Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વળાંક - જિંદગીની બાજીમાં હુકમનો એક્કો (પ્રકરણ ૫)

વળાંક - જિંદગીની બાજીમાં હુકમનો એક્કો (પ્રકરણ ૫)

Published : 10 April, 2026 10:59 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

હોટેલના સ્વીટના પલંગ પર મનજિત ધ્રૂજતો બેઠો છે. સામે વેઇટરના પોશાકમાં ઊભા અતુલ્યના હાથમાં ગન છે. પોતે વરસો અગાઉ જેને ઉડાવેલો તે આધેડનો આ દીકરો છે એ જાણીને મનજિત કરગરે છે, જીવનદાનની ભીખ માગે છે.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘તમારા પર વિશ્વાસ મૂકીને કામ સોંપું છું અતુલ્ય, એની લાજ રાખજો.’

વરલીના નેહરુ પ્લૅનેટોરિયમની મુલાકાતે આવ્યા હોય એમ કૅફેટેરિયામાં ગોઠવાઈને નવનીત કૌરે અતુલ્યને કહ્યું.



‘ડોન્ટ વરી મિસિસ બ્રાર, તમારા વિશ્વાસ મૂકવામાં કુદરતની જ કોઈ ગણતરી હોવી જોઈએ.’


નવનીતનું કાર્યકારણ જાણ્યા પછી અતુલ્યને કિલિંગની દ્વિધા રહી નહોતી.

‘મનજિત સોમવારે ૩ દિવસની બિઝનેસ-ટૂર પર દિલ્હી જાય છે. ગુરુવારે મૉર્નિંગ રિટર્ન થશે. અશોક હોટેલમાં તેનું રોકાણ હોય છે. નાઓ ટેલ મી, તેને કેવી રીતે મારવાનું પ્લાન કરો છો?’


‘વેલ...’ વિચારી રાખ્યું હોય એમ અતુલ્યના હોઠ ઊઘડ્યા, ‘મનજિત પાસે ગન છે?’

‘હા, કેમ?’

‘તમે એ ગન મને આપી શકો તો... મનજિતે તેની ખુદની રિવૉલ્વરથી આપઘાત કર્યો એવું દૃશ્ય ઊભું કરી શકાય.’

અતુલ્યનાં મનોચક્ષુ સમક્ષ ચિત્ર ઊપસ્યું:

હોટેલના સ્વીટના પલંગ પર મનજિત ધ્રૂજતો બેઠો છે. સામે વેઇટરના પોશાકમાં ઊભા અતુલ્યના હાથમાં ગન છે. પોતે વરસો અગાઉ જેને ઉડાવેલો તે આધેડનો આ દીકરો છે એ જાણીને મનજિત કરગરે છે, જીવનદાનની ભીખ માગે છે.

‘એમ માફી નહીં મળે!’ અતુલ્ય ટ્રિગર પર ગ્લવ્ઝવાળી આંગળી દબાવે છે : તારા ઇન્સ્ટા અકાઉન્ટ પર આખો કિસ્સો લખીને પસ્તાવો વ્યક્ત કર, તો તને બક્ષું!

મનજિત પાસે જાન બચાવવાનો બીજો કોઈ વિકલ્પ નથી. સોશ્યલ મીડિયા પર તેની પોસ્ટ અપલોડ થાય છે કે અતુલ્ય તેના લમણામાં ગોળી ઝીંકી ગન તેના હાથમાં થમાવીને સરકી જાય છે.... બસ, પછી તેના ‘આપઘાત’માં કોઈને શંકા રહેવાની નહીં! મારે કાનૂનના સકંજામાં સપડાવાનું બનવાનું નહીં એટલે માનું શું થશે એ વિચારવાનું પણ રહેતું નથી. હા, નીમાને સત્ય કહીને તેના હૈયેથી ઊતરવાનો વળાંક જીરવી લઈશ...

‘કૉન્ટ્રૅક્ટ કિલિંગ માટે હું અધરવાઇઝ તૈયાર થયો ન હોત મિસિસ બ્રાર, બટ ધિસ ઇઝ પર્સનલ.’

હેં! અતુલ્યએ ગતખંડનો ફોડ પાડતાં નવનીત ડઘાઈ. વરસો જૂનો મર્ડરનો કિસ્સો મનજિતે કદી સાંભર્યો પણ નથી, પણ જેના ચિત્તમાં હાથી નીચે કીડી કચડાયા કરેની બેપરવાહી રજિસ્ટર થયેલી હોય તેને પસ્તાવો તો થાય પણ કેમ!

‘આખી જિંદગી ભલે ન થયો, મરતાં પહેલાં તે મને સૉરી કહે એટલું તો આઇ વિલ મેક શ્યૉર.’

 ‘તો-તો તેને મારો ધિક્કાર પણ જતાવજો. મરતાં પહેલાં તેને પણ ખબર પડે કે કેટલા લોકોની જિંદગી તેણે જહન્નમ કરી છે!’

શું થવાનું હતું એની કોને ખબર હતી?

lll

‘આ છોકરીની ચાલ છે.’

નીમાએ ઝેરની શીશી ગોખલામાં કંકોતરીના પડખે મૂક્યાના દસેક દિવસ પછીની સવારે નીમાની ગેરહાજરીમાં ફોઈબાએ બાકીનાને સંભળાવ્યું, ‘નવરા પડે કે સૌ શીશીને તાકતા રહો છો. આપણું મનોબળ તોડવાની આ રમત છે.’

સાળા-બનેવીની નજરો મળી, છૂટી પડી. દિનકરભાઈએ પત્નીને નિહાળી.

‘તમે શું માનો છો નીમા કેવળ તેના પ્રેમની પરીક્ષા આપી રહી છે? નહીં દિનકર, તે આપણા વહાલની કસોટી પણ કરી રહી છે!’ સોનલબહેનના શબ્દો પડઘાતાં તેમણે હોઠ કરડ્યો. કંકોતરીની બાજુમાં મુકાયેલી ઝેરની શીશી ધ્રાસકો બની ગઈ છે. દીકરીનાં લગ્નનો ઉમંગ અનુભવાતો નથી, પણ નીમા ઝેર પી રહી હોવાનું દૃશ્ય રાતે ઊંઘમાં પણ ઝબકાવી દે છે. 

‘નીમા ખરેખર ઝેર પીશે એમ માનો છો તમે? અરે, જેણે ઝેર પીવું જ હોય તે એને આમ પ્રદર્શનમાં ન મૂકે!’

ફોઈબાના શબ્દોએ કશાક નિર્ણય પર આવવા પ્રેર્યા હોય એમ દિનકરભાઈએ મક્કમતા ઘૂંટી, ‘એવું જ હોય તો ભલે થઈ જતાં ઝેરનાં પારખાં!’

તેમણે સાદ નાખીને નીમાને તેડાવી. સોનલબહેન ફફડી ઊઠ્યાં. નીમા જોકે સ્વસ્થ રહી.

‘ઝેરની શીશી મૂકીને તેં મારી ધીરજ ડોલાવી દીધી નીમા.’ તેમના સ્વરમાં કડપ ભળ્યો, ‘એટલે હવે તારાં લગ્ન મારે વહેલાં લઈ લેવાં છે – કાલે જ! સુધાબેન, તમે મેંદીની તૈયારી કરો. બનેવીલાલ, આપણે ધીરજને મળી આવીએ.’

‘ક્યાંય જવાની જરૂર નથી પપ્પા. મેં કહેલુંને, અતુલ્ય સિવાય કોઈ સાથે હું ચોરીના ફેરા નહીં જ ફરું...’ નીમા ગોખલા તરફ ધસી ગઈ અને કોઈ રોકે-મૂકે એ પહેલાં તો શીશી ઉઠાવીને પ્રવાહી પેટમાં ઠાલવી દીધું.

હાય... હાય... ફોઈબા મોં વકાસી ગયાં. બ્રિજેશ-સોનલબહેન રડવા લાગ્યાં.

‘મા, પપ્પા, મને સુહાગણ તરીકે અતુલ્યને ત્યાંથી વિદાય આપજો એટલું જ માગું છું.’

‘દિનકર, ઊભો છે શું!’ ફુઆ ઊકળી ઊઠ્યા, ‘બ્રિજેશ, છોકરીને ગાડીમાં નાખ, તેને હૉસ્પિટલ લઈ જઈએ.’

‘એની જરૂર નથી.’ દિનકરભાઈ નીમા તરફ વધ્યા, ‘તું શું માને છે નીમા? દીકરી આમ ઝેરની શીશી લાવીને મૂકી દે અને બાપ એના ગળવાની રાહ જોતો રહે?’

એટલે!

‘એટલે એમ કે શીશીનું પ્રવાહી મેં પહેલા દિવસનું બદલી નાખેલું દીકરી. ઝેરનાં તે પારખાં હોય!’ પછી નીમાના માથે હાથ ફેરવ્યો, ‘પણ તેં તારી પ્રીતનાં પારખાં કરાવી દીધાં. હવે પણ તારા અતુલ્યને ન સ્વીકારું તો બાપ કહેવડાવવાને લાયક ન ગણાઉં.’

હર્ષાશ્રુ વહાવતી નીમા પિતાને વળગી પડી.

ઘરમાં હવે હરખ ફેલાઈ વળ્યો. મા, ભાઈ, ફુઆ તો ખરા જ; ફોઈએ પણ વિરોધ પડતો મૂકીને આશિષ આપ્યા : સાવ મારા પર પડી છે. બાપ પાસે પોતાનું ધાર્યું કરાવીને રહી! હવે વરને પણ આમ જ મુઠ્ઠીમાં રાખજે.

કહીને ફોઈ ફોન તરફ વળ્યાં.

‘કોણ ધીરજકુમાર?’ નંબર જોડીને તેમણે શબ્દો ગોઠવ્યા, ‘વાત જાણે એમ છે કે અમારે સગપણ ફો...ક કરવું પડે એમ છે.’

‘હેં... કેમ-કેમ! મારી પહેલી સગાઈ તૂટ્યાની તમને જાણ થઈ ગઈ?’

હેં!

‘પણ વાંક મારો નહોતો. ચુંબનની છૂટ લેવા ગયો એમાં...’

‘મર રે મારા રોયા!’ બગડેલાં ફોઈબાએ ફોન પછાડ્યો. પછી બબડ્યાં : જે થાય એ સારા માટે! કહીને રણકો ઊપસાવ્યો : ચલ સોનલ, લાપસીનું આંધણ મૂકીએ!’

lll

- અને સોમની બપોરે દિલ્હી માટે નીકળવાની વેળા આવી ગઈ. મનજિતની લાઇસન્સ્ડ ગન નવનીતે તેને પહોંચાડી દીધી હતી. સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પોતે પ્લાસ્ટર ઑફ પૅરિસના મોલ્ડ્સ લઈને જઈ રહ્યો હોવાનાં પેપર્સ ઑફિસમાંથી બનાવી લીધેલાં, જેની દિવ્યા સુધ્ધાંને ભનક નથી અને છમાંથી એક મોલ્ડમાં ગન છુપાવી હોવાનું કસ્ટમ્સમાં પકડાવાનું પણ નહીં...

‘તું અચાનક ૩ દિવસ રજા પર જવાનો...’ દિવ્યાએ કહેલું, ‘એસ્કોર્ટ તરીકે જવાનો હોય તો એટલું કહી દઉં કે આ વીક-એન્ડ મારા માટે રિઝર્વ રાખજે...’

ફાઇનલી દિવ્યાને અવકાશ મળ્યો, પણ એ પહેલાં દિલ્હીનું કામ...

- અને નીકળતી વખતે તે દેવકીબહેનના આશિષ લેવા ઝૂક્યો કે...

‘એકલા દીકરાને આશિષ દો એ નહીં ચાલે વેવાણ, તમારી વહુને પણ આશીર્વાદ આપો.’

આ તો નીમાના પિતાશ્રી. સાથે મા, ભાઈ, ફોઈ-ફુઆ અને છેલ્લે શરમાતી નીમાને પ્રવેશતી જોઈને દેવકીબહેન હરખઘેલા બન્યાં અને એ સરપ્રાઇઝે અતુલ્યના હાથમાંથી બૅગ વચકી પડી.

lll

‘નીમા, તેં પ્રીતનો પરચમ લહેરાવ્યો ને હું...’

મોડી રાત્રે બે પ્રેમીજન એકલાં પડ્યાં એવાં અંતર ઊઘડ્યાં.

‘તમે!’ નીમાએ અતુલ્યના ખભે માથું ટેકવ્યું, ‘તમે મારું સુખ વાંછ્યું અતુલ્ય, એસ્કોર્ટ બનવા તૈયાર થયા એમાં વાસના નહીં, કેવળ મારા હૈયેથી ઊતરવાની કવાયત હતી. મનજિતની હત્યાને પપ્પાનું વેર વસૂલવાની તક તરીકે તમે ઝડપી...’

‘અને ખરા વખતે આવીને તેં મને વધુ એક વાર લપસતા વળાંકે વળતાં અટકાવી દીધો...’ અતુલ્યએ નીમાને બાથ ભીડી, ‘હવે?’

‘પહેલાં તો પિતાના કિસ્સામાં કરેલું એમ પુત્રનો હવાલો પણ કુદરતને સોંપી દો...’

અતુલ્ય આંખો મીંચી ગયો, ખૂલી ત્યારે દ્વિધા નહોતી : સોંપ્યો...

નીમા સોડમાં ભરાઈ, ‘બીજું એ મારા પ્રિયતમ કે દિવ્યાની નોકરી તમે છોડો છો. હાસ્તો, કોઈ તમને નજરમાં રાખતું ફરે એ મને ન પરવડે!’

તેના લહેકાએ અતુલ્યથી હસી જવાયું.

‘હાશ, હવે તમે પહેલાં જેવા લાગ્યા!’ નીમા પણ મલકી અને પછી ગંભીર બની, ‘આગળનું પછી, પહેલાં કહો કે મનજિતની ગનનું શું કરવાનું છે?’

lll

‘ઓ...હ.’

નવનીત અતુલ્ય સાથે આવેલી નીમાને નિહાળી રહી.

‘તમારી પ્રેમકહાણી પણ અદ્ભુત છે...’ પછી ટિપાઈ પર પડેલી ગન પર નજર ટેકવી, ‘મનજિત દિલ્હી પહોંચી ચૂક્યો, પણ કદાચ પોતાની ગનથી તેણે નહીં મરવાનું હોય...’ તેનાથી બોલી જવાયું, ‘અણી ચૂક્યો ૧૦૦ વરસ જીવે એવું કહેવાય છે!’

‘મનજિત જેવા અહમવાદી માટે તો મરવામાં મુક્તિ ગણાય બહેન. કુદરતે તેને જીવતેજીવ દોજખ આપવાનું વિચાર્યું હોય તો પણ અણી ચુકાવી હોય, કોને ખબર!’

ક્યાંય સુધી નીમાના શબ્દો નવનીતના ચિત્તમાં પડઘાયા કર્યા.

lll

‘રિઝાઇન વિથ ઇમિજિયેટ ઇફેક્ટ!’ દિવ્યા ચમકી.

‘યા, લોનના હપ્તાનું સેટલમેન્ટ પણ ડ્યુઝમાંથી થઈ જશે.’

‘લાગે છે એસ્કોર્ટનું કામકાજ

જામી ગયું.’

‘નો, નો. સૉરી ફૉર ધૅટ ઑલ્સો. આઇ ઍમ મૅરિંગ.’

પળ પૂરતી દિવ્યાના ચિત્તમાં તે યુવતીના નસીબની ઈર્ષા ઝબકી અને પછી તેનામાંની બિઝનેસવુમન હાવી થઈ : એસ્કોર્ટ તો બીજા ઘણા મળી રહેશે, પણ આવો મૅનેજર નહીં મળે!

તેણે ચારગણા પગારની ઑફર મૂકી તો પણ અતુલ્ય માન્યો નહીં ત્યારે ખુરસીની સીટને અઢેલતી તે બોલી ગઈ, ‘યુ નો અતુલ્ય, હું હવે તમને સ્કાય ઇઝ ધ લિમિટ અચીવ કરતાં જોઈ શકું છું. ઑલ ધ બેસ્ટ.’

‘થૅન્ક્સ...’ આભાર માનીને અતુલ્ય નીકળ્યો. દિવ્યાએ તેનું આકર્ષણ પણ ખંખેરી નાખ્યું.

lll

- અને એક સવારે મલબાર હિલની હવેલીમાં પોલીસ આવી પહોંચી : મિસ્ટર બ્રાર, યુ આર અન્ડર અરેસ્ટ!

મનજિત સિંહ ખળભળી ગયો. બે દિવસ અગાઉ લુધિયાણાના પિયર ગયેલી પત્નીએ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ ઠોક્યો છે એ જાણીને તમ્મર આવી ગયાં.

એ કેવળ ઉપરછલ્લી ફરિયાદ નહોતી. મનજિતની બિઝનેસ-ટૂર દરમ્યાન નવનીતે બેડરૂમ સહિત આખા ઘરમાં છૂપા કૅમેરા ગોઠવીને મનજિતના અત્યાચારોનો, વિકૃત હરકતોનો દિવસોનો ડેટા જમા કરાવી સીધી PMOમાં ધા નાખતાં બચાવનો રસ્તો રહ્યો નહીં. બલ્કે નવનીતે વિડિયો મીડિયામાં રિલીઝ કરતાં દિવ્યા જેવા અચંબિત થઈને કૂથલી કરવા લાગ્યા. વગોવાઈ ગયેલો મનજિત આ વખતે ન્યાય ખરીદી પણ ન શક્યો.

‘૧૦ વરસની કેદ.’

કોર્ટે સજાની સાથે છૂટાછેડાની અરજી પર પણ મહોર મારી એ ફેંસલા ટાણે અતુલ્ય-નીમા પણ હાજર હતાં.

‘મનજિત, વર્ષો અગાઉ તેં મહાલક્ષ્મીના ફ્લાયઓવર પર નિર્દોષ સાઇકલસવારને કચડેલો... યાદ છે? હું તેમનો દીકરો.’

અતુલ્યએ ઓળખ આપતાં મનજિતની ગરદન ઝૂકી ગઈ.

‘એ ગુનાની સજામાંથી તું ત્યારે તો છટકી ગયો, પણ ઉપરવાળાની અદાલતમાંથી કોઈ છટકી શકતું નથી એ આજે પુરવાર થઈ ગયું.’

શબ્દોનો માર ખમ્યા સિવાય મનજિત શું કરી શકે!

અતુલ્ય-નીમા હટતાં નવનીત આગળ આવી. તેણે મોતથી વસમો વર્તમાન આપ્યો એ જાણીને મનજિત નિસાસો જ નાખી શક્યો.

‘તારી સંપત્તિને ઠોકર મારીને મારું સ્વમાન, મારી ખુદ્દારી મેળવ્યાં છે

એટલે હવે મારી સામે પડવાનું વિચારતો પણ નહીં.’

પછી અતુલ્ય-નીમાને મળી, તેમનો આભાર માનીને નવનીત જીવનમાં આગળ વધી ગઈ.

જેલમાં સામૂહિક અત્યાચારના ભોગ બનેલા મનજિતને જિજીવિષા જ નથી રહી. જેવાં જેનાં કરમ.

‘તમે મારો ગણ માનો છો અતુલ્ય, પણ હું માનું છું કે જિંદગીના ખેલમાં હુકમનો એક્કો કુદરત પોતાની પાસે રાખે છે. તેણે ધાર્યું તો જ મારાં લગ્નની કંકોતરી મળે, તમે દિવ્યાના રસ્તે નવનીત સુધી પહોંચો અને પપ્પાના અપરાધી સાથે અનુસંધાન થતાં નવનીતને સજાનો રસ્તો ચીંધવામાં આપણે નિમિત્ત બનવાનો વળાંક સર્જાય.’

આમ કહેનારી નીમાએ ઘરનો ભાર ઊંચકીને અતુલ્યને પ્રેરતાં તે સિવિલ સર્વિસની એક્ઝામ ક્રૅક કરીને ઊંચી પાયરીએ ગોઠવાયો. સરકારી ગાડી-બંગલો મળ્યાં છે. નીમાને એનો સંતોષ છે અને દેવકીબહેન બે પોતરાંને રમાડવાના સુખમાં મહાલે છે એ હવે કોઈ વળાંકે સરકવાનું નહીં એટલું વિશેષ.

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 10:59 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK