નરેન્દ્ર મોદીએ વ્યંગમાં કૉર્પોરેટ્સ અને માલિકો-સંચાલકોને કહેલી વાતોમાં દૂરંદેશી અને લૉન્ગ ટર્મ ઇકૉનૉમિક, પૉલિટિકલ વિઝન પણ છે. એના બુનિયાદી મુદ્દા સમજવા જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
આજે મારે તમને એક વાત સ્પષ્ટપણે કહેવી છે ઃ તમને સરકારે છેલ્લાં અમુક વર્ષોમાં ટૅક્સ સહિત તમારા બિઝનેસના વિકાસ માટે ઘણી રાહતો આપી છે, જેને પરિણામે તમારા પ્રૉફિટમાં નોંધપાત્ર વધારો પણ થયો હશે, પરંતુ તમારા કર્મચારીઓનો એ પ્રમાણમાં તમે પગાર વધારો છો ખરા? આ વિચાર તમારે કરવાનો છે અને એનો અમલ થાય એ આવકાર્ય છે.
આ ભાવ (શબ્દો જરા જુદા હોઈ શકે) સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત શબ્દો વ્યક્ત કર્યા છે. સંખ્યાબંધ અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓ-પ્રમોટર્સની હાજરીમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના એક પ્રસંગમાં વડા પ્રધાને આ વાત કરી એ પછી એ રસપ્રદ ચર્ચાનો વિષય બની છે અને એની ચર્ચા-વિચારણા થવી પણ જોઈએ અને હા, યોગ્ય અમલ પણ.
ADVERTISEMENT
આ વાતને સમર્થન આપતો ડેટા
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના ડેટા મુજબ નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ઇન્ડેક્સ નિફ્ટી-૫૦૦ની નૉન-ફાઇનૅન્શિયલ કંપનીઓ પરનો કૉર્પોરેટ ટૅક્સ ૨૦૧૯થી ઘટાડવામાં આવ્યો ત્યારથી એ કંપનીઓનો નફો ત્રણગણો વધ્યો છે, વેતનખર્ચ ડબલ કરતાં વધ્યો છે, જ્યારે હાયરિંગ ગ્રોથ (લોકોને કામ પર રાખવાની વૃદ્ધિ)નો દર ૧ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે. સરકારનો ટૅક્સ-કટનો હેતુ રોજગાર-સર્જન અને વેતનવૃદ્ધિનો હોય છે, પરંતુ એ પરિણામ જોવા મળ્યું નથી. લોકોની સરેરાશ સૅલરી ઇન્ફલેશન (મોંઘવારી) સામે ટકી શકતી નથી.
ભાવો જેટલા વધે છે એટલા ઘટે છે ખરા?
ચોક્કસ કારણોસર કે સંજોગોને આધીન ભાવો વધે છે ત્યારે આપણને નાછૂટકે એનો બોજ ઉપાડી લેવો પડે છે, પણ ત્યાર બાદ એ કારણો પૂરાં થઈ ગયાં કે સંજોગો ચાલ્યા ગયા હોવા છતાં ભાવો પાછા ઘટતા જોવા મળે છે ખરા? એનો બોજ હળવો થાય છે ખરો? ભાવ ઘટે તોય કેટલા? આવા કિસ્સાના દાખલા તો અનેક મળે. ઘણી વાર તો મોંઘવારી વધી છે, ફલાણા-ઢીંકણાના ભાવ વધ્યા છે એવી વાતો કે ફરિયાદો ફેલાવીને જેને સંબંધ નથી એવી ચીજોના ભાવો પણ વધારી દેવાયા હોય છે. સંગ્રહખોરી આજે પણ ચાલે છે. બ્લૅક-માર્કેટિંગ પણ ચાલે છે. અગાઉની તુલનાએ આ દૂષણ અમુક અંશે ઘટ્યું હોઈ શકે, પરંતુ બંધ થયું નથી. ઘણા કિસ્સામાં તો કંપનીઓના પ્રૉફિટ ધરખમ વધ્યા હોવા છતાં વેતન વધવાની વાત તો બાજુએ રહી, ઘટ્યાં પણ હોય છે અથવા એ જ સ્તરે રહ્યાં હોય છે.
કરરાહતનો લાભ કોણ લઈ જાય છે?
ખેર, ફરી મોદીસાહેબની વાત પર પાછા ફરીએ તો ટૅક્સ-કટને કારણે કંપનીઓ પરનો આર્થિક ભાર હળવો થયો છે, પરંતુ આ હળવાશનો લાભ કર્મચારીઓને કે નવા રોજગારના સર્જનને મળ્યો નથી અથવા બહુ જ ઓછો મળી રહ્યો છે. ભારત જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં તો આ સમસ્યા વધુ ગંભીર ગણાય. પ્રૉફિટ વધવા છતાં એને વેતનવધારામાં ન પરિવર્તિત કરાતાં એ નાણાં કંપનીઓની બૅલૅન્સશીટમાં બોલાઈ રહ્યાં છે, કંપનીઓનું લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ એકંદરે વધ્યું છે. અલબત્ત, શૅરધારકોને ડિવિડન્ડ અને બાયબૅક ઑફ શૅર્સ સ્વરૂપે લાભ થયા છે, જોકે એનો પણ મહત્તમ લાભ તો મોટા-સંપન્ન વર્ગને ભાગે જ ગયો છે. અમીર વધુ અમીર બન્યા છે. અબજોપતિઓની સંપત્તિ વધતી રહી છે.
મોદીસાહેબના કટાક્ષનું લક્ષ્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યત્વે બે મુદ્દા ઉઠાવ્યા છે. એક, કંપનીઓનો બેઝિક ટૅક્સ-રેટ ૩૦ ટકાથી ઘટાડી બાવીસ ટકા કરાયો છે અને બીજો, નવા કરમાળખા હેઠળ આવકવેરાની મર્યાદા ૧૨ લાખ રૂપિયા કરાઈ છે. તો શું કંપનીઓએ તેમના કર્મચારીઓની સંખ્યા વધારી છે ખરી? શું કંપનીઓએ કર્મચારીઓના પગાર વધાર્યા છે ખરા? વડા પ્રધાને વ્યક્ત કરેલી ચિંતામાં એ જ વાત આવે છે કે કંપનીઓના નફાની વૃદ્ધિનો લાભ નોકરીઓના વધારામાં અને વેતનવધારામાં દેખાતો નથી. જો લોકોની પગારરૂપી આવક વધે નહીં તો વધતી મોંઘવારી સાથે તેમની ખરીદશકિત ઘટશે. ખાસ કરીને યુવાવર્ગને સ્ટેબલ, વાજબી નોકરી નહીં મળે તો સરકારે આપેલા લાભ કોના હિસ્સામાં જતા ગણાય? મધ્યમ વર્ગની ખરીદશકિત વપરાશ વધારી શકે છે, જેને પરિણામે બિઝનેસ ઇન્કમ વધે અને આર્થિક વિકાસ પણ થાય, જે ઓવરઑલ દેશના હિતમાં ગણાય. વડા પ્રધાનના વક્તવ્યમાં ગંભીરતા અને દૂરંદેશી પણ છે, કંપનીઓનો વધતો નફો સૅલરીવૃદ્ધિમાં પરિવર્તિત થવો જોઈએ, નવા રોજગાર-સર્જનમાં જવો જોઈએ. લોકોના હાથમાં આવક વધવી જોઈએ. કંપનીઓએ પ્રૉફિટનો લાભ રિસર્ચ-ડેવલપમેન્ટ, ઇનોવેશન, ગ્લોબલ સ્પર્ધામાં સજ્જ રહેવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનવા માટે પણ ઉઠાવવો જોઈએ.
વડા પ્રધાનની દૂરંદેશી
વડા પ્રધાનના આ સંકેતો ભરી સ્પીચમાં રાજકીય, આર્થિક અને નૈતિક લક્ષ્યો સમાઈ ગયાં છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે વડા પ્રધાને કંપનીઓના કાન પકડ્યા છે. કૉર્પોરેટ સેક્ટરને જાહેરમાં સવાલો પૂછીને વિચારતું કર્યું છે. અલબત્ત, આ સ્પીચમાંથી અન્ય પાયાના મુદ્દા પણ ઊભા થાય છે, આ વિષયમાં વ્યાપક અને ગહન ચર્ચા-વિચારણા થવી જોઈએ. આના લાભની સાથે ગેરલાભ કે સંભવિત જોખમો પણ સમજવાં જોઈએ. આ કોઈ નીતિવિષયક નિર્ણયોની જાહેરાત નહોતી, પણ વિચારપ્રેરક સંદેશ ચોક્કસ ગણાય. કર્મચારીવર્ગ, યુવાવર્ગ પર આની એક અસર થાય તો શૅરબજાર અને એના રોકાણકારો પર બીજી અસર થઈ શકે. મૂળ વાત દેશના આર્થિક વિકાસની, આર્થિક અસમાનતા ઘટાડવાની અને સબ કા સાથ, સબ કા વિકાસની-સબ કા વિશ્વાસની વાત પણ આમાં આવી જાય છે. આમાં સરકારનું લૉન્ગ ટર્મ વિઝન પણ છલકાય છે.
આમાં બિટ્વીન ધ લાઇન્સ અને અંડરલાઇન કરવા-સમજવા જેવું પણ ઘણું છે. નરેન્દ્ર મોદીએ શેઠિયાઓ, CEO, મૅનેજિંગ ડિરેક્ટર્સ, પ્રમોટર્સ-માલિકોને વિચારતા કરવાનો કરેલો આ પ્રયાસ બિરદાવવા જેવો છે. બાય ધ વે, આનો પ્રામાણિક અને વ્યવહારુ અમલ થાય એવી આશા રાખીએ.
AI સર્જિત વાસ્તવિક બેરોજગારી
તાજેતરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)એ ઉપાડો લીધો છે, જેણે મોટા પાયે નોકરીઓનો ભોગ લેવાનું શરૂ કરી દીધું છે. ૧૦ માણસોનું કામ એક મશીન કરી આપતું હોવાથી અનેક મોટી કંપનીઓમાં હજારોના હિસાબે નોકરીઓ અદૃશ્ય થતી જાય છે. હજી તો આ પવન ફૂંકાયો છે, એ વેગ પકડશે તો તોફાન બની શકે. આ ચિંતા આખા જગતને છે, જેને પરિણામે અમેરિકા સહિતના દેશોમાં AI પર અંકુશ લાવવાની ધીમી ઝુંબેશ શરૂ થઈ રહી છે. એક જ દાખલો જોઈએ તો ઈલૉન મસ્ક જેવા સાહસિક-ઇનોવેટર ડ્રાઇવરલેસ કાર લાવ્યા હોવાથી અનેક ડ્રાઇવર્સની જૉબ ઑપર્ચ્યુનિટી ગાયબ થઈ છે. આવું તો બહુ બધું છે અને થશે... કયારેક વિગતે વાત કરીશું.
