પેરન્ટિંગની દુનિયામાં દરરોજ ઉમેરાઈ રહેલાં નિતનવાં ગતકડાંઓ વચ્ચે એવરગ્રીન ગણી શકાય એવો પૉઝિટિવ ડિસિપ્લિનનો કન્સેપ્ટ પૉપ્યુલર થઈ રહ્યો છે ત્યારે ઘરના વાતાવરણને સૌહાર્દભર્યું રાખે અને બાળકને ઘરની રીતભાતો સહજતાથી શીખવી શકે એવી આ પદ્ધતિ કઈ રીતે અલગ છે?
કોણે કહ્યું કે બાળકને ડિસિપ્લિન ખિજાઈને જ શીખવાડી શકાય?
પેરન્ટિંગની દુનિયામાં દરરોજ ઉમેરાઈ રહેલાં નિતનવાં ગતકડાંઓ વચ્ચે એવરગ્રીન ગણી શકાય એવો પૉઝિટિવ ડિસિપ્લિનનો કન્સેપ્ટ પૉપ્યુલર થઈ રહ્યો છે ત્યારે ઘરના વાતાવરણને સૌહાર્દભર્યું રાખે અને બાળકને ઘરની રીતભાતો સહજતાથી શીખવી શકે એવી આ પદ્ધતિ કઈ રીતે અલગ છે એ જાણી લો
અમેરિકન સાઇકોલૉજી અસોસિએશનનો એક રિપોર્ટ કહે છે કે આજકાલના પેરન્ટ્સમાં પેરન્ટલ બર્નઆઉટની સમસ્યા વ્યાપક બની છે. આજના ચૅલેન્જિંગ વર્લ્ડમાં બાળકને ટકાવી રાખવાના ભાર વચ્ચે સતત તેમનું એજ્યુકેશન, તેમની એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટી અને તેમની સેફ્ટી પેરન્ટ્સના સૌથી મોટા સ્ટ્રેસ પૉઇન્ટ હોય છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે આજના પેરન્ટ્સ પેરન્ટિંગને લગતી નવી-નવી માહિતી ઇન્ટરનેટ પર વાંચતા રહે છે અને એનાથી તેઓ પોતાની ક્ષમતા પર શંકા કરવા માંડે છે જેને ‘પેરન્ટિંગ ઍન્ગ્ઝાયટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સતત વધી રહેલો સ્ક્રીન-ટાઇમ અને ઓવર-ઇન્ફર્મેશન વચ્ચે પોતાના સંતાનને શિસ્તમાં રાખવાના આવા જ પડકારોનો જવાબ કદાચ પૉઝિટિવ ડિસિપ્લિન બની શકે છે જેની આજકાલ ભારે ચર્ચા છે. ઘણાબધા પેરન્ટિંગ કોચ ‘પૉઝિટિવ ડિસિપ્લિન’ એટલે કે સકારાત્મક શિસ્તને મહત્ત્વની માની રહ્યા છે ત્યારે આજના પેરન્ટ્સ અને બાળકો એમ બન્નેને ઉપયોગી થઈ શકે એવા આ કન્સેપ્ટ વિશે વિગતવાર વાતો કરીએ.
ADVERTISEMENT
આજના સમયની જરૂરિયાત
આજનાં બાળકો જુદાં છે એટલે તેમને હૅન્ડલ કરવાની રીત પણ જુદી હોવી જોઈએ. એ દૃષ્ટિકોણથી જોઈએ તો સકારાત્મક શિસ્ત આજના પેરન્ટ્સ માટે બાળકોના ઘડતર માટે બહુ જ મોટી ભેટ બની શકે છે. આખી વાતને વધુ બહેતર રીતે સમજાવતાં પૉઝિટિવ ડિસિપ્લિન કોચ અને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર શિવાની કુડવા કહે છે, ‘નેવુંના દશકમાં જેઓ જન્મ્યા છે તેમના માટે ડિસિપ્લિન એટલે કડકાઈ, પનિશમેન્ટ અથવા શાઉટિંગ. ન કરવાનું કામ બાળક કરે એટલે પેરન્ટ્સ તેને ઠપકો આપે અને શિસ્તની વાતો કરે. આ રીતે બાળક ક્યારેય શીખતું નથી એ વાત દશકો પહેલાં થયેલા કેટલાક ચાઇલ્ડ સાઇકોલૉજીના એક્સપર્ટ્સે શોધી કાઢ્યું હતું. બાળકને વઢીને, હાથ ઉપાડીને કે સજા આપીને પરાણે કંઈ પણ શીખવવા જશો તો એમાં બાળક સમજ્યા વિના માત્ર મજબૂરીમાં તમારી વાત માનશે અને તમારી જાણ બહાર એ બધું જ કરશે જે તમારી દૃષ્ટિએ કરવા જેવું નથી. ઇન ફૅક્ટ, વૈજ્ઞાનિકોએ તો એ પણ નોંધ્યું કે બાળકોને ફોર્સફુલી, બળજબરી સાથે શિસ્ત શીખવો છો એનાથી તેની પર્સનાલિટીમાં કેટલીક નકારાત્મક બાબતો પણ ઉમેરાતી જાય છે. જેમ કે નવથી ૧૫ વર્ષના બાળકને બળજબરી સાથે કંઈક કરવા મજબૂર કરો છો ત્યારે ધીમે-ધીમે તે તમારાથી દૂર થતું જશે, તમારી સાથેનું શૅરિંગ બંધ કરી દેશે, સીક્રેટિવ બની જશે, ખોટું બોલતાં શીખી શકે, પોતાની કૅપેબિલિટીમાં તેને શંકા જાગવા માંડે અને એને ઢાંકવા વધુ અગ્રેસિવ બની શકે. આના જ આધારે અઢળક સંશોધનો થયાં જેમાં એ શોધવાની કોશિશ થઈ કે એવું શું કરાય જેમાં બાળક તમારી વાત જેમાં કેટલીક પાયાની શિસ્તબદ્ધ બાબતોનો સમાવેશ થાય છે એ તેના મગજમાં ઊતરે. એમાંથી જ પૉઝિટિવ ડિસિપ્લિનનો કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો.’
વીસમી સદીની શરૂઆતમાં ઑસ્ટ્રિયાના ડૉક્ટર અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. આલ્ફ્રેડ એડલરે પૉઝિટિવ ડિસિપ્લિનની દિશામાં કામ શરૂ કર્યું હતું. તેમનું માનવું હતું કે સામાજિક પ્રાણી હોવાના નાતે બિલૉન્ગિંગનેસ એટલે કે પોતે ક્યાંક અનિવાર્ય રીતે જોડાયેલો છે અને જરૂરી છે એવી ઝંખના દરેક માણસમાં હોય છે. બાળક પણ જ્યારે કંઈક કરે છે ત્યારે અંદરખાને તેને કંઈક મેળવવું છે, પરંતુ એમાં પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવાનો ભાવ હોય છે. આવા સમયે બાળકને સારું વર્તન શીખવવા માટે તેની વર્તન સાથેની આઇડેન્ટિટીને દૂર કરીને તેની સ્વતંત્ર મહત્તા રિયલાઇઝ કરાવો અને એમાં તેમણે સકારાત્મક શિસ્તનો કન્સેપ્ટ આપ્યો જેને આગળ વધાર્યો ડૉ. જેન નેલ્સને, જેઓ પોતે ૭ બાળકની માતાં હતાં. તેમણે ‘પૉઝિટિવ ડિસિપ્લિન’ નામનું પુસ્તક પણ લખ્યું છે જેનો સાર એ છે કે બાળકને જ્યારે કંઈ ખોટું કરે ત્યારે સજા કે ઠપકો આપવાને બદલે એનાં તાર્કિક પરિણામોની વાત કરીને સમજાવો. આ સમજણ બાળક સાથે જીવનભર રહેશે. કાઇન્ડ ઍન્ડ ફર્મ એટલે કે પેરન્ટ્સ બાળકને સમજાવવાના દયાળુ પરંતુ મક્કમ ઉપાયો પર કામ કરે. બાળક પ્રત્યે સંવેદનશીલ રહીને પણ મક્કમતા જાહેર કરી શકાય એવા રસ્તાઓ તેમણે પોતાના પુસ્તકમાં આપ્યા છે.
ઇફેક્ટિવ છે કારણ કે...
આ પદ્ધતિ સફળ થવાનું કારણ એ છે કે એ બાળકના મગજના વિકાસ સાથે સુસંગત છે. જ્યારે આપણે બાળકને ડરાવીએ છીએ ત્યારે તેના મગજમાં ડર કે આક્રમકતા (ફાઇટ ઑર ફ્લાઇટ)નો પ્રતિભાવ ઉત્પન્ન થાય છે જેને કારણે તે કંઈ શીખી શકતું નથી. પૉઝિટિવ ડિસિપ્લિનથી બાળકનું મન શાંત રહે છે અને તે તર્કબદ્ધ રીતે વિચારતા શીખે છે. શિવાની કુડવા કહે છે, ‘આજનું બાળક માહિતીથી સભર છે. તેને કેમ?નો જવાબ જોઈએ છે. જો તમે માત્ર ડર બતાવીને શિસ્ત લાદશો તો તે ક્ષણિક રીતે માની જશે પણ અંદરથી બળવો કરશે. પૉઝિટિવ ડિસિપ્લિન બાળકની સ્વતંત્ર વિચારશક્તિને ખીલવે છે જે ભવિષ્યમાં તેને એક જવાબદાર અને સમજદાર પુખ્ત વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. તમે બાળકને છૂટ પણ આપો છો અને સાથે બાઉન્ડરી પણ સેટ કરો છો, પરંતુ જો બાળક એ મર્યાદા ઓળંગે તો તમે તેને ખિજાતા નથી પણ બાઉન્ડરી ક્રૉસ કરવાનાં દુષ્પરિણામોથી વાકેફ કરો છો. ડરાવતા નથી કે વઢતા નથી છતાં બાળક સામે ફર્મનેસ સાથે આ જે કર્યું એનું શું રિઝલ્ટ આવશે એ કહી દો છો. બાળક પરિવારનો હિસ્સો છે અને મસ્તી કરે ત્યારે તેના એ સમય પૂરતા વ્યવહારના પરિણામની ચર્ચા થાય છે, નહીં કે બાળકના આખેઆખા અસ્તિત્વ પર. તમે સજા કે લાડ પર નહીં પણ ઉકેલ પર ફોકસ કરો છો. બાળકને સુધારવા માટે તેને અપમાનિત કરવાની જરૂર નથી પણ તેની સાથે બેસીને પરિણામ અને એના ઉકેલ પર ચર્ચા કરવાની જરૂર છે. બાળકને પણ માનપૂર્વક સમજાવવાની છટા એટલે સકારાત્મક શિસ્ત. ભૂલ એ સજાની નહીં પણ શીખવાની તક છે એ વિશે બાળક સાથેનો વાર્તાલાપ એ છે સકારાત્મક શિસ્ત.’

તમારે શું કરવાનું પેરન્ટ્સ તરીકે?
જીવનના કેટલાક નિયમો મહત્ત્વના છે અને એનું પાલન ન થાય તો એનાં કૉન્સિક્વન્સિસ એટલે કે પરિણામો પણ હોય છે એ વાત બાળકના મગજમાં ઠસાવવી જોઈએ. એમાં તમે બાળક પર રોફ નથી જમાવતા પણ તેને સરળ ભાષામાં સમજાવો છો. શિવાની કુડવા કહે છે, ‘ધારો કે તમારું ૧૦ વર્ષનું બાળક ગાર્ડનમાંથી રમીને ઘરે આવે અને ચારે બાજુ કપડાં ફેંકી દે ત્યારે બૂમબરાડા પાડવાને કે વઢવાને બદલે તેને સમજાવો કે જ્યાં સુધી તું ક્લીન નહીં કરે ત્યાં સુધી તને ડિનર નહીં મળે અથવા તો તું એક કલાકમાં ક્લીન નહીં કરે તો આજનો તારો સ્ક્રીન-ટાઇમ કૅન્સલ. આમાં તમે તેને ખિજાતા નથી કે તેની સાથે કઠોર નથી થતા, પણ સાથે એટલા નરમ પણ નથી કે એ વાતને તે હલકામાં લે. તમે ખરેખર એ દિવસે તેને સ્ક્રીન-ટાઇમ ન જ આપો. એમાં પણ ધારો કે તે જીદ કરે તો કહી દો કે આ વાત આવતી કાલે આપણે આખા પરિવાર સાથે બેસીને ડિસ્કસ કરીશું. એનાથી બાળકને પણ વિચારવાનો સમય મળશે અને તમે પણ ઇમ્પલ્સિવ બિહેવિયર ટાળી શકશો. અઠવાડિયામાં એક વાર પરિવારના બધા સભ્યો સાથે બેસો. અહીં માત્ર સમસ્યાઓની ચર્ચા ન કરો પણ સારાં કામોની પ્રશંસા કરો. ઘરમાં કયા નિયમો હોવા જોઈએ, રવિવારે શું જમવું અથવા ક્યાં ફરવા જવું એવા નિર્ણયોમાં બાળકને સામેલ કરો. આનાથી તેને લાગશે કે તેનો અવાજ મહત્ત્વનો છે. એવી જ રીતે ધારો કે બાળક જમતી વખતે જાણીજોઈને દૂધ ઢોળે તો તેને વઢવાને બદલે કપડું આપો અને કહો કે આ ઢોળાઈ ગયું છે, શું તું તેને સાફ કરવામાં મારી મદદ કરીશ? આ રીતે તેને તેની ભૂલ સુધારવાની તક મળશે. બીજું, બાળક જ્યારે ખૂબ ગુસ્સામાં હોય ત્યારે તેને એકલા રૂમમાં ધકેલી દેવાને બદલે તેને શાંત થવા માટે એક એવી જગ્યા આપો જ્યાં તે પુસ્તકો વાંચી શકે, ડ્રૉઇંગ કરી શકે કે શાંતિથી બેસી શકે. તેને કહો કે આ જગ્યા પર તું શાંત થઈ શકે છે, તને જ્યારે સારું લાગે ત્યારે આપણે વાત કરીશું. આજના મોટા ભાગના પેરન્ટ્સ બાળકની પ્રશંસા કરવામાં પાવરધા હોય છે, પરંતુ આજના બાળકને પ્રોત્સાહનની જરૂર છે. જેમ કે આપણે બાળકને કહીએ છીએ કે વાહ, બહુ સરસ કર્યું, વેરી ગુડ. જો એને બદલે એમ કહેવાય કે મેં જોયું કે તેં તારાં રમકડાં જાતે ગોઠવ્યાં, તારા પ્રયત્નથી રૂમ કેટલી સરસ લાગે છે... આનાથી બાળકનું ધ્યાન પરિણામ પર નહીં પણ તેની મહેનત પર જશે.’
આ ફરક છે
જો બાળક હોમવર્ક ન કરે તો
પરંપરાગત રીત : બાળકને હોમવર્ક ન કરવા બદલ ખિજાવું અથવા ટીવી બંધ કરી દેવાની સજા આપવી.
પૉઝિટિવ ડિસિપ્લિન : બાળકની સાથે બેસીને ચર્ચા કરવી કે ‘તને હોમવર્ક કરવામાં શું તકલીફ પડે છે? શું આપણે સાથે મળીને એવો પ્લાન બનાવી શકીએ જેનાથી તારું હોમવર્ક સમયસર પૂરું થાય અને તને રમવા માટે પણ સમય મળે?’ આનાથી બાળકમાં જવાબદારીની ભાવના આવશે.
બાળક તોફાન કરે કે ટૅન્ટ્રમ દેખાડે તો
પરંપરાગત રીત : બાળકને તરત ચૂપ કરવા માટે ડરાવવું કે લાલચ આપવી.
પૉઝિટિવ ડિસિપ્લિન : હું જોઉં છું કે તું અત્યારે ખૂબ ગુસ્સામાં છે. નો પ્રૉબ્લેમ, જ્યારે તારું મન શાંત થાય ત્યારે આપણે વાત કરીશું. બાળકને તેનાં સંવેદનો સમજવાની તક આપવી.
સકારાત્મક શિસ્ત એટલે
એકસાથે કડક અને દયાળુ રહેવું એટલે કે બાળકની લાગણીઓ સમજવી અને મક્કમ રહેવું મતલબ કે નિયમોનું પાલન કરાવવું.
બાળકના વ્યક્તિત્વને માન આપવું અને બદલામાં બાળકને પણ બીજાને માન આપતાં શીખવવું.
ભૂલોને સજાને પાત્ર ગણવાને બદલે શીખવાની તક તરીકે જોવાની ટ્રેઇનિંગ આપવી.
આ પદ્ધતિનો હેતુ ઇન્સન્ટ્લી બાળકને શિસ્તમમાં લાવવાનો નહીં પણ શું કરવાયોગ્ય છે એ વિચારશક્તિ કેળવતાં શીખવવાનો છે.
