ક્વાલા લમ્પુર શહેરમાં ઇમારતોના શેપમાં છે ABCDના ૨૬ અક્ષરો. પૅટ્રિક નામના ફોટોગ્રાફરે લગભગ એક વર્ષ સુધી શહેરને ધમરોળીને એમાંથી દરેક આલ્ફાબેટના શેપનું બિલ્ડિંગ શોધીને એની તસવીરો એકઠી કરી છે
હકીકતમાં બિલ્ડિંગો છે આ A to Z
કોઈ પણ શહેરને હવાઈ લેન્સથી જોઈએ તો જાતજાતના નજારા જોવા મળે. દરેક શહેરનું આર્કિટેક્ચર, સિટી પ્લાનિંગ એ વિસ્તારમાં રહેતા લોકો વિશે ઘણુંબધું કહેતું હોય છે. જોકે મલેશિયામાં રહેતા પૅટ્રિક નામના ફોટોગ્રાફરે ક્વાલા લમ્પુર શહેરના પ્લાનિંગમાં કંઈક એવી અનોખી ચીજ શોધવાનું બીડું ઝડપ્યું જેની શરૂઆત બહુ એક્સાઇટમેન્ટથી થઈ, પણ અધવચ્ચે એ શોધ અનેક વાર ખોરંભે ચડી ગઈ. એમ છતાં એક વર્ષ લાંબા પ્રોજેક્ટ પછી જ્યારે એ શોધ પૂરી થઈ તો પૅટ્રિકે સંતોષનો હાશકારો અનુભવ્યો.
એવું તો શું કામ પૅટ્રિકે ઉપાડેલું? એક વાક્યમાં કહીએ તો ક્વાલા લમ્પુર શહેરનાં બિલ્ડિંગોના આકારમાં અંગ્રેજી આલ્ફાબેટની શોધ. જોકે એક વાક્યની આ શોધ માટે પૅટ્રિકે એક વર્ષ સુધી રાત-દિવસ એક કરીને પોતાના શહેરને ધમરોળ્યું હતું. ૨૦૨૪ની એક સવારે તેણે રોડના એક ખૂણે એવો ખાંચો જોયો કે તેને એ બિલ્ડિંગમાં E શેપ દેખાયો. એ જોઈને તેને થયું કે શું અંગ્રેજી આલ્ફાબેટનો શેપ ધરાવતાં બિલ્ડિંગો આખા શહેરમાંથી મળી શકે ખરાં? એની શોધ ચલાવવા તેણે ગૂગલ મૅપ્સને ફંફોસ્યો. સૅટેલાઇટ વ્યુમાં જઈને દિવસો સુધી શહેરનાં બિલ્ડિંગોના બર્ડ વ્યુઝ તપાસ્યા. ચોક્કસ ચાર રસ્તાઓ, આંગણાં, પ્રાઇવેટ બિલ્ડિંગો, પબ્લિક ઑફિસો એમ દરેક બિલ્ડિંગના આકારોને વન બાય વન સ્કૅન કરવાનું શરૂ કર્યું. દરેક ગલીકૂંચીને સ્કૅન કરીને તેણે લગભગ ૮ મહિનાની મહેનતે ABCDના ૨૬ આલ્ફાબેટ્સનું સામ્ય ધરાવતાં હોય એવાં બિલ્ડિંગો ખોળી કાઢ્યાં.
ADVERTISEMENT
એ પછી બીજા તબક્કાનું કામ આવ્યું ગૂગલ મૅપ્સ પર સ્કૅન કરેલા એ દરેક બિલ્ડિંગની પાસે જઈને ડ્રોન દ્વારા એની રિયલ તસવીરો લેવાનું. આ કામ પણ બીજા ચારેક મહિના ચાલ્યું. લગભગ ૧૨ મહિનાની રઝળપાટ પછી જે નીકળ્યું એ પૅટ્રિકે પોતાની વેબસાઇટ પર શૅર કર્યું છે.
પૅટ્રિક આ આખા પ્રોજેક્ટનો અનુભવ પોતાની વેબસાઇટ પર શૅર કરતાં લખે છે, ‘એક તબક્કો એવો આવ્યો કે મેં પ્રોજેક્ટ માળિયે ચડાવી દેવાનું નક્કી કર્યું, કેમ કે G, M, Q, R જેવા અક્ષરોના શેપનાં બિલ્ડિંગો મળે એવી દૂર-દૂર સુધી કોઈ સંભાવના દેખાઈ નહોતી રહી. મારા માટે આ એક ટ્રેઝર હન્ટ જેવી ગેમ હતી. એક શેપવાળું બિલ્ડિંગ મળે તો એ પછી એક વીક સુધી હું જબરદસ્ત પ્રોત્સાહિત રહેતો. આખરે હવે જ્યારે આખો ૨૬ અક્ષરોનો કોલાજ મારા શહેરના આર્કિટેક્ચરમાં હું જોઉં છું ત્યારે મને નિરાંતની નીંદર આવે છે. કોઈ પૂછી શકે કે આવો વિચિત્ર ટાસ્ક લેવાનું કેમ સૂઝ્યું? મને પણ ક્યારેક થયેલું, પણ હવે મને થાય છે કે આવું મને સૂઝ્યું અને મેં એ અચીવ કર્યું એ જ ખરી ઉપલબ્ધિ છે.’
