‘તારાં છોકરાંઓને રમાડી નહીં શકું..’ તૂટતા શ્વાસે મારો હાથ હાથમાં લઈ તેણે કહેલું, ‘પણ તું મારો ગમ ન કરતી. જીવન માણજે. તારો સાવકો બાપ વહેશી છે, તેના આશરે ન રહેતી. બાકી તો તારાં દુખડાં લ..ઈ..ને જા..ઉં છું..’ કહેતાં એણે ડોક ઢાળી દીધેલી.
ઇલસ્ટ્રેશન
‘તમે જાણો છો, અકિન, તમે શું કર્યું? જુગલ ઇઝ ડેડ...’
ચીસ જેવા સ્ત્રીસ્વરે અકિન ઝબકીને જાગી ગયો.
ADVERTISEMENT
ના, પોલીસ-કસ્ટડીમાં જુગલનું મૃત્યુ બિલકુલ આકસ્મિક હતું. તેને કોઈ શારીરિક તકલીફ નહોતી, ન તેના પર કોઈ જાતનું ટૉર્ચર થયું હતું. અરે, વકીલ માટે તેણે કોઈને વાત કરી હતી, હવાલદાર પાસેથી સિગારેટ પણ ફૂંકી હતી! પછી એકાએક જ સિવિયર
હાર્ટ-અટૅક આવ્યો અને હૉસ્પિટલ પહોંચાડાય એ પહેલાં તો ખેલ ખતમ! પોતાનો આવો અંજામ તેણે પણ નહીં ધાર્યો હોય!
અકિને હોઠ કરડ્યો.
‘મારું વેર અધૂરું નહીં રહે...’
વળી એ સ્ત્રીસ્વર પડઘાતાં અકિને દમ ભીડ્યો.
કોણ છે એ સ્ત્રી? જુગલની પર્સનલ લાઇફ વિશે ખાસ કંઈ જાણવા મળ્યું નહીં, એટલી માહિતી મળી કે જુગલ ડિવૉર્સી હતો. તેની એક્સ-વાઇફને પતિ પર અચાનક આટલી લાગણી ઊભરાઈ આવી હશે? કે પછી તેની કોઈ સ્ત્રીમિત્ર હશે?
‘ઘવાયેલી સ્ત્રી વીફરેલી વાઘણ જેવી હોય છે, અકિન, એનાથી સાવધ રહેવું.’ એ સ્ત્રીના ફોનની અસર ઓસર્યા પછી માએ ચેતવણીની ઢબે કહી ઉમેરેલું, ‘બાકી કોઈના મૃત્યુમાં તું નિમિત્ત બન્યો એવું ધારી જાતને પીંખીશ નહીં. તે માણસ તેનાં પાપે મર્યો.’
નિનાદસરે પણ જુગલના સમાચાર જાણી આવું જ કંઈક કહેલું : ડોન્ટ એવર બ્લેમ યૉરસેલ્ફ ફૉર હિઝ મિસફૉર્ચ્યુન!
અકિને દમ ભીડ્યો : માણસ માત્રની અંતપળ નક્કી જ હોય છે, જુગલના મોતને તેની ધરપકડ સાથે કોઈ લેવાદેવા નહોતી. જુગલના મોત માટે હું જવાબદાર હોઉં તો વેરની વાત આવે ને! અને જુગલના મોતને, પેલા ફોનને પખવાડિયું થવા આવ્યું... ફરી એ સ્ત્રી ક્યાંય ઝળકી નથી. મારે પણ આ બધું ભૂલી જવું છે...
અને નિર્લેપ થઈ અકિન માથે ઓઢીને સૂઈ ગયો.
‘માસી, લીલી ચા અને ફુદીનો.’
દેવકીબહેનને સામગ્રી ધરતી અવનિ ઓટલે ગોઠવાઈ.
વનરાજની હવેલી જેવા મકાનમાં આગળ-પાછળના વરંડામાં નયનામાએ જહેમતથી શાકભાજીના વેલા અને ફૂલોની ક્યારીથી સુંદર અને ઉપજાઉ બગીચો બનાવ્યો હતો. માના ગયા પછી માવજતના અભાવે બધું સુકાઈ ગયું, પણ ત્રણેક મહિનાથી, પોતે આયુર્વેદની ડૉક્ટર થઈને આવ્યા પછી ફરીથી બાગને નવપલ્લિત કર્યો છે. આસપાસના ગલી-મોહલ્લાના પાડોશીઓમાં હળતી-મળતી થઈ છે, એમાં ગલીના નાકે રહેતાં દેવકીમાસી જોડે ફાવી ગયું છે.
‘તારી મા હવેલીમાં આવી, તેણે બગિયા મહેકાવી ત્યારે લાગ્યું કે હવેલીના શેઠનાં અપલક્ષણ તેના સતમાં સ્વાહા થઈ જવાનાં, પણ પછી એ જ ફૂલફટાકડીઓનું આવવું ને એ જ...’ દેવકીબહેને મોં બગાડ્યું, ‘સારું થયું તારી માએ ભણવાના બહાને તને દૂર મોકલી દીધી.... તું ડૉક્ટર થઈ આવી છે તે કાયમ અહીં ઓછી રહેવાની!’
‘બિલકુલ નહીં,’ અવનિએ સ્મિત ફરકાવ્યું, ‘સુરત મોટી હૉસ્પિટલમાં વાત થઈ છે. મે બી, આવતા મહિને મારે ત્યાં જૉઇન કરવાનું રહેશે. ત્યાં સુધીમાં મારાં અહીંનાં કામ પણ પતી રહેશે...’ તેના સ્વરમાં સહેજ ઉદાસી ઘૂંટાઈ, ‘મોસ્ટલી!’
તેના વાક્યનો મર્મ દેવકીબહેનને ક્યાં પરખાય એમ હતો? તે તેમની ધૂનમાં બોલી ગયાં,
‘બાકી આ હવેલીની એક સમયે રોનક હતી. મહેતાકુટુંબનું ગામમાં નામ હતું. વકીલ દામોદર, તેની વહુ સવિતા અને તેમનો એક દીકરો અકિન પણ ખરો! તેમણે વડવાઓની શાખ ને હવેલીની રોનક જાળવી રાખેલી. મહોલ્લાનાં સુખ-દુઃખમાં દંપતી ખડે પગે હોય.’ કહી તેમણે નિસાસો નાખ્યો, ‘પછી જાણે શું થયું, હવેલી વેચી રાતોરાત એ લોકો ગામ પણ છોડી ગયાં! ધીરે-ધીરે હવેલી અવાવરું બનતી ગઈ... ને આઠ-દસ વરસ પહેલાં વનરાજ જેવો વહેશી પરોણો થયો – હું તો કહીશ રાવણ જેવાએ રામની અયોધ્યા અભડાવી મૂકી! તારી માએ પણ કંઈ ઓછું સહ્યું! કેવી ગળાઈ ગયેલી છેલ્લા મહિનાઓમાં...’
‘માથી પતિની ઐયાશી ખમી નહોતી જતી. તે અવાજ ઉઠાવતી અને વનરાજ તેને ઝૂડી નાખતો...’ અવનિએ નિઃશ્વાસ નાખ્યો. માના અંતિમ દિવસો સાંભરી આવ્યા. મા અચાનક બેહોશ થઈ ગયેલી, અહીંથી કૉલ આવતાં પોતે દોડી આવી. મા હૉસ્પિટલમાં હતી. હેમરેજ થયું હતું. નહીં બચે એ પરખાઈ ગયું.
‘તારાં છોકરાંઓને રમાડી નહીં શકું..’ તૂટતા શ્વાસે મારો હાથ હાથમાં લઈ તેણે કહેલું, ‘પણ તું મારો ગમ ન કરતી. જીવન માણજે. તારો સાવકો બાપ વહેશી છે, તેના આશરે ન રહેતી. બાકી તો તારાં દુખડાં લ..ઈ..ને જા..ઉં છું..’ કહેતાં એણે ડોક ઢાળી દીધેલી.
‘ફ્યુનરલની તૈયારી કરો...’ સાદ પડઘાતાં માને બાઝીને હૈયાફાટ રડતી અવનિનાં અશ્રુ થંભી ગયેલાં. માની બીમારીમાં ગંભીર બની બેઠેલા વનરાજને ઝૂડીને પૂછવું હતું : માને અચાનક હેમરેજ થાય જ કેમ? એના કપાળે સોજો છે, જરૂર રોજની મારપીટમાં તેં તેને ધક્કો માર્યો હશે, માથામાં ઈજા થઈ અને...
પણ ના, ત્યારે કે પછી એવું કશું જ કરી શકી નહોતી પોતે! અરે, ભણીગણીને ત્રણ મહિનાથી અહીં આવીને પણ શું કર્યું મેં?
બાકી પોતે આવી તો ‘કંઈક’ કરવાના ઇરાદાથી જ છે... આયુર્વેદની અમુક-તમુક ઔષધિનું મિશ્રણ માણસને કેવો લાચાર બનાવી દે એનું જ્ઞાન મને છે. બે-ત્રણ વાર એ મિક્સ્ચર બનાવ્યું પણ ખરું, પણ પછી ઢોળી દીધું...
એનું એક કારણ એ કે માનું હેમરેજ વનરાજના મારવાથી જ થયું એનો કોઈ પુરાવો નહોતો. ઊલટતપાસ ન લાગે એ રીતે પોતે ઘરનોકરોને પૂછેલું, પણ મા બેભાન થઈ એ દહાડે વનરાજે તેને મારી હોય એવું તો નહોતું; બે-ત્રણ દિવસ અગાઉ તેણે માને ફટકારેલી ખરી. એના પરિણામે જ હેમરેજ થયું એવું ધારી લઈ હું વનરાજને તેણે નહીં કરેલા ગુનાની સજા તો નથી આપતી ને?
વનરાજે ભલે માની હત્યા ન કરી હોય, પણ મા પર અમાનુષી જુલમ કર્યા એની તો સજા તે ડિઝર્વ કરે જ છે!
અવનિ મન મક્કમ કરતી ત્યાં માનો ચહેરો દેખાતો: બળ્યા આ વેરઝેર. કોઈએ પકડી પાડ્યું કે વનરાજની હાલત માટે તારી ઔષધિ જવાબદાર છે તો.. ના, ના, શા માટે એક વહેશી ખાતર તારું ભવિષ્ય રૂંધે છે? તેનો હિસાબ કુદરત જોશે!
અને પોતે આ અવઢવમાં જ અટવાતી રહી છે...
‘હમણાં નવી ઓરત કોણ આવી છે?’ દેવકીમાસીના સાદે અવનિ ઝબકી.
અઠવાડિયા અગાઉ, પોતે બગીચામાં હતી ત્યારે રિક્ષામાં વનરાજનું ઘર પૂછતી આવેલી બાઈ મોનિકા છે.
ત્રીજી વાર ઘરભંગ થયેલો વનરાજ ફરી પરણ્યો નથી, પણ ઐયાશીની લત હજુ છૂટી નથી. માના ગયા પછી અમારી વચ્ચે બોલચાલનો કોઈ ખાસ વ્યવહાર રહેલો નહીં, એટલે પણ કૉલેજ પતાવી મારું અહીં આવવું વનરાજને થોડું અજીબ લાગેલું. બીજે દહાડે તેણે કહેલું: ‘તું રહે એનો વાંધો નથી, પણ મારી દીકરી હોવાનો વહેમ રાખી મારી લાઇફસ્ટાઇલને સુધારવાની કોશિશ ન કરીશ – ત્રણ-ત્રણ બૈરીઓ એ કરી નથી શકી, તું કરવાની થઈ તો હું મલાજો નહીં રાખું... તું કેટલી રૂપાળી છે ને હું કેવો રૂપભૂખ્યો છું એ તો તું જાણે જ છે!’
ભલે સાવકો – પણ પિતા આવું બોલી જ કેમ શકે! તેને સજા દેવાની ચળ પ્રેરતી ન હોત તો પોતે અહીં આવીય ન હોત... જે કામે આવી છું એ થઈ શકતું નથી, પણ વનરાજની ગતિવિધિઓ પર આંખ-કાન રહે છે મારાં.
જેમ કે આ મોનિકા સાથે વનરાજને જૂની પહેચાન છે એટલું હું જાણું છું. ખાસ્સા અંતરાલે બેઉ મળ્યાં છે. મોનિકા કોઈ અકિન સામે તેના બૉયફ્રેન્ડ જુગલના મોતનું વેર વાળવા માગે છે ને એમાં તેને વનરાજની મદદ જોઈએ છે...
અવનિના હોઠ વંકાયા : વેરના ઝનૂનમાં આવેલી મોનિકા જોકે વનરાજની સંગતમાં જુગલનો શોક વિસારી ચૂકી હોય એમ વનરાજનું બિસ્તર ગરમ કરે એ કેવું!
‘તે મોનિકા છે...’ દેવકીમાસીને જવાબ આપતાં અવનિ ચમકી : ‘માસી, તમે હવેલીના વારસનું શું નામ કહ્યું – અકિન?’
માસીએ કન્ફર્મ કરતાં અવનિ વિચારમાં પડી : અકિન કંઈ બહુ કોમન નામ ન ગણાય... ક્યાંક મોનિકાનો છેડો ખરેખર તો હવેલીના મૂળ માલિક સાથે નથી મળતોને!
‘હૅપી ફાધર્સ ડે!’
આમ તો અકિનને આવા ‘ડે’ની ઉજવણી બહુ રુચતી નહીં, પણ ફાધર્સ ડે હંમેશાં સ્પેશ્યલ લાગતો. સોશ્યલ મીડિયામાં ભાગ્યે જ ઍક્ટિવ રહેતો અકિન એ દિવસે પિતા માટે હૃદયસ્પર્શી પોસ્ટ પણ મૂકતો.
એમાં આ વખતનો ફાધર્સ ડે પણ અપવાદ કેમ હોય?
તેણે પિતાની છબી સાથે મૂકેલી પોસ્ટ વાંચી સવિતાબહેન ગદ્ગદ બન્યાં. પેલા જુગલના દેહાંત પછી અકિન ચાર-છ દહાડા થોડો ડિસ્ટર્બ રહેલો, પણ પછી સ્વભાવગત ખુમારી ઝળકતી થઈ ગયેલી. વેરની ધમકી દેનારી બાઈ ક્યાંય ઝળકી નથી એની પણ રાહત. મારા ખ્યાલથી હવે અકિન સમક્ષ પિતાનું સત્ય કહી દેવું જોઈએ... ના, આજે નહીં, પણ કાલે તો ચોક્કસ!
ન હોય!
સોશ્યલ મીડિયા પર અકિનની પોસ્ટ જોઈ મોનિકા બેઠી થઈ ગઈ.
ભૂતકાળ ગરજવા લાગ્યો. આહવાની એ રાત સાંભરી ગઈ. સર્કિટ હાઉસનું ક્વૉર્ટર. રાતે નવના સુમારે આસપાસનું જંગલ જંપી ગયું છે ત્યારે ક્વૉર્ટરના દરવાજે એક નવયુવતી ટકોરા પાડે છે. દરવાજો ખૂલે છે. જુવાન પુરુષ કન્યાને જોઈ નવાઈ પામે છે.
‘દુખિયારી છું, સાહેબ, તમારા આશરે આવી છું...’ તેણે આસપાસ જોયું, ‘જુલમી ધણીથી છૂટવા માગું છું...’ કહેતાં તે રડી પડી, અને પુરુષે તેને ભીતર લીધી: ‘પહેલાં તું શાંત થા...’
નિર્જન વિસ્તારના બંધ કમરામાં એકલાં પડેલાં યુગલમાં કન્યા હું હતી, અને તે જુવાન પુરુષ તો આ જ... વકીલ દામોદર મહેતા!
તે અકિનનો બાપ છે? અકિન તેનો દીકરો છે? તે હસી, ખડખડાટ.
‘શું થયું?’ વનરાજને નવાઈ લાગી.
‘ભૂતકાળનું અનુસંધાન’ કહેતી મોનિકાને કે વનરાજને જાણ નહોતી કે તેમની વાતો પર કોઈના કાન મંડાયા છે!
બીજી સાંજે ઑફિસેથી આવી અકિન ફ્રેશ થઈ રહ્યો કે સવિતાબહેને તેને ચટાઈ પર પોતાની બાજુમાં બેસાડ્યો : ‘આજે તને એક વાત કહેવી છે... તારા પિતા વિશે!’
અકિન ટટાર થયો.
પપ્પાએ આ..પ..ઘા..ત કરેલો!
અકિન સ્તબ્ધ હતો.
ના, પિતાજી કાયર નહોતા. પપ્પાએ તો માથાભારે ગણાતા ફૉરેસ્ટ ઑફિસર સામે જંગ છેડ્યો એવા બહાદુર હતા. એ તો વનરાજ મેલી રમત રમ્યો, એમાં તેનો હાથો એક સ્ત્રી બની અને...
અકિનનું લોહી ઊકળી આવ્યું: ‘મા, આ બધું તેં મને પહેલાં કહ્યું હોત તો પિતાજીનો ગુનેગાર જેલમાં હોત! અરે, તે જીવતો હશે તો હજુ તેને નહીં છોડું!’
સવિતાબહેને ધીરજ ધરી. અકિનનો પ્રત્યાઘાત સ્વાભાવિક હતો. ભલે તેનો આવેશ વહી જતો.
– અને ડોરબેલ રણકી.
‘દીકરા, સ્વસ્થ થઈ જા. કદાચ આજુબાજુમાંથી કોઈ આવ્યું લાગે છે...’ સવિતાબહેને દરવાજો ખોલ્યો. સામે એક પ્રૌઢા સાથે રૂપાળી યુવતી હતી.
‘સ...વિતાભાભી!’ મોટી ઉંમરની સ્ત્રીનો ઉમળકો છતો થઈ ગયો, ‘કેટલાં વરસે તમને જોયાં! મને ન ઓળખી? હું વલસાડના આપણા મહોલ્લાનાં જીવીમાસીની વહુ... દેવકી!’
હેં! હજુ થોડી વાર પહેલાં દીકરાને ભૂતકાળનો ભેદ કહ્યો ને એનો ભેટો પણ થઈ ગયો!
‘હવે ઓળખી તને, દેવકી!’ સવિતાબહેન તેને ભેટી પડ્યાં, પછી આવકાર આપવાનું સૂઝ્યું, ‘આવો ને.’
અકિન પણ સ્વસ્થતા કેળવી નજીક આવી ઊભો રહ્યો.
‘દેવકી, આ મારો અકિન...’ તેમણે દેવકીની બાજુમાં ઊભેલી યુવતીને નિહાળી, ‘અને આ...’
‘હું અવનિ,’ તેણે ધડાકો કર્યો, ‘હું તમારી હવેલીમાં રહું છું. હવેલીના હાલના માલિક વનરાજ ચૌધરી મારા સાવકા પિતા થાય. થોડા દિવસથી ત્યાં એક સ્ત્રી રહેવા આવી છે...’ તેણે અકિન સાથે નજરો મેળવી, ‘અને તમારા માટે ખબર એ છે અકિન કે ભૂતકાળમાં તમારા પિતાના સતને ડંખેલી તે સ્ત્રી હવે તમારા ચારિત્ર્યના ધજાગરા કરવા માગે છે!’
(ક્રમશ:)
