Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લગ્નોત્સુક ઉમેદવારનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા ડિટેક્ટિવ એજન્સીઓ તરફ દોટ

લગ્નોત્સુક ઉમેદવારનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા ડિટેક્ટિવ એજન્સીઓ તરફ દોટ

Published : 14 August, 2026 04:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્ન પહેલાં માત્ર શિક્ષણ, નોકરી અને આર્થિક સ્થિતિ જ નહીં, પરંતુ પાત્રના સંસ્કાર, જીવનમૂલ્યો, સ્વભાવ, અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે. ખુલ્લી વાતચીત જ સફળ લગ્નજીવન માટેનું સાચું બૅકગ્રાઉન્ડ ચેક છે.

લગ્નોત્સુક ઉમેદવારનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા ડિટેક્ટિવ એજન્સીઓ તરફ દોટ

લગ્નોત્સુક ઉમેદવારનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા ડિટેક્ટિવ એજન્સીઓ તરફ દોટ


ગયા અઠવાડિયે ભારતમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓના કામકાજી ક્ષેત્રે ફાલેલા એક નવા ટ્રેન્ડ વિશે એક રસપ્રદ અહેવાલ આવ્યો હતો. આપણે જાણીએ છીએ એમ આ ડિટેક્ટિવ્સ અને ઇન્વેસ્ટિગેટર્સની સેવાઓની મોટા ભાગે જરૂર દેશની સુરક્ષા, આર્થિક, રાજકીય નીતિઓ, સાઇબર સિક્યૉરિટી, સંરક્ષણ ઇત્યાદિ સંદર્ભે અને હત્યા કે અન્ય ગુનાખોરીના પ્રશ્નો ઉકેલવામાં પડે છે એમ માનતા હો તો એ માહિતી અડધી છે. કૉર્પોરેટ્સ, વ્યવસાયી સંસ્થાઓ કે વ્યાપારી સંસ્થાઓ સ્પર્ધામાં આગળ નીકળી જવાના આશયથી પોતાના હરીફો પર નજર રાખવા માટે પણ ક્યારેક ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓને કામે લગાડે છે. બાકી પોતાને ત્યાં સ્ટાફના, ખાસ કરીને સિનિયર પોસ્ટ પરની નિમણૂક માટે આવેલા ઉમેદવારોના બૅકગ્રાઉન્ડ ચેક માટે આવી એજન્સીઓની સેવા લેવાય છે. દુનિયામાં આતંકવાદનો ઉપદ્રવ વધ્યો ત્યારથી આવી તપાસ-એજન્સીઓની સેવાની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થયો છે. 
પરંતુ તાજેતરનાં વર્ષોમાં આ એજન્સીઓને ઘણું કામ લગ્નવિષયક તપાસ વિશેનું મળે છે. લગ્ન પહેલાં છોકરા અને છોકરીનું બૅકગ્રાઉન્ડ ચેક કરવાનું કામ આવી એજન્સીઓને સોંપાય છે. આ તપાસમાં છોકરા કે છોકરીના શિક્ષણ, ડિગ્રીઓ, પ્રોફેશનલ સ્ટેટસ, આર્થિક અને સામાજિક સ્ટેટસ ઇત્યાદિની તપાસ કરવામાં આવે છે. આ વાંચીને કેટલાક બુઝુર્ગોને પહેલાંનો જમાનો યાદ આવી જશે. પરિવારમાં કોઈ છોકરા કે છોકરીની સગાઈ કે વિવાહ કરવાના હોય ત્યારે તેના માટે યોગ્ય પાત્રની શોધમાં સમાજમાં આવા કામમાં માહેર ગણાતાં સગાંઓને આગળ કરવામાં આવતાં. તેમની પાસે છોકરા-છોકરીની સાત પેઢી સુધીની જાણકારી રહેતી. પોતાના સર્કલમાંથી વાયા-વાયા તેનાં સગાં-સંબંધીઓના સંપર્ક શોધીને તેઓ તેમની પાસેથી સીધી કે આડકતરી માહિતી કઢાવતાં અને એમ ઉમેદવાર અને તેના પરિવાર કે વેપાર-ધંધા વિશે ઢગલાબંધ માહિતી એકઠી કરી આપતાં. પોતાનાં પુત્ર કે પુત્રી માટે યોગ્ય ઉમેદવાર શોધનાર પરિવાર માટે આવાં રિસોર્સફુલ સગાંઓની કુશળતા આશીર્વાદ બનતી. એક જમાનામાં સ્વેચ્છાએ અપાતી આ નિઃશુલ્ક સેવા આજે ડિટેક્ટિવ એજન્સીઓને તગડી ફી ચૂકવીને પ્રાપ્ત થાય છે. આ એજન્સીઓ પૂરી વ્યાવસાયિક સજ્જતા સાથે કામ કરે છે. જોકે તાજેતરમાં આ ડિટેક્ટિવ એજન્સીઓ પાસે આ પ્રી-મૅરિટલ બૅકગ્રાઉન્ડ ચેકનાં કામો મોટી સંખ્યામાં આવવા લાગ્યાં છે. એનું કારણ કદાચ હમણાં-હમણાં તાજાં પરણેલાં પતિ-પત્ની કે લગ્નોત્સુક યુગલના સંબંધોમાં જે પ્રકારની છેતરપિંડી અને હત્યા સુધી દોરી જતા હિચકારા કિસ્સાઓ બહાર આવ્યા એ હોઈ શકે. 
આ એજન્સીઓ પર આધાર રાખવાનું એક કારણ એ પણ હોઈ શકે કે હવે પરિવારો વચ્ચેની ઓળખાણ કે સંબંધો પહેલાં જેવા ગાઢ કે નક્કર રહ્યાં નથી. એમાં આજની પેઢી અને આગલી પેઢી વચ્ચે વધી ગયેલું અંતર અને અમુક યુવાઓમાં પ્રસરી રહેલું સ્વકેન્દ્રીપણું જવાબદાર હોઈ શકે. કોઈ પણ કિંમતે પોતાની જીદ પૂરી કરવી, પોતાના સ્વાર્થ માટે બીજાનું ભયંકર નુકસાન કરતાં પણ અચકાવું નહીં, પોતાને બધી જ લક્ઝરી મળવી જોઈએ એવી અધિકારભાવના આ લોકોને જિંદગીનાં મૂલ્યોથી તદ્દન વિખૂટા પાડી દે છે. તેમના પરિવારજનો પણ તેમનામાં વિકસતી આવી માનસિકતાથી ઘણી વાર અજાણ હોય છે. પુણેની સિયા (જેણે પહાડ પરથી પોતાના ભાવિ પતિને ધક્કો મારી નીચે ગબડાવીને મારી નાખ્યો)ની જ વાત લોને. એ બન્ને પરિવારો વચ્ચે તો દાયકાઓ જૂના સંબંધ હતા. એમ છતાં છોકરીને પરખવામાં છોકરાવાળા થાપ ખાઈ જ ગયાને! શક્યત: આવા કિસ્સાઓમાંથી પાઠ શીખીને આજકાલ મા-બાપ દીકરા–દીકરીને પરણાવતાં પહેલાં સામી વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા પાછળ રોકાણ કરવા લાગ્યાં છે. 
મુંબઈ જેવા મહાનગરમાં તો ઉદ્યોગો, શિક્ષણ કે રાજકીય ક્ષેત્રનાં પણ ઇન્વેસ્ટિગેશન્સના અનેક કિસ્સાઓ હોય છે. વળી દર બીજા દિવસે સાઇબર છેતરપિંડીના અને પ્રૉપર્ટીને લગતા દગાબાજીના કિસ્સાઓ માટે ડિટેક્ટિવ એજન્સીઓની સેવા લેવાય છે. જોકે આ એજન્સીઓને આજકાલ મૅટ્રિમોનિયલ બૅકગ્રાઉન્ડમાંથી વધુ કમાણી થાય છે. તેમના મતે પુણેના લોહગઢના કિસ્સા પછી માબાપ છોકરા-છોકરીનાં લગ્ન પહેલાંના સંબંધોની ખાસ તપાસ કરાવે છે. આવી જ એક તપાસમાં એક યુવાન, જેની સગાઈ થઈ ગઈ હતી તે પોતાની એક કલિગ સાથે ટૅક્સીમાં ઑફિસ જતો-આવતો હતો એવી જાણકારી મળી ત્યારે છોકરીવાળાએ સગાઈ તોડી નાખી. બીજા એક કિસ્સામાં તપાસ દરમ્યાન છોકરાના માથે મોટું દેવું હોવાની અને કાનૂની લડત ચાલી રહી હોવાની વાત બહાર આવી. એ વાત તેની ભાવિ પત્ની કે તેના પરિવારને જણાવી નહોતી, પણ બૅકગ્રાઉન્ડ ચેકમાં આ માહિતી મળતાં છોકરીવાળાએ સગાઈ તોડી નાખી તો એક અન્ય કિસ્સામાં ભાવિ પુત્રવધૂના શિક્ષણ વિશેની માહિતીમાં વિસંગતિ જણાતાં છોકરાવાળાએ સગાઈ તોડી નાખી. 
આ બધા કિસ્સાઓ વિશે વાંચતાં થયું કે લગ્ન પહેલાં જે સૌથી અગત્યની બાબતની ચકાસણી કરવાની છે એનો તો ક્યાંય ઉલ્લેખ નથી દેખાતો. હા, સૌથી મહત્ત્વની બાબત તો બન્ને પાત્રોના ઉછેર, સંસ્કાર, પાયાનાં જીવનમૂલ્યો, અભિગમ, રુચિ અને અગ્રતાક્રમ જેવી બાબતોની ચકાસણી છે અને આ માટે કોઈ એજન્સી કે સ્વજનોની સેવાઓ લેવા પર આધાર રાખવાની જરૂર નથી. લગ્નસંબંધમાં જોડાવાની ઇચ્છા ધરાવતી બન્ને વ્યક્તિ જ એકમેક સાથે વાતચીત અને મોકળાશભરી ચર્ચા કરીને આ બૅકગ્રાઉન્ડ ચેક કે ડ્યુ ડિલિજન્સની કવાયત કરી શકે. આ બધી વાતોના ખુલાસા લગ્ન અગાઉ મળી ગયા હોય તો એકબીજા સાથે જીવવું કેટલું આસાન કે અઘરું બની શકે છે એનો ખ્યાલ બન્ને પક્ષે આવી શકે. અલબત્ત, આ માટે મૅચ્યોરિટી હોવી જરૂરી છે. સગાઈ પહેલાં એક યુવાન અને યુવતી મળ્યાં. તે મૅચ્યોર્ડ યુવાને પોતાના અને પોતાના પરિવાર વિશે બધી જ હકીકતો યુવતીને જણાવી અને યુવતીને પણ બધું પૂછ્યું. ત્યારે તેણે એ પણ પૂછી લીધું કે તેના પરિવારમાં કોઈને વારસાગત રોગ તો નથીને! સાંભળવામાં કદાચ વધુ પડતું લાગે, પરંતુ તે યુવાને નિખાલસપણે સ્વાસ્થ્ય વિશેની ચોકસાઈ કરી લીધી એ છોકરીને ગમ્યું હતું, કારણ કે તે પણ મૅચ્યોર્ડ હતી. બીજા એક કિસ્સામાં આવી જ મુલાકાતમાં યુવાન અને યુવતી બન્ને એકબીજાને પસંદ આવ્યાં. શિક્ષણ, દેખાવ, વ્યાવસાયિક સજ્જતા ઇત્યાદિ બધી રીતે બન્ને એકમેકને અનુકૂળ લાગ્યાં. પછી યુવાને એક સવાલ પૂછ્યો : ધારો કે ક્યારેક એવી સ્થિતિ ઊભી થાય કે પરિવારમાં તમારી જરૂરિયાત હોય તો તમે પરિવારને પ્રાયોરિટી આપો કે જૉબને? યુવતીનો જવાબ હતો : જૉબને. અને તે યુવાને પોતાને ગમી ગયેલી તે દેખાવડી છોકરીને જતી કરવાનો નિર્ણય લીધો! બન્નેની પ્રાયોરિટી અલગ હતી એ વાત સ્પષ્ટ થઈ ગઈ એ કેટલું જરૂરી હતું. પછી પેલી છોકરીને આવો સરસ ઉમેદવાર ગુમાવવાનો બહુ જ અફસોસ થયેલો, પરંતુ એ લોકો જો લગ્નસંબંધમાં જોડાયાં હોત તો એ અફસોસ બન્ને પક્ષે અનેકગણો હોત. બે વ્યક્તિ પોતપોતાની અપેક્ષાઓ અને જવાબદારીઓ વિશેની સ્પષ્ટતા મેળવી લે તો જિંદગીની સફરમાં હમસફર બનાય કે નહીં એનો ખ્યાલ બન્નેને આવી જાય.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK