જવાબદારીથી ભરેલા નીમાના જીવનમાં અતુલ્યના આગમનથી લાગણીઓ ફરી જાગે છે. અંશ સાથે અતુલ્યનું બંધન અને બંનેના ભૂતકાળ વચ્ચે ખીલતો પ્રેમ નીમાને નવી મૂંઝવણમાં મૂકે છે. તે પ્રેમને સ્વીકારી શકશે? હવે નીમા પ્રેમ અને ભૂતકાળમાંથી શું પસંદ કરશે?.
ઇલસ્ટ્રેશન
દીદી તેરા દેવર દીવાના...
દૂર ક્યાંક ગુંજતા લતાના ચિરંજીવ કંઠે તેના હોઠ મલકી પડ્યા. આ તો અતુલ્યનું ફેવરિટ સૉન્ગ. તેમને પણ મારી જેમ જુહુના દરિયે વહેલી પરોઢિયે જૉગ કરવાની ટેવ છે અને જૉગિંગ સમયે કાનમાં ભૂંગળાં નાખીને મોબાઇલમાં ગીતો સાંભળવાનું ફૅક્ટર પણ અમારી વચ્ચે કૉમન છે.
‘મૉમ, કેમ આટલી મલકે છે?’
૬ વર્ષના દીકરાના સવાલે નીમાએ હોઠ કરડીને સજાગ થઈ જવું પડ્યું. ભોંઠપ છુપાવવા અમસ્તી જ અંશની સ્કૂલ-બૅગ ફંફોસવા માંડી : તારી બૅગમાં નૅપ્કિન તો મેં મૂક્યો છેને...
‘અતુલ્યસર યાદ આવી ગયા?’
અંશના સવાલે નીમાના ચહેરા પર રતાશ ધસી આવી. ગોળમટોળ અંશ પરાણે વહાલો લાગે એવો છે, પણ ૬ વર્ષના છોકરામાં કોઈનું અંતરમન પારખવાની સૂઝ ઓછી હોય.
‘હું તો તેમને યાદ કરું ત્યારે મારા મોં પર આવી જ સ્માઇલ આવી જાય મમ્મી.’
અંશની બાળસહજ નિર્દોષતા પર ઓવારી જતી હોય એમ નીમાએ તેના બેઉ ગાલે મીઠી ચીમટી ભરી : અને હું તને યાદ કરું એટલે મલકી ઊઠું લાલ મારા.
‘હા મૉમ, હું જાણું છું કે હું તને ખૂબ વહાલો છું.’
સાંભળીને પોતાને ચૂમી ભરવા ઝૂકતી માને નાનકડા હાથ આડા કરીને અંશે વારી, ‘પણ મને તું ત્યારે યાદ કરેને જ્યારે હું સ્કૂલમાં હોઉં. અત્યારે તું કોને યાદ કરીને મલકાતી હતી?’
ઉફ્ફ આ છોકરો! તેને આન્સર મળશે નહીં ત્યાં સુધી કેડો મૂકશે નહીં. અંશની હરકતથી માને હરખ પણ થતો હતો અને મૂંઝવણ પણ : મારે આને જવાબ શું આપવો?
‘બોલ-બોલ મમ્મી.’
ડાઇનિંગ ટેબલની ચૅર પર બેઠેલો તે સ્કૂલ-શૂઝવાળા પગ હલાવવા લાગ્યો એટલે માને વાત ફેરવવાનું બહાનું મળી ગયું, ‘આમ પગ નહીં હલાવ અને મિલ્ક ફિનિશ કરો. સ્કૂલ-બસ આવતી હશે.’ કહીને પરાણે ગ્લાસ તેના મોંએ માંડી દીધો. સાથે જવાબના બદલામાં સવાલ પૂછી લીધો, ‘મારું છોડ, તું સ્કૂલમાં મને યાદ કરીને આમ મલકાતો હોય એ જોઈને બીજા છોકરાઓ તારી મશ્કરી નથી કરતા? - અહં, પહેલાં દૂધ ફિનિશ કર, પછી જવાબ આપ.’
જવાબ આપવાની ઉતાવળ હોય એમ ફટાફટ મિલ્ક પતાવીને અંશે માના દુપટ્ટાથી હોઠ લૂછ્યા, ‘મને તો તું સ્કૂલમાં યાદ આવતી જ નથી મમ્મી. અતુલ્યસર હોયને.’
‘તું ને તારા અતુલ્યસર!’ નીમાએ મેંશના ટપકા જેવું બબડી લીધું.
lll
‘બાય.’
અંશની સ્કૂલ-બસ નજરથી ઓઝલ થઈ એટલે નીમા ઘરની ગલી તરફ વળતી હતી કે મંદિરાએ રોકી, ‘ઘરે જવાની આટલી શું ભાગમભાગ! થોડી વાર અમને પણ તારી કંપનીનો લાભ આપ.’
સ્કૂલના બસ-સ્ટૅન્ડ આગળ મમ્મીઓનું ગ્રુપ બની જ જતું હોય છે. અંશની સાથેનાં બાળકોનો પરિચય થાય, તેમના પેરન્ટ્સ સાથે ઓળખાણ કેળવાય એ હેતુથી શરૂ-શરૂમાં નીમા થોડી વહેલી જતી અને બસ ગયા પછી રોકાતી પણ ખરી, પણ પછી જોયું કે મમ્મીઓના ગ્રુપમાં સાસરિયાંની ગૉસિપથી નવું કંઈ હોતું નથી. કોઈની કૂથલી કરવાનું નીમાના સ્વભાવમાં નહોતું એટલે પછી અંશના ગયા બાદ તે પણ રોકાતી નહીં.
અત્યારે પણ તેણે મલકીને કાયમનું બહાનું આગળ કરી દીધું : તમારી સાથે ગપાટવાનું મને પણ ગમે મંદિરા; પણ તું જાણે છે કે મારી બાઈ આ ટાઇમે જ આવે છે, નહીં જાઉ તો ઘરનાં કામ મારે કરવાં પડશે.
‘બિચારી!’
નીમાના જતાં મંદિરાએ નિસાસો નાખ્યો, ‘ભરજુવાનીમાં તેની સાથે જે થયું એ કોઈ સાથે ન થજો.’
‘એમ!’ ગ્રુપમાં નવી આવેલી હેતાક્ષીની ઉત્કંઠા ઊછળી, ‘એવું તે તેની સાથે શું થયું?’
‘ઓહ, તું નવી-નવી આ તરફ શિફ્ટ થઈ છે એટલે જાણતી નથી લાગતી...’ મંદિરાએ સસ્પેન્સ જમાવીને ધડાકો કર્યો, ‘તેનો વર આજકાલ કરતાં છ-સાત વર્ષથી લાપતા છે!’
હેં!
lll
‘બાઈ, તારા હાથમાં જાદુ છે!’
નીમાના હાથે સુતરાઉ કાપડ પર થતી એમ્બ્રૉઇડરી નિહાળીને તારાબાઈ બોલી ઊઠી, ‘મશીનની કારીગરીમાં પણ આવી ભાત નથી ઊપસતી.’
‘માણસ અને મશીનમાં એટલો ફેર તો રહેવાનોને માસી!’ કમર સીધી કરવા જેટલો વિરામ લેતી નીમાએ સ્મિત ફરકાવ્યું, ‘સાફસફાઈ માટે મેં વૅક્યુમ ક્લીનર વસાવ્યું હોત તો એ તમારા જેવી ચોકસાઈથી ઓછું કામ કરત. અને આવી મસાલાવાળી ચા તો તે ન જ બનાવી આપત.’
આમ તો તારાબાઈ બીજાં છ ઘરે કામ કરતી, પણ નીમા સાથે જીવ હળી ગયેલો. અંશુબાબા ઘરે હોય ત્યારે બેઉની લડાઈ-કચકચ ચાલુ જ હોય. એમાં દાદીનું હેત પડઘાય. ચારેક વર્ષથી અહીં આવતી તારાબાઈને નીમા પણ ફૅમિલી મેમ્બરની જેમ જ જાળવતી.
‘સ્ત્રીને જગદમ્બા કહેનારા તો ઘણા મળી આવે, પણ તારામાં તો મેં એ રૂપને સાક્ષાત્ નિહાળ્યું છે નીમા...’ તારાબાઈ ચાના ખાલી કપ કિચનમાં લઈ જતાં બોલી ગઈ, ‘નહીં સધવા કે નહીં વિધવા જેવું જીવન, નાના છોકરાના ઉછેરની જવાબદારી ઓછી હોય એમ માથે ધણીનું દેવું... બીજી કોઈ હોત તો પડી ભાંગી હોત કે પછી ભાગી છૂટી હોત, પણ તેં તો તારી આ આવડતને આજીવિકાનું સાધન બનાવીને બધા મોરચે ઝઝૂમવાનું નક્કી કર્યું એ કઈ ખાવાના ખેલ હતા?’
ડોક ધુણાવીને નીમા કામમાં જોતરાઈ. કોઈ પોતાની દયા ખાય એ નીમાને મંજૂર નહોતું એમ તારાબાઈ જેવા બહુ વખાણે એનાથી અલિપ્ત રહેતી.
‘હું તો કહું છું બાઈ, હજી મોડું નથી થયું...’
રસોડામાં વાસણ ઘસતી તારાબાઈ પોતાની ધૂનમાં બોલતી રહી, ‘તારી
ત્રીસ-બત્રીસની વય કંઈ મોટી ન ગણાય. રૂપ તો હજીયે જાણે વણબોટ્યું હોય એવું છે. શા માટે ફરી પરણી નથી જતી?’
નીમા સ્થિર થઈ.
‘અંશ પણ હજી નાદાન, નાસમજ છે. તેનું કુમળું માનસ તારા બીજા પતિને પોતાના પહેલા પિતા તરીકે સ્વીકારી પણ લેશે...’
નીમાએ હોઠ કરડ્યો. અંશને પિતાની ગેરહાજરી પજવે નહીં એટલે પોતે ઘરમાં પતિની તસવીર પણ રાખી નહોતી, પરંતુ બાળક ઘરની બહાર કદમ મૂકે પછી દુનિયાદારીની સમજ આપોઆપ કેળવાતી જતી હોય છે. સ્કૂલના પહેલા દિવસે પાંચ વર્ષના અંશના ચિત્તમાં પહેલી વાર પ્રશ્ન ઊઠ્યો હતો : મૉમ, અહીં બાળકો સાથે મમ્મી ઉપરાંત પપ્પા પણ છે... મારા પપ્પા ક્યાં છે? આપણી સાથે કેમ નથી?
પોતે આ સવાલ માટે તૈયાર નહોતી. જૂઠ કહેવું નહોતું અને સચ સમજવા જેવડી અંશની ઉંમર નહોતી. મને મૂંઝાતી ભાળીને અત્યંત સોહામણો પુરુષ આછું સ્મિત ફરકાવતો અમારી નજીક આવ્યો, અંશ સામે ઘૂંટણિયે બેઠો, ‘કોણ કહે છે તારા પપ્પા તારી સાથે નથી. તું જાણે છે
કે તારા-મારા-આપણા સૌના પિતા એક
છે - પરમપિતા પરમેશ્વર! અને તે તો હંમેશાં આપણી સાથે જ હોય છે...’
કહીને તેણે અંશના ગાલે ટપલી મારી, ‘અને તને જોતાં લાગે છે કે તું તો તેમનો ફેવરિટ બાળક છે.’
‘ખરેખર!’ અંશની કીકી સહેજ પહોળી થઈ, પછી મારો પાલવ પકડ્યો, ‘હું તો મારી મૉમનો પણ ફેવરિટ છું.’
સાંભળીને તે પુરુષ હસી પડ્યો, ‘તું અહીં સૌનો ફેવરિટ બની જવાનો.’
- તે અતુલ્ય હતા... સ્કૂલના કો-ઑર્ડિનેટર ટીચર. પહેલા જ દિવસથી અંશ તેમનો હેવાયો થઈ ગયો. અતુલ્યને પણ અંશની એટલી જ માયા.
‘તારે કોને પૂછવાનું રહે છે?’
રસોડામાંથી તારાના અવાજે નીમાને ઝબકાવી દીધી. વિચારબારી બંધ કરીને તે સાંભળી રહી:
‘તારે ન સાસરામાં કોઈ, ન મહિયરમાં માવતર રહ્યાં. બીજું કંઈ નહીં તો અંશને બાપનો પ્યાર મળશે એટલા ખાતર પરણી જા...’
‘મારાથી એમ નહીં પરણાય તારાબાઈ!’ નીમાએ હળવા સૂરમાં કહ્યું, ‘લાપતા વ્યક્તિને કાયદો પણ ૭ વર્ષ સુધી મૃત નથી માનતો અને શેખરને હજી સાડાછ વર્ષ જ થયાં છે એટલે હું તેની પરણેતર જ ગણાઉં. પછી મારાથી બીજાં લગ્ન કેમ થાય? રખેને શેખર અચાનક દરવાજે આવીને ઊભા તો...’
એવી જ સોયની અણી આંગળીના ટેરવે ભોંકાઈ. નીમાથી પીડાનો સિસકારો થઈ ગયો.
lll
‘મૉમ, તને ખબર છે?’ રાતે સૂતી વેળા સાંભર્યું હોય એમ અંશના સ્વરમાં ભેદ ખોલવાની ઉત્સુકતા હતી, ‘આજે રિસેસમાં અતુલ્યસરને મળવા ગયો ત્યારે તે સ્ટાફરૂમમાં એકલા હતા ને તારી જેમ મલકી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે આજે મૉમ પણ તમારી જેમ જ મલકાતી હતી.’
‘તારે એવું કહેવાની શી જરૂર હતી? દોઢડાહ્યો!’ ટકોરીને નીમાએ ધડકતા હૈયે પૂછી લીધું, ‘તારા અતુલ્યસરે શું કહ્યું?’
‘બીજું શું કહે? તે મને યાદ કરીને જ મલકી રહ્યા હતા, બોલ!’
‘બહુ સારું. તું ને તારા અતુલ્યસર!’ મનમાં જ મલકીને નીમાએ અંશનું ઓઢવાનું સરખું કર્યું, ‘નાઓ સ્લીપિંગ ટાઇમ.’
lll
અતુલ્ય કોને સાંભરીને એકલા-એકલા મલકતા હશે!
અંશને સુવાડીને પોતાની રૂમમાં પલંગ પર લંબાવતી નીમાએ હળવો નિશ્વાસ નાખ્યો : આનો જવાબ હું જાણું છું, પણ એને હોઠે લાવતાં ડરું છું.
સ્કૂલના પહેલા દિવસે અતુલ્યે અંશને બહુ કાળજીથી સંભાળ્યો. પછીથી બેઉનું બૉન્ડિંગ જેન્યુઇનલી જામી ગયું... એટલી જ સહજતાથી પોતે પણ અતુલ્ય સાથે ભળતી થઈ. પેરન્ટ્સ મીટમાં મળવાનું થાય ત્યારે કોઈ સહૃદયી મિત્ર પાસે બેઠી હોય એવું લાગે.
‘અતુલ્યસર તમે!’
પોતે પરોઢિયે નજીકના જુહુ બીચ પર જૉગિંગમાં જતી એમાં એક સવારે અતુલ્યને જોઈને નવાઈ લાગેલી. હું જૉગ કરવા અહીં આવું છું એ અંશ પાસે જાણીને અતુલ્ય આવ્યો હોય એવી કલ્પનાએ મુગ્ધ થતા મનને ટપારી લીધું : અતુલ્ય કંઈ નાદાન કૉલેજિયન ઓછા છે.
અતુલ્ય પણ તેને ભાળીને ચમકેલો, મલકેલો : ઓહ, તમે પણ જૉગ માટે અહીં આવો છો! હું પહેલાં ઘર નજીકના પાર્કમાં જતો. પછી થયું કે મુંબઈકરે તો દરિયાની રેતીમાં જ ચાલવાનું હોયને.
આમ તો બેઉ અલગ દોડતાં, પણ દરમ્યાન વાતો થતી રહે.
‘મને એક વાત ન સમજાઈ અતુલ્યસર’
‘સર હું સ્કૂલમાં, અહીં અતુલ્ય કહેશો તો ચાલશે.’
પોતે સહજતાથી સંબોધનનો બદલાવ સ્વીકારી લીધેલો.
‘તમે સાઇકોલૉજીમાં PhD કર્યું છે. કો-ઑર્ડિનેટરની મામૂલી જૉબ તમારા ક્વૉલિફિકેશન સાથે મેળ નથી ખાતી...’ કહીને મેં ઉમેરેલું : તમારા અંગતમાં દખલ દેતી હોઉં તો ક્ષમા કરજો...
‘આપણી વચ્ચે ક્ષમાનો વહેવાર રાખવાની જરૂર નથી નીમા...’ કહીને અતુલ્ય ગંભીર બનેલો : ખરેખર તો અમારા વલસાડની જ કૉલેજમાં પ્રોફેસર તરીકે મેં બે વર્ષ કામ પણ કર્યું છે, પણ જિંદગીમાં એક વળાંક એવો આવ્યો કે...
અત્યારે પણ એ સાંભરીને નીમાએ ચુભન અનુભવી : અમે બન્ને દાઝેલા છીએ, એકમેકના દર્દથી વાકેફ પણ છીએ. અતુલ્યને સંભારીને હું મલકતી હોઉં ને તે પણ મને સંભારીને જ મલકાતા હોય. આમાં અનુરાગના અંકુર ફૂટ્યાની ગવાહી પણ છે... ક્યારેક તો એવું પણ લાગે કે હમણાં અતુલ્ય પ્રીતનો એકરાર કરીને ભવના બંધનનો કૉલ માગશે...
ધારો કે અતુલ્ય એવું કંઈ કરે, પૂછે તો મારો જવાબ શું હશે?
lll
ધારો કે હું પૂછું નીમા કે આપણે એક થઈ જઈએ તો તારો જવાબ શું હશે?
પડખા ઘસતાં અતુલ્યે ઇરાદો ઘૂંટ્યો : નીમાના જવાબની મને ખાતરી છે, હવે અવઢવમાં નથી રહેવું... કાલે જૉગિંગમાં નીમાને પૂછી લઈશ.
અને તેની નજર પલંગના પડખેના ટેબલ પર મૂકેલા બ્રોશર્સ પર પડી.
એમાં નેપાલના પ્રવાસના અલગ-અલગ વિકલ્પ હતા. ખરેખર તો શ્રાવણમાં પશુપતિનાથનાં દર્શને જવાની ઇચ્છા હતી. એમાં અંશ-નીમા જોડાય તો એ પ્રવાસ સહજીવનના આરંભ જેવો યાદગાર બની જાય કે નહીં?
(ક્રમશ:)
