આજે બીમારી વધી રહી છે, દરદીઓની સંખ્યા વધી રહી છે. આજથી બે દાયકા પહેલાં વર્ષે માંડ ૫૦,૦૦૦ દરદીઓ આવતા. આજે સાડાત્રણથી ૪ લાખ દરદીઓ જુદી-જુદી સારવાર માટે આવે છે
દાયકાઓથી સમાજકલ્યાણનાં કાર્યો કરતા અને કાંદિવલી હિતવર્ધક મંડળના પ્રેસિડન્ટ રજનીકાંત ઘેલાણી કેમિકલ મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે.
લગભગ પચાસ વર્ષ પહેલાંની વાત છે જ્યારે મને ડાયેરિયા થયો. રાત્રે બે વાગ્યે પારાવાર તકલીફ વચ્ચે હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાનો વારો આવ્યો અને કોઈ હૉસ્પિટલમાં બેડ ન મળે. ખૂબ એટલે ખૂબ હેરાન થયો. એ દિવસ અને આજનો દિવસ. મેં બહાર ખાવાનું બંધ કરી દીધું. આજે ૭૮ વર્ષની ઉંમર છે. જ્યારે બહાર જમવાનું છોડ્યું ત્યારે માત્ર ૨૮ વર્ષનો હતો અને ખાવા-પીવાની ઉંમર હતી. ઘણા લોકોનાં મહેણાં-ટોણાં પણ સાંભળ્યાં કે ભાઈ, આમ કંઈ એક વાર માંદા પડીને બહાર ખાવાનું થોડું છોડાય? જોકે સાચું કહું તો મારા માટે એ એક ઝાટકો આવનારી તમામ બીમારીઓની સંભાવનાઓને સમજાવતો ઝાટકો હતો. જોકે આજે લોકો ખાવા-પીવાની બાબતમાં અકલ્પનીય રીતે બેદરકાર થતા જાય છે અને મોટા ભાગના રોગો પાછળ જવાબદાર ખાણી-પીણીની આ ખરાબ આદતો છે. હું પરિવાર સાથે બહાર જમવા જઉં ત્યારે પણ ઘરનું બનાવેલું પોતાનું ખાવાનું સાથે લઈને જઉં છું. મને આટલાં વર્ષમાં મારો ઘરનું ખાવાનો નિયમ ફળ્યો છે. ક્યાંય લાંબી તકલીફ નથી પડતી. જ્યારે કંઈક કરવાની તમારી ઇચ્છા હોય ત્યારે રસ્તા આપોઆપ જ નીકળી જતા હોય છે. આજના સમયમાં લોકોને આ વાત સમજાવવી ખૂબ જરૂરી લાગે છે.
આજે હિતવર્ધક મંડળની અમારી હૉસ્પિટલમાં દરદીઓની હાલત જોઉં છું ત્યારે હૃદય કાંપી ઊઠે છે. બીમારીથી કણસતા અને આર્થિક રીતે કંગાળની હાલતમાં જે લાચારી લોકોમાં હોય છે એ પછીયે લાઇફસ્ટાઇલ બદલવાની બાબતમાં તેમનું વલણ પણ ઉદાસીન હોય છે. ખૂબ રાહતના દરે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને આર્થિક રીતે ખૂબ જ ખરાબ હાલતમાં હોય અને સાવ પૈસા ખર્ચી ન શકતી વ્યક્તિને પણ ઍન્જિયોપ્લાસ્ટી અને ડાયાલિસિસ જેવી ઘણી ટ્રીટમેન્ટ નજીવા દરે આપીએ છીએ. આ વર્ષે ડોનરોની સહાયથી ૧૦૦ સૌથી વધુ જરૂરિયાતમંદ દરદીઓને સાવ નિ:શુલ્ક ઍન્જિયોગ્રાફી કરી આપવાની યોજના અમે બનાવી છે. આજે અમે સારવારમાં રાહત આપીએ, પરંતુ પીડા તો તે વ્યક્તિએ જાતે જ ભોગવવી પડેને? એમાં તો અમે ભાગ ન પડાવી શકીએ.
આજે બીમારી વધી રહી છે, દરદીઓની સંખ્યા વધી રહી છે. આજથી બે દાયકા પહેલાં વર્ષે માંડ ૫૦,૦૦૦ દરદીઓ આવતા. આજે સાડાત્રણથી ૪ લાખ દરદીઓ જુદી-જુદી સારવાર માટે આવે છે. આ દર્શાવે છે કે બીમારી સતત વધતી જાય છે અને લોકો બિલકુલ એ બાબતે પોતાને બદલવા માટે તૈયાર નથી. દરરોજ બહારનું ખાવા અને જન્ક ખાવા ટેવાયેલી આજની પેઢીને મારે ખાસ કહેવું છે કે માંદા પડ્યા પછી કદાચ તમે સારવાર કરાવવા સક્ષમ હશો, પરંતુ એની પીડા તો તમારે ઇચ્છા હોય કે ન હોય જાતે જ ભોગવવી પડશે. એટલે પ્રયત્ન કરો કે તમે માંદા જ ન પડો. તમારી જીવનશૈલી અને ખાસ તો આહારશૈલી એવી બનાવો કે ક્યારેય તમારે ડૉક્ટરના દરવાજે પોતાની દવા માટે પગ ન મૂકવો પડે. હા, જરૂરિયાતમંદોની સેવા માટે તમે દવાખાને જાઓ એ ઉત્તમ છે, પણ તમારી જીવનશૈલી તમારી માંદગીનું કારણ ન બને એવી સભાનતા તો રાખવી જ જોઈએને?
