મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે Rani Mukerjiને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક બાબતોના મંત્રી એડ. આશિષ શેલાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના સભ્યો, મહાનુભાવો અને ફિલ્મ જગત સાથે જોડાયેલી અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
જાણીતાં એક્ટ્રેસ રાની મુખરજીને 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં
જાણીતાં એક્ટ્રેસ રાની મુખરજી (Rani Mukerji)ને પ્રભાદેવીસ્થિત રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે આયોજિત 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે રાની મુખરજીને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક બાબતોના મંત્રી એડ. આશિષ શેલાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના સભ્યો, મહાનુભાવો અને ફિલ્મ જગત સાથે જોડાયેલી અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
ભારતીય સિનેમામાં તેમની કારકિર્દીના લગભગ ત્રણ દાયકા પૂર્ણ થયા છે. દિગ્ગજ ફિલ્મકાર અને અભિનેતા રાજ કપૂરના નામ પરથી આપવામાં આવતા આ એવોર્ડ મેળવીને રાણી (Rani Mukerji)એ મનોભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "મારા માટે મહારાષ્ટ્ર માત્ર એક રાજ્ય નથી. મહારાષ્ટ્ર મારી જન્મભૂમિ, મારી કાર્યભૂમિ અને મારા જીવનનો અવિભાજ્ય હિસ્સો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ સન્માન ખાસ છે કેમકે એ મને મારા પોતાના લોકો તરફથી અને જે સ્થળ સાથે મારો સંબંધ છે ત્યાંથી મળી રહ્યું છે. ભારતીય સિનેમાના દિગ્ગજ રાજ કપૂરજીના નામ પરથી એવોર્ડ મળવો એ મારા માટે ખૂબ જ નમ્રતા અને ગૌરવની ક્ષણ છે. અને હું આશા રાખું છું કે હું આ સન્માનને યોગ્ય ઠેરવી શકું.”
ADVERTISEMENT
રાની મુખરજી (Rani Mukerji)નો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. તેઓએ આ પ્રસંગ દરમિયાન મુંબઈ સાથેના પોતાના અતૂટ સંબંધ વિશે પણ વાત કરી હતી. તેઓએ કહ્યું કે, “મુંબઈએ મને મારી ઓળખ આપી છે. તેણે મને દર્શકો આપ્યા છે. તેણે મને કારકિર્દી આપી છે. અને તે મારું ઘર, મારી સુરક્ષિત જગ્યા, મારું સર્વસ્વ રહ્યું છે. તેથી આ એવોર્ડ મારા હૃદયમાં એક ખૂબ જ ખાસ સ્થાન ધરાવશે, કારણ કે જ્યારે પણ હું તેને જોઈશ, ત્યારે મને માત્ર એક એવોર્ડ દેખાશે નહીં. મને મારું મુંબઈ, મારું મહારાષ્ટ્ર દેખાશે.”
બ્લેક, નો વન કિલ્ડ જેસિકા, હિચકી, મર્દાની ફ્રેન્ચાઇઝી અને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે જેવી ફિલ્મોમાં અને સંઘર્ષશીલ મહિલાઓના પાત્રો ભજવવા માટે એક્ટ્રેસ રાની મુખરજી જાણીતાં છે. પોતાની આ સફરને યાદ કરતાં તેઓ ઉમેરે છે કે, “મેં એવાં કિરદાર પસંદ કર્યા જે મને સાચા લાગ્યા; જેમની વાર્તા, તેમની સફર અને તેમનો સંઘર્ષ મને સ્વાભાવિક રીતે પોતાની તરફ આકર્ષિત કરતા હતા. એવા પાત્રો જેમાં હિંમત હતી. એવા પાત્રો જેમાં ખામીઓ હતી. એવા પાત્રો જેઓ પૃષ્ઠભૂમિમાં ખોવાઈ જવાનો ઇનકાર કરતા હતા. એવી મહિલાઓ જેઓ ક્યારેય કોઈ અન્ય વ્યક્તિ આવીને તેમને બચાવશે તેની રાહ જોતી નહોતી. મેં ક્યારેય સિનેમાને માત્ર એક વ્યવસાય તરીકે નથી જોયું. મારા માટે સિનેમા એક ઊંડી લાગણી છે. અને મહારાષ્ટ્ર આ લાગણીનું ઘર છે.”
તેમણે મહારાષ્ટ્રને વિશ્વના સૌથી પ્રભાવશાળી સિનેમા કેન્દ્રોમાંનું એક બનાવવામાં યોગદાન આપનારા હજારો કલાકારો, ટેકનિશિયનો, ફિલ્મકારો અને વાર્તાકારોના યોગદાનને પણ બિરદાવ્યું હતું. તેમણે કહ્યું, “અહીં હજારો અને હજારો લોકો છે, જેઓ દરરોજ સવારે એક સપના સાથે જાગે છે અને એ છે એક વાર્તા કહેવાનું સપનું. અને આ વાર્તાઓ અહીં અટકી રહેતી નથી. તે મુંબઈથી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રથી ભારત અને ભારતથી સમગ્ર વિશ્વ સુધી પહોંચે છે. આ જ આ રાજ્યમાં વિકસતા ફિલ્મ ઉદ્યોગનો જાદુ અને શક્તિ છે.”
રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ ભારતીય સિનેમામાં રાની મુખરજી (Rani Mukerji)ના નોંધપાત્ર યોગદાન તેમજ મુંબઈ અને મહારાષ્ટ્ર સાથેના તેમના ગાઢ સંબંધને સન્માનિત કરે છે.
