Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > With Warm Wishes આ ભેટ જીવલેણ છે (પ્રકરણ ૩)

With Warm Wishes આ ભેટ જીવલેણ છે (પ્રકરણ ૩)

Published : 18 March, 2026 06:09 PM | Modified : 18 March, 2026 06:12 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘અમરેલી તપાસ કરાવું છું.’ સાવંતે તરત જ ચોખવટ પણ કરી, ‘નિમેશનો મોબાઇલ તો સ્વિચ્ડ ઑફ છે એટલે જાતે જ તપાસ કરાવવી પડશે.’

With Warm Wishes આ ભેટ જીવલેણ છે (પ્રકરણ ૩)

વાતા-સપ્તાહ

With Warm Wishes આ ભેટ જીવલેણ છે (પ્રકરણ ૩)


‘સાવંત, શક્ય નથી. બાર વર્ષ પહેલાં કોઈની જૉબ લેવામાં જો સુનીતાબહેન નિમિત્ત બન્યાં હોય તો પણ પૉસિબલ નથી કે એ માણસ બાર વર્ષ સુધી રાહ જુએ.’ સોમચંદના અવાજમાં દૃઢતા હતી, ‘આ કેસમાં કંઈક બીજું લાગે છે.’

‘બીજું શું હોઈ શકે?’ ઇન્સ્પેક્ટર સાવંતની આંખોમાં ઊંઘ હતી, ‘તમે નિમેશની પણ ના પાડો છો, આ માણસની પણ ના પાડો છો. તો છે કોણ?’



‘અત્યારે આપણી સામે જે કોઈ કૅરૅક્ટર આવ્યાં છે એ બધાં કૅરૅક્ટરમાં સૌથી વધારે જો કોઈના પર શક જતો હોય તો એ નિમેશ છે.’


ઇન્સ્પેક્ટર સાવંત કંઈ કહેવા જતા હતા પણ ડિટેક્ટિવ સોમચંદે તેને બોલવાની તક આપી નહીં.

‘સાવંત, કોઈ પણ શકમંદ એક વાર મળે પછી જ ક્લિયર થાય કે તે કેસમાં કેટલો ઇન્વૉલ્વ છે. આપણે નિમેશને શોધવો જરૂરી છે. એક વાર તે સામે આવશે તો ખબર પડશે કે તેને ધમકાવવાનું કામ કોઈ કરતું હતું કે પછી તે પોતે આપણને અવળા રસ્તે ચડાવવા માટે આ આખો સ્ક્રીનપ્લે લખે છે.’


‘અમરેલી તપાસ કરાવું છું.’ સાવંતે તરત જ ચોખવટ પણ કરી, ‘નિમેશનો મોબાઇલ તો સ્વિચ્ડ ઑફ છે એટલે જાતે જ તપાસ કરાવવી પડશે.’

‘ના, એની જરૂર નથી. એ છોકરાનો મોબાઇલ સ્વિચ્ડ ઑફ છે પણ વાઇ-ફાઇથી તે ઇન્ટરનેટ વાપરે છે અને તેનું વૉટ્સઍપ અમુક સમયે ઑન થાય છે.’ સોમચંદે સાવંતની સામે જોયું, ‘મેં તપાસ કરાવી છે. નિમેશનું લેટેસ્ટ લોકેશન કલાકમાં મળી જશે.’

‘વૉટ્સઍપ પરથી લોકેશન...’

‘હા... જો તમે મોબાઇલનું લોકેશન ઑન રાખ્યું હોય તો વૉટ્સઍપ એ લોકેશન દેખાડવાનું કામ કરે છે.’

બરાબર એ જ સમયે સોમચંદના મોબાઇલ પર મેસેજ નોટિફિકેશન આવ્યું અને સોમચંદના ચહેરા પર સ્માઇલ પણ.

‘કલાકની પણ રાહ જોવાની નથી. લોકેશન આવી ગયું.’ સોમચંદ ઊભા થયા, ‘નિમેશ અત્યારે મુંબઈમાં જ છે, મલાડમાં... સ્ટેશન પાસે ક્રિષ્ના લૉજ છે એનું લોકેશન આવે છે.’

‘હું આવું...’

‘ના, આપણે પોલીસ પલટન સાથે ત્યાં નથી જવું. જો તે અલર્ટ થઈ ગયો તો નવેસરથી બધી મહેનત કરવી પડશે.’ સોમચંદની વાતમાં તથ્ય હતું, ‘હું એકલો જ જાઉં એ બહેતર છે.’

ચેમ્બરની બહાર નીકળતાં પહેલાં સોમચંદે કહી દીધું.

‘કલાકમાં લઈને આવું છું, પછી રૂબરૂ જ તેની સાથે બધી વાત કરીએ.’

કાંદિવલીથી મલાડ પહોંચવામાં સોમચંદને વીસેક મિનિટ લાગી. વેસ્ટમાં સ્ટેશન પાસેની એક સાંકડી ગલીમાં આવેલી ‘ક્રિષ્ના લૉજ’ની રૂમ-નંબર ૨૦૪માં નિમેશ હતો.

ટક... ટક...

દરવાજે ટકોરા પડ્યા પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે સોમચંદે બાજુમાં ઊભેલા વેઇટરની સામે આંખો મોટી કરી. સોમચંદની મોટી આંખોએ વેઇટરને તેનો ડાયલૉગ યાદ કરાવી દીધો.

‘સા’બ, પાની કા જગ ચેન્જ કરના હૈ...’

ફરી સન્નાટો અને અડધી મિનિટ પછી રૂમનો દરવાજો સહેજ ખૂલ્યો અને રૂમમાંથી જગ સાથે એક હાથ બહાર આવ્યો કે તરત સોમચંદે એ હાથ પકડીને સીધો બહારની તરફ ખેંચ્યો. અંદર રહેલી વ્યક્તિ માટે એ અણધારી ઘટના હતી, તે સજાગ નહોતો એટલે સીધો બહારની તરફ ફેંકાયો અને સોમચંદે તેને ગરદનથી પકડી લીધો.

‘અમે તને સુરત લેવા ગયા અને તું સામેથી અહીં આવી ગયો.’

‘મેં... મેં કંઈ નથી કર્યું...’

‘એ વાત આપણે નિરાંતે બેસીને કરીએને.’ નિમેશની પૂંઠ પર લાત ફટકારતાં સોમચંદે વેઇટરને કહ્યું, ‘રૂમને બહારથી લૉક કરી દે, અંદર કોઈ જવું ન જોઈએ.’

પોલીસ-સ્ટેશનના ઇન્ટરોગેશન રૂમમાં નિમેશ ધ્રૂજતો હતો. હજી તો પોલીસે તેને હાથ પણ નહોતો લગાડ્યો ત્યાં તેને પરસેવો છૂટવા માંડ્યો હતો. નિમેશની આંખો લાલ હતી, કપડાં અસ્તવ્યસ્ત હતાં અને લૉજથી જ તે આ અવસ્થામાં હતો.

‘પ્રીતિ માટે તેં કાર્તિકને માર્યોને... બોલ?’ સાવંતે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો, ‘તેં જ બ્લાસ્ટ કરાવ્યોને?’

‘સાહેબ, મેં કોઈને નથી માર્યો. તમે કહો એના સોગન ખાઉં...’ નિમેશની આંખમાં આંસુ હતાં, ‘હું તો કાર્તિકને બચાવવા માગતો હતો અને એ જ કહેવા મેં તેને ફોન કર્યા હતા પણ કાર્તિક મારું કંઈ સાંભળતો નહોતો.’

‘જો તું તેને બચાવવા માગતો હતો તો પછી તારી રૂમમાં પ્રીતિ અને કાર્તિકનો ફોટો, એના પર ચોકડી...’ સોમચંદના સ્વરમાં શાંતિ હતી, ‘એ બધું શું છે?’

‘એ મારું કંઈ નથી. તમે કહો એના સોગન...’

‘સોગન ખાવાની જરૂર નથી. સાચું બોલીશ તો એ અમને એમ ને એમ પણ સ્પર્શી જશે એટલે બધું ફટાફટ બોલવા માંડ. અને હા...’ સોમચંદે તાકીદ કરી, ‘હવે એક પણ વાર બોલ્યો છો કે કહો એના સમ ખાઉં તો યાદ રાખજે, માતાજીના સોગન, તને મારી-મારીને પાડી દઈશ.’

સોમચંદ માત્ર બોલ્યા જ નહીં, પૅન્ટનો બેલ્ટ હાથમાં લઈને તે સામે ઊભા રહ્યા.

‘ચાલ બોલવા માંડ.’

‘કોઈ મને છેલ્લા એક મહિનાથી બ્લૅકમેઇલ કરે છે. મને અજાણ્યા નંબર પરથી ફોન આવતા કે જો હું કાર્તિક અને પ્રીતિનાં લગ્ન નહીં અટકાવું તો એ લોકો પ્રીતિને મારી નાખશે.’ નિમેશના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, ‘તમે જે ફોટોની વાત કરો છો એ ફોટો મને કોઈએ કુરિયરથી મોકલ્યો છે. ખાલી ફોટો નહીં, તમને મારા રૂમમાં ઍસિડ અને સલ્ફરની બૉટલો પણ મળી હશે. એ પણ એ ફોટો સાથે કુરિયરમાં આવી છે અને સાથે ધમકી હતી કે મારે એ બધું મારા રૂમમાં રાખવાનું અને જો હું નહીં રાખું તો મને મારી નાખશે અને સાથોસાથ પ્રીતિ અને કાર્તિકને પણ મારી નાખશે. તમે કહો એના...’

સટાક.

નિમેશના પગ પર સોમચંદનો બેલ્ટ પડ્યો અને નિમેશના અવાજથી ઇન્ટરોગેશન રૂમ ગાજી ઊઠ્યો.

‘તને ના પાડી છેને...’ સોમચંદનો અવાજ મોટો થઈ ગયો હતો, ‘તેં કાર્તિકને ફોન શું કામ કર્યો હતો?’

‘મને એમ કે હું કાર્તિકને ધમકાવીશ તો તે લગ્ન તોડી નાખશે અને પ્રીતિ બચી જશે.’ સાથળ પર થતા ચચરાટ પર હાથ ફેરવતાં નિમેશે કહ્યું, ‘એ લોકો મારું કંઈ સાંભળવા જ રાજી નહોતાં.’

‘તને ધમકી કેવી રીતે મળી હતી, ફોનથી?’

‘હા સાહેબ, પણ એ અવાજ બહુ વિચિત્ર હતો, જાણે કોઈ મશીન બોલતું હોય. પણ એ માણસને મહેતા ફૅમિલીની દરેકેદરેક વાતની ખબર હતી.’ નિમેશે જવાબ આપ્યો, ‘એ માણસે જ મને મુંબઈ જવા માટે કહ્યું અને તેણે જ મને કહ્યું કે મારે ક્રિષ્ના લૉજમાં રહેવાનું છે. અરે, મારું જમવાનું પણ તે જ મોકલાવતો. મારે કોઈને મોઢું પણ નહોતું દેખાડવાનું.’

‘સાવંત, આ છોકરો મહોરું છે. અસલી ખેલાડી આને દોરીથી નચાવી રહ્યો છે.’

‘નિમેશના ફોન પર જે કૉલ્સ આવ્યા એનું લોકેશન ચેક કરાવી લઈએ.’

‘મને લાગતું નથી કે એમાંથી કંઈ મળે પણ હા, એ ચેક કરાવી લેવું જોઈએ.’

સોમચંદનું અનુમાન સાચું હતું. નિમેશને જે કૉલ્સ આવ્યા હતા એ વૉઇસ ચેન્જર સૉફ્ટવેરથી ઇન્ટરનેટ કૉલ હતા. નિમેશને કુલ નવ કૉલ આવ્યા હતા, જે નવેનવ કૉલ અલગ-અલગ દેશોમાંથી આવ્યા હતા. સ્વાભાવિક રીતે જ સોમચંદ સમજી ગયા કે ફોન તો સુરતથી જ થયા છે પણ એ કરવા માટે ઇન્ટરનેટ પર આવેલી ફ્રી-કૉલિંગ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

‘હવે કરવું શું?’

ઇન્સ્પેક્ટર સાવંત બરાબરના મૂંઝાયા હતા. તેમની મૂંઝવણ સાચી પણ હતી. જો આ કોઈ સામાન્ય મર્ડર હોત તો બેચાર દિવસમાં મીડિયા એને ભૂલી ગયું હોત પણ આ મર્ડર માટે ઘરમાં બૉમ્બ મોકલીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને ઇન્ડિયન મીડિયા માટે આ બ્લાસ્ટ શબ્દ બહુ મહત્ત્વનો હતો. પોલીસ ઇન્ક્વાયરીમાં કોઈ સ્પષ્ટતા મળી નહીં હોવાથી મીડિયાને આ કેસનું બ્રીફિંગ મળતું નહોતું અને બ્રીફિંગ મળતું નહોતું એટલે મીડિયા હજી પણ
આ કેસને ટેરરિસ્ટ અટૅક સાથે સરખાવતું હતું.

‘જો આ લાંબું ચાલ્યું તો સોમચંદ, એટલું નક્કી છે કે મારી પાસેથી ઇન્ક્વાયરી લઈ લેવામાં આવશે અને જો એ લઈ લેવામાં આવી તો સો ટકા મારી કરીઅર પર ડાઘ લાગશે.’ સાવંતે કહ્યું, ‘આવતા વર્ષે મારું નામ રાષ્ટ્રપતિ અવૉર્ડ માટે મોકલવામાં આવે એવા ચાન્સિસ છે પણ જો આ કેસમાં કંઈ ઊંધુંચત્તું થયું તો...’

‘CCTV ફુટેજ...’ સાવંતની વાત કાપતાં સોમચંદે કહ્યું, ‘સાવંત, મને સુરતના કુરિયર સર્વિસવાળાની બહારનાં CCTV ફુટેજ જોઈએ છે. કોઈ દુકાનવાળો તો એવો હોવો જોઈએ જેનામાં આ ફુટેજ આવ્યાં હોય.’

‘વરાછા પોલીસ સ્ટેશનમાં આપણો ફ્રેન્ડ છે, તું કહે તો વાત કરું.’

‘હમણાં જ કર. બહુ જરૂરી છે.’

એક કલાકમાં કુરિયર સર્વિસવાળાથી ડાબી બાજુએ આવેલા રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમની બહાર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ આવી ગયાં.

‘સાવંત, આ રિક્ષાનો નંબર શોધ.’ ચાલીસેક વખત ફુટેજ જોયા પછી સોમચંદે સાવંતને કહ્યું, ‘આ જે માણસ છે એ ભિખારી જેવો લાગે છે અને કુરિયરવાળાએ પણ એ જ કહ્યું હતું કે કોઈ ભિખારી જેવો કુરિયર આપવા આવ્યો હતો. બને કે એ માણસને રિક્ષાવાળાએ જ્યાં ઉતાર્યો હોય એ લોકેશન મળી જાય અને એના આધારે આપણે આગળ વધી શકીએ.’

‘ઠીક છે.’ સાવંતે નંબર પર
નજર કરી અને તેની આંખો પહોળી થઈ, ‘સોમચંદ, આમાં માત્ર નંબર દેખાય છે. નંબર પરથી કેવી રીતે ખબર પડશે?’

‘૪૦૨૭ નંબર કેટલા વ્હિકલના હોય?’ સાવંત જવાબ આપે એ પહેલાં સોમચંદે આગળ વાત વધારી, ‘એ જેટલાં પણ વ્હીકલ હોય એમાંથી રિક્ષા કેટલી હોય અને એ જેટલી પણ રિક્ષા હોય એમાંથી કેટલી રિક્ષા એ દિવસ વરાછામાં કુરિયર સર્વિસવાળાને ત્યાં આવી હોય?’

‘થોડું લાંબું નહીં થઈ જાય?’

‘ટૂંકું કરીને જો રિઝલ્ટ ન મળતું હોય તો લાંબો રસ્તો પણ પસંદ કરવો પડેને.’ સોમચંદ ઊભા થયા, ‘તું આ નંબરની રિક્ષા શોધ, ત્યાં હું હર્ષદ મહેતાને મળીને આવું. તારી નવી શકમંદ વ્યક્તિ એ છે.’

સાવંત કંઈ પૂછે એ પહેલાં ડિટેક્ટિવ સોમચંદ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા.

‘હર્ષદભાઈ, તમે કાર્તિકના નામે પાંચ કરોડનો ઇન્શ્યૉરન્સ લીધો, એ પણ લગ્નના બરાબર ૧૫ દિવસ પહેલાં. કેમ?’

હર્ષદભાઈનો ચહેરો ફીકો પડી ગયો.

‘એ... એ તો તેના ભવિષ્ય માટે હતો સોમચંદભાઈ.’

‘ભવિષ્ય માટે કે તમારી ઉધારી ઉતારવા માટે?’ સોમચંદના અવાજમાં કડપ હતો, ‘માર્કેટમાં તમારી
આબરૂ દાવ પર છે. અઢી કરોડની ઉધારી, એમાં દીકરાનાં મૅરેજ અને બૅન્કના વ્યાજનાં ચક્કર ચાલું. શું તમે આ બધું...’

‘તમે, તમે કહેવા શું માગો છો?’ હર્ષદભાઈની આંખમાં આંસુ આવી ગયાં, ‘સાહેબ, ગમે એટલું દેવું બોલતું હોય પણ એનો અર્થ એવો તો નથીને કે હું મારા દીકરાને મારું? હા, મેં ઇન્શ્યૉરન્સ લીધો, કારણ કે મને ધમકીનો ફોન આવ્યો હતો કે કાર્તિકનો જીવ જોખમમાં છે.’

એ જ સાંજે ડિટેક્ટિવ સોમચંદને તેના ઘરે એક પાર્સલ આવ્યું. એમાં બૉમ્બ નહોતો, પણ એક જૂનો ફોટો હતો. ફોટો સુનીતાબહેન અને હર્ષદભાઈનાં લગ્નનો હતો. ફોટોમાં એ બન્ને પાછળ એક માણસ ઊભો હતો, જેનો ચહેરો કાપી નાખવામાં આવ્યો હતો. ફોટોની પાછળ લખાણ હતું.

‘જે ભૂલી ગયા છો એ યાદ અપાવવા હું આવ્યો છું. ત્રણ લાશ હજી બાકી છે.’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 06:12 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK