પોતાના માટે છૂટથી વપરાતા હન્ગ્રી વુમનના વિશેષણનો દિવ્યાને છોછ નહોતો. બેશક તે રૂપાળી હતી અને માતા-પિતાના દેહાંત બાદ વારસામાં મળેલો કરોડોનો કારોબાર સ્વતંત્રપણે સંભાળી, વિકસાવી શકે એટલી કાબેલ પણ ખરી
ઇલસ્ટ્રેશન
મને ભૂલી જજે અને સુખી થજે.
અતુલ્યના શબ્દોમાં બેવફાઈની ફરિયાદ નહોતી, મને તો એમાં સમર્પણ લાગ્યું...
કચ્છમાં રહ્યે-રહ્યે અતુલ્યનું અંતર વંચાતું હોય એમ નીમાની પાંપણે ભીનાશ છવાઈ : તમે તો તમે જ અતુલ્ય.
દુકાનની બહારથી ધીરજ પૂછતો હતો : નીમા, કામ પત્યું?
‘નહીં.’ સજાગ થઈને નીમાએ નક્કી કરી લીધું હોય એમ ફોન મૂકી પૈસા ચૂકવીને ડગ ઉપાડ્યાં : હજી મેડિકલ શૉપમાં જવાનું છે... અગત્યનું કામ છે
lll
ઝેર!
નીમાના હાથની મુઠ્ઠીમાં રહેલી કાચની શીશીએ ઘરનાના જીવ ઊંચા કરી દીધા. ધીરજ સાથે ફરવા ગયેલી છોકરી બજારમાંથી પૉઇઝન લઈ આવી?
ધીરજ પોતે થોડો પઝલ્ડ હતો. નીમા સાથે છે અને છતાં સાથે નથી એવું સતત લાગ્યું. ન કોઈ મીઠી વાત, ન સ્પર્શનો લહાવો. શહેરની છોકરી ચુંબનનો વાંધો ન લે એવી ગણતરી હતી, પણ નીમાના ઠંડા વર્તાવે તેને સ્પર્શવાની હામ જ ન થઈ. અગાઉ પોતે આવી ઉતાવળ કરતાં સગાઈ તૂટી ચૂકી છે એની નીમાની ફૅમિલીને ક્યાં જાણ છે? એની હો-હા ન થાય એ માટે તો ઘરમેળે બધું પતાવી દેવાનું અમને પણ અનુકૂળ બેઠું છે. ખેર, આજે ફરવા નીકળ્યા એમાં બે દુકાને ફરીને ઘરે આવ્યા તો તે સીધી મેડીની રૂમમાં જતી રહી. વધુ ક્ષોભમાં રહેવું ન હોય એમ તેણે વાળુ માટે ન રોકાતાં વિદાય લીધી અને તેના જતાં જ નીમા નીચે આવી ઝેરની શીશી દેખાડીને કહેવા શું માગે છે?
‘ફોઈએ મને યાદ અપાવવા આ ગોખલામાં કંકોતરી ઊભી મૂકી છેને...’
બધાની નજર ત્યાં ખોડાઈ. દીવાનખંડમાં સામી દીવાલે ભીંતકબાટના પડખે મોટો ગોખલો હતો. ફોઈબાએ જાણીજોઈને ગોખલામાં કંકોતરી મૂકી હતી : જેટલી વાર જોશે એટલી વાર નીમાને પણ ભાન રહે કે તેનાં લગ્નનું મુરત નોંધાઈ ગયું છે!
‘હું એની બાજુમાં આ ઝેરની શીશી મૂકું છું. હું અતુલ્ય સિવાય અન્ય સાથે તો ચોરીના ૪ ફેરા નહીં જ ફરું. તમે નહીં જ માનો તો મેંદીની આગલી રાતે આ ઝેર ગટગટાવીને અર્થીએ ચડવું મને મંજૂર હશે. બાકી આ આંગણેથી મારી ડોલી તો નહીં જ ઊઠે.’
બધા સમસમી ગયા.
‘એટલે વખ ઘોળીને તારે અમારું નાક કાપવું છે?’ ફોઈબા તાડૂક્યાં.
‘પપ્પા, આ પેલા અતુલ્યની ચાલ છે...’ બ્રિજેશ થોથવાયો. નીમાની આંખોમાંથી જાણે અગ્નિ ફેંકાયો : બ્રિજેશભાઈ, આપણી વચ્ચે રાખડીનું હેત રહે એવું ઇચ્છતા હો તો આ ઘડીથી અતુલ્ય માટે તુચ્છકાર ઉછાળવો બંધ કરો.’
‘નીમા, હવે હદ થાય છે.’ દિનકરભાઈનાં જડબા તંગ થયાં.
‘પપ્પા, તમે જેને મુફલિસ કહો છો તે અતુલ્યએ કહી દીધું કે આપણાં લગ્ન થશે તો તારા માવતરના રાજીપાથી. તેણે તો મારું સુખ વાંછીને પ્રણયના ત્યાગધર્મને નિભાવ્યો. પછી તમે શું માનો છો, બલિદાનધર્મમાં હું ઊણી ઊતરીશ?’
કોઈ શું બોલે?
‘હવે તો આ ગોખલામાં કુમકુમ પત્રિકા અને ઝેરની શીશી અડખેપડખે રહેશે. ક્યાં તો તમે તમારા હાથે કંકોતરી ફાડશો પપ્પા, ક્યાં તો હું મારા હાથે ઝેર ગટગટાવીશ. આ સિવાય આ કથાનો ત્રીજો કોઈ અંત સંભવ નથી.’
નીમા મેડીનાં પગથિયાં ચડી ગઈ અને સૌની આંખો ઘડીક ગોખલામાં મૂકેલી પત્રિકા પર તો ઘડીક એના પડખેની ઝેરની શીશી પર ફરતી રહી!
lll
- ત્યારે મુંબઈમાં...
‘નીમાના શું ખબર છે અતુલ્ય?’ દેવકીમાના સાદે અતુલ્ય ઝબક્યો. પોતે કંકોતરી છુપાવી દીધી છે. માને કોઈ સંજોગોમાં જાણ થવી ન જોઈએ. મારા જીવનમાં નીમાનું ન હોવું તે બરદાસ્ત નહીં કરી શકે...
‘સોનલની બાજુવાળાં મીઠીબહેન કહેતાં હતાં કે એ લોકો હજી મહિનોમાસ રોકાવાના છે! તો-તો સુધાબહેનની તબિયત ખરેખર નાજુક હોવી જોઈએ. એ સિવાય તો પુરુષ માણસ આટલા દહાડા ધંધોધાપો કેમ છોડી શકે.’ દેવકીમા પોતાની ધૂનમાં બોલતાં રહ્યાં, ‘અને નીમા તારા વિના આટલા દહાડા રહેશે કેમની! તું પણ તો માનતો નથી મારું કહ્યું, પણ હવે હું નથી ગાંઠવાની. સોનલને કહીને તમારી સગાઈ પાકી કરી દેવી છે મારે.’
એમાં સાદ પુરાવતો અતુલ્યનો ફોન વળી રણક્યો. નંબર અજાણ્યો હતો.
કૉલ રિસીવ કરવાના બહાને તે બહાર લૉબીમાં નીકળ્યો : બોલ નીમા, હવે શું છે?
‘નીમા? સૉરી, હું નવનીતકૌર.’
અતુલ્ય સહેજ ભોંઠો પડ્યો.
‘કદાચ તમે મને ઓળખી નહીં... હું દિવ્યાની ફ્રેન્ડ... તમે દિવ્યાને ફિઝિકલ પ્લેઝર આપવા રાજીપો દર્શાવ્યો ત્યારે હું ત્યાં જ હતી.’
‘ઓ...હ. યા...’ અતુલ્ય સહેજ સંકોચાયો, ‘હજી મૅ’મે મને તેડાવ્યો નથી.’
‘ભલે, પણ મારે એવું કામ પણ નથી.’ નવનીતે દમ ઘૂંટ્યો, ‘મારું કામ થોડું જોખમી છે.’
‘જોખમી કામ! સાફ કહો મારે કરવાનું શું છે?’
‘ખૂન!’
હેં!
‘બોલો, મારા પતિ મનજિત સિંહ બ્રારનું ખૂન કેટલામાં કરશો?’
મન...જિત સિંહ બ્રાર!
અતુલ્યના કાનમાં ધાક પડી ગઈ. નજર સમક્ષ ૧૦ વરસ અગાઉનો ભૂતકાળ તરવરી રહ્યો:
ભાઈબીજના દિવસે શ્રીખંડ લેવા સાઇકલ પર નીકળેલા બાપ-દીકરો મહાલક્ષ્મીનો ફ્લાયઓવર ચડે છે કે સામેથી પૂરપાટ આવતી લક્ઝુરિયસ કારને ભાળીને વીરેનભાઈ સાઇકલ ઘુમાવીને અતુલ્યને ઉગારી લે છે, પણ ડિવાઇડર કુદાવીને ધસી આવતી કારની ટક્કરે પોતે ઊછળીને પુલ પરથી નીચે ફંગોળાય છે...
‘પ...પ્પા!’ બ્રિજની પાળીએથી હાથ લંબાવીને અતુલ્ય ચીખે છે અને થંભી ગયેલા સમયની પાર થઈને ગરદન ઘુમાવી કાર તરફ નજર વાળે છે તો...
‘મનજિતબાબા, તમે બાજુની સીટ પર આવી જાઓ...’
સફેદ યુનિફૉર્મમાં સજ્જ ડ્રાઇવર સ્ટીઅરિંગ પર બેઠેલા કિશોર સાથે જગ્યા બદલી લે છે...
‘નહીં...નહીં! કારનો અકસ્માત થયો ત્યારે મનજિત ડ્રાઇવ કરતો હતો, મેં ખુદ તેને તેના ડ્રાઇવર રઘુસિંહ જોડે જગ્યા બદલતો જોયો છે.’
અદાલતમાં અતુલ્ય ચિલ્લાયો, ન્યાય માટે કરગર્યો; પણ ન્યાયદેવીની આંખો પરની પટ્ટી ત્યારે હજી હટી ક્યાં હતી?
‘અજિતસિંહ બહુ વગદાર આદમી છે. અબજોનો આસામી. નમાયા મનજિતને બાપના લાડે જ ફટવી માર્યો છે. તને તારા બાપે સાઇકલ અપાવી એમ બેસતા વરસની ગિફ્ટમાં અજિતે સાડાસત્તર વરસના મનજિતને મોંઘી કાર ગિફ્ટ આપી અને આખું મુંબઈ જાણે બાપનો રસ્તો હોય એવા તોરમાં મનજિતે ગાડી ભગાવીને અકસ્માત નોતર્યો...’ ચાલીના પુરુષો જાણી લાવતા.
(ડ્રાઇવરે તરત અજિતસિંહને જાણ કરતાં તેણે સીટની અદલાબદલીની સૂચના આપી, પોલીસ જ મનજિતને સુખરૂપ ઘરે મૂકી ગઈ ત્યારે પિતાએ દીકરાને ઠપકારવાને બદલે જામ આપ્યો હતો : જે થયું એ ભૂલી જા, હાથી નીચે કીડી કચડાતી રહે, એનો શોક શાનો!)
તેમની પહોંચ કહો કે તેણે વેરેલી ગાંધીછાપ નોટોની કરામતને કારણે CCTV કૅમેરાના રેકૉર્ડ ગાયબ થઈ ગયા, કાર મનજિત ચલાવતો હોવાનું કોઈ સાક્ષી કે સબૂત જ ન મળ્યું પોલીસને. અજિતસિંહે રઘુસિંહને ગુનો ઓઢવાના મોંમાગ્યા દામ આપ્યા હશે.... રઘુને ૭ વરસની સજા થઈ અને બીજા વરસે તે દમની બીમારીમાં જેલમાં જ ઊકલી ગયો એ તેનાં કરમ, પણ અસલી ગુનેગારનું શું?
અતુલ્યના મનમાં વિદ્રોહ ઊઠતો. માતાની ડિપ્રેશનની સારવાર ચાલુ હતી એમાં ન્યાયના નામે થતી મજાક ભીતર ભડકે બાળતી : અમીરજાદાએ રાહદારીઓને કચડી નાખ્યા હોય એવો આ પહેલો બનાવ નથી... પણ એમાંના કેટલા અપરાધીને કાયદો સજા આપી શક્યો? આવા માટે તો લોકોએ કાયદો હાથમાં લેવો જોઈએ. હું તો લઈશ, મારા પિતાની હત્યાનો બદલો હું લઈશ.
અને મારો બદલો પણ પોએટિક હશે. ખૂન કા બદલા ખૂન. બાપ કે બદલે બાપ!
યસ, આમ પણ ખરો ગુનેગાર અજિતસિંહ છે. અતિ લાડથી તેણે દીકરાને ફટવી માર્યો ન હોત તો...
પિતાની વિદાયને બે વરસ વીતી ચૂક્યાં હતાં. માની માનસિક સ્થિતિ હવે પૂર્વવત્ હતી. સિવિલ સર્વિસનાં સમણાં સમેટીને અતુલ્યએ કૉલેજ જૉઇન કરી હતી. પાર્ટટાઇમ ટ્યુશન્સ આપતો અને નવરો પડતો કે દિમાગમાં અજિતસિંહ ઘૂમરાવા લાગતો.
કૉલેજ બન્ક કરીને તે અજિતસિંહની પાછળ પડ્યો. બંગલાના ગાર્ડ જોડે દોસ્તી કરીને તેનું શેડ્યુલ જાણી લીધું. પચાસના ઉંબરે પહોંચેલો અજિતસિંહ રોજ પરોઢિયે ચોપાટીના બીચ પર જૉગિંગ કરવા જાય છે. ત્યારે વસ્તી પાંખી હોય છે. જૉગિંગ કરતા અજિતસિંહની સામે ધસીને પેટમાં ચાકુ ઘુસાડી દીધું હોય તો...
બે-ચાર દહાડા તેણે ચોપાટી જઈને નિરીક્ષણ કર્યું. અજિતસિંહ સાથે કોઈ ગાર્ડ પણ હોતો નથી.... ઈઝી ટાર્ગેટ!
છેવટે બજારમાંથી કટાર ખરીદીને તે ચોપાટી પહોંચ્યો. અજિતસિંહની કાર આવી. અતુલ્યની નજર ઘોની જેમ અજિતસિંહની હિલચાલ પર ચોંટી હતી. શૂની લેસ ટાઇટ કરીને અજિતસિંહે રેતીમાં દોડવા માંડ્યું. દૂર જઈને તે પાછો વળતો દેખાયો કે અતુલ્યની કીકીમાં ચમક ઊપસી. હાથ ગજવામાં છુપાવેલી મ્યાન પર ગયો.
- એવો જ તેનો હાથ કોઈએ પકડી પાડ્યો. જોયું તો દેવકીમા!
‘મા, તું અહીં શું કરે છે?’ તેનાથી છણકો થઈ ગયો, ‘હાથ છોડ મારો.’
‘હું તને પૂછું છું બેટા, તું અહીં શું કરે છે?’ દેવકીમાએ નજર દોડાવી, ‘આ જ અજિતસિંહને... પેલા મનજિતનો બાપ? આ કટાર તેં તેને ખૂંપવા ખરીદી?’
‘હા મા, હું તેને મારી નાખવાનો. પપ્પાના હત્યારાને દંડ ન દઉં તો હું તેમનો અંશ શાનો!’
‘વેર તને ધગવે છે એ હું જાણું છું અત્તુ...’ દેવકીમા તેના પડખે ગોઠવાયાં.
‘જાણે છે!’
‘નીમા... અત્તુ, બીજું કોણ! તારા હૈયાને તારા પહેલાં તે સમજે છે. તારી પરેશાની તેનાથી છૂપી નહોતી. બેટા, કાલે સાંજે તેં કટાર ખરીદી ત્યારે તે તારી પાછળ જ હતી...’
‘ઓહ... તેણે મારી ચાડી ખાધી.’
‘અત્તુ! નીમા વિરુદ્ધ હું એક શબ્દ નહીં સાંખી લઉં.’ દેવકીબહેને સ્વર સંયત કર્યો, ‘અને હું તને અહીં વારવા કે રોકવા નથી આવી. બસ, એટલું જ કહેવા આવી છું કે વાર કરતાં પહેલાં એટલું વિચારજે કે આ વળાંક તને ક્યાં લઈ જશે? મારું, નીમાનું શું થશે? અને એ પણ વિચારજે કે તારા માટે ખૂનનો બદલો ખૂન જ હોય તો પછી અજિત અને વીરેનના લોહીમાં ફરક શું! પછી પણ તારો હાથ ઊપડતો હોય દીકરા તો જા, તારો શિકાર નજીક આવી રહ્યો છે.’
અતુલ્ય પૂતળા જેવો જ રહ્યો. અજિતસિંહ ફરી દૂર જતો દેખાતાં નિ:શ્વાસ સરી ગયો : મા, પપ્પાના ગુનેગારને કાયદાએ પણ સજા ન કરી...
‘અહીંની અદાલતથી મોટી ઉપરવાળાની અદાલત હોય છે. ત્યાં કોઈ લાગવગ, કોઈ રિશવત નથી ચાલતી. એના ફેંસલામાં વિશ્વાસ રાખીને વેરમાંથી મન વાળી લે...’
અને કટાર ફેંકીને અતુલ્ય મા સાથે પાછો વળ્યો. નીમાને કહ્યું હતું : મને લપસણા વળાંકેથી આમ જ વાળતી રહેજે...
આના ચોથા વરસે બ્રેકિંગ ન્યુઝ આવ્યા : ચાર્ટર પ્લેન તૂટી પડતાં જાણીતા બિઝનેસ ટાયકૂન અજિતસિંહનું મોત!
ખબર જાણીને અતુલ્ય હરખાયેલો એમ નહીં, પણ માએ કહેલું એમ ઉપરવાળાના ન્યાય પર શ્રદ્ધા જરૂર દૃઢ થઈ હતી.
પછી તેણે મનજિત કે તેના વેપાર બાબત કોઈ અપડેટ રાખી નહોતી.
અને કુદરતે અચાનક જ આજે મનજિતને જાણે રૂબરૂ કરી દીધો.
અતુલ્યના હોઠ વંકાયા:
મારા પિતાના અસલી હત્યારાને તેની બૈરી જ મારવા માગે છે! સંસારજીવનની આનાથી વિશેષ કરુણતા શું હોય! એસ્કોર્ટનું કામ કરવા તૈયાર થનારો થોડા વધુ પૈસા મળતા હોય તો કોઈનું ખૂન પણ કરી નાખે એવું માની લેનારી સ્ત્રી પોતે કેટલી વ્યાકુળ-વિહ્વળ હશે! આ એક ખૂન પછી નીમાએ મને હૈયે રાખવાનું કારણ નહીં રહે...
ચાલ જીવ, હવે પાપના વળાંકે વળીને પણ જીવન જોઈ લે!
(ક્રમશ:)
