી તેમની પાસેથી બધું સાચું ઓકાવવા માટે આપણી પાસે એક કલાક છે. જો સ્કૂલ છૂટ્યાના બે કલાક સુધી ઘરે નહીં પહોંચે તો ડેફિનેટલી તેમના પેરન્ટ્સ તપાસ શરૂ કરશે અને તપાસ શરૂ થઈ તો...’
નેગેટિવ વાત કરવી નથી એવું મનોમન જ નક્કી કરી સોમચંદે આદેશ આપી દીધો.
‘ઍન્થનીને ઉપાડવાનું કામ હું કરીશ. મારી સાથે તમારામાંથી ત્રણ લોકો રહેશે અને રાજનને ઉપાડવાનું કામ ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત કરશે. બાકીના ત્રણ કેકે સાથે રહેશે. આવતી કાલે આપણે ફરીથી કોરોના માસ્કનો ઉપયોગ કરીશું. રસ્તો, ભીડ, ટ્રાફિક કે ત્યાં હાજર રહેલા લોકોની ચિંતા કર્યા વિના કામ કરવાનું રહેશે. બન્નેને ઉપાડીને આપણે સૌથી પહેલાં કોરા કેન્દ્રની પાછળ આવેલા મારા ફ્રેન્ડના ફ્લૅટ પર જઈશું. એ અપાર્ટમેન્ટ નવું છે એટલે મોટા ભાગે કોઈની અવરજવર હોતી નથી. છેલ્લી અને અગત્યની સૂચના, ઍન્થની અને રાજન સહેલાઈથી સાથે આવી જાય એ માટે કોઈએ ક્લોરોફૉર્મનો ઉપયોગ કરવાનો નથી. જો ક્લોરોફૉર્મ વાપરીશું તો ચાર કલાક સુધી એ લોકો ભાનમાં નહીં આવે અને આપણી બધી મહેનત માથે પડશે.’
ઇન્સ્પેક્ટર સોમચંદે બધાની સામે જોયું અને મોટા અવાજે પૂછ્યું, ‘હાઉ’ઝ ધ જોશ?’
‘હાઈ સર!’
સામેથી પ્રત્યુત્તર તો મળ્યો પણ એમાં જોશની કમી હતી એ સોમચંદ અને ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતે પારખી લીધું હતું.
lll
સ્કૂલમાં સન્નાટો હતો. મૅનેજમેન્ટ સ્તબ્ધ હતું અને મીડિયામાં દેકારો હતો.
પંદર વર્ષના સ્ટુડન્ટે કરી તેની જ સ્કૂલના સાત વર્ષના સ્ટુડન્ટની હત્યા!
બીજા દિવસનાં મુંબઈનાં તમામ ન્યુઝપેપરની હેડલાઇન હતી અને ઍન્થની-રાજનનો ફોટોગ્રાફ પણ છાપ્યો હતો. સવારથી જ ટીવી ચૅનલે પણ ગોકીરો મચાવી દીધો હતો. એક્સપર્ટની પૅનલ પણ બેસાડી દેવામાં આવી હતી. દરેકને કારણ જાણવામાં રસ હતો કે એવું તે શું બન્યું કે ઍન્થનીએ હિતાર્થનું મર્ડર કરવું પડ્યું?
કારણનો જવાબ સાંજે છ વાગ્યે પ્રેસ-કૉન્ફરન્સમાં સૌને મળવાનો હતો.
lll
‘ખોટી વાત છે, સાવ ખોટી વાત.’
પ્રેસ-કૉન્ફરન્સ પછી તરત જ ટીવી-ચૅનલ પર બ્રેકિંગ ન્યુઝ શરૂ થઈ ગયા અને બધાએ સાગમટે દેકારો મચાવી દીધો.
‘આ ઉંમરે બાળકને આવો વિચાર આવે જ નહીં. પોલીસે પોતાની વાત ફેરવી તોળી છે. પોલીસ પર કોનું પ્રેશર આવ્યું કે તેણે
પંદર-સોળ વર્ષના બાળકને હત્યારા દર્શાવ્યા.’
ચારે બાજુએ એક જ વાત હતી. એક પણ ન્યુઝ-ચૅનલ એવી નહોતી જેની હેડલાઇનમાં કાંદિવલીની ગાંધી હાઈ સ્કૂલની મર્ડર મિસ્ટરી ન હોય. આ એક કેસે ન્યુઝ- ચૅનલોને ફરીથી ડિમાન્ડમાં મૂકી દીધી હતી અને સામા પક્ષે મુંબઈ પોલીસની કામગીરી માટે પ્રશ્નાર્થ પણ ઊભો કરી દીધો હતો.
lll
‘સોમચંદ, ખરેખર બન્યું શું?’ પોલીસ-કમિશનરે સોમચંદને બેસવા ઇશારો કર્યો, ‘લોકોમાં પોલીસ માટે નેગેટિવિટી વધી રહી છે.’
‘ઍગ્રી સર, પણ એની પાછળનું મેઇન કારણ પોલીસ પોતે છે.’ સોમચંદે જવાબ આપ્યો, ‘જો શિવાનંદને આરોપી જાહેર કરવાની ઉતાવળ ન કરી હોત અને તપાસ બરાબર થઈ હોત તો કદાચ આવી સિચુએશન ન આવી હોત.’
‘તમને આ બન્ને છોકરાઓ પર ડાઉટ કેવી રીતે ગયો?’
‘થિયરી બહુ સિમ્પલ હતી સર. સ્કૂલમાં કોના-કોના મગજમાં મર્ડર કે એવી ક્રિમિનલ ઍક્ટિવિટીના વિચારો ચાલે છે એ જોવાનું કામ કર્યું.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘આ જેન-ઝી બચ્ચાઓનો એક મોટો વીક પૉઇન્ટ છે. એને વાત કરવા તરત જોઈએ. એ પોતાના વિચારો મનમાં રાખી નથી શકતા એટલે ધારણા મૂકી કે જો એવો વિચાર કોઈના મનમાં હશે તો તેણે ચૅટમાં તો પોતાની વાત વ્યક્ત કરી દીધી હશે.’
‘સ્કૂલના તમામ સ્ટુડન્ટ્સના મોબાઇલ ડેટા અને વૉટ્સએપ મેસેન્જર ચેક કરવાનું કામ શરૂ કર્યું. અત્યારે એવા સૉફ્ટવેર અવેલેબલ છે કે જેને અમુક કી-વર્ડ્સ આપી દીધા હોય તો એ સૉફ્ટવેર ચૅટની એ જ વાતને હાઇલાઇટ કરે.’ આગળની વાત ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતે શરૂ કરી, ‘સોમચંદને જે સ્ટુડન્ટ્સ પર ડાઉટ ગયો એ સ્ટુડન્ટ્સને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા અને એ પછી એની વધારે ઇન્ફર્મેશન એકત્રિત કરવાનું શરૂ કર્યું, જેમાં તેને ઍન્થની અને રાજન વચ્ચે થયેલી ચૅટ ઇન્ટરેસ્ટિંગ લાગી.’
‘ઍન્થનીને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો અને એવું જ રાજનનું હતું. બન્ને વચ્ચે છેલ્લા દસ દિવસથી સતત ચૅટિંગ ચાલતું હતું કે એક્ઝામની કોઈ તૈયારી થઈ નથી.’ સોમચંદ શાહે વાતને આગળ ધપાવી, ‘ગયા શુક્રવારે ઍન્થનીએ રાજનને મેસેજમાં એવું કહ્યું કે મારા મનમાં પ્લાન છે, જેનાથી આખી એક્ઝામ જ પાછળ જાય. એનો જવાબ રાજને આપ્યો નહીં પણ રાજને તરત જ ઍન્થનીને વૉટ્સઍપ કૉલ કર્યો, જેની વિગત વૉટ્સઍપ આપતું નથી એટલે તરત અમે ઍન્થની અને રાજનના ત્યાર પછીના બે દિવસ એટલે કે શનિ-રવિનો ડેટા કલેક્ટ કરવાનું શરૂ કર્યું જેમાં કામ લાગે એવી બીજી ઇન્ફર્મેશન પણ મળી ગઈ.’
‘ઍન્થની ઑલરેડી અગાઉ પોતાના ઘર પાસે એટલે કે બોરીવલીમાં મારામારી કરી ચૂક્યો છે. એ મારામારી માટે પોલીસ-કેસ પણ થવાનો હતો પણ તેનાં પપ્પા-મમ્મીએ હાથપગ જોડીને સામેવાળાઓને મનાવી લીધા એટલે ઍન્થની બચી ગયો.’
‘રવિવારે ઍન્થની અને રાજન બન્ને મળ્યા. રાજને કબૂલ કર્યું કે ઍન્થનીએ મન બનાવી લીધું હતું કે તે સ્કૂલમાં એવું કંઈક કરશે જેને લીધે સ્કૂલમાં રજા પડી જાય અને એક્ઝામ પોસ્ટપોન થાય. રાજને એ પણ કહ્યું છે કે ઍન્થની પોતાની સાથે હંમેશાં જર્મન નાઇફ રાખે છે.’ ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતની વાતને આગળ કન્ટિન્યુ કરતાં સોમચંદે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો, ‘જે જર્મન નાઇફ પરથી ફૉરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટને હિતાર્થનું બ્લડ મળ્યું છે.’
કમિશનરની આંખો પહોળી થઈ જે કૃષ્ણકાંત અને સોમચંદ બન્નેએ નોટિસ કર્યું.
‘એક મિનિટ... હિતાર્થનું જ મર્ડર શું કામ?’ કમિશનરનો પ્રશ્ન વાજબી હતો, ‘હિતાર્થ સાથે કોઈ દુશ્મની...’
કમિશનરના પ્રશ્ન સાથે જ સોમચંદ અને ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત એકબીજાની સામે જોયું. આ એક જ પ્રશ્ન એવો હતો જેના કોઈ એક જવાબ સુધી હજી સુધી તે પહોંચી નહોતા શક્યા.
lll
‘સોમચંદ, ઍન્થનીના એક્ઝામના ડરને નૉર્મલ સ્ટુડન્ટના ડરની જેમ જ જોઈ ન શકાય?’ ઍન્થનીને અરેસ્ટ કરવાની વાત આવી ત્યારે ઇન્સ્પેક્ટરે સહજ રીતે જ સોમચંદને પૂછ્યું હતું, ‘આપણી કોઈ ભૂલ...’
‘ના... આપણી કોઈ ભૂલ નથી. તમે જુઓ...’ સોમચંદે ટેબલ પર પેપર્સ પાથર્યાં, ‘ઇન્સ્પેક્ટર જુઓ, આ છે ઍન્થનીની હિસ્ટરી. ટેન્થમાં બે ટ્રાય પછી તે પાસ થયો છે. ગઈ એક્ઝામ સમયે તે હૉસ્પિટલાઇઝ્ડ હતો. માણસ બીમાર પડે એમાં કશું ખોટું નથી. તેની ફરિયાદ હતી કે તેને પેટમાં અતિશય દુખે છે, તેને હૉસ્પિટલાઇઝ કર્યો અને બે દિવસ રાખવામાં આવ્યો પણ બધા રિપોર્ટ નૉર્મલ આવ્યા. ડૉક્ટર પણ એ જ વિચારતા રહ્યા કે રિપોર્ટમાં કશું આવતું નથી તો આ છોકરાને કઈ વાતનું પેટમાં દુખે છે.’
સોમચંદે બીજાં પેપર્સ પણ ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત સામે ખોલી નાખ્યાં.
‘ઍન્થની સુધી પહોંચતાં પહેલાં મેં તેની પાંચમા ધોરણથી તમામ માર્કશીટ મેળવી છે. ઍન્થનીને ભણવામાં ઇન્ટરેસ્ટ જ નથી. પાંચમા ધોરણથી છેક આઠમા ધોરણ સુધી તેને ચડાવ પાસ કર્યો છે. આઠમા ધોરણમાં તેને એક પણ સબ્જેક્ટમાં ચાલીસથી વધારે માર્ક્સ નથી. ઘરના પ્રેશર વચ્ચે તે ભણે છે પણ જો તેનું ચાલે તો તે સ્કૂલ પણ ન જાય.’ સોમચંદે ખુલાસો કર્યો, ‘લાસ્ટ એક્ઝામમાં પોતે હૉસ્પિટલમાં દાખલ થયો એટલે એક્ઝામથી બચી ગયો પણ આ વખતે તેની પાસે એવું કોઈ કારણ હતું નહીં અને એક્ઝામથી બચવા માટે તેણે કારણ ઊભું કરવાનું હતું.’
‘રાજન... એનું શું?’
‘રાજનનો પહેલો ગુનો એ કે ઍન્થનીના પ્લાન વિશે તેને ખબર હતી એ પછી પણ તે ચૂપ રહ્યો. બીજી ભૂલ એ કે તેણે ઍન્થનીને પોતાનાથી થાય એ તમામ હેલ્પ કરી. ત્રીજી ભૂલ એ કે તેણે ઍન્થનીને શિકાર શોધી આપ્યો.’
‘શિકાર?’ ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતની આંખો પહોળી થઈ, ‘હિતાર્થ?’
‘અત્યારે હું અનુમાન માત્ર મૂકું છું પણ મારું અનુમાન હવામાં નથી. એની શક્યતા ભારોભાર છે. સાંભળ...’ સોમચંદે પેપર પર લખવાનું અને સાથોસાથ કહેવાનું શરૂ કર્યું, ‘આ જે હિતાર્થ છે એ પ્રતીક દવે અને માનસી દવેનો સન છે. મૅરેજ પછી માનસીને તે જ્યાં જૉબ કરતી હતી ત્યાં રાજીવ નામના પોતાના કલીગ સાથે અફેર થયું અને એ અફેર વચ્ચે બન્ને ખાસ્સાં આગળ વધી ગયાં. ઘરમાં વાતની ખબર પડી અને એ પછી રાજીવ-માનસી છૂટાં પડ્યાં પણ બન્નેના બ્રેકઅપના એકાદ મહિના પછી હિતાર્થ કન્સીવ થયો. હિતાર્થને તું જુએ તો તને નવાઈ લાગશે કે મા અને બાપ બન્ને દૂધ જેવાં અને હિતાર્થ એકદમ ટિપિકલ મરાઠી બચ્ચું લાગે.’
‘એ વિચાર તો મને પણ આવ્યો હતો સોમચંદ.’ ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંત ફરીથી વિષય પર આવ્યા, ‘તમારું કહેવું છે કે આ હિતાર્થ એ રાજીવનું બાળક...’
‘શક્યતા. અફકોર્સ, એના વિશે વધારે વાત તો તેની મમ્મી જ કરી શકે અને અમુક અંશે તેના પપ્પા કરી શકે.’
‘હંમ... પણ માનસીના
એક્સ્ટ્રા-મૅરિટલ અફેર્સ અને રાજનને શું લાગેવળગે?’
‘રાજનના પપ્પાનું નામ રાજીવ ભોલેરાવ મ્હાત્રે છે.’
ઇન્સ્પેક્ટર કૃષ્ણકાંતની આંખો પહોળી થઈ ગઈ.
lll
સોમચંદે પોલીસ-કમિશનર સામે જોયું.
‘હિતાર્થ અજાણતાં જ ઍન્થનીનો શિકાર બન્યો કે હિતાર્થ પર રાજનની નજર હતી એ અત્યારે કહેવું અઘરું છે. રાજને પોતાના સ્ટેટમેન્ટમાં એવી કોઈ વાત નથી કરી કે એ હિતાર્થને ઓળખે છે અને પૉસિબલ છે કે હિતાર્થ પોતાનો ભાઈ છે એ રાજન જાણતો પણ ન હોય. હવેના ઇન્ટરોગેશનમાં આ વાત ક્લિયર થશે.’
‘ઇન્ટરોગેશન તો...’ પોલીસ-કમિશનરે અચાનક જ ટૉપિક ચેન્જ કર્યો, ‘તમારી થિયરી શું કહે છે સોમચંદ?’
‘થિયરી સિમ્પલ છે. રાજીવ રોજેરોજ હિતાર્થને જોતો હશે અને એ કારણે તેને પોતાનાં અને માનસીનાં રિલેશન વારંવાર તાજાં થતાં હશે, જેને લીધે રાજીવના ઘરમાં પણ કજિયો શરૂ થયો હોઈ શકે અને એ કજિયા દરમ્યાન રાજીવના મોઢેથી નીકળી ગયું હોય કે હિતાર્થ તેનો દીકરો છે.’ સોમચંદના ચહેરા પર અફસોસ હતો, ‘કયો દીકરો પોતાના બાપનું અનૌરસ સંતાન સ્વીકારી શકે? ઍન્થનીના મનમાં એક્ઝામ અટકાવવા મર્ડરનો પ્લાન આવ્યા પછી ઍન્થનીને મારવા માટે કોઈ પણ બકરો જોઈતો હતો. બને કે રાજને હિતાર્થ સામે ધરી દીધો હોય. આજે ઇન્ટરોગેશનમાં આ વાત જાણવાની...’
‘ઇન્ટરોગેશન નહીં થાય.’
પોલીસ-કમિશનરે તરત કહ્યું, ‘સોમચંદ, તમને ખબર છે કે બન્ને આરોપી સગીર છે. આપણે તેમને જુવેનાઇલ સેન્ટરને આપવાના હોય.’
‘સર, આ જુવેનાઇલ પ્રજા નથી. આ જેન-ઝી છે. છે એના કરતાં ડબલ ઉંમરની માનસિકતા ધરાવે છે. મારી દૃષ્ટિએ તો આને જુવેનાઇલમાં મોકલવા એ ગુનો છે.’
‘હા, પણ કાયદાનું પાલન તો કરવું પડશેને. આ બન્ને આરોપીઓ U/A છે.’
‘સર, જો બધું બદલાતું હોય તો આ કાયદો શું કામ ન બદલાય? ઍટ લીસ્ટ જાગૃત નાગરિક તરીકે તમારે આ કાયદાને કોર્ટમાં ચૅલેન્જ કરવાની જરૂર છે. આજની આ બાર-પંદર વર્ષની ઉંમરની પ્રજાની જે માનસિકતા છે એ મારા, તમારા અને કાયદો ઘડાયો એ સમયના બાર-પંદર વર્ષના બાળક જેવી નથી જ નથી. હજી પણ તેને ૧૯પ૧ની વિચારધારા મુજબ જો આપણે ટ્રીટ કરીશું તો...’ સોમચંદ ઊભા થયા, ‘અત્યારના સમયમાં આ U/A સર્ટિફિકેટ બહુ જોખમી છે. જાગી જવાનો સમય આવી ગયો છે, બાકી...’
(સંપૂર્ણ)


