અતુલ્ય ભૂતકાળની કડવી યાદો ભૂલી નવી જિંદગી શરૂ કરે છે. આસિતાના કરુણ અંત પછી નીમા સાથે સંબંધને નવી દિશા મળે છે, પરંતુ પશુપતિનાથના દર્શન બાદ શેખર અચાનક નીમાનું અપહરણ કરીને બધું બદલી નાખે છે. હવે નીમાની સલામતી સામે નવો ખતરો ઊભો થાય છે
ઇલસ્ટ્રેશન
શ્રી ગજાનન જય ગજાનન...
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશધૂન સાથે અતુલ્યે નિત્ય પાઠ વાંચવા શરૂ કર્યા. માની આ શીખ હતી.
‘તમે બધા બહુ ધાર્મિક છો નહીં!’ આસિતા કહેતી.
સાતેક વર્ષ અગાઉની વાત. રૂડોરૂપાળો દીકરો વલસાડની કૉલેજમાં લાગ્યા પછી મામાં એકના એક દીકરાનાં લગ્નની હોંશે ઉપાડો લીધો હતો. એમાં સુરતની આસિતા જોડે અતુલ્યનો મેળ જામી ગયો. અપ્સરા જેવું રૂપ, BAનું ભણતર અને ખાનદાન ખોરડું. છોકરી ઘરકામમાં ઓછી લાગી, પણ એ તો લગ્ન પછી જવાબદારી માથે આવતાં આપોઆપ કેળવાઈ જાય.
માતા-પિતા દીકરાની સગાઈથી ખુશ હતાં. અતુલ્યની ઊર્મિમાં આસિતા પ્રિયતમાના રૂપમાં છવાઈ હતી. માના પૂજાપાઠ, પિતાનું ધરમધ્યાન, પોતાનું મંદિરે જવું તેને સ્વાભાવિકને બદલે વધુ પડતું ધાર્મિક લાગતું. તેની વાતો ફિલ્મની હિરોઇનોની આસપાસ મંડરાતી રહે છે, તેમની ફૅશનની નકલમાંથી ઊંચી નથી આવતી. આ બધાનો ભેદ અતુલ્યને વર્તાયો જ નહીં.
એક તરફ ઘરમાં લગ્નના મુરતની વાતો ચાલતી હતી ત્યાં ધડાકો થયો. અતુલ્યના નામે એક નાનકડો પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે...
હું સગાઈ ફોક કરું છું. હું લગ્ન માટે બની જ નથી. મારે તો હિરોઇન બનવું છે. માતા-પિતાના દબાણે મેં સગાઈ માટે હામી ભરી હતી. ઘરના પરાણે મને પરણાવી દે એ પહેલાં હું ઘર છોડીને જાઉં છું... તકલીફ બદલ સૉરી.
- લિ. આવતી કાલની સુપરસ્ટાર આસિતા!
અતુલ્યના સંવેદનાતંત્ર પર એ કારમો ઘા હતો. પિતાજીએ આસિતાના પિતાનો ઊધડો લીધો તો તેમણે સામી લાચારી દાખવી : આસિતાએ તો નાક કાપ્યું. અમારો તેની સાથે હવે કોઈ નાતો નથી...
મા-બાપ અતુલ્યને બીજી છોકરી જોવા કહેતા, પણ અતુલ્યની ભીતર એ ઉમળકો જ પ્રગટતો નહીં. આસિતાને તે વિસારી ચૂકેલો, તેનાં કરતૂત વીસરાતાં નહીં. એમાં ટૂંકી માંદગીમાં મા-બાપ પાછાં થતાં ગામ છોડીને તે ચારેક વર્ષથી મુંબઈ આવીને વસ્યો એમાં કોઈક રીતે બૉલીવુડમાં નસીબ અજમાવવાના ઇરાદે ઘરેથી ભાગેલી આસિતા ક્યાંક ભટકાઈ જાય એવી મનસા તો સહેજે નહોતી. બલ્કો માયાવી નગરીમાં સાદગીથી રહેવાનું, ખપ પૂરતું જ કમાવાનું. કો-ઑર્ડિનેટરની જૉબમાં બાળકો સાથે રહીને તે પોતાની વ્યથા ભૂલી જતો એ સુખ સૌથી મોટું હતું. અંશના આગમને જાણે પોતાનો જ તે અંશ હોય એવું બૉન્ડિંગ બની ગયું, નીમા સાથે પણ આત્મીયતા ગંઠાતી ગઈ.
જિંદગી ફરી પાટે ચડી છે, હવે કોઈ વિઘ્ન નહીં આવે એટલું કરજો મારા વિઘ્નહર્તા દેવ.
lll
અરેરેરે!
તૈયાર થઈને લાઉન્જમાં નીમા-અંશની રાહ જોતા અતુલ્યે ટેબલ પર પડેલુ અંગ્રેજી અખબાર ‘નેપાલ ટાઇમ્સ’ ઉઠાવ્યું. અંદરના પાનાની ન્યુઝ-આઇટમ પર નજર પડતાં તેના આઘાતજનક ઉદ્ગારે લિફ્ટમાંથી અંશને લઈને આવતી નીમાને ચમકાવી : શું થયું અતુલ્ય?
અતુલ્યએ તેની આગળ અહેવાલ ધર્યો.
નાઇટ-ક્લબની કૅબરે ડાન્સર મહેકનું સારવાર દરમ્યાન મૃત્યુ.
મથાળું વાંચીને નીમાએ પ્રશ્નાર્થ નજરે અતુલ્યને નિહાળ્યો.
‘આજની મહેક એટલે ગઈ કાલની આસિતા!’
હેં! આસિતા નથી રહી? નીમાએ ધ્યાનથી અહેવાલ સાથેના ફોટો પર નજર ટેકવી : આસિતા બેહદ ખૂબસૂરત હતી એ તો કબૂલવું પડે. અહેવાલમાં લખ્યા મુજબ અઢી વર્ષથી તે અહીંની રીગલ નાઇટ-ક્લબના પેરોલ પર હતી. કૅબરે ડાન્સથી ગ્રાહકોને બહેલાવવાનું તેનું કામ હતું. જોકે તેનું જોબનતીર ક્લબના પાર્ટનરને જ ઘાયલ કરી ગયું. બે વર્ષથી તેમનો પ્રણયફાગ ખેલાઈ રહ્યો હતો. એમાં મહેકે હવે લગ્નનું દબાણ કરતાં બેઉ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. આવા જ એક ઝઘડામાં કહેવાતા પ્રેમીએ મહેકના પેટમાં છુરી હુલાવતાં હૉસ્પિટલમાં અઠવાડિયાથી જીવનમરણનો જંગ ખેલતી તે ગઈ મોડી રાતે આખરે હારી ગઈ. તેનો પ્રેમી સત્યેન જે ખૂનના પ્રયાસ બદલ ઑલરેડી પોલીસની હિરાસતમાં છે અને અરેસ્ટ થતાં જ તેની તબિયત બગડતાં શરૂથી હૉસ્પિટલમાં જ ઍડ્મિટ છે તેના પર હવે મર્ડરનો ચાર્જ લાગશે...
બિચારી! ઘરેથી હિરોઇન બનવા ભાગેલી આસિતા ક્યારેય રૂપેરી પડદે ચમકી નહોતી એટલે તેની ગુમનામીની કથામાં કૅબરે ડાન્સર તરીકે નેપાલ સુધી પહોંચવામાં કેટલા ને કેવા-કેવા અંધારિયા કૂવા આવ્યા હશે એ વિના કહ્યે-પૂછ્યે સમજાય એમ છે.
સગાઈ તોડીને ભાગેલી યુવતી લગ્નની જીદને કારણે મૃત્યુને વરે એ પણ વિધાતાના કેવા લેખ!
lll
‘સલામ સા’બ!’
અતુલ્યે ફોન કરતાં કારનો ડ્રાઇવર તેમને લાઉન્જમાં શોધતો અદબભેર સામે આવીને ઊભો, ‘માયસેલ્ફ અભયસિંહ. આજથી હું તમારી સાથે રહીશ. ફુલ ટાઇમ ઍટ યૉર સર્વિસ.’
તેનું નેપાલી છાંટવાળું અંગ્રેજી
અતુલ્ય-નીમાને મલકાવી ગયું. ડ્રાઇવરના સફેદ યુનિફૉર્મમાં શોભતો બાવીસેક વર્ષનો અભયસિંહ તરવરાટભર્યો જુવાન લાગ્યો. થોડો બોલકણો ખરો, પણ શરૂનાં બે-ત્રણ સ્પૉટમાં ખ્યાલ આવી ગયો કે છોકરા પાસે નેપાલના ઇતિહાસ-ભૂગોળ, ભૂતકાળ-વર્તમાનની ખાસ્સી જાણકારી છે. ડ્રાઇવિંગ સફાઈદાર છે, પર્યટકોને ફેરવવાનો ઉત્સાહ છે અને અંશને અંશુબાબા કહીને કેવો ભોળવી લીધો છે!
‘અમારા દેશમાં જોવાનું તો ઘણું છે સા’બજી, પણ ઇન્ડિયન્સને બે બાબતનો ક્રેઝ છે – અમારા પશુપતિનાથ મહાદેવનાં દર્શનનો અને નેપાલનું બીજું આકર્ષણ એટલે અહીંના કસીનો!’
‘આપણને જુગારમાં રસ નથી...’ તરત તો અતુલ્યે કહી દીધું, પછી સંભાર્યું, ‘આજકાલ રીગલ કસીનો ન્યુઝમાં છે... કંઈક મર્ડરની વાત છે.’
‘મર્ડર...’ અભયને ઝબકારો થયો, ‘ઓહ, રીગલ કસીનો નહીં, તમે રીગલ નાઇટ-ક્લબની વાત કરતા લાગો છો. છએક વર્ષ પહેલાં ત્રણેક પાર્ટનરે ભેગા મળી જૂની મિલકત ખરીદી રિનોવેટ કરીને ક્લબ શરૂ કરી. આમ તો નેપાલમાં ન્યુડ ડાન્સ કે ડ્રગ્સ અલાઉ નથી, પણ બંધબારણે ઘણું કંઈક ચાલતું હોય એમ રીગલ આવા કાળા ધંધા માટે વગોવાયેલી.’
માંડીને વાત કહેવાની ટેવ ધરાવતા અભયે ઉમેર્યું, ‘એમાં મહેકના આગમને રીગલના ભાવ ઊંચકાયા. એવું પણ કહેવાતું કે અહીં ચાલતા ડ્રગ-રૅકેટમાં ચીનના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે...’ કહેતાં અભયે મોં બગાડ્યું, ‘ચીને અમારા દેશમાં જબરો પગપેસારો કર્યો છે એ તો તમે જાણતા જ હશો.’
પછી કડી સાંધી, ‘રીગલમાં સમાચાર એ બન્યા કે ક્લબની ડાન્સરના પેટમાં ક્લબના એક પાર્ટનરે ચાકુ હુલાવ્યું. બન્ને વચ્ચે લફરાની વાત છે. આમાં બિચારીએ જીવ ગુમાવ્યો; પણ જોજોને, તેનો પાર્ટનર વગ વાપરીને કાયદાની પકડમાંથી પણ વહેલોમોડો સરકી જવાનો...’
અભયે બ્રેક મારી, ‘લો સા’બજી, આપણે પશુપતિનાથના પાવન ધામે આવી ગયા.’
lll
હરહર મહાદેવ!
પરિસરમાં પગ મૂકતાં જ અભિભૂત થઈ જવાયું. અંશને અતુલ્યે ખભે બેસાડ્યો.
ગર્ભદ્વારમાં માથું ટેકવતી વેળા નીમાએ સિંદૂરની ડબ્બી કાઢીને અતુલ્યને ધરી.
નીમા માની ગઈ!
‘હા અતુલ્ય, આગળ વધવું જ છે તો જે છૂટ્યું છે એના વિશે શું કામ વિચારવું?’
ઝળાહળા થતા અતુલ્યે માંગ ભરતાં નીમાએ અંશને પોતાની પાસે લીધો : હવેથી અતુલ્યને તારે પપ્પા કહેવાનું.
અંશને આ સંબોધનફેર બહુ સમજાયો નહીં, પણ તેણે ‘પપ્પા’ કહેતાંની ક્ષણે મંદિરનો ઘંટ બાજી ઊઠ્યો અને અતુલ્ય-નીમાને એવું જ લાગ્યું જાણે અમારા ગઠબંધનમાં મહાદેવે સાક્ષી પુરાવી!
lll
‘સત્યેન, તું સમજતો કેમ નથી! હૉસ્પિટલનો સ્ટે લંબાવાય એમ નથી. આવતા વીકમાં કેસનું હિયરિંગ છે. એમાં તને જામીન મળી જ જવાના... બાકી હૉસ્પિટલમાંથી ભાગીને તું તારા ભેગો અમને પણ મુસીબતમાં નાખીશ.’
રુસ્તમ-ખુરશીદ સમજાવીને થાક્યા, પણ સત્યેનને પોતાના પાર્ટનર્સ પર ભરોસો રહ્યો નહોતો. ગઈ રાતે મહેકના મર્યા પછી તો નહીં જ.
ધંધો જમાવવા મેં શું નથી કર્યું! રીગલ નાઇટ-ક્લબનું નામ જામ્યું મારા પ્રયાસોથી. હીરાને જોહરી તરાશે એવી ચોકસાઈથી ક્લબ માટે ડાન્સર્સ તરાશતો. ચાઇનીઝ એજન્ટ સાથે મળીને ડ્રગ-સપ્લાયનું સેટિંગ ગોઠવ્યું... છપ્પરફાડ કમાણી હતી.
પણ કમબખ્ત ઇશ્ક.
દિલ્હીની એક રેવ પાર્ટીમાં મહેકને નાચતી જોઈને પોતે તેને નેપાલ લઈ આવ્યો... તેના આગમને નાઇટ-ક્લબનો ધંધો ઊછળ્યો. કંપની તરફથી પોતે તેને ઘર અપાવ્યું, પગાર વધાર્યો એટલે કદરદાનીરૂપે તેણે પોતાના હુશ્નનો ખજાનો મને ન્યોછાવર કરી દીધો. તેના બિસ્તરમાં માઝા મૂકતી ઐયાશી માણીને પોતે તેના પાશમાં બંધાયો એને મહોબત માની બેઠેલી મહેક પરણવાની જીદ કરવા લાગી. હુશ્નનો જાદુ બે-ચાર વર્ષથી વધુ ટકવાનો નહોતો એટલે મારા જેવા માલદાર આસામીને મહોબતના નામે પરણીને સેટલ થવાની તેની નીયત સમજાય એવી હતી, પણ મારે ક્યાં ખીલે બંધાવું હતું? બસ, એમાંથી ઝઘડા વધતા ગયા. એ રાતે તેણે અમારી રંગીન ફિલ્મ ફરતી કરવાની ધમકી આપતાં પોતે આપો ગુમાવીને છુરી હુલાવી બેઠો...
મને તો એવું જ લાગ્યું કે તે મરી ગઈ છે. ક્લબ પર આવી ભીનું કેમ સંકેલવું એ વિચારતો હતો ત્યાં અડધી રાતે મહેકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આવીને મને ઝડપી લીધો અને હવે મહેકનું ડેથ થતાં મર્ડરનો ચાર્જ થઈ ગયો... મહેકના ખૂનમાં મને ફાંસી થાય તો નફામાં એક ભાગ ઓછો વહેંચવાનો થાય એટલે હું છૂટું એમાં કાળા કામના ભાગીદારોને રસ હોય એ માનવાનું કારણ નથી. રુસ્તમ-ખુરશીદે મને જેલને બદલે હૉસ્પિટલમાં રહેવાની સવલત ગોઠવી એ ખરેખર તો આમ છૂટથી મળી શકાય, મને ભોળવી શકાય એ માટે.
પણ અત્યારે તો તેમને ભુલાવામાં રાખવાના છે મારે.
‘વેલ, તમે જામીન માટે આટલા શ્યૉર હો તો મારે ભાગવાનું વિચારવાનું જ ન હોય.... ઠીક છે, બટ થોડી કૅશ મૂકતા જાઓ, સ્ટાફ ટિપ બહુ માગે છે.’
રુસ્તમ-ખુરશીદને આમાં કશું ગંધાયું નહીં. સત્યેનને કૅશ આપીને બેઉ મલકાતા નીકળ્યા : આ હવે અંદરથી ક્યારેય બહાર નહીં નીકળે!
lll
‘આ છે કાઠમાંડુની મુખ્ય માર્કેટ.’
પશુપતિનાથનાં દર્શનેથી નીકળેલાં અતુલ્ય-નીમા ઉમંગમાં લાગ્યાં. અંશ અતુલ્યને પપ્પા કહેવા લાગ્યો અને નીમાની માંગમાં સિંદૂર જોઈને અભયના હોઠે આવે ગયું કે તમે હસબન્ડ-વાઇફ નથી એટલું તો મને દિવસભરમાં પરખાયું, મંદિરમાં તમે લગ્નની મહોર મારીને આવ્યાં હો તો જ આમ બને!
જોકે આવું કહીને તેમને સંકોચમાં મૂકવા કરતાં તેમના આનંદને માણવાનો હોયને! આત્મીય લાગે એવા ટૂરિસ્ટ્સ ભાગ્યે જ મળતા હોય છે...
‘સા’બજી, અહીં પાર્કિંગનો ચાર્જ લાગશે એટલે હું માર્કેટની બહાર ઊભો છું. તમારું શૉપિંગ પતે એટલે મને કૉલ કરજો...’
‘અતુલ્ય, હું નથી આવતી, તમારે જવું હોય તો અંશને લઈને ફરી આવો.’
ખરેખર તો નીમા એકલી પડીને મંદિરમાં જે બની ગયું એ વાગોળવા માગતી હતી, સાંપડેલા સુખને મમળાવવા માગતી હતી; જ્યારે અતુલ્યની ઇચ્છા નીમાને કશુંક ગિફ્ટ કરવાની હતી. અંશ માટે તો કશીક યાદગીરી લેવાની હોય જ.
‘ભલે...’ અંશ-અતુલ્ય ઊતર્યા એટલે અભયે માર્કેટથી થોડા આગળ આવીને કાર સાઇડમાં દબાવી.
‘મેમસાબજી, સામી દુકાનમાં મોમોઝ સારા મળે છે... ટેસ્ટ કરો.’
અભય પાછળ બેઠેલી નીમાને કહીને પોતાની બાજુનો દરવાજો ખોલે છે કે પાછલો દરવાજો ખોલીને તે કારમાં દાખલ થઈ ગયો, નીમાના પેટ આગળ છુરી દબાવી : ખબરદાર...
અભય ઊતરતો અટકી ગયો, ચીસ પાડવા જતી નીમાના મોં પર આવનારે પંજો કસ્યો : કોઈ અવાજ નહીં...
અ...વા...જ! આગંતુક પર નજર ટેકવતાં નીમાનાં નેત્રો પહોળાં થયાં, છાતીમાં હાંફ ઊમટી.
‘એય ડ્રાઇવર! બાઈનો જાન જાળવવો હોય તો ભગાવ ગાડી.’
કટોકટી પામી ગયેલા અભયે તાત્પૂરતું તો કાર હંકારવામાં નીમાની સલામતી જોઈ.
આ બાજુ મોં પર ભીંસાયેલો હાથ જોમ વાપરી હટાવીને નીમા હાંફતા શ્વાસે બોલી ઊઠી : શે...ખ...ર... તું!
શેખર. કારમાં બળજબરી ઘૂસેલો શખ્સ ચમક્યો, ધ્યાનથી બાનમાં લીધેલી સ્ત્રીને નિહાળી : ની...મા, તું!
શેખરે અટ્ટહાસ્ય વેર્યું. નીમાનું રોમેરોમ કાંપી ઊઠ્યું. દેવભૂમિમાં ભૂતકાળ આમ સંધાશે એ ધાર્યું નહોતું.
એમ તો ભવિષ્યની પણ કોને ખબર હતી?
(આવતી કાલે સમાપ્ત)
