Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૪)

એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૪)

09 May, 2024 05:36 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

અદ્વિતીય મૂંઝાય છે ત્યારે તેની બાજુના રૂમમાં રસિકા કિસ્મતને પોંખી રહી છે : આનું નામ જૅકપૉટ!

ઇલસ્ટ્રેશન

વાર્તા સપ્તાહ

ઇલસ્ટ્રેશન


અદ્વિતીયે રેવાનો પહોંચો પસવાર્યો. ગામની મુલાકાતમાં રેવાએ આટલું સહ્યું હશે એવા ખબરની અપેક્ષા ક્યાં હતી?

‘ગોવાથી છટકી હું સુરત આવી. મધરાતે ભાણીને ત્રસ્ત હાલતમાં એકલી આવેલી જોઈ મામા ચિંતિત બન્યા. મારી વીતક જાણી પહેલી વાર મામીને ધીબેડ્યાં. મામી ફફડી ઊઠ્યાં : મેં રૂપિયા લીધા એ સાચું, પણ સત્યેનના ગંદા ધંધાની મને નહોતી ખબર... અને મામી આટલા પૂરતાં તો સાચાં હતાં.’



અદ્વિતીયને નિહાળી રેવાએ કડી સાંધી, ‘તેમને માફ કરવાનું કહી બીજી સવારે મામાનું ઘર છોડી હું અહીં આવી ગઈ. મામાએ પણ ન રોકી : જા બેટા, ત્યાં તારું કોઈ દુશ્મન તો નહીં હોય! અહીં ગામમાં કોઈ મારાં લગ્ન વિશે જાણતું નથી. પોલીસમાં જવાનો પણ અર્થ નહોતો. અમારાં લગ્નનો કાયદાકીય પુરાવો જ ક્યાં છે? સત્યેનના ત્યાર પછી કોઈ સગડ નથી, મેં તેની તમા પણ રાખી નથી.’


‘સત્યેન ખાડીમાં ડૂબ્યો હોય તો ધરતી પરથી એક પાપ ઓછું, પણ ધારો કે ઊગરી ગયો હોય તો કોઈ બીજી રેવાને જાળમાં ન ફસાવે એ માટેય આપણે તેની ભાળ તો કાઢવી રહી.’

રેવા અદ્વિતીયને અપલક નેત્રે નિહાળી રહી. અદ્વિતીયના આવ્યાની આજની ત્રીજી સાંજે મન મક્કમ કરી વ્યથાકથા ઉલેચી દીધી એનું સૌથી વિશેષ એ જ અદ્વિતીયે મારા પ્રત્યેક શબ્દમાં વિશ્વાસ મૂકી જાણ્યો!


તેની કીકીમાં ઘૂઘવતું ભાવવિશ્વ અદ્વિતીયને જાણે બાંધી રહ્યું. બસ, હવે રેવાનું માથું પોતાના ખભે ટેકવી પ્રણયભીના એ ત્રણ શબ્દો બોલવા જેટલી જ વાર હતી કે :

‘હાય હૅન્ડસમ!’

દરવાજેથી ટહુકો થયો. રસોડા

તરફ મોં કરી હીંચકે બેઠેલા

અદ્વિતીય-રેવા ચોંક્યાં.

‘કોણ? ર...સિ...કા મૅમ તમે!’ પહેલાં અદ્વિતીયની નજર પડી.

દુપટ્ટો સરખો કરતી રેવા આગંતુક સ્ત્રીને જોઈ રહી. બાઈ અદ્વિતીય કરતાં ઉંમરમાં મોટી જ હશે, પણ છે રૂપનો કટકો. બ્લેઝર સહિતના ઑફિસવેરમાં એ કોઈ બિઝનેસવુમન જેવી વધુ લાગે છે. પાછી અદ્વિતીયને હાય હૅન્ડસમનું સંબોધન કરે છે.

‘મારા આઉટલેટની મુલાકાત લઈ પરત થતી હતી, ઇનૉગરેશનનું ઇન્વાઇટ આપવા ખાસ આવી, પણ ટ્રાફિકમાં ઘણું મોડું થઈ ગયું. વળી મારા ડ્રાઇવરને નાઇટ-ડ્રાઇવિંગ ફાવતું નથી એટલે શૅલ આઇ સ્ટે હીઅર? આઇ નો ડિયર તને થોડું ઑકવર્ડ પણ લાગતું હશે, પણ આ ગામડાગામમાં હોટેલ ઓછી હોવાની? નહીંતર તને કષ્ટ નહીં આપત.’

એના ડિયર શબ્દે રેવાને કતરાતી ભાળી અદ્વિતીયને થયું રસિકાને બ્રેક મારવી રહી.

‘કષ્ટનો સવાલ નથી, મૅમ...’ તે આટલું બોલ્યો કે રસિકાએ વાત ઊંચકી લીધી. ‘આઇ ન્યુ ઇટ. ઍન્ડ પ્લીઝ, કૉલ મી રસિકા, હું અહીં તારી મિત્ર તરીકે રહેવા માગું છું; મુંબઈની મોસ્ટ ફેમસ આઇસક્રીમ-મેકર તરીકે નહીં, જેની લોન તારી બૅન્કમાં ચાલુ છે.’

હવે રેવાને ગડ બેઠી. રસિકા અદ્વિતીયની બૅન્કની ક્લાયન્ટ છે!

અદ્વિતીય માટે રસિકાનું આગમન ધારણા બહારનું હતું. તે કંઈ બોલે એ પહેલાં તીરછી નજરે રેવાને જોઈ લેતી રસિકાએ વળ ચડાવ્યો. ‘જેણે મહિના પછી ગુજરાતના મારા આઉટલેટ્સનું ઉદ્ઘાટન કરવાનું છે તેની થોડી તો મહેમાનગતિ હું માણુંને.’

‘મતલબ!’

‘આ જો.’ અદ્વિતીય-રેવાને ડઘાતાં જોઈ મલકતી રસિકાએ બ્લેઝરના ઇનર પૉકેટમાંથી પત્રિકા કાઢી, ‘પ્રેસવાળાએ પહેલો ડ્રાફ્ટ આજે જ મોકલ્યો.’

ઉદ્ઘાટક તરીકે ખરેખર પોતાનું નામ જોઈ અદ્વિતીય ડઘાયો : ‘હું તો નાનો માણસ, મૅમ મને આટલું માન ન હોય!’

અને રસિકાને બોલવાનો મોકો મળી ગયો.

‘રસિકા જેને પોતાનો ગણે તે નાનો તો કેમ કહેવાય?’ કહી અદ્વિતીયને બોલવાનો મોકો આપ્યા વિના ઉમેરી દીધું, ‘મને કોઈ પાણીનું તો પૂછો!’

રેવા રસોડામાંથી પ્યાલો લઈ આવી.

‘તારી મેઇડ બહુ બ્યુટીફુલ છે.’

‘શી ઇઝ નૉટ મેઇડ. આ રેવા છે.’ અદ્વિતીય પરિચય વિસ્તારે એ પહેલાં હાથ હલાવતી રસિકાએ ફટકો મારી દીધો, ‘વૉટએવર! આઇ ડૂ હોપ કે તે થોડું ઘણું અંગ્રેજી ભણી હોય તો પેલી ઉક્તિનો અર્થ પણ સમજતી હોય કે ટૂ ઇઝ અ કંપની ઍન્ડ થ્રી ઇઝ... ’

એનો અધ્યાહાર રેવાના મર્મસ્થાને લાગ્યો. અદ્વિતીય પણ કેમ તેને ગળું ખંખેરી કશું કહેતા નથી?

‘કોઈની કંપનીમાં ખલેલ પાડવાનો મારો સ્વભાવ નથી...’ રોષથી તમતમતી રેવાએ અદ્વિતીયને નિહાળ્યો પછી મોં ફેરવી સડસડાટ નીકળી ગઈ.

‘રે...વા...’ અદ્વિતીય પાછળ ભાગ્યો.

‘અદ્વિતીય, જલદી આવજો... ફૂડ-પાર્સલ લાવી છું ને મને ભૂખ પણ બહુ લાગી છે!’

તેની પીઠ પાછળ સાદ નાખી રસિકા ઘરમાં નજર ફેરવી હીંચકે બેઠી : તું રેવા પાછળ ગમે એટલું ભાગ અદ્વિતીય, હરીફરીને આવવાનું તો તારે મારી પાસે જ છે!

રાત જામી છે. આખું ફળિયું જંપી ગયું છે. બસ, બે ઘરમાં ત્રણ જણની આંખોમાં નીંદર નથી.

એક છે રેવા.

ત્રણ દિવસ અગાઉ અદ્વિતીયનું આગમન થયું ને જાણે તપ્ત રણને અમૃતવર્ષાનો અનુભવ થયો હતો. સત્યેનનો કિસ્સો કહ્યા-સાંભળ્યા પછી અદ્વિતીય હૈયાની સાવ લગોલગ આવી પહોંચ્યાનું લાગતું હતું, ત્યાં જ ત્રિકોણના ત્રીજા ખૂણા જેવી રસિકા ટપકી!

ઉંમરમાં અદ્વિતીયથી મોટી બાઈ કદાચ મને જતાવવા માગતી હતી કે મારો અદ્વિતીય સાથે બહુ અંગત સંબંધ છે!

‘એ છે જ થોડી એવી.’

રસિકાની અંગ્રેજી ઉક્તિની ચાંપલાશે પોતે અદ્વિતીયને ત્યાંથી નીકળી, પાછળ મારા ઘર સુધી આવેલા અદ્વિતીયે ખુલાસો કરતાં કહેલું પણ - મારી પાસે ઇનૉગરેશન કરાવી, મારા ઘરે પરાણે ઊતરી રસિકા શું પુરવાર કરવા માગે છે એ તો તે જ જાણે, પણ હું શું ઝંખું એની તને તો ખબર હોવી ઘટે, રેવા...

અદ્વિતીયના શબ્દોમાં મારી જ લગનનું પ્રતિબિંબ હતું. રસિકાના કાંકરીચાળાથી તે ખંડિત નહીં થાય!

રેવા ખુદને આશ્વસ્ત કરતી હતી ત્યારે ચોથા ઘરે અદ્વિતીય પડખાં

ઘસતો હતો :

મારા આગમને રેવામાં નવપલ્લવિત થયેલી એ જ પુરાણી લગન હું અનુભવી શકું છું. આજે એના પ્રાગટ્યનું મુહૂર્ત સાવ ઢૂંકડું હતું, ત્યાં રસિકામૅમનું આગમન!

તે સ્ત્રી થોડી અકળ છે.

પોતે રેવાને મનાવી ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઇવર પાસે પોતાનો સામાન ગોઠવાવી રસિકા તેને રવાના કરી ચૂકેલી : ગામના પાદરે કે કોઈ ચોતરા આગળ જગ્યા દેખાય ત્યાં કાર પાર્ક કરી સૂઈ જજે.

રસોડામાંથી જમવાના વાસણ કાઢી પાણીના પ્યાલા ભરી પાટલોય માંડ્યો હતો. જોકે ભોજનની સામગ્રી જોઈ અદ્વિતીયથી બોલાઈ ગયેલું, ‘રેવાને તેડાવી લઉં.’

અદ્વિતીયે તેને કૉલ કરવા મોબાઇલ હાથમાં લીધો કે રસિકાના સવાલે તેને રોકી પાડેલો, ‘રેવાને તમે કેટલી જાણો છો? હું તો આજે તેને પહેલી વાર મળી, પણ પામી ગઈ છું કે તે ભારે સ્વમાની છોકરી છે. આમ ભાણે બેસી તેને તેડું મોકલો તો તે કંઈ નોતરું ન સ્વીકારે.’

અદ્વિતીય ખંચકાયો. ના, પોતાના એક બોલે રેવા દોડતી આવે એની ખાતરી તો હતી, પણ એનો પુરાવો ત્રાહિત વ્યક્તિને શું કામ આપવો?

એને બદલે રેવા સાથે થયેલી છેતરપિંડીની ગાથા કહી રેવાએ વૉટ્સઍપ કરેલો સત્યેનનો ફોટો દેખાડેલો : જુઓ આ બદમાશ ભોળી કન્યાઓને પરણીને છેતરે છે!

‘આ માણસ?’ રસિકા કેવી ચમકી ગયેલી.

‘તમે ઓળખો છો આને?’ અદ્વિતીયે ઉત્સુકતાથી પૂછતાં ઝૂમ કરી ફોટો નિહાળતી રસિકાએ મગરૂરીભેર સંભળાવેલું, ‘બીજાને છેતરનારા સાથે મારી ઓળખાણ હોતી હશે!’

જમ્યા પછી થોડી આડીઅવળી વાતો થઈ, એમાં પણ મને સ્પર્શી લેવાની તેની ચેષ્ટા સાવધ કરનારી હતી. શા માટે આ સ્ત્રી આમ વર્તી રહી છે? મારી વર્જિનિટી બાબત બેધડક સવાલ પૂછે, રેવાની હાજરીમાં મને હૅન્ડસમ, ડિયર કહે, તેના પાર્લરનું ઇનૉગરેશન માટે મારું નામ મૂકે... શા માટે?

અદ્વિતીય મૂંઝાય છે ત્યારે તેની બાજુના રૂમમાં રસિકા કિસ્મતને પોંખી રહી છે : આનું નામ જૅકપૉટ!

પોતે અચાનક આવી અદ્વિતીયને ચોંકાવી દેવો હતો. ઉદ્ઘાટક તરીકે તેનું નામ રાખ્યું છે એ ખબર દઈ ઑબ્લાઇજ કરવાનો ઇરાદો હતો... ઓપનિંગના બે-એક દિવસ અગાઉ ‘ફંક્શનમાં તારા માટે અન્ય એક સરપ્રાઇઝ છે - ઍન્ડ નેવર ડેર ટુ સે નો ફૉર ધૅટ!’ કહી રાખવાનું. અને પછી ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં ઍન્કર અમારાં વેવિશાળના ગુડ ન્યુઝ અનાઉન્સ કરે ત્યારે એનાથી ઇનકાર થવાનો પણ નહીં! આખરે બૅન્કમાં કામ કરનારો એટલી ગણતરી તો માંડે કે આ સંબંધમાં પોતે ફાયદામાં જ રહેવાનો છે!

અને સારું થયું કે પોતાને અહીં આવવાનું સૂઝ્યું. અદ્વિતીય-રેવાના એકાંતમાં તેમનાં મન મળ્યાંનો અણસાર આવી ગયો, પણ તેમના માટે એકરારની ક્ષણ આવે એ પહેલાં પાંપણના પલકારામાં અહીં રોકાવાનો નિર્ણય લઈ પોતે રેવાનું પત્તું કાપવાનું નક્કી કરી લીધું. બાકી પહેલાં તો અદ્વિતીય સાથે ડિનર લઈ નીકળી જવાનો જ પ્લાન હતો.

અને હવે જે કામ માટે રોકાઈ છું એ પણ થઈ જવું ઘટે!

ઠક... ઠક... દરવાજો ઠોકાતાં અદ્વિતીયની કાચી ઊંઘ તૂટી.

‘અદ્વિતીય પ્લીઝ દરવાજો ખોલો...’ રસિકાની દબાયેલી બૂમમાં ગભરાટ લાગ્યો.

જાણે શું થયું! અદ્વિતીયે ઉતાવળે સ્ટૉપર ખોલી એવી જ અંદર ધસી આવતી રસિકા તેને વળગી પડી, ‘સેવ મી અદ્વિતીય... મારા રૂમમાં લિઝર્ડ છે!’

અદ્વિતીયથી હસાઈ ગયું. ‘એમાં આટલું બીવાનું!’

‘નો બાબા, હું હવે એકલી ન સૂઉં...’ કહી રૂમમાં દોડી તેણે પલંગ પર લંબાવ્યું.

‘રસિકા... મૅમ...’ અદ્વિતીય ગંભીર બન્યો. ‘આ શું માંડ્યું છે? તમને શોભે છે આવું? એક રૂમમાં એક પલંગ પર સાથે સૂવું આપણે માટે શક્ય જ નથી.’

અદ્વિતીયનું વલણ અપેક્ષિત હતું, એટલે પિત્તો ગુમાવાને બદલે ખંધું સ્મિત ફરકાવી રસિકા પલંગ પરથી ઊતરી મલપતી ચાલે તેની નિકટ પહોંચી, નાઇટીની પટી ખભા પરથી સહેજ સરકાવી, ‘બોલ, હવે પણ શક્ય નથી?’

અદ્વિતીયની નજર ચોંટી ગઈ. પટ્ટી થોડી વધુ સરકી. અદ્વિતીયે ગળામાં શોષ અનુભવ્યો. તેની હાલતે મંદ-મંદ મલકતી રસિકાએ ‘હજુય તને શક્ય ન લાગતું હોય તો...’ કહી ગાઉન સરકાવ્યું.

બદન પરથી સરકેલું ગાઉન ભોંય પર પડે એ પહેલાં પીઠ ફેરવી અદ્વિતીય બહાર દોડ્યો. આવેશમાં ઘરનો મુખ્ય દરવાજો ખોલી ‘રેવા... રેવા...’ની બૂમ નાખતો તેના ઘર તરફ ગયો. તેના સાદે ફળિયાનો સૂનકારો થરથર્યો. શેરીનાં ઘણાં ઘરોમાં લાઇટ થઈ. કોઈ મેડીની બારીમાંથી ડોકાયું. કોઈ આંગણામાં.

રેવા, સાથે ભઉ... ભઉ... કરતો શેરુ આવી પહોંચ્યો.

‘શું થયું અદ્વિતીય?’ તેના આવેશે રેવા ચિંતિત થઈ.

અદ્વિતીયે જોયું તો ગાઉન પર શાલ લપેટી રસિકા પણ પોતાના આંગણામાં આવી ઊભી છે. તેણે ઊંડો શ્વાસ લઈ રેવાનો હાથ પકડ્યો.

‘રેવા, આ મંગળ ચોઘડિયું છે કે નહીં એ તો નથી જાણતો, પણ મારા માટે આ પળથી મંગળ કોઈ પળ નહીં હોય. આભના તારામંડળની સાક્ષીમાં, પાડોશીઓની હાજરીમાં હું તને મારી જીવનસંગિની થવાનો પ્રસ્તાવ મૂકું છું. બોલ તને સ્વીકાર્ય છે?’

અચાનક અદ્વિતીયને આ શું થયું એ તો રેવાને ન પરખાયું, પણ આનો ઇનકાર તો ન જ હોયને! એના સ્વીકારે પાડોશીઓએ તાળી પાડી. શેરુ ગેલમાં આવી ગયો.

પણ દૂર ઊભી રસિકા ઊભી-ઊભી સળગી ગઈ : અદ્વિતીય, તેં મને ઠુકરાવી ઑર્ડિનરી રેવાને પસંદ કરી, પણ તમારી લવસ્ટોરીનો એન્ડ હૅપી તો નહીં જ હોય, આયેમ ગોઇંગ ટુ મેક ઇટ શ્યૉર!

પ્રીતની લગન સામે વેરની અગન શું રંગ દેખાડશે એની કોને ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 05:36 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK