Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્લૅકમેઇલરનો કાંટો કૉલેજ-ફ્રેન્ડ્સની કાઉન્ટર ગેમ (પ્રકરણ ૨)

બ્લૅકમેઇલરનો કાંટો કૉલેજ-ફ્રેન્ડ્સની કાઉન્ટર ગેમ (પ્રકરણ ૨)

30 April, 2024 05:43 AM IST | Mumbai
Lalit Lad | feedbackgmd@mid-day.com

અરુંધતીએ સાડીનો છેડો વારંવાર નીચે સરકી જવા દીધો. રઘુ પણ રંગીન મિજાજમાં આવી ગયો!

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘એક જ ઉપાય છે...’ માલતીએ સાવ ધીમા છતાં મક્કમ અવાજે કહ્યું, ‘તેને પતાવી નાખવાનો!’

માલતીની આંખોમાં જે ઠંડી ક્રૂરતા હતી એ જોઈને અરુંધતી છળી ગઈ. માલતી માંડ-માંડ બોલી :



‘ના ના, એ શક્ય નથી.’


‘શક્ય છે!’ માલતીએ કહ્યું, ‘મારી પાસે એક પ્લાન છે.’

વાત એમ હતી કે અરુંધતીનો પતિ કેતન કામદાર જ્યારે એક મહિના માટે બિઝનેસના કામે અમેરિકા ગયો હતો ત્યારે અરુંધતીને તેના કૉલેજના સમયનો પ્રેમી અનિકેત મળી ગયો હતો. અરુંધતીએ એ મિલનની તસવીરો યાદગીરી ખાતર પોતાના લૅપટૉપમાં રાખી હતી, પણ તેમના ડ્રાઇવર રઘુનાથે ચાલાકીથી એ ફોટો અને વિડિયો-ક્લિપ્સ એમાંથી કાઢી લીધાં હતાં.


હવે એ માણસ સતત અરુંધતીને બ્લૅકમેઇલ કરી રહ્યો હતો. ડ્રાઇવરની નોકરી તો તેણે તરત જ છોડી દીધી હતી, પણ તેણે અરુંધતીનો પીછો

છોડ્યો નહોતો.

માલતી અરુંધતીની કૉલેજના ટાઇમની બેસ્ટ ફ્રેન્ડ હતી. ત્યાં સુધી કે તેને બધા અરુંધતીની ‘બૉડીગાર્ડ’ કહેતા હતા. માલતી સ્પોર્ટ્સ-પર્સન હતી. માત્ર શરીરથી જ નહીં, માઇન્ડથી પણ બહુ સ્ટ્રૉન્ગ હતી. તેણે આ બ્લૅકમેઇલર રઘુનાથને પતાવી દેવાનો પ્લાન બનાવી લીધો હતો.

બધું પ્લાન મુજબ જ ચાલી

રહ્યું હતું.

ખંડાલામાં અત્યારે ઑફ-સીઝન ચાલી રહી હતી. મોસમ વરસાદની હતી. ટૂરિસ્ટોની સંખ્યા સાવ ઘટી ગઈ હતી. આવી એક ઢળતી વરસાદી સાંજે અરુંધતી એકલીઅટૂલી બાર-કમ-રેસ્ટોરાંમાં રઘુનાથની રાહ જોતી બેઠી હતી. અરુંધતીએ ખાસ આજે સ્લીવલેસ અને લો-કટ બ્લડ-રેડ કલરનું બ્લાઉઝ પહેર્યું હતું. ઉપરથી લગભગ આરપાર દેખાય એવી ટ્રાન્સપરન્ટ શિફોનની આછી ગુલાબી સાડી પહેરી હતી. ચહેરા પર હેવી મેકઅપ કર્યો હતો અને હોઠ જરા વધારે જાડા દેખાય એ રીતે બ્લડ-રેડ કલરની લિપસ્ટિક લગાવી હતી.

બરાબર સાડાસાત ને પાંચે રઘુનાથ આવ્યો. તેની ચાલમાં ઑલરેડી સહેજ લચક હતી. આમતેમ નજર ફેરવ્યા પછી દૂર ખૂણાના ટેબલ પર બેઠેલી અરુંધતી પર તેની નજર પડી.

‘પીને આવ્યો છે?’ અરુંધતીએ પૂછ્યું.

‘ક્યા હૈ મૅડમ... ’ રઘુનાથની નજર અરુંધતીના આખા બદન પરથી છેક નીચે સુધી ફરી ગઈ. પછી પોતાની આંખો સંભાળતાં તે બોલ્યો, ‘યે તો મૌસમ ઝરા ઠંડા હૈ ના, ઇસલિઅે થોડી...’

ગંદા દાંત બતાવતો રઘુનાથ સામેની ખુરસીમાં બેઠો. અરુંધતીના બદન પરથી આંખો ઉઠાવતાં તેણે નફ્ફટ થઈને પૂછ્યું, ‘આપ નહીં પીતી?’

અરુંધતી તેને જોઈ રહી. ‘યહાં પીઓગે? મંગાઉં?’

રઘુનાથની આંખો ચમકી ઊઠી. તે હસવા લાગ્યો, ‘મૅડમ, ઐસી મસ્ત મૌસમ મેં આપ કંપની દેંગી, તો... હીહી...’

અરુંધતીએ વેઇટરને બોલાવીને એક વ્હિસ્કી અને એક સોડા મગાવી. જાતે જ રઘુનો પેગ બનાવીને તેને આપ્યો. પોતાના પેગમાં સોડા વધારે અને વ્હિસ્કી ઓછી નાખી.

જોકે અંદરથી અરુંધતીના દિલમાં ધકધક થઈ રહ્યું હતું. માલતીએ કહ્યું હતું એ જ રીતે પેલા મલ્ટિપ્લેક્સમાં મળ્યાના થોડા જ દિવસમાં રઘુએ અરુંધતી પાસે અચાનક પાંચ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. માલતીના પ્લાન મુજબ એ ડિમાન્ડ સેટલ કરવા માટે જ રઘુનાથને અહીં ખંડાલા બોલાવ્યો હતો.

બે પેગ પીધા પછી રઘુ મેઇન વાત પર આવ્યો, ‘મૅડમ, વો પાંચ લાખ કા ક્યા કિયા?’

‘મળી જશે...’ અરુંધતીએ કહ્યું, ‘પણ તને એ રકમ કૅશમાં નહીં મળે.’

‘તો?’

‘જો, હું કોઈ બિઝનેસ કરતી નથી. મારા શોખ ખાતર એક નોકરી કરું છું. એમાં કંઈ મારી પાસે લાખો રૂપિયાની આવન-જાવન ન હોય.’

‘મગર આપકે બૅન્ક-અકાઉન્ટ મેં તો પૈસા રહેગા ના.’

‘હા, પણ એમાંથી હું અચાનક પાંચ લાખ ઉપાડું તો મારા હસબન્ડ કેતન કામદારને તરત જ શંકા જાય. એટલે મને થયું કે...’

‘અપને કુછ ગહને દે દૂં! રાઇટ?’ રઘુ ગંદા દાંત બતાવીને હસ્યો, ‘સહી બાત હૈ ગહને હોતે હૈ કિસલિઅે?’

અરુંધતીને તરત જ માલતીએ કહેલી વાત યાદ આવી! માલતીએ આવા બ્લૅકમેઇલરનું આ જ રીતનું ઑબ્ઝર્વેશન કીધું હતું.

‘ના, જ્વેલરી નહીં...’ અરુંધતી હવે પ્લાનની પહેલી શરત પર આવી ગઈ, ‘તારે મારી કાર લઈ જવી પડશે.’

‘કાર?’ રઘુએ નવો પેગ ભરતાં મોં બગાડ્યું, ‘મૅડમ, કાર મેં બહોત ઝંઝટ હૈ.’

‘કશી ઝંઝટ નથી. પૂરા સવાઆઠ લાખ રૂપિયાની કાર છે. માત્ર ૬ મહિના વપરાયેલી છે અને એ પણ એક જ હાથે. તું વેચવા જઈશ તો કદાચ છ લાખ, સાડાછ લાખ પણ મળી જશે.’

‘મૅડમ, આપ સમઝતી નહીં, યે કાર બેચને મેં...’

‘ઉસમેં ભી ઝંઝટ નહીં હૈ...’ અરુંધતી માલતીએ શીખવેલું બોલવા લાગી, ‘કારની નંબર-પ્લેટ બદલવાની, રજિસ્ટ્રેશનનાં બોગસ પેપર્સ તૈયાર કરવાનાં અને ભલતી પાર્ટીને વેચી મારવાનું. આ બધું તારે માટે ડાબા હાથનું કામ છે.’

‘વો તો ઠીક હૈ, મગર જબ કામદાર સા’બ પૂછેંગે કિ કાર કિધર હૈ તો?’

માલતીએ એ પણ શીખવાડ્યું હતું. અરુંધતીએ કહ્યું, ‘કાર ચોરી હો ગઈ હૈ, ઐસા પુલિસ મેં રિપોર્ટ હોગા.’

‘મગર...’

‘મગર નહીં, ધ્યાનથી સાંભળ...’ અરુંધતીએ હવે રઘુનાથને સમજાવવાનું શરૂ કર્યું, ‘મેં મારા હસબન્ડને કહ્યું છે કે અમે ૬ સહેલીઓ ફરવા માટે ખંડાલા જઈ રહ્યાં છીએ. એમાંથી ચાર સહેલીઓ મારી કાર લઈને

છેક કેરલા સુધી જવાની છે. એ લોકો ત્યાં ૨૦ દિવસ સુધી ફરવાનાં છે. હું તો બે દિવસમાં મુંબઈ પાછી જતી રહીશ, પણ...’

રઘુનાથ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. અરુંધતીએ હવે બાજીનું ફાઇનલ પત્તું ખોલ્યું,

‘કાર છેક કેરલામાં ચોરાઈ ગઈ છે એવો રિપોર્ટ ફાઇલ થશે... અને એ પણ આજથી ૨૦ દિવસ પછી! હવે વિચાર કર, શું કેરલાની પોલીસ મુંબઈ શોધવા આવશે? અને આવે ત્યાં સુધીમાં તો...’

‘વાહ મૅડમ, વાહ! ક્યા પ્લાન હૈ!’ રઘુનાથ ખુશ થઈ ગયો. તેણ પોતાનો ગ્લાસ ઊંચો કરીને કહ્યું, ‘મૅડમ, ઇસી બાત પે ચિયર્સ હો જાયે!’

અરુંધતીએ નાછૂટકે પોતાનો ગ્લાસ ઊંચો કરીને રઘુના ગ્લાસ સાથે ટકરાવવો પડ્યો.

રઘુને હવે બરોબરની ચડી ગઈ લાગતી હતી. અરુંધતીએ ઘડિયાળમાં જોયું. હવે રાતે સાડાઆઠ વાગી રહ્યા હતા. પ્લાનનું બીજું સ્ટેજ હવે અમલમાં મુકાવાનું હતું.

બરોબર એ જ ક્ષણે રેસ્ટોરાંના માલિકનો અવાજ આવ્યો, ‘હેલો, યહાં પર રઘુનાથ કૌન હૈ? ઉન કા ફોન હૈ.’

રઘુને નવાઈ લાગી, ‘મેરા ફોન? ઇધર?’

બસ, એ જ પ્લાન હતો! એ ફોન માલતીએ કર્યો હતો, આ રેસ્ટોરાંના લૅન્ડલાઇન નંબર પર..

રઘુ લથડતા પગે ફોન લેવા ગયો કે તરત અરુંધતીએ ઝડપ કરી. તેણે પર્સમાંથી એક પડીકી કાઢીને એમાં રહેલો તમામ પાઉડર રઘુનાથના ગ્લાસમાં નાખી દીધો!

એ પાઉડર હકીકતમાં અત્યંત હેવી ડોઝવાળી ઊંઘની ગોળીનો ભૂકો કરીને માલતીએ જ બનાવી આપ્યો હતો. તેણે પડીકી વાળીને આપતાં અરુંધતીને કહ્યું હતું, ‘આ પાઉડર પેટમાં જવાના માત્ર અડધા જ કલાકમાં માણસ ઘસઘસાટ ઊંઘવા માંડશે!’

અરુંધતીએ પાઉડર વ્હિસ્કીમાં મિક્સ કર્યા પછી તે ગ્લાસને બરાબર હલાવી રહી હતી ત્યાં જ રઘુનાથ પાછો આવતો દેખાયો.

‘ચ્યાઈલા, ફોન પે કુછ ઠીક સે સુનાઇ નહીં દેતા... યે સરકારી લૅન્ડલાઇન નિકાલ દેના માંગતા.’

લથડિયાં ખાતા પગે આવીને તે બેઠો. અરુંધતી તેનું ધ્યાન વ્હિસ્કીના સ્વાદમાં ન જાય એટલા ખાતર અચાનક રોમૅન્ટિક વાતો કરવા માંડી.

‘અભી યે પાંચ લાખ કા તુમ ક્યા કરોગે? તારી કોઈ ગર્લફ્રેન્ડ તો હશેને? કેવી છે એ?’

વાતો કરતાં-કરતાં અરુંધતીએ સાડીનો છેડો વારંવાર નીચે સરકી જવા દીધો. રઘુ પણ રંગીન મિજાજમાં આવી ગયો! સાલો, હવે આંખ મીંચકારીને નૉન-વેજ જોક્સ મારી રહ્યો હતો!

આખરે વધુ પિસ્તાળીસ મિનિટ પછી રઘુનાથ વ્હિસ્કીની બૉટલ પૂરી કરીને ઊભો થયો. અરુંધતીના હાથમાંથી કારની ચાવી લઈને તેણે ચહેરા પર ફેલાયેલા સ્માઇલ સાથે ‘થૅન્ક યુ મૅડમ...’ કહીને પ્રોફેશનલ ડ્રાઇવરની માફક સલામ પણ ઠોકી!

બહાર જતાં-જતાં તે બે ટેબલ સાથે અથડાતાં બચ્યો, પણ જ્યારે અરુંધતીને પોતાની કાર સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો ત્યારે તેને હાશ થઈ.

બિલ ચૂકવીને તે બહાર નીકળી. ઝરમર વરસતા વરસાદમાં કાર ખંડાલાના ઘાટની વાંકીચૂકી સડક પરથી જઈ રહી હતી. કારની ગતિ પણ વાંકીચૂકી જ હતી! ધુમ્મસિયા વાતાવરણમાં કાર દેખાતી બંધ થઈ કે તરત જ માલતીની કાર આવીને ઊભી રહી ગઈ.

‘કેવું રહ્યું?’ અરુંધતી કારમાં બેઠી કે તરત માલતીએ પૂછ્યું.

‘પર્ફેક્ટ!’ અરુંધતીએ અંગૂઠો અને આંગળી મેળવીને કહ્યું.

માલતી અરુંધતીનો સીન જોઈને હસી, ‘તને પણ ચડી ગઈ લાગે છે!’

‘શટ અપ!’ અરુંધતીએ માલતીને ધબ્બો માર્યો, પણ બીજી જ ક્ષણે તે સિરિયસ થઈ ગઈ.

‘માલુ, હવે શું?’

માલતીએ ઘડિયાળમાં જોયું. સવાનવ થઈ રહ્યા હતા, ‘એ માણસ બહુ દૂર સુધી નહીં જઈ શકે. કોઈ પણ ક્ષણે તેને ઘસઘસાટ ઊંઘ આવી જશે... અને આ ખંડાલાની ધુમ્મસભરી વરસાદી રાતમાં તે તારી કાર સાથે એકાદ ખીણમાં...’

અરુંધતીને સહેજ ધ્રુજારી ચડી ગઈ. તેણે કહ્યું, ‘લેટ અસ હોપ સો.’

‘નો....’ માલતીએ કહ્યું, ‘લેટ

અસ મેક શ્યૉર. ખાતરી કરી લેવી જરૂરી છે.’

વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો. ખંડાલાના વાંકાચૂકા અને ઢોળાવવાળા ઘાટના રસ્તે માલતી સાવધાનીપૂર્વક કાર ચલાવતી રહી. અહીં હવે ભાગ્યે જ કોઈ વાહનની અવરજવર હતી. ત્યાં અચાનક અરુંધતીએ તેનો હાથ પકડીને જોરથી ચીસ પાડી :

‘માલતી! સામે જો!’

સામે એક ઢોળાવના છેડે, વળાંક લઈ રહેલા રોડ પર અરુંધતીની કાર અટકીને ઊભી હતી! નજીક જઈને જોયું તો સ્ટિયરિંગ-વ્હીલ ઉપર બેઠેલો રઘુનાથ માથું ઢાળીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો!

‘હવે?’ માલતીના પ્લાન મુજબ તો કાર એકાદ ખીણમાં ગબડીને પડી જવી જોઈતી હતી, પણ અહીં તો...

અરુંધતી પૂતળું બની ગઈ હતી! ઝરમર વરસાદમાં પણ તેની જીભ સુકાઈને તાળવે ચોંટી ગઈ! માલતીએ તને હચમચાવી :

‘કમ ઑન અરુંધતી! કારને ધક્કો માર!’

‘હેં?’ અરુંધતી હજી સ્તબ્ધ હતી.

‘કમ ઑન! પુશ ધ કાર, યુ ઇડિયટ!’ માલતીએ રીતસર ઘાંટો પાડ્યો.

‘પણ તે જાગી ગયો તો?’

‘નહીં જાગે! કમ ઑન, ધક્કો માર!’ માલતી કારની ડિકી પર બે હાથ ગોઠવીને તૈયાર હતી. અરુંધતીએ સાથ આપ્યા વિના છૂટકો નહોતો.

માલતી સ્પોર્ટ્સ-પર્સન હતી, સ્ટ્રૉન્ગ હતી, પરંતુ ધક્કો માર્યા છતાં કાર આગળ વધી રહી નહોતી. કદાચ રઘુનો પગ બ્રેક પર ચોંટી ગયો હતો!

‘કમ ઑન અરુંધતી! તારી જિંદગીભરની મુસીબતોથી છુટકારો મેળવવાનો આ જ મોકો છે!’

બન્નેએ કચકચાવીને જોર લગાવ્યું.... પણ આ શું?

કારમાં બેઠેલો રઘુ અચાનક

જાગી ગયો! તે પાછળ જોઈને ચીસ પાડવા લાગ્યો! અરુંધતીની આંખો ફાટી ગઈ હતી.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 05:43 AM IST | Mumbai | Lalit Lad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK