એક સમાજ તરીકે આપણી સૌથી મોટી ખામી એ છે કે આપણે આ બાળકોને દયા કે સહાનુભૂતિની નજરે જોઈએ છીએ, પરંતુ તેમને સમાનતા અને સ્વીકાર આપવાનું ભૂલી જઈએ છીએ. પરિણામે બાળકોની સાથે તેમનાં માતા-પિતા પણ સામાજિક અને માનસિક પડકારોનો સામનો કરે છે.
જલ્પા મહેતા
સમાજમાં જ્યારે પણ સ્પેશ્યલ બાળકોની વાત આવે છે ત્યારે અજાણતાં જ તેમની આસપાસ એક અદૃશ્ય દીવાલ ઊભી થઈ જાય છે. આજે પણ ન્યુરો-ડાઇવર્સ લોકોને અલગ જોવાની માનસિકતા જોવા મળે છે. રમતનાં મેદાનો હોય, સ્કૂલના સામાજિક કાર્યક્રમો હોય કે જાહેર સ્થળો; અનેક જગ્યાએ આ બાળકોને અલગ નજરે જોવામાં આવે છે અથવા તો અજાણતાં જ તેમને બાકીનાથી અલગ કરી દેવામાં આવે છે. એક સમાજ તરીકે આપણી સૌથી મોટી ખામી એ છે કે આપણે આ બાળકોને દયા કે સહાનુભૂતિની નજરે જોઈએ છીએ, પરંતુ તેમને સમાનતા અને સ્વીકાર આપવાનું ભૂલી જઈએ છીએ. પરિણામે બાળકોની સાથે તેમનાં માતા-પિતા પણ સામાજિક અને માનસિક પડકારોનો સામનો કરે છે. સમાજ જ્યારે તેમને સહજતાથી સ્વીકારતો નથી ત્યારે તેમની ક્ષમતાઓ અને સંભાવનાઓને પૂરતી તક મળતી નથી.
મારા મનમાં વારંવાર એક પ્રશ્ન ઊભો થતો હતો કે શા માટે આપણે આ બાળકોને અન્ય બાળકો સાથે રમવા, શીખવા અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સમાન તક નથી આપતા? શા માટે દરેક કાર્યક્રમમાં તેમની અલગ ઓળખ ઊભી કરવામાં આવે છે? શું તેઓ પણ આપણા સમાજનો અભિન્ન હિસ્સો નથી? મારા મતે આ સમસ્યાનો ઉકેલ માત્ર સહાનુભૂતિ દર્શાવવામાં નથી, દરેક બાળકને સમાન તક અને સમાવેશી વાતાવરણ પૂરું પાડવામાં છે. અમારું માનવું છે કે જ્યારે ન્યુરો-ડાઇવર્સ બાળકો અને ન્યુરો-ટિપિકલ બાળકો એકસાથે સમય વિતાવે છે, રમે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ત્યારે બન્ને એકબીજાને સમજતાં શીખે છે. આ હેતુથી બાળકો અને તેમના પરિવારો માટે વિવિધ વર્કશૉપનું આયોજન કરી શકાય. એમાં એકબીજાને પ્રોત્સાહન મળે છે અને પ્રવૃત્તિનો આનંદ માણે છે. આ પ્રક્રિયામાં સામાન્ય બાળકોમાં નાનપણથી જ સંવેદનશીલતા, સ્વીકારભાવ અને સહઅસ્તિત્વની ભાવના વિકસે છે; જ્યારે ન્યુરો-ડાઇવર્સ લોકોમાં કૉન્ફિડન્સ અને સોશ્યલ કનેક્શન વધે છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા અલગ-અલગ પરિવારોને એકસાથે આવવાની તક મળે છે. માતા-પિતા પોતાના અનુભવો, પડકારો અને ખુશીઓ એકબીજા સાથે વહેંચી શકે છે. તેમને એકબીજાનો સાથ અને સહકાર મળે છે જે તેમની સામાજિક જોડાણની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
ADVERTISEMENT
સાચા અર્થમાં સમાવેશી સમાજ ત્યારે જ બનશે જ્યારે આપણે સ્પેશ્યલ બાળકોને અલગ રાખવાને બદલે દરેક પ્રવૃત્તિમાં તેમની સહભાગિતાને પ્રાથમિકતા આપીશું. તેમને દયાની નહીં; સમાન તક, સ્વીકાર અને સન્માનની જરૂર છે. આપણે બાળકોને સાથે રાખીને આગળ વધીશું તો જ આવનારી પેઢીમાં ભેદભાવ નહીં પરંતુ સ્વીકારની ભાવના વિકસાવી શકીશું.
- જલ્પા મહેતા
જલ્પા મહેતા ‘સાહા સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન’નાં કો-ફાઉન્ડર છે. તેઓ સંસ્થા દ્વારા ન્યુરો-ડાઇવર્સ બાળકો અને તેમના પરિવારો માટે વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, વર્કશૉપ, સાઇક્લિંગ ઇવેન્ટ્સ અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.
