પરણીને પોતે આ ઘરમાં આવ્યાં ત્યારે જાતને ખુશનસીબ માની હતી. પતિ આર્મી ઑફિસર છે એનો ગર્વ રોમ-રોમમાં છલકતો હતો. સુહાગરાતે સલોણા શમણાં પૂરાં થયાંનો સંતોષ તરવર્યો હતો, પણ ચાર જ દિવસમાં ખુમાર ઓસરી ગયેલો.
ઇલસ્ટ્રેશન
વંદે માતરમ...
લતાના કંઠે મઢ્યું ગીત કાને પડતાં ઓસરીમાં સાવરણો ફેરવતાં સાવિત્રીબહેન ચમક્યાં. જોયું તો પરસાળના હીંચકે ઝૂલતો દીકરો મોબાઇલમાં મગ્ન દેખાયો. અનિરુદ્ધ જરૂર હજી ચાર દિવસ પહેલાં ઊજવાયેલી ૨૬ જાન્યુઆરીની રીલ જોતો હોવો જોઈએ.
ADVERTISEMENT
તેમનાથી સહેજ મલકી જવાયું. રીલ બનાવવામાં તેની હથોટી છે. હજી ગયા મહિને જ તે કહેતો હતો: મા, તને મારી રીલ્સ ગમતી હોય તો હું મારી યુટ્યુબ ચૅનલ બનાવી પોસ્ટ કરું? એને જેટલા વધુ લાઇક્સ મળે તો ઘેરબેઠાં રૂપિયા પણ મળે...
૨૬નો થવા આવેલો દીકરો
કમાતો-ધમાતો થાય એ દરેક મા ઇચ્છતી હોય. પછી વહુ આવે, પોતરાપોતરીથી વંશવેલો વધે... તેમના દીવાસ્વપ્ન પર અનિરુદ્ધના બીજા વાક્યે બ્રેક લાગી ગઈ હતી: અનન્યાઝ વર્લ્ડ - ચૅનલનું આ નામ કેવું રહે?
છોકરો થઈ તું છોકરીના નામે ચૅનલ કરવા માગે છે? દીકરાને આવું પુછવાનો અર્થ નહોતો, કેમ કે સચ્ચાઈ પોતે જાણતાં હતાં ને પોતે જાણે છે એની દીકરાને પણ જાણ છે!
‘જવા દે. પપ્પાને નહીં ગમે, હેંને? તેમને ખબર પડી ગઈ તો..’
ઝંખવાતા, ધ્રૂજી જતા દીકરાની સૂરત સંભારી અત્યારે પણ માની આંખોમાં કરુણા જ ઘૂંટાઈ.
કલ્યાણે એકના એક દીકરાને સમજવાની કોશિશ જ ક્યારે કરી? આર્મીમાં ઊંચી પોસ્ટ ભોગવનારનું દિમાગ તો સંકુચિત જ રહ્યું...
પરણીને પોતે આ ઘરમાં આવ્યાં ત્યારે જાતને ખુશનસીબ માની હતી. પતિ આર્મી ઑફિસર છે એનો ગર્વ રોમ-રોમમાં છલકતો હતો. સુહાગરાતે સલોણા શમણાં પૂરાં થયાંનો સંતોષ તરવર્યો હતો, પણ ચાર જ દિવસમાં ખુમાર ઓસરી ગયેલો.
‘ચાલ. કપડાં ઉતાર!’
આખો દહાડો દોસ્તો સાથે રખડી, ગામમાં ફોજીપણાનો રુઆબ દાખવી મફતનો દારૂ પી તે રાતે રૂમમાં આવી કોઈ બજારુ ચીજની જેમ ટ્રીટ કરે એ ચુભતું. કદાચ એટલે જ અમારું જીવન સહજીવન ન બની શક્યું!
દીકરાના જન્મે લાગણીનો તંતુ સંધાવાની ઉમીદ બંધાઈ, પણ કલ્યાણ જેનું નામ. ધાવણો દીકરો રડતો રહે ને તે મને ધરાર પથારીમાં તાણી જાય, નિર્લજ્જ! કાળક્રમે સાસુ-સસરા પાછાં થયાં ને અનિ મારા જીવનનું કેન્દ્ર બની ગયો: હું ભલી ને મારો દીકરો ભલો.
અને કલ્યાણ તો મોટા થતા દીકરાને પણ હડધૂત કરતા: મરદ બન, મરદ! કેટલું કહ્યું, તારી આ પાતળી કાયામાં જરા જવાનીનું જોશ ભર, પણ તું તો એવો ને એવો માયકાંગલો રહ્યો! ફિઝિકલી ફિટ હોત તો આર્મીમાં ભરતી કરાવી દીધો હોત. પણ તારી તો છાતી પણ એવડી નથી! કોણ કહે તું છોકરો છે? બાયલો!
સાવિત્રીબહેનના ગળે ડૂસકું અટકી ગયું.
હવે તો ફોજની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા કલ્યાણસિંહે દિલ્હીની ફૅક્ટરીમાં સિક્યૉરિટી મૅનેજરની જૉબ લીધી એટલે ઘરથી તો આજેય દૂર જ છે પણ દીકરાની ભીતર સ્ત્રી વસે છે એ ભેદ ખૂલ્યો તો શું થશે?
સાવિત્રીમા પાસે અત્યારે પણ આનો જવાબ નહોતો!
lll
‘આખરે આપણા કુંવરને કોઈ કન્યા ગમી ખરી!’
પતિની છબી હૈયે ચાંપતાં વિદ્યાબહેનનો હરખ અશ્રુ વાટે ઊભરાતો હતો, ‘હું વાલામુઈ અક્ષુ માટે કન્યા ખોળતા જુદા જ ભયે ડરતી હતી તો વહુએ સામેથી પ્રસ્તાવ મૂક્યો, બોલો! હાસ્તો. આપણા અક્ષુમાં કહેવાપણું ક્યાં છે? એમ તો આપણી વહુ પણ લાખોમાં એક છે હોં!’
ગયા પખવાડિયે ઑફિસથી અક્ષત અચાનક પાછો આવતાં વિદ્યાબહેન ચમકેલાં. અક્ષત ઑફિસના કામે અચાનક બારોબાર બહારગામ જતો રહે એ ઇમર્જન્સીથી ટેવાઈ છું પણ ઑફિસથી કલાકમાં ઘરે આવે ને આટલો મૂંઝાયેલો લાગે એથી કંઈક અમંગળ કલ્પનાઓ તાંડવ કરવા લાગી.
‘શું થયું અક્ષુ, તારી તબિયત તો ઠીક છેને.’
‘તમારા દીકરાના હૃદયમાં વાંધો છે.’ દરવાજેથી આવેલા અવાજે વિદ્યાબહેન ચમક્યાં, અપ્સરા જેવી રૂપાળી કન્યાનો હાથ પકડી દોરતા જુવાનના ચહેરા પર સ્મિત હતું એટલા પૂરતી ધરપત થઈ, પણ મામલો તો ન જ સમજાયો.
‘માજી, આ છોકરીનું તમારા દીકરા પર દિલ આવ્યું છે, તેના એકરારની સામે અક્ષતનું કહેવું છે કે મારી મા તને પસંદ કરે તો જ હું તને પરણુ. હવે બોલો, મારી બહેન તમને પસંદ છે?’
વિદ્યાબહેન એવાં તો ડઘાયેલાં. દીકરાએ માને યાદ રાખી એ બદલ ગદ્ગદ થવું કે કોડભરી કન્યાને આવો જવાબ આપવા બદલ ટકોરવો એ નક્કી ન થયું.
ત્યાં તો માથે દુપટ્ટો નાખી છોકરી પગે પડી : મા, અખંડ સૌભાગ્યવતી સિવાય મને કોઈ આશિષ નહીં ખપે!
મારા જ દીકરાના આયુષ્ય માટેના આશીર્વાદ માગવાની તેની ચતુરાઈ પર મલકી જવાયું.
છોકરી ઘરકામમાં ઘડાયેલી છે, અક્ષત જોડે શોભે એવી બુદ્ધિમંત પણ છે. સંસ્કાર છૂપા ન રહે અને અક્ષતને અનરાધાર ચાહે છે એ તો સાવ પ્રગટ છે. પંજાબી છે, પણ વરસોના મુંબઈ વસવાટને કારણે ગુજરાતી ફાંકડું બોલે છે.
કલાકેકના મેળમાં વિદ્યાબહેને તારવવા જોગ તારવી ઠાવકાઈ દાખવી, ‘જો દીકરી, એકલો મારો નિર્ણય ન ચાલે. આમાં ઉતાવળ ન હોય. મારે અક્ષુનું મન ટટોલવું પડશે.’
‘શું મા, હું તો ક્યારનો તૈયાર જ છું.’ અક્ષત બોલી પડ્યો ને સૌ મલકી પડ્યાં. સ્તુતિ વિશેષ. આખરે અક્ષતના શમણામાં પોતે જ હતી એનો સાક્ષાત્કાર જગ જીત્યાની વિજયપતાકાથી ઓછો થોડો હતો!
પછી તો સ્તુતિનાં માવતરની પણ મરજી ભળી. ઇન્ટર્નશિપ કરવા આવેલી છોકરી સરની વિકેટ ખેરવી ગઈ એવી મીઠી મશ્કરી સ્ટાફમાં થાય છે. ઘરે આવી સ્તુતિએ મારું મન જીતી લીધું છે. અરે, દીકરો દેશ માટે કામ કરે છે એ પહેલી વાર વહુ પાસેથી જાણી અંતર ભીંજાયેલું : આખરે તો નિરંજનનું લોહી, દેશના કામમાં આવવાનું જ!
આવું જોકે વહુને પણ કહેવાયું નથી. ભૂતકાળ ઉખેળવો જ શું કામ!
અને આજે સ્તુતિના ઘરે વડીલોની હાજરીમાં આપણા રિવાજ મુજબ શુકનનો સવા રૂપિયો ને શ્રીફળ આપી સગપણ પાકું કરી ગોળધાણા ખાવાનો રુડો અવસર છે. વહુને આપવા સોનાની ચેઇન લીધી છે. બસ, બધું મંગળ-મંગળ પાર પડે!
વિદ્યાબહેન પતિને, ઠાકોરજીને પગે લાગી દીકરા સાથે નીકળ્યાં ત્યારે જાણ નહોતી કે વર્ષો જેને ટાળતાં રહ્યાં એ કસોટી વહુના ઘરનો ઉંબરો ઓળંગતાં જ ટપકવાની!
lll
‘આવો, આવો!’ કૌશલ્યાબહેને વિદ્યાબહેનને ભેટી ભાવભીનો આવકાર આપ્યો. દીવાનખંડમાંથી ડોકિયાં કરતી કુટુંબની મહિલાઓએ મરૂન શેરવાનીમાં શોભતા અક્ષતને જોઈ આંખો એક કરી: છોકરો ભારે રૂપાળો છે!
મા-દીકરા પાછળ શૉફર ત્રણ-ચાર ટોકરીઓ મૂકી ગયો એટલે પાછું નજરસંધાન કર્યું : પાર્ટી ખમતીધર પણ લાગે છે!
વિદ્યાબહેન મહિલામંડળમાં ગોઠવાયાં. બીજી તરફ પુરુષો સાથે બેઠેલા અક્ષતની આંખો સ્તુતિને ખોજતી હતી. રજાના અભાવને કારણે મોહિત આવી શકવાનો નહોતો.
અને...
‘આઇએ!’
અંદરની રૂમમાંથી સાઠ-પાંસઠના પ્રૌઢને દીવાનખંડમાં આવતા જોઈ સ્તુતિના પિતા ઊભા થઈ ગયા એટલે અક્ષતે ધારી લીધું કે આ જ મોહિતના પિતા, સ્તુતિના માસા હોવા જોઈએ. કેવું જાજરમાન વ્યક્તિત્વ. સ્તુતિએ કહેલું : જગજિતમાસાની હું બહુ લાડલી. અમ્રિતસરની વિલામાં નિવૃત્તિ માણે છે, ખાસ આપણી સગાઈ નિમિત્તે વર્ષો પછી મુંબઈ આવવાના.
અક્ષત તેમને પગે લાગ્યો.
‘અરે, ગલે મિલો યાર!’ અક્ષતને ગળે વળગાડી તેમણે સાઢુભાઈને વધાઈ આપી, ‘દીકરીએ હીરો પસંદ કર્યો!’
‘આ મારાં માતુશ્રી...’
અક્ષતે મા તરફ ઘૂમી સાદ પાડ્યો, ‘મા, આ સ્તુતિના જગજિતમાસા.’
અને દીકરાના સાદે કેસરના શરબતનો ગ્લાસ બાજુએ મૂકી વિદ્યાબહેન ઊભાં થયાં. કૌશલ્યાબહેનની આડશ હટી કે...
હાથ જોડી ‘નમસ્કાર!’ કરતાં વિદ્યાબહેનની કીકી ધ્રૂજી ગઈ, દીકરાના પડખે ઊભેલા પડછંદ પુરુષને જોઈ અનાયાસ શબ્દો સરી ગયા: ‘ક..ર્ન..લ..સાહેબ, તમે!’
અક્ષત ચોંક્યો. દીવાનખંડમાં પગ મૂકતી સ્તુતિ ચમકી. હાજર સ્ત્રી-પુરુષો અચરજ પામ્યાં. અક્ષતનાં માતુશ્રીને જોતી જગજિત ચૌધરીની ઝીણી થયેલી આંખો ઓળખના અણસારે પહોળી થવા માંડી, ‘નિરંજનનાં વિધવા, તમે, અહીં?’
સ્તુતિના માસાએ આપેલી માની ઓળખ અક્ષતને થોડી અજુગતી લાગી. માસાજી તો પિતાને ઓળખતા હોય એમ બોલી ગયા! તેમનાં વેણમાં કટુતા છે ને તેમને જોઈ મા કેમ આટલી ફીકી પડી?
‘આ અમારાં વેવાણ, અક્ષતતાં માતુશ્રી.’ કૌશલ્યાબહેને કહેતાં ચૌધરીસાહેબે હાથના ઇશારે અટકાવ્યાં, ‘એટલું સોશ્યલ નૉલેજ તો મને છે.’ કહી તે સ્તુતિના પિતા તરફ ફર્યા, ‘મોહિન્દર, દીકરી માટે તમને આ જ છોકરો મળ્યો?’
‘માસાજી,’ સ્તુતિ આગળ આવી, ‘તમે અક્ષતનું અપમાન કરો છો. આખરે અક્ષતમાં વાંધો શું છે?’
‘વાંધો તેના લોહીમાં છે.’ જગજિતસિંહ ક્રોધવશ ધ્રૂજી રહ્યા, ‘ગદ્દારનો અંશ છે તે.’
ગદ્દાર. ધક્કો લાગ્યો હોય એમ અક્ષત બેસી પડ્યો. વિદ્યાબહેન આંખો મીંચી ગયાં : આખરે વિજળી ત્રાટકી જ!
‘દેશદ્રોહીના વંશજ જોડે સગપણ હોતું હશે?’
‘ભાઈ, તમારી ભૂલ થાય છે. અમારા વેવાઈ તો ખેડુ હતા, સર્પદંશમાં તેમનો દેહાંત...’
‘જૂઠ! સરાસર જૂઠ!’ જગજિતસિંહ તાડૂક્યા, ‘નિરંજન મારી ટુકડીનો સૈનિક હતો. પણ દુશ્મન દેશની જાસૂસના મોહમાં ફસાઈ તેણે ચોકીની વિગતો વહેંચી, છેવટે એ જ હસીનાના હાથે મર્યો ને મરતાં-મરતાં પોતેય હસીનાને મારતો ગયો! મારી વાત જૂઠ લાગતી હોય તો આર્મીના રેકૉર્ડ તપાસો. કહો તો ફાઇલ હું કઢાવી આપું. આખી ઘટનાનો ચશ્મદીદ ગવાહ હરિયાણામાં જીવે છે, કહો તો તેને તેડાવી દઉં.’
હાંફી ગયા જગજિતસિંહ. ખંડમાં સ્તબ્ધતા છવાઈ રહી.
‘માસા, અક્ષત પોતે દેશ માટે કામ કરે છે, તમે મોહિતને પૂછો.’
‘મોહિતને હું પૂછીશ નહીં, ચેતવીશ કે બાપની જેમ દીકરો પણ ગદ્દારી કરશે, તેનાથી કિનારો કરો!’
‘ખબરદાર, હવે એક શબ્દ મારા પતિ કે દીકરા વિરુદ્ધ ઉચ્ચાર્યો છે તો...’
ગરદન ઘુમાવી દરેકને આંખોથી ડારતાં વિદ્યાબહેનના પુણ્યપ્રકોપે જગજિતસિંહ પણ ડઘાઈ ગયા.
‘અક્ષત, ગરદન ઊંચી રાખ. તારા પિતાએ તારે કે મારે લજાઈ મરવું પડે એવું કોઈ કામ નહોતું કર્યું.’
‘હં!’ જગજિતસિંહથી બોલ્યા વિના ન રહેવાયું, ‘નિરંજનનાં વિધવા, તમે ત્યારેય આવાં જ જિદ્દી હતાં, અત્યારેય એટલાં જ અક્કડ છો.’
‘કેમ કે મને ત્યારે પણ મારા પતિમાં વિશ્વાસ હતો, આજે પણ છે.’ વિદ્યાબહેને દીકરા સાથે નજરો મેળવી, ‘કર્નલસાહેબ જે કહે છે એ ચોપડા પરનું સત્ય છે અક્ષત, જે મારા હૈયાના, ક્યારેક મારા કપાળે ઝગમગતા કંકુના ચાંદલાના સત્યથી સાવ વેગળું છે.’
તેમનો રણકો ઊપસ્યો,
‘મારે તને આ બે સત્યો વચ્ચેના દ્વંદ્વમાં પિસાવા નહોતો દેવો એટલે જૂઠ બોલતી રહી, પણ એની માફી નહીં માગું. બલકે આજે આ સ્નેહી સ્વજનોની સભામાં તારી પાસે મારા ધાવણની કિંમત માગું છું.’
હેં! સાંભળનારા ડઘાયા. અક્ષતે માને નિહાળી. તેનું તેજ નિરાળું લાગ્યું.
‘હું અભાગણી, લાયકાત વિનાની એ કરી ન શકી, પણ મેં તને જણ્યો હોય, મારા નિરંજનનું લોહી તારામાં વહેતું હોય અક્ષત, તો તારા પિતાની નિર્દોષતા પુરવાર કરી દેખાડ!’
ઘડી બે ઘડી તાણમાં વીતી. માએ લંબાવેલા હાથમાં દીકરો હાથ મૂકશે? અક્ષત માટે ગતખંડનો ઘટસ્ફોટ પચાવવો સરળ નહોતો. એમાં પાછો માનો તકાજો. સ્તુતિનું હૈયું કાંપતું હતું. વિદ્યાબહેનના કપાળની નસ ફાટી જવાની હદે ફૂલી ગઈ : અક્ષત મારો પડકાર પાછો ઠેલશે તો દીકરા માટેનું માનું અભિમાન ઓસરી જવાનું!
પણ એ બને એ પહેલાં અક્ષતે માના હાથમાં હાથ મૂકી દીધો : ભલે મા. તારું સત્ય એ જ મારું સત્ય. પિતાની નિર્દોષતા પુરવાર કર્યા વિના જંપીશ નહીં.
વિદ્યાબહેનનું માતૃત્વ રણઝણી ઊઠ્યું. બાકીનું સ્તુતિએ પૂરું કર્યું.
કૌશલ્યામાના હાથમાંથી શુકનનું કવર-શ્રીફળ લઈ તે જગજિતસિંહ તરફ ગઈ: મને તમારા વિશ્વાસમાં વિશ્વાસ છે, અક્ષત. તમે પિતાજીની નિર્દોષતા પુરવાર કરી દેખાડો એટલે માસાજી એમના હાથે સગપણનું શુકન આપશે. લો, માસાજી, આ અમારી અમાનત.’
પછી કોઈએ કંઈ બોલવા જેવું પણ ક્યાં રહ્યું?
(વધુ આવતી કાલે)


