દુપટ્ટો હોઠે મૂકીને ગભરાટ જતાવતી નીમાનું રૂપ પ્રેરતું હોય એમ અતુલ્યના હોઠે આવી ગયું કે ઘરની થનારી વહુ ભાડાની સાઇકલ પર બેસે એ પપ્પાને ગમ્યું નહીં એટલે તારા કારણે મારી લૉટરી લાગી ગઈ!
ઇલસ્ટ્રેશન
તે હાંફી રહ્યો.
બંધ પાંપણના પડદે ઊપસતું દૃશ્ય સુખનું હતું, છતાં જાણે એમાં અણગમતો વળાંક આવવાનો અણસાર હોય એમ તેની મુખરેખા તંગ થવા લાગી.
ADVERTISEMENT
‘દીકરો તમને બહુ વહાલો છે એ આખી ચાલ જ નહીં, આખું મહાલક્ષ્મી જાણતું હશે.’
લાલ-લીલી સુતરાઉ બાંધણીમાં શોભતાં દેવકીમા મંદિરે દીવો કરતાં-કરતાં પતિને સંભળાવે છે, ‘શી જરૂર હતી અતુલ્ય માટે ૧૦,૦૦૦ની સાઇકલ લાવવાની! બીજા છોકરાની જેમ તે પણ ભાડાની સાઇકલ ફેરવે.’
માના ઠપકામાં ખરેખર તો મેશનું ટપકું કરવા જેવી ચેષ્ટા હતી એની બાપ-દીકરા બેઉને જાણ હતી. વીરેનભાઈએ અતુલ્ય સમક્ષ આંખ મીંચકારી, ‘દીકરો ભાડાની સાઇકલ ફેરવે એ ચાલે, પણ આપણી થનારી વહુને લઈને ભાડાની સાઇકલ પર ફરે એ સારું ન લાગે.’
પંદરનો થયેલો અતુલ્ય સહેજ શરમાયો. નીચેના માળે રહેતી નીમા સાથે તેને ભળતું. બન્ને સરખી વયનાં, એક જ ક્લાસમાં ભણતાં. બાળપણની નિર્દોષ મૈત્રીમાં હમણાંનાં નવાં-નવાં સ્પંદનો ઊભરાતાં હતાં અને બન્નેને સરખું પજવતાં. નિયમિત કસરતને કારણે અતુલ્યનાં કદ-કાઠી સત્તર-અઢારના જુવાન જેવાં લાગતાં. એમ તો નીમાના અંગે પણ યૌવન મહોરી રહ્યું હતું. ચાલીની લૉબીમાં વેલણથી ભીના વાળ ઝાટકતી નીમાને જોઈને અતુલ્યની રગોનું ઉષ્ણતામાન વધી જતું. નીમાની નજર પડે તો અજાણતાં જ નવી-નવી ઊગેલી મૂછને તાવ દેતો. નીમા શાકપાંદડું લેવા ઝભલાથેલી લઈને દાદર ઊતરતી દેખાય કે અતુલ્ય ઝડપથી નજીકની મૂસાની દુકાનથી સાઇકલ ભાડે લઈને ગલીની બહાર તેને આંતરી લે : ચલ, બેસી જા!
આજુબાજુ જોઈને નીમા પાછલા સ્ટૅન્ડ પર ગોઠવાઈ જાય ને પૅડલ મારતા અતુલ્યમાં જોમ ઊભરાય. ટ્રાફિકને કારણે અચાનક બ્રેક મારવાની થાય ત્યારે નીમા તેની પીઠે અથડાય ને બદનમાંથી પસાર થતો કરન્ટ બેઉને પરખાય.
‘હવે તારી સાઇકલ પર નહીં બેસું.’ મંડીએ ઊતરતાં નીમા છણકો કરે : તું બહુ બ્રેક માર-માર કરે છે.
પણ અતુલ્યનું ધ્યાન અને નજર તો નીમાનાં હાંફતાં વક્ષ પર અટક્યાં હોય.
‘ઉફ્ફ...’ દુપટ્ટો સરખો કરતી નીમા રતુંબડી બને : તું બહુ એવો થતો જાય છે અતુલ્ય!
અને પીઠ ફેરવતી નીમાની કલાઈ પકડીને તે પૂછતો : એવો એટલે કેવો?
‘નફ્ફટ, તોફાની.’ નીમાના જવાબે અતુલ્ય ઝંખવાય ને આછું મલકતી નીમા હળવેથી ઉમેરે : અને દેવકીમાસી કહે છે એમ બહુ વહાલો પણ ખરો!
અતુલ્ય મહોરી ઊઠે.
મહાલક્ષ્મીની હરિવિલા ચાલીમાં રહેનારા મોટા ભાગના ગુજરાતી અને સાધારણ સ્થિતિના હતા એમ કેટલાકે ભાડેથી રહેવાને બદલે રૂમ ખરીદી લીધી હતી. નીમાના પિતા એમાંના એક. ચોથી ગલીમાં તેમની કટલરીની નાનકડી ભાડાની દુકાન પણ ખરી. આનું ગુમાન હોય એમ નીમાના સોનલમા જ્યાં સહજપણે સૌ સાથે હળતાં-મળતાં ત્યાં પિતા દિનકરભાઈ અને ૩ વરસ મોટો ભાઈ બ્રિજેશ થોડા અતડા અને તોછડા લાગતા. શેરીરમતમાં બ્રિજેશ હમણાંનો અતુલ્ય સામે કતરાતો રહેતો. નીમાને પણ કહેતો : અતુલ્યથી દૂર રહેજે, શાની આખો દહાડો તેના ઘરના આંટાફેરા કરતી રહે છે!
નીમા જોકે ભાઈને ગાંઠતી નહીં : જાઉં છું મારા પગે એમાં તમારા પેટમાં શાનું દુખે છે!
દિનકરભાઈનો ઘરમાં કડપ, પણ દીકરી વહાલીયે ખરી એટલે ભાઈ-બહેનની નોકઝોકમાં દીકરાને ટકોરતા : શા માટે નીમાને ખોટી હેરાન કરે છે!
પરિણામે નીમા બેધડક ઘરે ટપકી પડતી. દેવકીમાને શાક સુધારવા લાગતી, વીરેનભાઈને તેમની મિલના કામકાજ વિશે પૂછતી અને ભણવા બેઠેલો અતુલ્ય તેના પર ધ્યાન ન આપે તો મોં ફુલાવાતી : માસી, આખી દુનિયામાં એક તમારો દીકરો જ ભણેશરી છે! મોટો લાટસાહેબ ન જોયો હોય તો!
‘લાટસાહેબ જ થવું છે મારે.’ ભણવામાં હંમેશાં પહેલો નંબર લાવતો અતુલ્ય બોલી ઊઠતો : સિવિલ સર્વિસની એક્ઝામ ક્લિયર કરીને
મારે ફર્સ્ટ ક્લાસ ઑફિસર થવું છે. હેંને પપ્પા?
અતુલ્ય માનો લાડકો, પણ પિતા તેના આદર્શ; તેના ફ્રેન્ડ, ફિલોસૉફર ઍન્ડ ગાઇડ.
‘તું જે બને એ... પણ વહુ અમને ગમતી લાવજે!’ વીરેનભાઈ કહેતા એથી અતુલ્યથી વધુ નીમા શરમાતી. વીરેનભાઈ-દેવકીબહેન પરસ્પર સૂચક મલકી લેતાં.
એમાં વળી વીરેનભાઈ નીમાને સબ્જીમંડી લઈ જતા અતુલ્યને બેએક વાર જોઈ ગયેલા. ત્યારનું નક્કી કર્યું હોય એમ દિવાળીના બોનસમાંથી દીકરા માટે નવા વરસની ભેટ તરીકે ફાંકડી સાઇકલ લઈ આવ્યા. એ સરપ્રાઇઝે અતુલ્ય પિતાને વળગી પડેલો : લવ યુ ડૅડ!
- અને અત્યારે પિતાના થનારી વહુના શબ્દપ્રયોગે રતુંબડો બન્યો.
એ જ વખતે બહાર ઝાંઝરનો ઝંકાર સંભળાયો ને દેવકીમાએ ઘરમંદિરની ઘંટડી રણકાવી : લો, નામ દીધું ને વહુરાણી હાજર!
બીજી પળે નીમા દરવાજે ડોકાઈ, અતુલ્ય વધુ રાતો બન્યો.
‘માસા, તમે અતુલ્યને નવી સાઇકલ અપાવી!’
‘તને ગમી?’ અતુલ્યની ઉત્સુકતા છલકાઈ.
‘ગમી તો ખરી, પણ બહુ મોંઘી લાગી.’
‘લો, હવે બોલો!’ પતિ-પુત્ર સામે આંખ નચાવીને દેવકીબહેને નીમાને પડખામાં લીધી, ‘પણ શું છે કે આપણો અત્તુ કાંઈ ઓછો મોંઘેરો છે!’
આપણો અત્તુ શબ્દ નીમાને ભીતર ગલીપચી કરી ગયો.
‘પપ્પાએ તારા માટે મોંઘી સાઇકલ લીધી.’ બેઉ એકલાં પડતાં અતુલ્યએ ભેદ ખોલવાની ઢબે કહ્યું, ‘તને સબ્જીમંડી લઈ જાઉં છું એ પપ્પા જોઈ ગયેલા.’
‘હાય હાય... પછી?’
દુપટ્ટો હોઠે મૂકીને ગભરાટ જતાવતી નીમાનું રૂપ પ્રેરતું હોય એમ અતુલ્યના હોઠે આવી ગયું કે ઘરની થનારી વહુ ભાડાની સાઇકલ પર બેસે એ પપ્પાને ગમ્યું નહીં એટલે તારા કારણે મારી લૉટરી લાગી ગઈ!
પણ કંઈક શરમે રોક્યો, કંઈક સંકોચે એટલે જુદું કહ્યું, ‘નવી સાઇકલમાં પાછલી સીટ મોટી છે, હવે તને કમ્ફર્ટ રહેશે.’
‘અ...ચ્છા! ત્યારે તો તું બ્રેક મારે તો પણ હું આગળ સરકી ન આવું તો-તો બહુ સારું!’ હસીને ડિંગો દેખાડતી તે સરકી ગઈ ને અતુલ્યને કંઈ-કંઈ થઈ ગયું.
બેસતા વરસના દિવસે વહેલા ઊઠીને તેણે નવી સાઇકલ પર સૌથી પહેલાં નીમા સાથે ડબલ સવારી કરી. જોકે નવાં ઘાઘરાચોળીમાં સાઇકલ પર પાછળ બેસવાનું ફાવતું નહોતું એટલે અતુલ્યએ કહેવું પડ્યું : તને ફાવતું ન હોય તો મારી કમરે હાથ વીંટી રાખ એટલે બીક ન રહે.
અને ઘડી-બે ઘડી પછી નીમાની ચૂડીઓવાળી ગોરી કલાઈ અતુલ્યની કમરે વીંટળાઈ વળી. બાલી ઉંમરમાં પાંગરેલી વણબોલી પ્રીતને બોલતી કરવાની એ ક્ષણ હતી.
અતુલ્યના હોઠે પપ્પાના ફેવરિટ વિનોદ ખન્ના પર સાઇકલ પર ફિલ્માવાયેલું લતા-કિશોરનું ગીત આવી ગયું : નૈનોં મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ...
‘...ઉસકા તો સાજન હૈ નામ...’ ગણગણતી નીમાએ અતુલ્યની પીઠે માથું ટેકવ્યું.
એ આખો દિવસ બહુ
ઉલ્લાસમય ગયો.
અને ભાઈબીજની બીજી સવારે...
અણગમતો વળાંક ઢૂંકડો હોય એમ અતુલ્યની બંધ પાંપણ કડકપણે ભીંસાઈ, હાથની મુઠ્ઠી વળી, કપાળે પ્રસ્વેદ ફૂટવા લાગ્યો અને પાંપણના પડદા પર નવું દૃશ્ય ઊપસી આવ્યું:
‘સાંભળો છો...’ રસોડાના પાર્ટિશન પાછળ પૂરી તળતાં દેવકીબહેને પતિને સાદ નાખ્યો : રસોઈ તૈયાર છે, નાકેથી શ્રીખંડ લાવવાનો બાકી છે, જશો?’
‘તમારો હુકમ ટાળવાની બંદાની ઓકાત નથી, દેવી!’
પિતાના નાટકીય સંવાદે અતુલ્ય હસ્યો. પપ્પા-મમ્મીના મધુર દામ્પત્યનો તે સાક્ષી હતો.
‘ચલ બેટા, આજે સાઇકલ
પર બાપ-દીકરાની ડબલ સવારી થઈ જાય.’
બાપ-દીકરો સાઇકલ પર
નીકળ્યા અને...
અતુલ્યની છાતી હાંફવા લાગી. ઇચ્છવા છતાં સ્મરણયાત્રાની સરકતી પટ્ટી રોકાઈ નહીં.
નાકાની દુકાન બંધ હતી એટલે વીરેનભાઈએ સાઇકલ મુખ્ય સડક
પર વાળી.
‘અરે પપ્પા, ઓવરબ્રિજ પરથી શું કામ લો છો? પૅડલ મારીને થાકી જશો.’
વીરેનભાઈએ મહાલક્ષ્મીના ફ્લાયઓવર પર સાઇકલ ચડાવતાં અતુલ્યએ કહ્યું. જવાબમાં વીરેનભાઈ હસ્યા : તારા બાપમાં હજી ઘણો સ્ટૅમિના છે!
સવારનો સમય હતો, પણ ભાઈબીજની રજાને કારણે ટ્રાફિક નહીંવત્ હતો. બેઉ અડધે પહોંચ્યા હશે કે...
‘ઓ...હ નો!’ વીરેનભાઈથી હાયકારો નખાઈ ગયો. શું થયું એ પૂછવા-જોવા અતુલ્ય ડોક લંબાવે એ પહેલાં તો સાઇકલ ઘુમાવી કસીને બ્રેક મારતાં અતુલ્ય સડક પર ફંગોળાયો. બીજી જ પળે સામેથી ડિવાઇડર કુદાવીને પૂરપાટ આવતી કાર સાઇકલને ઘસડતી બ્રિજની પાળી સાથે અફળાઈ અને અતુલ્યએ પિતાને હવામાં ઊછળીને પુલની નીચે ફંગોળાતા જોયા. એક ધબાકો અને...
ધ્રાસકાભેર ઊભો થઈને પાળી તરફ દોડી ગયેલા અતુલ્યએ નજર નીચે નાખી. ચત્તાપાટ પડેલા પપ્પાના મસ્તક આગળ લોહીનું કૂંડાળું રેલાતું હતું. જાણે પપ્પાને જતા રોકી લેવા હોય એમ તેણે હવામાં હાથ ફેલાવ્યો:
‘પ...પ્પા!’
અત્યારે પણ ચીસ નાખીને અતુલ્ય પલંગમાં બેઠો થઈ ગયો. ધ્રુજારી શમતાં વાર લાગી, શ્વાસોશ્વાસની ગતિ સામાન્ય થતાં નિ:શ્વાસ સરી ગયો.
જીવનસફરમાં આવેલા દસેક વરસ અગાઉના એ ગમખ્વાર વળાંકે જિંદગીને કેવી બનાવી દીધી.
અતુલ્યની નજર સામા પટારા પર પડેલી કંકોતરી પર ગઈ. હજી ગઈ રાત્રે બ્રિજેશે નીચે બોલાવીને પત્રિકા થમાવી હતી : આવતા મે મહિનામાં નીમાનાં લગ્ન નક્કી કર્યાં છે, તને પત્રિકા એટલા માટે આપું છું કે ખબરદાર તેની આડે ઊતર્યો કે તેને ભરમાવી તો...
નીમાનાં લગ્ન! અતુલ્ય પડતાં-પડતાં રહી ગયેલો.
પખવાડિયા અગાઉ તે ઘરે આવેલી ત્યારે થોડી અપસેટ હતી : જુઓને અત્તુ, પપ્પા પરાણે મને ફોઈને ત્યાં કચ્છ મોકલી રહ્યા છે. સાવ અંતરિયાળ ગામ છે, મોબાઇલ ટાવરનાં પણ ત્યાં ઠેકાણાં નથી. ફોઈ માંદાં-સાજાં રહે છે એટલે પપ્પાએ મને પૂછ્યા વિના ટ્રેનનું રિઝર્વેશન પણ કરાવી લીધું. મને કંઈક ઠીક નથી લાગતું હોં અતુલ્ય!
‘અરે, તારાં ફોઈને જરૂર હોય તો તારે જવું જ જોઈએ.’
પોતે તેને સમજાવીને મોકલી. ત્યાં પહોંચ્યાનો ફોન આવ્યો પછી કોઈ સંપર્ક નહીં. મા સોનલમાને નીમાના ખબરઅંતર પૂછી લેતી, પણ અઠવાડિયા પછી એ લોકો પણ ઘર બંધ કરીને કચ્છ ગયા અને હવે અચાનક આ કંકોતરી.
‘બહુ મોટું સાસરું મળ્યું છે તેને. સુધાફોઈએ તારું ભૂત ઉતાર્યું ને
ફાંકડો મુરતિયો ગોતી આપ્યો. નીમા ખુશ છે અને તને કહેવડાવ્યું છે કે સખણો રહેજે!’
નીમા આવું કહે એ મનાયું નહીં, પણ છેવટે તો પત્રિકા એનો પુરાવો છે.
નિ:શ્વાસ નાખીને અતુલ્યએ સામા પલંગમાં ઊંઘની દવાના ઘેનમાં પોઢેલી માને નિહાળી : પપ્પાના દેહાંતના ખબરે મમ્મીને મૂઢ કરી દીધેલી. ક્યારેક હસતી રહે, ક્યારેક બસ રડતી રહે. ક્યારેક ફડકાભેર અતુલ્યને બહાર ઘસડી જાય : અત્તુ, તારા પપ્પા પેલા પુલ પર જાય છે - ચાલ, તેમને રોક. નહીં તો... નહીં તો.. કહેતી તે ઢગલો થઈને ઢળી પડે.
વરસ-બે વરસ બહુ કપરાં વીત્યાં. ડૉક્ટરની સારવારથી ધીરે-ધીરે ફરક વર્તાયો, માની માનસિક સ્થિતિ પૂર્વવત્ થઈ. ત્યાં સુધી કે તેણે મને વેરમાંથી વાળ્યો. પણ એક સાંધો ત્યાં તેર તૂટે એમ ૪ વરસ અગાઉ તેને કૅન્સર ડિટેક્ટ થયું. કીમોની જલદ સારવારે દર્દ સારું થયું, પણ તે નબળી પડતી ગઈ. દવા વગર તે આજે પણ ઊંઘી નથી શકતી. બેશક, નીમા દરેક સમયે મારા પડખે રહી, પણ હવે...
ઝીણું-ઝીણું દર્દ હૈયાને કુરેદવા લાગ્યું. જીવનમાં પ્યારને પલટી મારતો જોવાનો વળાંક પણ જોવાનો હશે!
- નહીં... નહીં... મને નીમાના પ્રેમ પર ભરોસો હોવો ઘટે. એક કંકોતરી જોઈને હું તેને બેવફા માની ન શકું. અને ખરેખર તો નીમા બીજે પરણે એમાં જ તેનું સુખ નથી? આખરે બે છેડા ભેગા કરતાં હાંફી જનારો હું તેને શું સુખ આપી શકવાનો!
અતુલ્યએ કંકોતરી લીધી, ઉપર લખેલું નીમાનું નામ પંપાળ્યું : નવા રિશ્તાની વધાઈ નીમા! ખૂબ સુખી
થજે અને...
આગળના શબ્દો ડૂસકાને કારણે ગળામાં જ ગંઠાઈ ગયા.
(ક્રમશ:)
