Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લોકો શું કહેશે, શું વિચારશે એવું કાયમ વિચારતા આપણે પરમાત્માને શું લાગશે એ વિચારીએ છીએ ખરા?

લોકો શું કહેશે, શું વિચારશે એવું કાયમ વિચારતા આપણે પરમાત્માને શું લાગશે એ વિચારીએ છીએ ખરા?

Published : 19 February, 2026 12:46 PM | IST | Mumbai
Jayesh Chitalia

કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના; છોડો બેકાર કી બાતોં મેં કહીં બીત ન જાય રૈના... આ ગીત આપણને સાંભળવું કે ગાવું બહુ ગમે, પરંતુ આ ગીતને જીવવું ગમે? હા, ગમે એવું કહેવાનું મન થાય; પરંતુ આમ જીવી શકાય ખરું?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

PoV

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


શું આપણે એક પળ પણ વિચાર કર્યા વિના રહી શકીએ છીએ? આપણે ન કરીએ તો પણ વિચાર આવી જ જાય છે, કારણ કે આપણું મન અને એમાં ચાલતા વિચારો આપણા કાબૂમાં હોતા નથી. આપણે શાંત બેઠા હોઈએ કે કોઈ કામ કરતા હોઈએ, કોઈની સાથે વાત કરતા હોઈએ કે ફિલ્મ જોતા હોઈએ. સ્મશાનમાં ગયા હોઈએ કે લગ્નની પાર્ટીમાં હોઈએ. વિચાર સતત ચાલુ ને ચાલુ જ રહે છે. આપણે વિચારોને જેટલા દૂર કરવાનો પ્રયાસ કરીએ, એને ભગાડવાની કોશિશ કરીએ, એ બમણા વેગથી આપણા પર તૂટી પડે છે. આ વિચારોના અતિરેકને આજકાલ સ્ટ્રેસ અથવા ડિપ્રેશન કે પછી ઓવરથિન્કિંગ કહેવાય છે, જેવી મનની સ્થિતિ.

વધુ વિચાર શેના આવે?



આપણા વિચારોમાં સૌથી વધુ વિચાર કયા હોય છે ખબર છે? લોકો મારા વિશે શું વિચારે છે? હું આમ કરીશ તો મારા પરિવારજનો શું કહેશે? મારા પ્રિયજનો શું સમજશે? મારા મિત્રો શું અર્થ કરશે? મારા પાડોશીઓ, સગાંસંબંધી શું પ્રતિભાવ આપશે? મારા ઑફિસના સાથીઓ કે મારા બિઝનેસ-સર્કલમાં શું વાતો થશે? મારા ધર્મના લોકો, મારી જ્ઞાતિના લોકોને શું લાગશે? મારા સમાજના લોકો શું વિચારશે? આવું કેટલુંય આપણે વિચારતા રહીએ છીએ. આ વિચારો સાથે જ જીવન જીવવાનું ચૂકી જવાય છે અને જીવન પૂરું પણ થઈ જાય છે. આપણને સત્ય કરતાં લોકોની ચિંતા વધુ હોય છે. આપણને સારા-સાચા બનવા કરતાં સારા દેખાવાની ચિંતા વધુ હોય છે.


આપણાં બે મુખ્ય પાયાનાં કારણ

જોકે પરમાત્મા શું કહેશે, શું વિચારશે, શું અર્થ કરશે, શું સમજશે, તેને કેવું લાગશે એ આપણે વિચારીએ છીએ ખરા? બધું જ અને બધાનું વિચારીએ છીએ, માત્ર પરમાત્મા સિવાય. ખરેખર તો આપણો આત્મા એટલે આપણો પરમાત્મા શું વિચારશે એ જ વિચારને સાથે રાખી કંઈ પણ કરવામાં અને જીવવામાં સાર્થકતા છે, જ્યારે કે સૌથી વધુ ઉપેક્ષા આપણે એની જ કરીએ છીએ.


કેમ એમ? કારણ સહજ છે, આપણે પરમાત્માને માનીએ છીએ પણ તેનો આપણને કોઈ અનુભવ નથી. અનુભવ ન હોય ત્યાં વળી અનુભૂતિ કઈ રીતે હોઈ શકે? આપણે અનુભવ માટે કોઈ પ્રયાસ કરતા નથી. આપણા બધા જ પ્રયાસ આપણા સ્વાર્થને કેન્દ્રમાં રાખીને થતા હોય છે. આપણા પરમાત્માને માનવાનાં બે મુખ્ય કારણ હોય છે. એક, આપણી અપેક્ષાઓ અને બીજું, આપણો ભય. આપણને ભગવાન પાસેથી સતત કંઈક ને કંઈક અપેક્ષા હોય જ છે. તેણે જે આપ્યું છે એનો વિચાર કે તેનો આભાર આપણે માનતા નથી, પરંતુ જે નથી આપ્યું યા જે બીજા પાસે છે અને પોતાની પાસે નથી એની ફરિયાદ ચોક્કસ કરીએ છીએ. આપણે સતત અસલામતી ફીલ કરતા રહીએ છીએ, જે છે એ ક્યાંક છિનવાઈ જાય નહીં, કોઈ મુસીબત આવી પડે નહીં. આપણને કોઈ જ તકલીફ પડે નહીં એવી લાગણી સતત

આપણા મનમાં ચિંતાને ચલાવ્યા કરે છે. વેરી ફ્રૅન્ક્લી આપણે પરમાત્માને સમજવામાં હજી સફળ થયા નથી. જોકે તે આપણને બરાબર સમજે છે. આ વિચારધારા સાથે આજે પરમાત્માને બે વાત કરવી છે.

તું પણ ખરેખર કમાલ છે પરમ.

કંઈ નથી લઈ જવાનો માણસ અહીંથી

તો પણ તેને ભેગું કરવાની કેટલી કરાવે છે ચિંતા.

કાલની એને નથી ખબર અને

તું એને ભવિષ્યની કરાવે છે ચિંતા.

તું જે આપીશ એ જ એને મળશે

તો શા માટે કરાવે છે એને

બધું ઇચ્છેલું પામી લેવાની ચિંતા.

મૃત્યુને એ રોજ જુએ છે તેમ છતાં

છોડી નથી શકતો એ જીવનની એકેય ચિંતા.

એ માણસ છે, નથી સમજી શકતો

તું માત્ર કરાવ એને તને સમજવાની ચિંતા.

બીજી વાત પરમને એ કરવી છે કે

તું પરમ એક જ ને અમે માણસો અબજો.

તોય તને શોધી શકતા નથી,

શું અમે તને સદા અબજોની બહાર

શોધવાનો પ્રયાસ કર્યો છે, એ જ કારણ?

તું પરમ એક જ ને અમે અબજો,

એમાં પાછા નવા પણ અમારામાં ઉમેરાતા જાય,

તોય અમે તને સમજી શક્યા નથી

શું અમે તને સમજવાની કોશિશ જ નથી કરી

એ જ કારણ?

કહેવાય છે, તું તો બધે, કણ-કણમાં પણ

તોય અમે તને જોઈ શકીએ નહીં

શું અમારી પાસે તને જોઈ શકવાની આંખ નથી

એ જ કારણ?

છેલ્લી વાત હવે,

તું પરમ એક જ ને અમે તને

વહેંચી દીધો વિવિધ ધર્મમાં, સંપ્રદાયમાં,

નાત-જાતમાં, ઊંચ-નીચમાં,

પુસ્તકોમાં, ગ્રંથમાં, માન્યતા અને કર્મકાંડમાં,

શું એ જ કારણ?

અમને કારણ કંઈ ખબર નથી, અમે કબીર નથી. તેમ છતાં અહીં જ્યોં કી ત્યોં ધર દીનિ ચદરિયાનો પ્રયાસ કર્યો છે. તને અમારા જીવનથી આનંદ થાય, સંતોષ થાય એવું જીવન જીવીએ. તેં અમને જીવનની અદ્ભુત ભેટ આપી, અમે પણ તને પાછા ફરીને ભેટ આપીએ તો જીવન સાર્થક બને. વાંચવું, સાંભળવું, બોલવું અને લખવું ઈઝી છે પરંતુ જીવવું સૌથી કપરું છે. મોટિવેશનલ સ્પીકર્સ હોય કે પ્રખર વક્તા, મોટા ભાગે બોલ બચન જ વધારે હોય છે. ભગવાન શ્રી રામના જીવનમાં તો એક જ ધોબી આવ્યો, આપણા જીવનમાં તો અનેક ધોબીઓ સતત હાજર હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 12:46 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK